Click here to donate and support the Pappaji Divya Prakash Parva this November

01 to 15 Jun 2012 – Newsletter ( Part 2 )

                          સ્વામિશ્રીજી                          

જય ગુરૂહરિ પપ્પાજી, પપ્પાજી સ્વરૂપદર્શન હીરક પર્વની જય જય જય

ગુરૂહરિ પપ્પાજીના સંબંધ પામેલ વ્હાલા અક્ષરમુકતો, જય સ્વામિનારાયણ !

પપ્પાજી સ્વરૂપ દર્શન હીરક પર્વ સ્મૃતિ વિભાગ – ૨

અહીં આપણે ૧લી જૂનથી ૧૫ જૂન દરમ્યાન જ્યોત સમૈયા સ્મૃતિ માણીશું.

(૧) તા.૧/૬/૧૨ શુક્રવાર પપ્પાજી સ્વરૂપદર્શન હીરક પર્વ

 

૧લી જૂન ! ૨૦૧૨ ! જે દિવસની આપણે રાહ જોઈ રહ્યાં હતાં ! તે દિવસ દોડતો આવી ગયો. આજે સવારે/સાંજે બે મોટાં ઉત્સવ ઉજવાયાં. તેની સ્મૃતિ આપણે થોડી વિગતવાર માણીએ.

 

તા.૧લી જૂન પપ્પાજી સ્વરૂપદર્શન હીરક પર્વની મંગલ પ્રભાતે સૌ પ્રભુકૃપાના મંદિરે દર્શને ગયા. ‘ગુણાતીત સ્વરૂપોએ નીરખ્યા રે પપ્પાજી’ એ દ્વારા માહાત્મ્યદર્શન થયાં. પ્રભુ પ્રસંગ પરિમલ અને ‘તમે મને ગમો છો કારણકે…’ એ દ્વારા સ્મૃતિ આનંદના દર્શન કરી સૌએ પાયલાગણ કર્યાં. સભાના પ્રારંભે સ્વાગત આનંદમાં ગુણાતીત સમાજના ધ્વજરંગી બલૂન ઉડાડી હીરક પર્વનો શુભારંભ કર્યો. જ્યોતના પપ્પાજી હૉલમાં આવડો મોટો સમૈયો ઉજવાયો તેની કલ્પના પણ નથી થઈ શકતી. સવારે ૮.૩૦ થી ૧૨.૦૦ પ્રથમ સભા થઈ. બ્ર.સ્વ.યોગીજી મહારાજે જે કાર્ય માટે બાબુભાઈની પસંદગી કરી તેને આજે ૬૦ વર્ષ પૂરાં થયાં એ સફળતાનો આનંદ સર્વમાં ઉમટી રહ્યો હતો. સભા સંચાલિકા પૂ.બકુલાબેને ૬૦ વર્ષની અમૂલ્ય પળોના સિધ્ધાંતિક વર્તનના તેજને ઝળહળતું કર્યું એને માણીએ.

{gallery}/images_in_articles/newsletter/2012/June/010612 – PPP 60th DDay{/gallery}

૧૯૫૨માં યોગીજી મહારાજ રાહ જોતા હતા એવા કોઈ પાત્રની ને તેમાં નિમિત્ત બનાવ્યાં. તારાબેનને ને તેમના દ્વારા પપ્પાજી ભારત આવ્યા, ને યોગીએ જૂનની ૧લીએ પોતાના સ્વરૂપની યથાર્થ પ્રતીતિ કરાવી તેને ૬૦ વર્ષ પૂર્ણ થયાં. બ્ર.સ્વ.શાસ્ત્રીજીમહારાજ સ્વધામ સિધાવ્યા પછી યોગી તો ઠોઠબોટીયા સાધુ, તે સેવા કરી જાણે. શાસ્ત્રીજીએ ઊભી કરેલી સંસ્થા શું ચલાવી જાણશે ? તેવું માનનારો એક વર્ગ હતો. મતલબ ૪૦-૪૦ વર્ષ સુધી સેવામાં હોમાઈને યોગીજીએ એવી જ્ઞાનગરીબી ધારણ કરી હતી. પણ એ જ યોગીજીએ શાસ્ત્રીજીમહારાજ વૈશાખ સુદ ૪ના ધામમાં પધાર્યાના સાતમા જ દિવસે એટલે કે વૈશાખ સુદ ૧૦ના દિવસે જ્યાં શ્રીજી મહારાજ ૩૦ વર્ષ સુધી નિવાસ કરીને રહ્યા ને જ્યાં મંદિર કરવાનો મનસૂબો કરેલો એ અક્ષરધામ તુલ્ય ગઢડાની પુણ્ય ભૂમિ ઉપર શાસ્ત્રીજીમહારાજે કરાવેલા મંદિરમાં રંગે ચંગે હજારોની મેદની મધ્યે મૂર્તિપ્રતિષ્ઠાનો ભવ્ય ઉત્સવ કર્યો. અક્ષર પુરૂષોત્તમનો ધ્વજ સ્તંભ રોપી પોતાના ઐશ્વર્ય પ્રતાપને ઝીલી શકે તેવા પાત્રની રાહમાં હતા. આગળ પ્રારંભે જણાવ્યું તેમ નિમિત્ત ઊભું કરી તેમને સમીપ બોલાવ્યા. પોતાના સ્વરૂપની પિછાણ કરાવી પોતાનો જ્ઞાનવારસો તેમનામાં ઠાલવી દીધો. જેના પર આખા ગુણાતીત સમાજની જંગમ ઈમારત રચાવાની હતી તે બ્ર.સ્વ.કાકાજી મહારાજ અને ગુરૂહરિ પપ્પાજી મહારાજે ત્યાર પછી બુંગીયો જ ફૂંક્યો ને જ્ઞાનગરીબ સાધુ જોગીને ભગવાન રૂપે સત્સંગમાં છતરાયા કર્યા.

તેમની પ્રાપ્તિએ સ્વયં યોગી પણ ખુશ થયા હશે. કાકાજી-પપ્પાજી યોગીના સ્વરૂપે બે ફેફસાં બન્યા. યોગીએ તેમને શ્વસ્યા, શાસન કર્યું. નિષ્ઠાની કસોટીમાં ઘણું લીધા. પણ પપ્પાજીએ જોગીને જ શ્વસ્યા. અહીં રહો – હા બાપા ! દાદુભાઈ સાથે કામ કરો –હા બાપા ! એગ્રીમાં જાવ હા બાપા ! આ ગાડી કેની ? – આપની બાપા ! તારદેવમાં પરદેશના મુક્તોને લેવા મૂકવા જવા – હા બાપા ! હાઈકોર્ટના કૂવાના પાણીનાં કેન ટ્રામમાં લઈ જવાનાં – હા બાપા ! ભયા ! અહીં કેમ સૂતા છો? ઉઠાડ્યા – ભલે બાપા ! સ્પેશ્યલ ટ્રેનની સેવા – હા બાપા ! ઉંટવાડાવાળાને રૂપિયા મોકલો. હા બાપા! હાથ હલાવતા જવું ને હાથ હલાવતા આવવું – હા બાપા ! દસ રૂપિયાના જામીન – ભલે બાપા ! કાંતિ, અહીં બેસીને ભજન કરશું. બાપાની મરજી. ધર્માદામાં ગોંડલની સેવા સ્પેશ્યલ હોય છતાંય મંદિરોમાં ચાર ભાગમાં ગોંડલનો ય ભાગ – ભલે બાપા ! ચાર કાનની વાત કેમ આઠ કાને ? બાપા, હવે ક્યારેય નહીં ! બહેનોને ભગવાન ભજવાનું સ્થાન ગોંડલ નહીં, તમારા જ વિદ્યાનગરના પ્લોટમાં – ભલે બાપા ! સંતો મારા ૪૦ વર્ષના યોગનું ફળ છે તેને સાચવવાના છે, હા બાપા ! એટલું જ નહીં, સંબંધવાળાની માહાત્મ્યેયુક્ત સેવા – હા બાપા ! કોઈનું ય જોવામાં, ના બાપા ! ચા પીવી હોય તો કહો, બાકી ઘસારાની વાત – ના બાપા ! સંસ્થાના સંતોએ ઉઘરાણીના પૈસા બાબત ખૂબ ધમકાવ્યા, કમિટિના સભ્યોએ ય આરોપો મૂક્યા મંદિરના પૈસા ખાઈ જાય છે, ધર્માદાના પૈસે મોટરો ફેરવે છે વગેરે…. પણ યોગીજી મહારાજનું નિર્દોષબુધ્ધિનું વચન સારધાર પાળ્યું કોઈનોય અભાવ ના લીધો. વિચારમાંય ભૂંડું ના ઈચ્છ્યું. માન્યું – કર્તાહર્તા તમે બાપા !

આ સાંભળીને આપણનેય થાય ખરા બાપા ! ને અંતરમાં થાય અહો ! આવા પપ્પા ! આપણને મળ્યા !

સંતોના રખોપાં કર્યાં – આવા પપ્પાએ !

બહેનોનાં ઘડતર કર્યાં – આવા પપ્પાએ !

યુવકોને આધાર આપ્યો – આવા પપ્પાએ !

ગૃહસ્થોને સુખિયા કર્યા – આવા પપ્પાએ !

જે પવઈ મંદિરની આરતીની આશ્કા ઝીલે છે. દિલ્હી મંદિરે ભક્તોના ભાવ ગ્રહણ કરે છે, મિશનની તપોભૂમિની રજેરજ તેમના ચરણસ્પર્શને સ્મરે છે. સમઢિયાળાની મૂર્તિની પીઠીકાની શિલામાં પ્રત્યક્ષ છે. હરિધામમાં નિજ કરકમળે પ્રતિષ્ઠિત થયેલ ઠાકોરજીમાં દર્શન દે છે. યોગીજીના નજરાણાનાં ગામ સાંકરદાના ઉત્સવોની ભક્તિમાં પ્રગટ છે ને પપ્પાજી તીર્થ – શાશ્વત ધામે સદાકાળ પ્રત્યક્ષ બિરાજમાન છે. કાકાજી-પપ્પાજી એ યોગીજીના બે ફેફસાં બન્યા. તેમ પપ્પાજીના હ્રદયના ચાર ભાગ ને વાલ્વ જેવાં આ ગુણાતીત સ્વરૂપો છે. તેમના પ્રત્યેક ધબકારામાં તે ધબકે છે. એકબીજા પ્રત્યે દાસત્વભરી મહિમાએયુક્ત પ્રીતિથી જોડાયેલા રહીને ગુણાતીત બાગ લીલોછમ રાખ્યો છે. પપ્પાજીનું તન બ્રહ્મલીન થયું, પણ આપણે પપ્પાજીમાં લીન રહીએ એવું તેમનું જતન છે. મુમુક્ષુઓ આફુરડા ખેંચાઈ આવે છે. આવાં સ્વરૂપો ઘડનાર પપ્પાજીને સાક્ષાત્કાર શું હોય ? સોનાવાલા ૪/સી બિલ્ડીંગમાં યોગીજી મહારાજ પધાર્યા ને વચનામૃત ગ.પ્ર.૭૧ સમજાવ્યું. સનાતન સત્યની વાતો નયનોનયને સર્વોપરી ભાવે કરી. એ સ્મૃતિદિન આજે છે. અને આજે આપણને થાય છે હા શ્રીજી એ જ બાપા ને બાપા એ જ પપ્પા ! આ સ્મૃતિના આકારે રહી જ્યાં બેઠા હતા ત્યાંથી સર્વ ભક્તોએ નત મસ્તકે પપ્પાજીને પ્રાર્થનાભાવ ધર્યા ‘પપ્પા તમે થઈ ગ્યા અમારા… અમે થઈને રહીએ એક તમારા…’

પપ્પાજીએ તેમની હીરક જયંતી ઉજવવાની ભક્તોની પ્રાર્થનાને સ્વીકારી અનુમતિ આપી હતી. આ પહેલાં ક્યારેય પોતાના જન્મદિન ઉજવવા દીધા નથી. આજે પપ્પાજીના સાક્ષાત્કારની હીરક જયંતી આપણે ઉજવી રહ્યાં છીએ ત્યારે પપ્પાજીના  ફલશ્રુતિ રૂપે રચાયો ગુણાતીત સમાજ. તેના સભ્યો આપણે. પપ્પાજી હૉલમાં અનંત તાળીઓ સાથે તે આનંદને માણતા ગુરૂહરિને પુષ્પભાવ અર્પણ થયા. આજની સભા ગુણાતીત સમાજલક્ષી હોય ! મોટેરાં બહેનો-ભાઈઓનો કથા લાભ માણી શકીએ તે મુજબ આજની સવારની સભા હતી. આજની સભામાં જૂના જોગીઓ કે જેમને શરૂઆતથી પપ્પાજીને માણ્યા છે, ઓળખ્યા છે તેઓએ અનુભવ દર્શન કરાવ્યું હતું. પૂ.અશ્વિનભાઈ પટેલ (અનુપમ મિશન), પૂ.દિલીપભાઈ ભોજાણી (લંડન ગુણાતીત મિશન), પ.પૂ.દીદી, પૂ.મધુબેન સી. પટેલ, પૂ.વિરેનભાઈ પટેલ (ગુણાતીત પ્રકાશ), પૂ.વિઠ્ઠલફુવા, પ.પૂ.દેવીબેન, પૂ.ભરતભાઈ (પવઈ મંદિર), પૂ.પદુબેન આદિએ વિધવિધ સ્વરૂપે પપ્પાજીના જીવનનું દર્શન કરાવીને સહુને કૃતાર્થ કર્યા હતા. અંતમાં ગુરૂહરિનો ધ્વનિ મુદ્રિત આશીર્વાદ લાભ માણ્યો. તેઓનાં વચન મૂર્તિમાં ગરકાવ થઈ સહુએ ધન્યતા અનુભવ્યાં હતાં.

તા.૧/૬/૧૨ સાંજે ૬.૦૦ થી ૯.૦૦ સ્થળ – પપ્પાજી તીર્થ

‘શાશ્વત ધામ’ અનાવરણ તથા ગુરૂહરિ પપ્પાજી મહારાજનો મૂર્તિની પ્રતિષ્ઠા ઉત્સવ ૧લી જૂનની સાંજ પડી. પપ્પાજી તીર્થ પર  દિવ્ય પ્રાર્થનાનો પવન કુદરતે વહેતો મૂક્યો અને દિવ્ય મુક્તોના અંતરના તાર જોડ્યા. અવર્ણનીય ભાવે નવનિર્મિત શાશ્વતધામની મહાપૂજા સાથે સાથે અનાવરણ વિધિ થઈ, જે ચિરંજીવ સ્મૃતિને માણીએ.

શાશ્વતધામના ચણતર પહેલાંથી સેવામાં રત રહેનાર બહેનોના અથાગ પરિશ્રમને માણવા ભક્તોની આતુરતા વધી રહી હતી. શિસ્તબધ્ધ રીતે સૌએ આસન ગ્રહણ કરેલા. ભાઈઓના વિભાગમાં શાશ્વત બેઠક પાસે સ્ટેજ પર સમાધિ સન્મુખ બેસી પૂ.યશવંતભાઈ અને પૂ.ઈલેશભાઈએ મહાપૂજા શરૂ કરી. એ પહેલાં શાશ્વત ધામે બહેનોના વિભાગમાં પ.પૂ.હંસાદીદીના વરદ્દ હસ્તે ‘નેઈમ પ્લેટ’ નું ઉદ્દ્ઘાટન થયું. પ.પૂ.જ્યોતિબેને પુષ્પહાર અર્પણ કર્યો અને પ.પૂ.દેવીબેન, પ.પૂ.જસુબેન, પ.પૂ.પદુબેન અને હરિધામના પ.પૂ.સુહ્રદ (પ્રેમબેન), પ.પૂ.આનંદીદીદી તથા પૂ.માધુરીબેને પૂજન કર્યું. ત્યાર બાદ મહાપૂજાની સાથોસાથ ભાવસભર સ્ટેપ બાય સ્ટેપ અનાવરણવિધિનો પ્રારંભ થયો. જે દેશ-પરદેશના ભક્તો ઈન્ટરનેટથી લાઈવ દર્શન માણી રહ્યા હતા એ સ્મૃતિ કરીએ.

શાશ્વત પથનું ઉદ્દઘાટન – ‘સંકલ્પ તારો વિજયી સદા…’ ના ગાન સાથે પૂ.વિજ્ઞાનસ્વામીએ રીબિન છોડી પથ ખુલ્લો મૂક્યો ને પૂ.આચાર્યસ્વામીએ શ્રીફળ વધેરી શુકન કર્યાં. ૐ સ્વસ્તિન ઈન્દ્રો..ના ગાન સાથે શાશ્વત ચોકમાં બિરાજમાન ઉદ્દઘાટન કરનાર સ્વરૂપોને ગુણાતીત પ્રકાશના ભાઈઓએ નાડાછડી બાંધી. આવાહન શ્ર્લોક ગાન સાથે શાશ્વત પ્રવેશદ્વારનું ઉદ્દઘાટન રીબિન છોડીને પૂ.નરસિંહફુવા અને પૂ.દિલીપભાઈ (લંડન) એ કર્યું ને શાશ્વત પગથી પ્રદક્ષિણા પથ પરના કુંભનું ઉદ્દઘાટન પૂ.મહેન્દ્રભાઈ ગાંધી અને પૂ.દિનકરભાઈ દેસાઈએ કર્યું. શાશ્વત બેઠકમાં ‘સ્વામીશ્રીજીનાં સાક્ષાત્ સ્વરૂપો…’ એ શ્ર્લોકના ગાન સાથે પૂ.લક્ષ્મણબાપા (મોરબી) અને પૂ.હરિશભાઈ સાકરિયાએ દીપ પ્રાગટ્ય કર્યું. આગચ્છ ભગવન… અને સ્વામી આવો પ્રેમે કરૂં…’ એ પ્રાર્થના સાથે શાશ્વત સમાધિ દ્વારનું અનાવરણ પૂ.ભરતભાઈ (પવઈ) અને પૂ.વશીભાઈએ કર્યું. ત્યાંથી આગળ જતાં શાશ્વતધામના પટ પર પ્રથમ પેનલ મુક્તાક્ષર પુરૂષોત્તમની છે જેનું પૂજન પૂ.નિર્મળ સ્વામીજીએ કર્યું અને પૂ.માધવચરણ સ્વામીજીએ હાર પહેરાવી ઉદ્દઘાટન કર્યું. દ્વિતીય પેનલ પ.પૂ.પપ્પાજી, પ.પૂ.કાકાજી અને પ.પૂ.બા નું પૂજન પૂ.અશ્વિનભાઈ પટેલ (અનુપમ મિશન) અને પૂ.રતિકાકાએ હાર પહેરાવી કર્યું.

{gallery}/images_in_articles/newsletter/2012/June/010612 Opening Ceremony shashwat dham{/gallery}

આ વિધિ વખતે મહાપૂજામાં આવાહન અને સ્થાપન થતાં રહ્યાં. અને સ્વરૂપો તથા મુક્તોએ સ્વઆસન ગ્રહણ કર્યાં. સાથે ‘શ્રી વાસુદેવ વિમલામ્…’ અને ‘આજ મારે ઓરડે રે…’ ના ભજન સાથે ગુણાતીત પ્રકાશના ભાઈઓએ સ્વાગતભાવ અર્પણ કર્યા. શાશ્વત સમાધિનું ઉદ્દઘાટન  મહાપૂજામાં ધ્યાન, પ્રાર્થના થયા પછી પ.પૂ.અક્ષરવિહારીસ્વામીજીના હસ્તે થયું. સાથે પૂ.કોઠારી સ્વામી (પૂ.ઉપેન્દ્રસ્વામી – સાંકરદા) તથા પૂ.બચુભાઈ વકીલ, પૂ.જયંતીભાઈ હાલોલે પુષ્પમાળા અર્પણ કરી. મહાપૂજામાં અનિર્દેશના મુક્તોની નામાવલિ બોલાયા પછી સૌ વતી શાશ્વત સમાધિ પરના ચરણાર્વિંદને પ.પૂ.ગુરૂજી (દિલ્હી) અને પૂ.પ્રફુલ્લભાઈ પટેલે (અનુપમ મિશન) પુષ્પરીંગ અર્પણ કરી ઉદ્દઘાટન કર્યું, ત્યારબાદ….

ગુરૂહરિ પપ્પાજી મહારાજની સંગેમરમરની મૂર્તિ પ્રતિષ્ઠા માટે સ્વરૂપોએ  પરમ ધામ તરફ પ્રયાણ કર્યું. તે વખતે મહામંત્રની ધૂન મચી રહી અને પુષ્પાચ્છાદિત ઓઝલના દ્વાર પ.પૂ.હરિપ્રસાદસ્વામીજીના વરદ હસ્તે ખુલ્યા. પૂ.કોઠારી સ્વામીએ (હરિધામ) ઘંટનાદ કર્યો. મહાપૂજામાં શંખનાદ થયા ને વિધિસર શાસ્ત્રોક્ત ગાન સહિત મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા પ.પૂ.હરિપ્રસાદસ્વામીજી દ્વારા થઈ. સૌનાં હૈયાં સભર થયાં, પૂ.યશવંતભાઈ દવેએ પ્રતિષ્ઠા વિધિ કરાવી હતી. સંતોએ મૂર્તિ સમક્ષ પાંચ આરતી કરી અને ૧૧ આરતી ઉદ્દઘાટક મુરબ્બીઓએ સમાધિ સ્થાને કરી. સ્તુતિગાન વખતે પ્રદક્ષિણા પથનું ઉદ્દઘાટન ગુણાતીત પ્રકાશના પાંચ ભાઈઓએ પદ્મ પાસેના જળમાં તરતાં પુષ્પો પધરાવી દીવા તરતા મૂક્યા અને ધૂન, શ્ર્લોક, સ્તુતિ સાથે એક પ્રદક્ષિણા કરી. એ ભાઈઓ હતા, પૂ.બાબુભાઈ ચિતલીયા, પૂ.ઈલેશભાઈ, પૂ.પિયૂષભાઈ, પૂ.હરેશભાઈ ભરૂચી, પૂ.સુરેશભાઈ ગાંધી ત્યારબાદ મંત્ર પુષ્પાંજલિ સૌએ સૌના સ્થાન પરથી કરી, પ્રાર્થના પુષ્પો સમાધિએ અર્પણ કર્યાં. પૂ.ચેતનભાઈ ખંભાસલા અને પૂ.મહેન્દ્રભાઈ શાહે ગુરૂહરિ પપ્પાજી મહારાજની મૂર્તિને થાળ ધર્યા ને મહાપૂજાના ઠાકોરજીને પૂ.યશવંતભાઈએ થાળ ધર્યા. માનતારૂપે માનેલી મહાપૂજાના શ્ર્લોક અને ‘આનંદના ફુવારા…’ એ ભજનના ભાવ સાથે પૂ.રસિકભાઈએ (ખેતવાડી) પાવન ફુવારાની સ્વીચનું ઉદ્દઘાટન કરી લાઈટ્સને પ્રકાશિત કરી સૌના આનંદમાં સમગ્ર સૃષ્ટિએ પણ ભાવપૂજન કર્યાં. ત્યારપછી પુણ્યતીર્થ જ્યાં પ.પૂ.તારાબેન અને પૂ.માસીબાની સમાધિ છે ત્યાં ક્ષમાયાચનાના શ્ર્લોકગાન સાથે પૂ.જયંતિભાઈ દોશી અને પૂ.બાબુભાઈ ચિતલીયાએ પુષ્પગુચ્છ અર્પણ કરી એક પ્રદક્ષિણા કરી. મહાપૂજાના આશીર્વાદ ‘જપયજ્ઞથી મૂર્તિ સંભારો…’ એ ગાન સાથે પૂ.બંસલ સાહેબે પાવન ધારા I am always with you. ફુવારા ધોધની સ્વીચ પાડીને ઉદ્દઘાટન કર્યું ને સૌ પાવનધારાની ઠંડક પ્રત્યક્ષ દર્શને આશિષ માણી રહ્યા. વિસર્જન વિધિના શ્ર્લોક ગાન સાથે સૌ સ્વરૂપોએ શાશ્વત પ્રદર્શનના દર્શન કરતાં કરતાં શાશ્વત ચોકમાં સભા માટે સ્વઆસન ગ્રહણ કર્યાં. અને જયનાદની ઘોષણા સાથે ૧૧ કલાકાર બાળકોએ ધ્વજ લહેરાવી સ્વાગત પ્રાર્થનાનૃત્ય રજૂ કર્યું. ‘પપ્પાજીનો જય જયકાર હો…’ અને પછી સૌ સ્વરૂપોને પ્રાણ પરોવી જેમણે આ સેવા કરી છે તેવા ગુણાતીત પ્રકાશના ભાઈઓએ સ્વાગત પુષ્પાર્પણ કર્યાં. બહેનોમાં પૂ.નિલમબેન, પૂ.વિણાબેન, પૂ.દિવ્યાબેન, પૂ.મીનાબેન ગાંધીએ સ્વાગત પુષ્પાર્પણ કર્યાં. શાશ્વત ધામની સેવા કરનાર મુક્તોને પ.પૂ.હરિપ્રસાદસ્વામીજીના હસ્તે પૂ.જીતેન્દ્રભાઈ મિસ્ત્રી, પૂ.કિરણભાઈ ચુડગરને શાલ અને સ્મૃતિભેટ અને પૂ.અક્ષરવિહારીસ્વામીજીના હસ્તે જનજીતસિંગ, જગતભાઈ કિનખાબવાલાને સ્મૃતિ ભેટ અર્પણ કરી. અને હીરક લાભ આશિષનો પ્રારંભ થયો.

સભામાં સ્વરૂપોના આશીર્વાદ અપાયા. પ.પૂ.નિર્મળ સ્વામીજી, પ.પૂ.ગુરૂજી (દિલ્હી), પ.પૂ.અક્ષરવિહારી સ્વામીજી, પ.પૂ.હરિપ્રસાદ સ્વામીજીએ ગુરૂહરિ પપ્પાજીના સ્વરૂપની ઓળખાણ કરાવતાં શાશ્વતધામના માહાત્મ્યગાન સાથે આશીર્વાદ આપી ધન્ય કર્યાં હતાં. આ શાશ્વત પર્વે નીચે પ્રમાણે અનાવરણ થયાં. 

પૂ.પ્રવિણભાઈ મકવાણાએ પ.પૂ.ગુરૂજી (દિલ્હી) ના વરદ હસ્તે ‘પરમના પથિકને’ નું ઈંગ્લીશ અનુવાદનું પુસ્તક.

પૂ.જીતુભાઈ પટેલે પૂ.અશ્વિનભાઈ (અનુપમ મિશન)ના શુભ હસ્તે ગુરૂજીના દિલ્હી ઉત્સવનું ‘અર્ચીમાર્ગ કી ઔર’ સાંસ્કૃતિક કાર્યક્ર્મની ડી.વી.ડીનું

પૂ.વિજયભાઈએ પ.પૂ.અક્ષરવિહારીસ્વામીજીના વરદ હસ્તે ‘પપ્પાજી અક્ષરસ્વરૂપે’ હસ્તાક્ષરની લેખમાળા પુસ્તકનું અનાવરણ થયું.

પવઈના ભક્તોએ ભાવસભર કીર્તન ગાયું. આજે સહુના હૈયામાં શાશ્વત પ્રભુ પપ્પાજીની સ્મૃતિઓ તાર્દશ્ય થતી હતી. ત્યાંના વાતાવરણમાં ચિદાકાશની ર્દષ્ટિ હતી. સર્વત્ર ઓહોહોનો ભાવ વહેતો હતો. ઊંડે ઊંડે આ શાશ્વત ધામનું અનાવરણ ગુણાતીત સ્વરૂપોના હસ્તે ! વળી, પ.પૂ.બેનની પ્રત્યક્ષ હાજરીમાં કરવાના મનોરથને પૂર્ણ થતો જોઈ આ સ્થાનના દૈવતનું માહાત્મ્ય વહી રહ્યું હતું. અંતરની ભાવનાઓનો સ્વીકાર કરનાર પપ્પાજીને કોટિ કોટિ પ્રણામ !

(૨) તા.૨/૬/૧૨ શનિવાર

આજે સવારે સાંજે જ્યોત પપ્પાજી હૉલમાં બે સભા થઈ.

૧. સવારે ૮.૩૦ થી ૧૨.૦૦ પ.પૂ.જસુબેનનો સુવર્ણ સાક્ષાત્કાર દિન

પ.પૂ.જસુબેનનું સ્વાગત થયું. પ.પૂ.જસુબેને પ્રભુના ભાવે ગુરૂહરિ પપ્પાજીની મૂર્તિને અને સ્ટેજ પરના સ્વરૂપોને માહાત્મ્યથી હાર અર્પણ કર્યા. થનગનતા હૈયે સ્વાગત નૃત્યથી સભાનો પ્રારંભ થયો. સહુ પ્રથમ પ.પૂ.દીદીના વરદ્દ હસ્તે પ.પૂ.જસુબેનના પ્રવચનોની ડી.વી.ડી ‘પ્રાપ્તિ પ્રસાદ’ નું અનાવરણ થયું. પ.પૂ.દીદીએ સુવર્ણ આશિષ લાભ આપ્યો. પ્રાસંગિક અનુભવ લાભ જસુબેનના મહિમાગાન સાથે પૂ.મનીબેન, પૂ.જલ્પેશભાઈ (વાવ), પૂ.અશ્વિનભાઈ (મોરબી), પૂ.ભક્તિબેન (નવસારી), પૂ.ડૉ.નયનભાઈ અને ચિ.રૂહાની સુધીના ભૂલકાંઓએ વારી આપી હતી. દિલ્હી સમાજ તરફથી હાર અને ભેટ અર્પણ થયાં. આ અવસરના સહુ સ્વરૂપોએ અલગ અલગ કેક કર્તન કરી આનંદ વધાર્યો. પરદેશ મંડળ તરફથી તથા બાલિકા મંડળે ભાવ અર્પણ કર્યા. ‘ઝબકના ઝબકારા’ મૂર્તિ દર્શનની વી.સી.ડી.નું અનાવરણ થયું.

પૂ.જસુબેને આશિષ વરસાવતાં ખૂબ ખૂબ સ્મૃતિ સભર કર્યાં. એક પપ્પાજી મળ્યા એમાં અંત આવી ગયો. ક્યાં હતા ને ક્યાં લાવી મૂક્યા. અકારણ કૃપા કરી. આપણે કાંઈ કરી શકીએ તેમ નથી. પૂ.મહેન્દ્રભાઈ, પૂ.વસુબેન, પૂ.તારાબેન, પૂ.રસિકભાઈ, પૂ.કાનજીકાકા સૌ ગૃહસ્થ સાધુઓનો મહિમા ગાયો. તેઓએ એકધારો સત્સંગ કર્યો છે. હાલોલવાળા પૂ.ચંદ્રકાંતભાઈ રીટાયર્ડ થયા, હવે મહાપૂજા કરે છે. પૂ.લક્ષ્મણબાપા એમની રીતે મહાપૂજાઓ કરે. દરેક ગૃહસ્થોનું ધ્યાન બહેનોની સેવા માટે છે. કોઈ દિવસ ફરિયાદ નહીં. તેવું ગૃહસ્થોનું જીવન છે. અનુપમ ભાગ ૮નું ૪૦મું ચેપ્ટર ઘરે જઈને વા્ંચજો. એના પછીનું ચેપ્ટર પણ વાંચજો. પ્રભુને જે કરાવવું છે તે કામ એ કરે જ છે. તમે પ્રેક્ટિસ કરજો. જો કરવું હોય તો. જાતે નોંધો. કોઈનું જોયું તો આવી બન્યું. તમારો દેહભાવ દેખાડે એણે ઉપકાર કર્યો માનજો. ભાગ લેનારા નિર્દોષ છે. ૯૯% અવગુણ હોય પણ ૧% ગુણ હોય તે જ જુઓ. સેવકના સેવક બની જાવ એટલું જ મારે આશીર્વાદમાં કહેવું છે. તમે માંગો, ડરશો નહીં. નામ કરતાંય તેમનું વચન મોટું છે કહી તેમના હસ્તાક્ષરના લેખ વંચાવ્યા ને પ્રત્યક્ષ પ્રભુનું સુખ વહેતું મૂક્યું.

{gallery}/images_in_articles/newsletter/2012/June/020612 – P.P.Jasuben 50th DDay{/gallery}

પ.પૂ.બેને આશીર્વાદ આપતાં અંતરની પ્રસન્નતા દર્શાવી. ગુરૂહરિ પપ્પાજીએ આશીર્વાદ વરસાવ્યા કે જસુબેનનું જન્મોજન્મ ચાલે તેવું ભજન ‘સર્વસ્વ મારું જે માન્યું…’ છેલ્લામાં છેલ્લું આત્મપ્રણય પૂરો કરવાનો તે એમણે કરી લીધો ને અમારી સાથે બેસી ગયા. ધન્યવાદ. મરીને જીવવા માટે પહેલ કરી. ભીડો વેઠ્યો. શૂરવીરતા રાખી. ગૃહસ્થો માટે આદર્શ પૂરો પાડ્યો. જે માંગો તે મળશે ને શોધો તે જડે એવું છે. સિનેમામાં હોય પણ આ તો પ્રેક્ટીકલ બતાવ્યું. તો પૂરાં ૧૦૦ વર્ષ જીવો. જે માટે આ જ્યોત ખોલી સિધ્ધદશા પ્રાપ્ત કરવાની, તો તેમના જેવી નિષ્ઠા-શ્રધ્ધા અક્ષરધામની સમાધિનું સુખ લેતા સહુને કરે તેવી પ્રાર્થના ને આશીર્વાદ. પપ્પાજી જાણે પ્રત્યક્ષ બિરાજી આશીર્વાદ આપતા હોય તેવી અનુભૂતિ થતી હતી. વળી, પપ્પાજીની પરાવાણીમાં તથા વક્તાઓની વાતમાં પ.પૂ.જસુબેનનું આખા જીવનની સાધનાનું દર્શન થતું હતું. તે લાભ માણીને સર્વે મુક્તોએ ધન્યતા અનુભવી હતી.

(૨) સાંજે ૫.૦૦ થી ૮.૦૦ પ.પૂ.બેનનો સુવર્ણ સાક્ષાત્કાર દિન

ઓહોહો ! આપણા કેવા નસીબ કે આ ૯૮ વર્ષની ઉંમરનું ગુણાતીત સ્વરૂપ પ.પૂ.બેન ! કે જેઓની હાજરીમાં એમના સાક્ષાત્કારદિનનો સમૈયો આજે ઉજવાયો જેમાં પ.પૂ.બેન સહુથી પ્રથમ દર્શન દેવા પધારી ખૂબ સરસ આશીર્વાદ પણ આપ્યા કે,

“ધન્ય ધન્ય ધન્યવાદ છે તમોને ! આખી સભા સરસ ભરાણી છે. આજે દેવીબેનનો સમૈયો ઉજવાઈ રહ્યો છે. એમનો મહિમા શું ગાઈએ ? બહુ છૂપાં ! હે દેવીબેન અમારા પર રાજી રહેજો. બળ આપજો. સમૈયો તમારો છે, મારો નથી. બધા ભક્તોએ તાળીઓના ગડગડાટથી હૉલ ભરી દીધો હતો.  (આજે પૂ.બેને પૂ.પપ્પાજી જેવું કર્યું. પપ્પાજી હંમેશાં પોતાનો ડીવાઈન ડે હોય ત્યારે યોગીજી મહારાજ કે દીદીના નામે વાત કરે. (૧લી જૂને તેઓનો પણ સમૈયો હોય તેથી) તેવું જ પપ્પાજી પોતાનો જન્મદિવસ હોય ત્યારે ૧લી સપ્ટેમ્બર ત્યારે સાથે બેનનો સમૈયો હોય તેથી ત્યારે બેનનું નામ બોલે. પોતાનું નામ ના કહેવાની જે ખાનદાની કે દાસત્વભક્તિ તેનું દર્શન તે સ્મૃતિ આજે પ.પૂ.બેને કરાવી દીધી હતી. આશીર્વાદ વરસાવીને પ.પૂ.બેન સભામાંથી વિદાય થયાં ! આખું વાતાવરણ ગુંજી ઉઠ્યું ! એ દર્શન આનંદમાં જ આખી સભા થઈ હતી. પૂ.ગૌરીબેન પોપટ, પૂ.રમણિકભાઈ કોટેચા, પૂ.કાંતિભાઈ રાડિયા, પૂ.છોટુભાઈ મજેઠિયા, પૂ.પૂર્વીબેન બાણગોરીયા, પૂ.નીપાબેન શાહ, પૂ.જ્યોતિભાભી ઠકરાર વગેરે ભક્તોએ પ.પૂ.બેનના અનુભવો ને ગોષ્ટિ કરી વાત કરી હતી. અંતમાં પ.પૂ.દીદીએ પ.પૂ.બેનના ગુણગાન સાથે સભાના સર્વે મુક્તોને આશીર્વાદ આપ્યા હતા.પ.પૂ.બેનની મૂર્તિ દર્શનની ડી.વી.ડીનું અનાવરણ પ.પૂ.સુહ્રદબેન (પ્રેમબેન-હરિધામ) ના શુભ હસ્તે થયું હતું. અને તે દ્વારા ગુરૂહરિ પપ્પાજીના આશીર્વાદ ર્દશ્ય-શ્રાવ્ય દ્વારા સ્મૃતિ દર્શન સાથે માણ્યા હતા. કે “મહારાજ અને ગુણાતીત પૃથ્વી પર પધાર્યા. આવો સંકલ્પ કોઈએ નો’તો કર્યો ! જોગી મહારાજે સંકલ્પ કરીને આવી પ્રાપ્તિ મેદાનમાં મૂકી ! કે રજોગુણી, તમોગુણી, સત્ત્વગુણી, અધમ, પાપી ગમે તેવો સંબંધમાં આવે તેનું કલ્યાણ તે કલ્યાણ યોજના મેદાનમાં મૂકી છે. ગુણલા ગાવા શબ્દો ટૂંકા પડે તેવું છે. કોઈ ભલે સ્વામિનારાયણ ધર્મનો પણ ના હોય અને બેન જોડે આત્મબુધ્ધિ ને પ્રીતિ હોય ! અને તે તકલીફમાં બેનની મૂર્તિ લઈને મંડી પડે ! તો તેનું કામ થાય ! બેનને દિવ્ય માને ને તેમના મનોરથ પૂરા થાય !” આવી પરાવાણી સાથે બેનની મૂર્તિના અને ગુરૂહરિ પપ્પાજી મહારાજની મૂર્તિનું સ્મૃતિ દર્શન માણ્યું. જાણે પ્રત્યક્ષ દર્શન માણી સભર થયા હતાં. આમ, વિશેષ રીતે પ.પૂ.બેનનો સમૈયો ઉજવાયો હતો.

{gallery}/images_in_articles/newsletter/2012/June/020612 – PP Ben’s 50th Dday{/gallery}

(૩) તા.૩/૬/૧૨ ત્રણ દુ છ, છ દુ બાર, આવ્યો રવિવાર.

પપ્પાજી સ્વરૂપ દર્શન હીરક પર્વના સમૈયાનો આજે છેલ્લો દિવસ. આજે પણ સવાર-સાંજ બે સમૈયા છે.

૧. સવારે ૮.૩૦ થી ૧૨.૩૦ પ.પૂ.દીદીનો અમૃતપર્વ

હૈયાના આનંદનો અમૃત કુંભ આજે છલકાઈ રહ્યો છે. જેવી રીતે પપ્પાજી હૉલ – પંચામૃત હૉલ ભક્તોની ભીડથી છલકાયો છે. સવારે ૮.૩૦ વાગ્યે, મંગલ પ્રભાતે જ્યોતનાં મહંત શ્રી એવાં પ.પૂ.દીદીનું સ્વાગત સભાના પ્રારંભમાં વિશેષ રીતે થયું હતું. પ્રભુકૃપા મંદિરે દર્શન કરીને પ.પૂ. દીદી જ્યોતદ્વારમાં પ્રવેશ કરે છે ત્યાંથી દીદી થકી થયેલા સદ્દગુરૂઓ સાથે તેમની સાંકળે બંધાયેલા ભાવ સાથે પુષ્પની સાંકળ વચ્ચેથી પોતે બંધાયેલા રહી સ્ટેજ પર પધાર્યાં હતાં. સભા સંચાલક પૂ.બકુબેને સ્વામિનારાયણના સંબંધના વેલાથી માંડીને સ્મૃતિઓ કહી. સંયમ અને શીલની પ્રેરણામૂર્તિ આ દીદીએ ક્યારેય મોટપ વાપરી નથી. છતાંય જ્યોતમાં નાની નાની સુટેવોથી માંડીને ચૈતન્યના રખોપા સુધીનું જતન તેમણે કર્યું છે. એવાં આ પ.પૂ.દીદીએ ભાવભીના હૈયે ગુરૂહરિ પપ્પાજી મહારાજને હાર અર્પણ કર્યો હતો. ત્યારબાદ ભજન ગવાયું ‘હું કેમ ન રાખું કેફ’  ઓહોહો ! વાહ વાહના ભાવમાં સમગ્ર જીવનની પળોમાં ગુરૂહરિ પપ્પાજીની સ્મૃતિનો સાક્ષાત્ અનુભવ થયો હતો.

ત્યારબાદ દીદીના અમૃતપાનના અનુભવી એવાં પૂ.કાજુબેન તેમજ પૂ.દિપેનભાઈ ઠક્કર, પૂ.ઝીલ મહેતા, પૂ.મનોજભાઈ દુબલે અમૃતનું રસપાન કરાવ્યું હતું. પૂ.હેમંતભાઈ મર્ચન્ટ -અક્ષરધામ મંદિર પવઈ મુક્તસમાજના ભૂલકાંઓ વતી હાર અર્પણ કર્યો ને માહાત્મ્યભાવનું લખાણ હેમંતભાઈએ (સ્વરચિત) વાંચ્યું ને સ્તુતિગાન ભેટ અર્પી તે માણીએ.

હે વ્હાલાં દીદી,

જીવન કેવું અદ્દભુત કે જેના પર કેવળ ગુરૂ જ નહીં, સહુ ભક્તોય કરી રહે ગર્વ !

એનું નામ જીવન કહેવાય, કે જે જીવન પોતે જીવે ને એમાંથી

નિજના જીવનની પ્રેરણા અન્ય સર્વને થાય !

એનું જ નામ વર્તન કહેવાય, કે જે નીરખીને ગુરૂના હસ્ત ચરણ ભલે સ્થિર રહે

પણ એમનું પ્રફુલ્લિત હૈયું નર્તન કરવા લલચાય !

એનું જ નામ સેવન કહેવાય, કે જ્યાં ગુરૂથી પણ ના રહેવાય અને હાથ છૂટી બલા થઈ જાય!

આપનું નામ છે હંસા, જીવનરીતિ શૈશવથી જ એવી કે શ્રીજીના દિવ્ય પરમહંસા !

તન-મન-વિદ્યા ને વાણી, સકળ હલન ચલનમાં , તેજસ્વિતા સાથે વહેતી વિવેકની સરવાણી!

હંસર્દષ્ટિથી આંખો સહુને જોતી અને નીરખતી, ક્યાં છે કેવળ ‘ફટકિયા’ ને ક્યાં છે સાચાં મોતી?

ક્યાં સંબંધ છે સ્વાર્થના, ને કોણ આતમના છે વ્હાલા ?

કોની કરવી બાદબાકી ને કોના કરવા સરવાળા ?

ક્યાં ઉઠીનેય ન જવાય ને ક્યાં ગયા વિના ના રહેવાય, ભલે ને અંતર હોય લાંબુ ને જવું પડે પગપાળા !

નીર-ક્ષીર વિવેકથી પામી જાઓ, અનોખી આતમ સૂઝથી જીવનારાં, આપ જીવનમુક્ત નિરાળા!

આપના અંતરથી વહી રહી જે ભજનોની સરવાણી,

અનેક ભક્તો સબળા થયા ને પામ્યા દિવ્ય અજવાળાં !

યોગીજીને રાજી કરવા, પપ્પાજીને સેવ્યા, પપ્પાજીને ધારી જીવવા ભક્તિપંથે દોડ્યા

બા-કાકા-કાંતિકાકાએ હૈયાં હેતે ઉલેચ્યા, જ્યોતિ-તારા-દેવી સંગે આતમ ભરમ ઉકેલ્યા !

શુભ્ર ધવલ નિર્મળતા સમ છે, પાવન દિવ્ય જીવન,

તંત્ર સમગ્ર જાણે સાક્ષાત્ શાલિનતાનું ભવન !

પ્રખર પ્રજ્ઞાના પ્રતીક સમું, તેજસ્વી વિશાલ ભાલ, ભાવ સાથે ભળી પ્રજ્ઞાએ કેવી અદ્દભૂત કરી કમાલ !

ર્દઢ નિશ્ચય ને મનોબળેયુક્ત નિશ્ચલ ગરવી ચાલ, આપને પગલે ચાલે એને ન રહે કોઈ સવાલ સમજ, ગરજ ને ધીરજની છો, અદ્દભૂત તમે મિસાલ

આંખોથી સહુને અંકે લઈ, વરસાવો દિવ્ય વહાલ

હે વ્હાલાં દીદી ! આજે આપનો અમૃત ઉત્સવ, રોમેરોમે ઝૂમી રહ્યો છે ભક્તિનો આસવ

અમૃત એટલે અમર, સદાય અર્પે સંજીવની ને ક્યારેય ન થાય જર

ભલે વ્યક્તિરૂપે સિમિત તમે, પણ અભિવ્યક્તિ અપરિમિત

આપે શીખવી સહુને, હરિને રીઝવવાની રીત ! અસીમ ઋણ છે આપનું સહુ પર,

ન ભૂલથીય કદી ભૂલાય, આશિષ અર્પો જેવા કિંચિત અમથી થવાય !

‘અક્ષરધામ’ મંદિર પવઈ મુક્ત સમાજનાં ભૂલકાંઓના વ્હાલભર્યા જય સ્વામિનારાયણ.

‘પુષ્પદલ પરિમલ’ પુસ્તક પૂ.દર્શનભાઈ ઠક્કરે પૂ.મનોજભાઈ સોનીના હસ્તે અનાવરણ  કરાવ્યું. ને પછી મનોજભાઈની અમૃતધારા વહી રહી દીદીના જીવનની…સામાન્ય રીતે કોઈ લખે તેને જીવન ચરિત્ર કહેવાય. આ પુસ્તક કાંઈક ઘણું વિશેષ છે. જીવન ચરિત્ર ઉપરાંત જીવનની ર્દષ્ટિ મળે એવા પત્રો, અનુભવો, કિર્તનો, પપ્પાજીના આશિષપત્રો બહુયામી અદ્દ્ભૂત સંકલન છે. ગુણાતીત જ્યોતના ઈતિહાસમાં ૫૨૫ પાનાનું પુસ્તક પ્રથમ વખત પ્રસિધ્ધ થાય છે.  અને આ પણ વિશેષતા નથી. એથી વિશેષ દીદીએ  જ લખ્યું છે કે સમય માણસનો દેહ બદલે છે, સ્વભાવ નથી બદલતો. પણ આ એ યાત્રા છે કે જેનો સ્વભાવ નથી બદલાયો એવા દીદીએ લખ્યો છે તેથી આ જીવતું જાગતું ઉપનિષદ છે પુષ્પદલ પરિમલ.

ભારતની પરંપરામાં વેદ લખાયા તે બે વિભાગ

(૧) પૂર્વ મિમાંસા – જપ, તપ, વ્રત, કથા, કીર્તન કહેતાં ક્રિયા, કર્મકાંડ ભક્તિ કરતાં બ્રહ્મની પ્રાપ્તિ થાય તે.

(૨) ઉત્તર મિમાંસા (વેદાંત) – પોતપોતાના પ્રત્યક્ષ ગુરૂહરિના સાંનિધ્યમાં અનુભૂતિ લખી તે આ. એટલે તેને ઉપનિષદ છે તેવું કહું છું.

હંસાબેન ભગવતરાયની દીકરીએ ૪II વર્ષે જે સંકલ્પ કર્યો તે જીવન પર્યંત નજર સમક્ષ રાખી ભગવાનને હાજરા હજૂર માનીને જે સાધના કરી તે પોતાના શબ્દોમાં લખી છે. તે આ આધુનિક સમયનું ‘પુષ્પદલ પરિમલ’ ઉપનિષદ છે અનેક પ્રત્યક્ષ એકાંતિક સંતોએ જે કાળમાં ભગવાનનું સ્વરૂપ માનીને સેવ્યા તે યુવાનોના અનુભવમાં કે નજરમાં નથી. તે સંક્રાંતિકાળ ગુણાતીત સ્વરૂપોની ર્દષ્ટિએ જોઈએ તો બહારની દુનિયા હજુ જંગલ અવસ્થામાં છે. તો એનું સુંદર રસમય કાવ્ય તેમણે આ જ પુસ્તકમાં લખ્યું છે જે પાન નં.૧૭૨ ઉપર ‘એક નાનેરી હંસલીને…’ મથાળે છે તેનું નિરૂપણ કરતાં દીદીના દિવ્ય જીવનનું રહસ્ય તેમના જ હસ્તાક્ષરમાં લખાયેલ અનુભવો વાંચીને કરાવ્યું. જે

પાન નં.૧૪ – બી વાવી દીધા

પાન નં.૧૬ – હું વાસના ટાળીને જઈશ

પાન નં.૨૭ – એનો ભાર અમારે માથે.

પાન નં.૨૮ – મને રખડાવતા નહીં.

પાન નં.૩૬ – બાબુભાઈ સાથે સારંગપુર

પાન નં.૩૭/૩૮ – હું દિવ્ય જીવનની યાત્રાનો યાત્રિક બની.

અસંખ્ય પ્રસંગો શિષ્ય ગુરૂના હશે કે ગુરૂના બળે કરીશ. પણ હવે પછી મારી જાણમાં છે તેમ ‘બાબુભાઈ ટેક્સીમાંથી બહાર નીકળ્યા ને કહે, ‘મારા બળે, મારા આધારે, મારા આશરે કરાવીશ.’ જેમ મહારાજ ગુણાતીતાનંદ સ્વામીના જમાન થયા. પછી હંસલીને કેફ ચઢે જ ને ! તો હવે વિશેષ રીતે વાત સિધ્ધ થતી ચાલે છે તે છે પાન નં.૮૮ ‘પપ્પાજીના સાંનિધ્યે માનસી’ ને એ સહુએ સાકાર માણી. આવી સહુની ગાથા આવનારી નવી પેઢીને નજીકની ૨૧મી સદીમાં મળતી રહે તેવી પ્રાર્થના કરી. ત્યારબાદ ભાવનૃત્યો રજૂ થયા.

૧. મેઘના (પવઈ) – ‘તું પ્રભુ રહે સદા મારી યાદમાં…’

૨.અંજલી મોદી – ‘જુગ જુગ જીવો હંસાદીદી….’ ગાયક – પુશન મુકેશભાઈ મર્ચન્ટ

પૂ.અંતુબેન ચૌધરી, પૂ.હરિશભાઈ સાકરિયા અને પૂ.ડૉ.પંકજબેને અનુભવ દર્શન કરાવ્યું.

ત્યારબાદ પૂ.નીમુબેન, બીજ ચંદેરિયા – તેમણે ભાવાર્પણમાં કોરોનેશન ગાઉન – જે ઈંગ્લેન્ડની રાણીને પહેરાવે તે સ્મૃતિ સાથે પપ્પાજી સ્વરૂપદર્શન હીરક પર્વનો ભાવ દીદી પર લગાડ્યો. એવું ગુણાતીત ગાઉન પહેરાવ્યું. જેમાં ભરતકામ કર્યું હતું. અને હાથમાં ગુણાતીત ટોર્ચ આપી હતી. જેની ઉપર જ્યોત સીમ્બોલ હતો. અને પર્વ સ્મૃતિરૂપે ૬૦ લખેલું હતું. પૂ.પ્રતિમાબેને બહુમાન અર્પી શાલ ભાવાર્પણ કરી અને કેક કર્તન થયાં. જેમાં અમૃત કલશ-શ્રીફળની સ્મૃતિઓ હતી. આતમનો ઝંકાર ડી.વી.ડીનું અનાવરણ બંસલ સાહેબના હસ્તે થયું.

{gallery}/images_in_articles/newsletter/2012/June/030612 – P.P. Didis 75th{/gallery}

અંતમાં પ.પૂ.દીદીના આશીર્વાદ લીધા હતાં. તેમજ ધ્વનિમુદ્રિત ગુરૂહરિ પપ્પાજીએ આશીર્વાદ આપ્યા. જાણે સ્વયં સાક્ષાત્ પધારીને વાત કરતા હોય તેવી પ્રત્યક્ષપણાની અનુભૂતિ સાથે આશીર્વાદ લીધા હતા. તેમાંથી આપણે ઝલક માણીએ. ગુરૂહરિ પપ્પાજીએ આશિષ આપ્યા કે આપણે કાખલી કૂટ્યા કરશું તે વખત આવવાનો છે. તે દર્શન યોગીજી મહારાજે કરાવેલું. કલ્યાણ તો સંબંધમાં આવે તે પશુ-પંખી, ઝાડ-પાન, માણસનું થાય પણ સિધ્ધદશા માટે જ્યોત ખોલી. વચ.છે. ૨૬ જેવાં સાધુ બહેનો-સ્વઅસ્મિતારહિત બહેનો જ્યોતમાં પાકે. ભગવત્ સ્વરૂપ બને તે અશક્ય જેવી વસ્તુ બાપાની કૃપાથી બની. દીદી પાકી ગયાં. જેના પર ર્દષ્ટિ પડે તેનું કામ થાય. જીવભાવ ભેદવાની શક્તિ આવી, પરિણામ બોલે છે. દીદીને પારકું- પોતાનું નથી. સમાજનાં થઈને જીવે છે જતન કરે છે. તો સૌને વગર મૂંઝવણે સ્થિતિ થાય તેવું કરી આપે. બુધ્ધિયોગ આપે કાં રૂડા સાધુનો જોગ આપે. બધાને સૂઝ પડે તેવું જતન કરે તેવી પ્રાર્થના ને આશીર્વાદ. પપ્પાજીના આશીર્વાદ લઈને ૧.૩૦ વાગ્યે સભા ભાવોર્મિ સાથે માંડ માંડ પૂરી થઈ હતી.

૨. સાંજે ૫.૦૦ થી ૮.૦૦ પ.પૂ.દેવીબેનનો અમૃત પર્વ

સાંજે પ.પૂ.દેવીબેનનો અમૃત પર્વ ઉજવવા સહુ અમૃત કલશ લઈ રાસની રમઝટ વરસાવતા દેવીબેનના સ્વાગતમાં થનગની રહ્યાં હતાં. જયઘોષણાના આનંદ સાથે હૉલ ગાજી ઉઠ્યો. સ્ટેજ પર દાસત્વભક્તિ સભર દેવીબેનને સ્વરૂપોએ વધાવ્યાં. ને આવાહન શ્ર્લોક થયા. આત્મનિષ્ઠા, સ્વરૂપનિષ્ઠા અને સ્વધર્મનું આદર્શ ભવ્ય સ્વરૂપ એટલે પૂ.દેવીબેન.

૧. આત્મનિષ્ઠા – કદીય ઓશિયાળા નથી કર્યા. બીમારીમાં તારદેવ સાધનામંદિરમાં આરામ ક્યાં કરવો ? તો નાની કોઠારની ઓરડીમાં અડધી ગાદીમાં સૂઈ જાય અને ભજન ગૂંજે. ‘અમારા વંદન હે બાપા તમને…’ સાધુતાની અજોડ મૂર્તિ.

૨. સ્વરૂપનિષ્ઠા – નિષ્કુળાનંદ સ્વામીનું દર્શન થાય. તેવી પ્રત્યક્ષની નિષ્ઠા. આદિ અનાદિનું ભવ્ય સ્વરૂપ સહુની સાથે સમય-સંજોગ પ્રમાણે જે પાત્ર ભજવવું પડે તે ભજવી સહુમાં પ્રભુની પ્રસન્નતાનું ધ્યેય.

૩. સ્વધર્મ – જે પળે જે સ્વધર્મ હોય તે પાળ્યો. આવ્યાં ત્યારથી જ નક્કી કર્યું કે ‘હું આ ઘરની દાસી’ પછી ગમે તેવી પરીક્ષામાં હસતા મુખે સાધના કરી. આજ્ઞામાં ‘પોપટ ભૂખ્યો નથી પોપટ તરસ્યો નથી, પોપટ આંબાની ડાળે ઝૂલ્યા કરે, મજા કરે.’ આ સંદેશાથી અંતરની હાશ લીધી. મંગુ બની બુધ્ધિ ને હૈયું બંધ કરી જીવ્યાં. એવાં પ.પૂ.દેવીબેનને સમગ્ર જ્યોત તરફથી પૂ.સવિબેન જી. એ હાર અર્પણ કર્યો ને લાભ આપ્યો. સમગ્ર સમાજ તરફથી પૂ.જયદેવભાઈ અને પૂ.આશાભાભીએ પુષ્પહાર અર્પણ કર્યા. ગુણાતીત પ્રકાશ તરફથી પૂ.અતુલભાઈ ભટ્ટે પુષ્પગુચ્છ અર્પણ કર્યું. સર્વ સ્વરૂપોને સ્મૃતિસભર કરે તેવા પુષ્પહાર સંબંધિત ગૃહસ્થભાભીઓએ અર્પણ કર્યા. જ્યોત કેન્દ્ર નં.૭૫ પૂ.ચારૂબેન સી. એ કલામય પુષ્પ અને મુગટ અર્પણ કર્યાં. તેમના ભાવોને સ્વીકારી આનંદમય વાતાવરણ થયું. પળેપળે દેવીબેને ગુરૂને જ પ્રથમ રાખ્યા છે તો આપણેય પ્રથમ તેમનાથી જ પ્રારંભ કરીએ. પ.પૂ.જ્યોતિબેને આશીર્વાદ આપતાં કહ્યું આજે દેવીબેનનું સ્વરહિતનું દર્શન થયું. જે કંઈ પહેરાવ્યું, જેમ ઉભાં રાખ્યાં તેમ સ્વીકાર્યું, ગ્રહણ કર્યું નહીં, તો એ neglect જ કરે. પણ ધન્યવાદ. એમનું અખંડ ભગવાનમાં જ વિહાર કરવાનું જ લક્ષ્ય છે. આપણે પણ પ.પૂ.દેવીબેનની જેમ આશરો રાખી કેવળ તુંહી તુંહી કરતા થઈ જઈએ. લંડન જ્યોત તરફથી પૂ.વસુબેને હાર અર્પણ કર્યા. ત્યારબાદ પૂ.અક્ષિતભાઈ શાહ, પૂ.સંદીપભાઈએ તથા પૂ.દક્ષાબેન પટેલે વિસ્તૃત રીતે પોતાના જીવનમાં ગુરૂહરિ પપ્પાજી અને પ.પૂ.દેવીબેનની જે જે અનુભૂતિ થઈ હતી તેની વાત કરી હતી. પૂ.ઉર્મિબેન પટેલ (વડોદરા) અને પૂ.ઋશિતભાઈ (અમદાવાદ) એ ભાવાર્પણ કર્યા.

{gallery}/images_in_articles/newsletter/2012/June/030612 – P.P.Devibens 75th BDay{/gallery}

પૂ.આનંદીદીદીના હસ્તે ‘સર્જકનું અદ્દભુત સર્જન’ પુસ્તકનું અનાવરણ નવદિક્ષિત પૂ.ઋજુબેને કરાવ્યું. પૂ.આનંદીદીદી – પાંચ મંગલપર્વોમાં લાભ લેવાનો મળ્યાં તેનો આનંદ છે. જગતમાં એક ગ્રંથ છે. જ્યારે અહીં એક એક વ્યક્તિના એક એક ભાગવત બને તેટલા અનુભવો છે. પાયાની ઈંટ બનેલા જે આ ચાર સ્વરૂપો છે એમણે ઉપદેશથી નહીં પણ જીવન જીવીને સત્સંગ કરાવ્યો છે. મેં આ પુસ્તક હાથમાં લીધું ને પાનું નીકળ્યું તે ૨૭.૮.૮૭ નો પપ્પાજીનો પત્ર તેમાં જ આખું જીવન આવી ગયું. પછી બીજું ખોલી જોયું તો ‘આપણે શું કરવા આવ્યા છીએ ને શું કરીએ છીએ?’ એ પાનું નીકળ્યું. તો એમનું જીવન જ આપણને શીખવે છે. બાકી ગુરૂજીએ તો તેમને માટે ‘હિન્દુસ્તાનનું ભેજું’ તેવું કહ્યું છે. કારણ એમણે તો પ્રત્યક્ષ જોયા છે. પ્રખર બુધ્ધિશાળીને દાસ થવું અઘરૂં છે. પણ એમણે જીવી બતાવ્યું. કાકાજી કહેતા શીશ નામી વંદના. એનો અર્થ ગુરૂજીએ બતાવ્યો કે માથા ટેકતે હૈ means બુધ્ધિ સમર્પિત કરીએ છીએ. એને શીશ નામી કહેવાય. પછી બકરીના કોટે હીરો ઝવેરીએ ઓળખાવ્યો તે વાર્તા કહીને કહ્યું કે બહારના કાર્યથી મૂલ્યાંકન નહીં થાય. તત્ત્વથી ઓળખો કઈ ચેતના પર કામ કરી ગયા. તે ગુણાતીત ભાવ. બ્રહ્મતત્ત્વ જ વૃત્તિ ટાળી શકે છે. હરેક જીવમાં આ સ્વરૂપોએ આવું કાર્ય કર્યું છે. પપ્પાજીએ સંબંધમાત્રે જીવોને બ્રહ્મરૂપ કર્યા છે. સ્ત્રી શક્તિને અખંડ ગુણાતીત ભાવમાં રહેતાં કરી અનોખા હીરા આપ્યા છે. તે આપણને હીરા બનાવીને જ છોડશે. માટે નિશ્ચિંત રહીએ. તેવું જ પ.પૂ.દીદીનું માહાત્મ્ય ગાયું કે દીદી બધા માટે આદર્શ છે. ગુરૂજીમાંથી જે કંઈ આવે તે પ્રમાણે દીદી હંમેશાં વર્તે. કુટુંબની ભાવનાનાં તેમાં દર્શન કરાવ્યાં છે. ત્યારબાદ પૂ.ભારતીબેન દેલવાડીયાએ ગુણાતીત સમાજનાં બા સમાન પ.પૂ.દીદી અને પ.પૂ.દેવીબેનને ગુણાતીત ધ્વજ સહિત પુષ્પહાર અર્પણ કર્યો.

ભાવાર્પણ અને કેક અર્પણ થયાં. સાથે ભજન ગવાયું.

Long live (2) Laxmidevi

Happy platinum jubilee

Wonderful Divine Pappa Devi

We want your century.

આ સાંભળી પ.પૂ.દેવીબેને ઈશારાથી ને ધીમેથી O.K. કહ્યું. ત્યારબાદ શાશ્વતધામના સહુ સેવકોનું બહુમાન બહેનોનું પ.પૂ.દીદીએ અને ભાઈઓનું પૂ.દિલીપભાઈ પાસે કરાવ્યું. અત્યંત પ્રસન્નતા દાખવી પ્રસાદીના હાર અર્પણ કર્યા. પૂ.પૂજા મકવાણાએ સ્મૃતિલાભ આપ્યો કે હું અહીં બાયોટેકનોલોજી નું ભણવા આવી. કોલેજથી આવીને પ.પૂ.બેન સાથે વાતો કરૂં પણ બેનની તબિયતને કારણે હવે કોની સાથે વાતો કરૂં ? તેવું થતું, પણ હું કોલેજથી આવું એટલે દેવીબેન મને મળે ને પૂછે કે શુ કર્યું ? તેમાં મેં કહ્યું, આપણા શરીરના નાનામાં નાના સેલનું વિગેરે અમારે ભણવાનું હોય. તો એ કહે અમારા પણ એક નાના સેલમાં પપ્પા પપ્પા ના થાય ત્યાં સુધી અમારી study incomplete છે. તો આજે પ્રાર્થના કે મારા એક એક સેલમાં પપ્પાજી, બેન થયા કરે તેવું કરી આપજો.

ત્યારપછી ગુરૂહરિ પપ્પાજીએ આશીર્વાદ વરસાવ્યા કે બાએ-કાકાએ જે સાધના કેન્દ્ર કર્યું તેના પરિણામ આવ્યાં. નિમિત્ત અમે બન્યા પણ બાપ અનાદિના મુક્તોને લઈને જ આવેલા. બધા સદ્દગુરૂઓને આપણને બતાવવા તેઓ વરત્યા. પ્રભુ તરફની sincerity. No hows & whys ! તેમની સાથે આપણે પણ માન્યા એટલે માન્યા. પ્રભુને વફાદાર રહો. સૌ સ્વરૂપો પોતપોતાની રીતે પ્રભુના ગુલામ છે. પ્રભુ તેમનું નિયંત્રણ કરે છે. આપણે બે હાથ જોડી કહે તેમ કરો તો એના જેવા ગુણ આવી જાય. આધ્યાત્મિક બળ પમાડી દે, નિરંતર અક્ષરધામના હેવા પડી જાય તેવી પ્રાર્થના કરે જ છે. તો હવે સ્પેશ્યલ સંકલ્પ કરે એ જ પ્રાર્થના ને આશીર્વાદ. મારે તો ‘કલ્યાણ અમસ્તુ’ કરવાની જ સેવા છે.

લાગલગાટ સમૈયાના આ છેલ્લા દિવસે છેલ્લી પળે જ્યારે પ.પૂ.દેવીબેન બોલ્યાં ત્યારે કહે, આવી તપશ્ચર્યા કોઈએ નથી કરી. આત્મીયતાથી આનંદથી, તમે બધા ગરમીમાં આ એક સ્થાને બેસી આ લાભ લીધો. તમને ખૂબ ખૂબ ધન્યવાદ. પપ્પાજીને થેંક્સ. તેમણે બધું જ સારૂં રાખ્યું. મહારાજનું એનું એ જ તત્ત્વ પપ્પાજી રૂપે મળ્યું. તો પપ્પાજીની ને ગુણાતીત સ્વરૂપને એક જ રૂચિ છે કે સંબંધે સ્વરૂપ માની માહાત્મ્યેયુક્ત સેવા કરી લઈએ. ગુણ લઈએ. એટલું જ કરવાનું બાકી છે. પ્રાપ્તિ થઈ છે. ખૂબ નસીબદાર છીએ. કરવાનું છે એટલું જ કે સંબંધ છે !’ એમ કર્તાહર્તા પપ્પાજીને માનીએ, એકેએક વાતમાં આપણી કોઈ તાકાત નથી. બધાને કૃપામાં લાવ્યા છે. પછી ક્યાં કોઈનું જોવાનું રહ્યું ? સ્વભાવનું છેલ્લું આ સીધું ચઢાણ છે. ચઢો ને પડો. એવું આ જડ તંત્ર છે. ગૃહસ્થ પણ ભજે જ છે. તો પ્રભુ સુખ, શાંતિ, આનંદથી આ છેલ્લું સ્ટેજ જંપ મારવાનો છે. તે આ તમારી રીતે, તમારા વચન પ્રમાણે પંચામૃત અને ગુણાતીત જ્ઞાનનું નવનીત સાકાર થાય. આખા ગુણાતીત સમાજને હસતાં રમતાં ધામરૂપ બનાવી દેજો તેવી પ્રાર્થના કરી.

અંતમાં પૂ.ઈલેશભાઈએ જય ઘોષણા કરાવી સમૈયાની પૂર્ણાહુતિ કરાવી. સૌના અંતરમાં એકબીજાને ધન્યવાદ દેવાના ભાવો હતા. સમૈયાનું આયોજન કરનાર સંકલન સ્વરૂપો, પધારનાર હરિભક્તો, સર્વ પ્રકારની રહેવા, બેસવા, ખાવા, પીવાની અગવડ-સગવડમાં સૌનો સર્વ પ્રકારનો સાથ . સભા સંકલનમાં કોઈને લાભ મળ્યો, રહી ગયો, સર્વમાં સૌને દિવ્યભાવ, સમય મર્યાદાની તાણ, ગરમી, આવન-જાવન, જે કાંઈ કરવામાં ભીડો પડ્યો તેમાંય આનંદ અનુભવતા સર્વનો આભાર માન્યો. ધન્યવાદ વરસાવતા હતા. સાથે સાથે ક્ષમાયાચનાનો ભાવ વહી રહ્યો હતો. ‘પપ્પાજી સ્વરૂપદર્શન હીરક પર્વ’ની હરેક પળો સનાતન બની, આવતી પળોને સનાતન બનાવવાની પ્રેરણા બળવાન બની. સફળતા અર્પે એ ભાવે સૌને ભાવભર્યા જય સ્વામિનારાયણ.

આજે પપ્પાજી સ્વરૂપદર્શન હીરક પર્વની પૂર્ણાહુતિ થઈ ! તેમાં પપ્પાજીનું કાર્ય છે એવા પોતાને દાસના દાસ (હંમેશ) માનનાર પ.પૂ.દેવીબેનનો સમૈયો છેલ્લો થયો જેની સ્મૃતિનું ભાથું મન પટ પર રમતું રહેશે. તે ઉપર એક પ્રેક્ટીકલ સ્મૃતિ છે. જ્યોતમાં આ સમૈયા ઉનાળાને લીધે થયા. જગ્યા ઓછી ! સમાવેશ માટે L.C.D પાછળ મૂકેલા. જેના દ્વારા પ્રભુકૃપા સુધી દર્શન લાભ મળી શકતો હતો. સભામાં પુષ્પહાર અર્પણ થતાં હતાં. ત્યારે પ્રભુકૃપામાં પધારેલ એક સ્વામી સ્વરૂપભાઈએ આ દર્શનનું માહાત્મ્ય દર્શાવતાં કહ્યું કે “જીવનના અંત સમે પણ આમાંનુ કાંઈ યાદ રહી જશે તેનું પણ કલ્યાણ. આમ, આવેલા મુક્તો ઉપરાંત ‘પપ્પાજી માર્ગ’ ઉપરથી પસાર થનાર જનસમુદાયનું પણ કલ્યાણ કરનાર સ્વામિનારાયણ ભગવાન અને ગુણાતીત સ્વરૂપોને પાયલાગણ સહ જય સ્વામિનારાયણ. આમ, આજે રાત્રે ૯.૩૦ વાગ્યે પપ્પાજી સ્વરૂપદર્શન હીરક પર્વની પૂર્ણાહુતિ થઈ હતી. પ્રભુકૃપા પરની રોશની જાણે આવજો કહીને ઝગમગી રહી હતી.

તાપ છતાંય ગરમી નહીં, સીઝન છતાંય વરસાદ નહીં.

ઝીણી બીક સાથે પ્રાર્થના વહી, પ્રભુએ કૃપા કરી નિર્વિઘ્ને,

સુખદ રીતે પૂર્ણ થયો પપ્પાજી સ્વરૂપદર્શન હીરકપર્વ.

Thank you સ્વામિનારાયણ ભગવાન Thank you ગુરૂહરિ પપ્પાજી મહારાજ

Thanks સર્વે ગુણાતીત સ્વરૂપોને Thanks પધારેલ વ્હાલાં સ્વરૂપો, મુક્તોને

Thanks સાથે ક્ષમાયાચના કરે છે સમૈયા સંકલન સમિતિ વતી સેવક P.71 ના જય સ્વામિનારાયણ.

(૩) તા.૬/૬/૧૨ સુરત જ્યોત શાખા મંદિરનો રજત સ્થાપનાદિન

ગુરૂહરિ પપ્પાજીએ તો પૃથ્વી પર પધારી નદીના નિર્મળ નીર જેવું અને ઊંડા પાણી જેવું છૂપું કાર્ય કર્યું છે. તેનું દર્શન એટલે જ્યોત શાખા દર્શન.

આજે સૂર્ય સમ પ્રકાશમાન એવી સુરત જ્યોતશાખાના રજત જયંતી પર્વની ઉજવણી સાંજે ૪.૩૦ થી ૮.૦૦ સંયુક્ત સભામાં થઈ હતી. વિદ્યાનગરથી પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.જસુબેન, પૂ.દયાબેન વગેરે સ્વરૂપો, પરદેશથી પધારેલ પૂ.દિલીપભાઈ અને લંડનના મુક્તો તથા પૂ.ઈલેશભાઈ અને ભાઈઓ વગેરે સુરત સમૈયામાં પધાર્યા હતા. દક્ષિણ ગુજરાતની ધરતીમાં પ.પૂ.જસુબેન, પૂ.તરૂબેન, પૂ.મીનાબેન અને પૂ.બહેનોએ ખૂબ ભીડો વેઠી ખેતર ખેડી બી વાવ્યા છે. અને પૂ.વિરેનભાઈ, પૂ.પિયૂષભાઈ અને વ્રતધારી ભાઈઓ તેમજ પૂ.મીનાબેન દોશી અને સંત બહેનો તથા પૂ.અનિલાબેન, પૂ.મગનબાપાએ છેલ્લા ૧૫ વર્ષમાં કાર્ય કરીને જે જોશ અર્પ્યું છે તેના પરિણામનું દર્શન આજના સમૈયામાં થયું હતું અને

તે પણ આધુનિક ટેકનોલોજી દ્વારા, આધુનિક રીતે સાધના કરી રહેલા નવયુવાનોનો સાથ લઈને વૈજ્ઞાનિક, બુધ્ધિશાળીને પણ અપીલ કરે તેવું દર્શન નવીન રીતે સમૈયો કરીને કરાવ્યું હતું. અત્યારના યુગમાં પ્રિપ્લાન ખૂબ અગત્યનું ગણાય છે. થોડા સમયમાં વધુ સારું આપી શકાય તે માટે પૂર્વ તૈયારીની રીતને અપનાવીને આજના સમૈયાને સુવર્ણ બનાવ્યો હતો. પપ્પાજીના હીરક સાક્ષાત્કારના સમૈયા પછી તરત જાણે સુરત જ્યોતનો સ્થાપનાદિનનો સમૈયો હતો. શાશ્વત ધામની સેવા અણીના સમય સુધી ચાલતી હતી તે ચૂક્યા વગર પૂ.વિરેનભાઈ, પૂ.મીનાબેન પાર્ટીએ પૂર્વ તૈયારી કરી લઈને આ સમૈયો અદ્દભૂત રીતે ઉજવ્યો હતો. અગાઉ થયેલ સુરત જ્યોતના સમૈયાની વારીમાંથી વિડીયો ક્લીપ્સ એકઠી કરીને ઐતિહાસિક રીતે પ્રેક્ટીકલ વાત સભામાં સ્ક્રીન પર માણી. તેમજ સ્ક્રીન પર દર્શન તેમજ યુવકો અને ગૃહસ્થોના ડાયલોગ દ્વારા જે રજૂઆત થઈ તેમાં ૨૫ વર્ષની વાત ૪ કલાકમાં પૂર્ણ રીતે માણી હતી. આ સમૈયાનું લાઈવ દર્શન વેબસાઈટ પર આપણે માણ્યું હતું. તેની શાતા સાથે અહીં સમાપન કરીએ છીએ.

(૪) તા.૧૦/૬/૧૨ રવિવાર પ.પૂ.પદુબેનની હીરક જયંતી

ગુરૂહરિ પપ્પાજીના કાર્યની જ્યારે હીરક જયંતી “પપ્પાજી સ્વરૂપદર્શન હીરક પર્વ” રૂપે આપણે ઉજવી રહ્યા છીએ. ત્યારે જ પદુબેનનો હીરક પર્વ આવ્યો. આ કેવો સુંદર સુયોગ છે. આમેય P રાશિનો સુયોગ પદુબેનમાં છે જ. આત્માની ઐક્યતા પૂર્વજન્મથી છે તે વાત જૂના મુક્તો ૧૯૭૭ ઉભરાટની શિબિર વખતથી જાણીએ છીએ અનુભવીએ છીએ, અનેક્વાર ગુરૂહરિ પપ્પાજીના મુખેથી પદુબેન વિશેની વાતો સાંભળી છે. ગુણાતીત ભાવનાં દર્શન કરાવ્યાં છે. પરલોકી ર્દષ્ટિ જોવાની પપ્પાજીએ શીખવી છે. એવા પ.પૂ.પદુબેનનો હીરક પર્વ આજે જ્યોતના પ્રાંગણમાં મંગલ પ્રભાતે સંયુક્ત સભામાં “ ન ભૂતો ન ભવિષ્યતિ” ના જેવો અદ્દભુત ઉજવાયો હતો. આશ્રિત ભક્તોએ રાતદિન ખૂબ જ શ્રમ કરી ગુરૂભક્તિ અદા કરી હતી અને ગુરૂભક્તિનું દર્શન કરાવ્યું હતું. ફક્ત આ સમૈયા પૂરતું નહીં. પરંતુ આ હીરક વર્ષના દર મહિને વિધ વિધ રીતે બહેનોની સેવા કરાવડાવી જમાડવાના વગેરે કાર્યક્ર્મ ગોઠવીને પપ્પાજીનું સૂત્ર પોતાના તરફ અને પોતાના હોય તેના તરફ સાધુની ર્દષ્ટિ અને અન્ય સદ્દગુરૂઓ અને તેના સંબંધીઓ તરફ પ્રભુનો ભાવ રાખી તેની સેવા કરાવવી. એ વાત તીથલ શિબિરથી પપ્પાજી કહેતા અને એ રીતે અન્યોન્ય સંપ, સુહ્રદભાવ અને એકતા તથા “માહાત્મ્યની ખેંચાખેંચ એ અક્ષરધામ” એ સૂત્રોને સાકાર કરવાનું દર્શન હીરક વર્ષ દરમ્યાન કરાવ્યું. તેમજ પપ્પાજીનું જે જ્ઞાન તેમાં મન, બુધ્ધિ ને ચિત્ત પરોવીને તેનું યોગ્ય લખાણ હસ્તલેખિત પુસ્તકરૂપે બહેનો પાસે તૈયાર કરાવ્યું છે. સર્વે સદ્દ્ગુરૂ વિષેનો મહિમા લખાવી પપ્પાજીના નાના વચનને મોટું કર્યું છે.

{gallery}/images_in_articles/newsletter/2012/June/100612 PPPaduben hirak parva{/gallery}

પ.પૂ.પદુબેન વિષે ગુરૂહરિ પપ્પાજીના મુખે ઘણી વાત સાંભળી છે. તેમાં મુખ્યત્વે તે પૂર્વના છે. જો આપણે પણ આ જન્મે જેટલું કરી લઈશું તે આવતા વખતે કેરીફોરવર્ડ થશે. એ વાતનું જો સાકાર સ્વરૂપ જોપ હોય તો તે પદુબેન છે. પ.પૂ.પદુબેને પ્રથમ મુલાકાતે જ પ્રત્યક્ષ ગુરૂહરિની પ્રભુના ભાવની નિષ્ઠા થઈ ગઈ હતી. બાકી સાધના કરીને બળને પામ્યા પછીથી ધીમે ધીમે ગ.પ્ર.૬૨, ગ.મ.૧૩ અને સંજીવની મંત્રના ૧લા મુદ્દા પ્રમાણેની નિષ્ઠા થતી હોય છે. જ્યારે પદુબેન માટે એવી કોઈ સાધના જ નહોતી, કારણ તેમને પહેલેથી જ મનાઈ ગયું છે અને તે ભૂમિકામાં તેઓનું આંતરિક ગુણાતીત વર્તન છે. એટલે જ પદુબેન એક વિશેષ સ્વરૂપ તરીકે છે. જેને લૌકિક અલૌકિક ભૂમિકાથી પર આધ્યાત્મિક ભૂમિકા એ જ સમજમાં આવી શકે. એવાં પ.પૂ.પદુબેનના સમૈયાનું ખૂબ સરસ ડેકોરેશન હૉલમાં હતું. પદ્મમાં હીરા શોભતા હતા. માહાત્મ્ય સ્વરૂપ એવાં પ.પૂ.પદુબેનની હીરક જયંતી ખૂબ સરસ રીતે ઉજવાણી હતી. જેનો દર્શન લાભ આપે વેબસાઈટ પર આપના ટાઈમે લીધો હશે. તેથી અહીં વિરમું છું.

(૫) તા.૧૨/૬/૧૨ મંગળવાર પ.પૂ.કાકાશ્રીનો પ્રાગટ્ય પર્વ

પૂ.બાવનજીબાપાનું અક્ષરધામ ગમન

૧.આજનો કેવો ભવ્ય દિવસ. પૂ.બાવનજીબાપા માટે આ દિવસ પ્રભુએ પસંદ કર્યો. અને મંગલ પ્રભાતે ૬.૦૦ વાગ્યે પૂ.બાવનજી બાપા તેમના આશ્રમ નિવાસમાં (અનુપમમાં) અક્ષરધામ સીધાવ્યા હતા. જ્યોતની રખેવાળીની સેવા માટે આવેલા ! સમર્પણ ભાવે એક નિષ્ઠાથી સેવા બજાવી તેના ફળસ્વરૂપે ગુરૂહરિ પપ્પાજીની કૃપા થઈ અને તેઓની પ્રાર્થના સાંભળીને તેઓને ગુણાતીત પ્રકાશનું વ્રત મળ્યું હતું. વ્રતધારી રહી, છેલ્લી મોટી બીમારીમાં ભળ્યા વગર “હસતા મુખે હરિ સંભારતા સફળ કરી ગયા આ રે જનમ…” એવા પૂ.બાવનજીબાપાની અંતિમ ક્રિયા સંબંધીઓ અને ભક્તો પધારી ગયા બાદ સાંજે ૪.૦૦ વાગ્યે થઈ હતી. મોટેરાં સ્વરૂપો ! ભાઈઓ, સંતો તથા ગૃહસ્થ મુક્તોએ પૂ.બાવનજીબાપાને પુષ્પાર્પણ કરી, પ્રદક્ષિણા આરતી કરીને અંજલિ અર્પી હતી.

૨. આજની રાત્રિ સભા ૮.૩૦ થી ૧૦.૦૦ પંચામૃત હૉલમાં કાકાશ્રીના પ્રાગટ્યદિન નિમિત્તેની કીર્તન આરાધના સાથે સંયુક્ત સભા થઈ હતી. પૂ.ઈલેશભાઈ અને ભાઈઓએ તેમજ બહેનોએ કાકાશ્રીનાં ભજનો ગાયા હતાં.

૧લી જૂનના સમૈયાઓ થયા છે તે જાણે ૧લી જૂન નિમિત્તેના જ હોય તેવું કન્ટીન્યુ દિવ્ય વાતાવરણ રહ્યું હતું. પપ્પાજીનં અખંડ પ્રગટપણું છે જેથી જરાય સોપો પડવા દેતા નથી. સૌને ભજન-સેવા-કથાવાર્તા સાથે આપમેળે ભર્યા રાખે છે. એ એમની કૃપા છે. એ કૃપાની ધન્યતાના ભાવ સાથે જૂનના પ્રથમ પખવાડિયાના જય સ્વામિનારાયણ.

અત્રે પ.પૂ.બેન, પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.દીદી, પ.પૂ.દેવીબેન, પ.પૂ.જસુબેન, પ.પૂ.પદુબેનની તબિયત સારી છે. તેઓના તથા બધા મુક્તોના આપ સર્વેને જય સ્વામિનારાયણ.

                                                                         એ જ જ્યોત સેવક P.૭૧ના જય સ્વામિનારાયણ.