01 to 16 Oct 2011 – Newsletter

                                            સ્વામિશ્રીજી                                                                                                                                            

જય ગુરૂહરિ પપ્પાજી

પરાભક્તિ પર્વની જય જય જય

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વ્હાલા અક્ષરમુક્તો ! પરાભક્તિ પર્વના જય સ્વામિનારાયણ !

તા.૧/૧૦/૧૧ થી ૧૬/૧૦/૧૧ દરમ્યાન જ્યોત સ્મૃતિ સંભારણાં માણીએ.

આખા સપ્ટેમ્બર માસ ભક્તિથી ભર્યો ભર્યો ગયો ! તેમાંય છેલ્લે આવી નવરાત્રિ ! તા.૨૮/૯ થી નવરાત્રિ શરૂ થઈ.

ગુરૂહરિ પપ્પાજીએ તહેવારોમાં નવીનતા લાવી, આધ્યાત્મિકતા ઉમેરી દરેક તહેવારની સ્મૃતિ આપી છે ! એ સ્મૃતિસહ નવરાત્રિના ૭ દિવસ રાત્રે રાસ-ગરબાનો આનંદ જ્યોતના બહેનોએ માણ્યો હતો.

 

સત્સંગી, સંબંધી , ગૃહસ્થ બહેનો-બાળકો સાથે નિત નવા ડ્રેસમાં  ઉમંગથી જ્યોતમાં પધારે. મોટેરાના સાંનિધ્યે અને દિવ્ય બહેનોની સંગાથે ભજનોના તાલે  રાસ અને ગરબા લેવાનો આનંદ માણે. બાળકોને દિવ્ય સ્વરૂપોની ગાડીનો આનંદ બહેનો કરાવે. અંતમાં આરતી અને વિધવિધ પ્રસાદનો બ્રહ્માનંદ માણી ૧૧.૦૦ વાગ્યે સહુ વિદાય થાય.

(૧) નવરાત્રિમાં તા.૧લીની કીર્તન આરાધના આવી. તે દિવસે ભજનોનો આનંદ માણ્યો હતો. પ.પૂ.બેન પણ સભામાં  પધાર્યા અને બિરાજમાન રહ્યા હતાં. આશીર્વાદ આપી ખૂબ રાજીપો બતાવ્યો હતો.

(૨) તા.૨/૧૦/૧૧ ના રવિવારે સ્વામી સ્વરૂપ પ.પૂ.પદુબેનનો સ્વરૂપાનુભૂતિદિન

સ્વામીસ્વરૂપ પ.પૂ.પદુબેનનો સ્વરૂપાનુભૂતિદિનની ઉજવણી ખૂબ સરસ રીતે પંચામૃત હૉલમાં થઈ હતી. પ.પૂ.પદુબેનનું જીવન આદર્શ  જીવન છે. અનાદિનું ગુણાતીત સ્વરૂપ ! ગુરૂહરિ પપ્પાજીએ પદુબેનના જીવન  ઉપરથી ઈ.સ. ૧૯૭૭માં પદ્મમાર્ગી સાધના માર્ગ કાઢ્યો છે. સ્વરૂપનિષ્ઠાનું સ્વરૂપ એટલે પદુબેન ! વચનામૃત ગ.પ્ર.૬૨, મધ્ય ૧૩ જેવી નિષ્ઠા પદુબેનના જીવનમાં સત્સંગની શરૂઆતથી જ હતી. માટે જ તેઓ અનાદિનું સ્વરૂપ છે. પદુબેનના જીવન વિષે પ.પૂ.દીદીએ, પ.પૂ.જસુબેન, પ.પૂ.દેવીબેન, પ.પૂ.મનીબેન વગેરેએ જૂની સ્મૃતિ સંભારણાના ઉદાહરણ સાથે મહિમાગાન કર્યું હતું. સાધક મુક્તોએ અનુભવ દર્શન કરાવી યાચના કરી હતી. નાના સાધકોમાં પદુબેને કેવું ગુણાતીત જ્ઞાન સીચ્યું છે ! તેનું દર્શન તેઓની વાતો ઉપરથી-વર્તનથી થયું હતું. પ.પૂ.બેન સભામાં દર્શન આપવા પધાર્યાં હતાં. પ.પૂ.પદુબેને પણ સ્વરૂપનિષ્ઠા અને પપ્પાજીના માહાત્મ્યની વાતો કરી હતી. સહુનેય આધ્યાત્મિક માર્ગદર્શન મળી રહે તેવી સરસ વાતો કરી હતી. જાણે જીવન જીવવાનું ભાથું બાંધી આપ્યું હતું.

{gallery}/images_in_articles/newsletter/2011/Oct/03.10.11 P.P.Paduben divineday{/gallery}

(૩) તા.૨/૧૦/૧૧ શિબિર સભા

સાંજે ૪.૦૦ થી ૭.૦૦ વિદ્યાનગર સ્થાનિક હરિભક્તોની એક શિબિર સભા પરાભક્તિ પર્વ નિમિત્તે થઈ હતી. જેમાં પૂ.દયાબેન, પૂ.હંસાબેન ગુણાતીત, પૂ.મનીબેન અને પૂ.ઈલેશભાઈએ પરાભક્તિ પર્વ નિમિત્તેની માહિતી, માહાત્મ્યેયુક્ત સેવા વિશે ખૂબ સરસ માર્ગદર્શન આપી, આધ્યાત્મિક લાભ ઉદાહરણ સાથે આપ્યો હતો. પ.પૂ.જશુબેન, પ.પૂ.દીદીએ આશીર્વાદ વર્ષાવી ધન્ય કર્યાં હતાં. ૭.૦૦ વાગ્યે ૯૫ દીવાની સંધ્યા આરતીનો લાભ પણ લીધો હતો.

{gallery}/images_in_articles/newsletter/2011/Oct/02.10.11 Parabhkti Shibir sabha{/gallery}

(૪) તા.૯/૧૦/૧૧ પપ્પાજી તીર્થ પર મહાપૂજા

તા.૯/૧૦/૧૧ રવિવારના રોજ સાંજે પપ્પાજી તીર્થ પર મહાપૂજા થઈ હતી. ‘પ્રથમ પ્રભુ પછી પગલું’ પપ્પાજીના સરલ સિધ્ધાંતે ગુરૂહરિ પપ્પાજીના ૯૫મા પ્રાગટ્ય પર્વ- પરાભક્તિ પર્વના સેવા શુભારંભે મંગલ મહાપૂજાનું આયોજન થયું. જેમાં જ્યોતનાં બહેનો, ગુણાતીત પ્રકાશના ભાઈઓ અને સ્થાનિક હરિભક્તોએ ભાગ લીધો હતો. ખૂબ સુંદર પ્રાર્થના થઈ ! “હે પ્રભુ ! ગુરૂહરિ પપ્પાજીની પ્રસન્નતાર્થે, ભક્તિ અદા કરવાના હેતુથી અમો આ સમૈયો ઉજવી રહ્યા છીએ. તો હે પપ્પાજી ! આપની રૂચિ પ્રમાણે ઉજવીએ એવું બળ આપજો. ઘર અને દેહને મંદિર બનાવવાનો આપનો સંકલ્પ છે તે આ સમૈયાનું સૂત્ર છે. તો સંપ, સુહ્રદભાવ અને એકતાથી નિર્વિધ્ને સરસ રીતે ઉજવાય તેવા આશીર્વાદ આપજો.” પ્રાર્થના સાંભળીને જાણે પપ્પાજી હાજર થઈ ગયા. અને પપ્પાજીએ ધ્વનિ મુદ્રિત આશીર્વાદ વહાવ્યા કે, જાણે આજ જ વાત કરતા હોય ! તેવી અનુભૂતિ સહુના અંતરે થઈ હતી ! પ.પૂ.દેવીબેન, પ.પૂ.જસુબેને પણ મન મૂકીને માહાત્મ્યેયુક્ત સેવાનું ફળ શું મળે છે ? તે વિષે આશીર્વાદ આપ્યા ! સેવા કરતાં પહેલાં ફળ આપી દીધું હોય તેવી પ્રસન્નતા પણ બતાવી સહુનેય ધન્ય કર્યા !

{gallery}/images_in_articles/newsletter/2011/Oct/09.10.11 mahapooja{/gallery}

(૫) તા.૧૦/૧૦/૧૧ પૂ.વિમળાબેન મોદી અક્ષરનિવાસી થયા.

બોરીવલી મંડળનાં ચૈતન્ય માધ્યમ ! આદર્શ સદ્દગુરૂ સ્વરૂપ એવાં પૂ.વિમળાબેન આર. મોદી આજે બપોરે બ્રહ્મલીન થયાં ! ‘જૂનું તે સોનું’ યોગીબાપા વખતના આ બંને વિમળાબેન અને રમણિકભાઈ ગૃહસ્થ સાધુ કે જેમને પ્રત્યક્ષની નિષ્ઠાને નિભાવી જાણી છે. ૧૯૬૩ થી એક્ધારી નિષ્ઠાથી જીવન જીવીને દેહ અને ઘરને મંદિર બનાવ્યું છે. પોતાનું તન, મન,ધન અને સર્વસ્વ ગુરૂહરિ પપ્પાજીના ચરણોમાં સમર્પિત કરીને એક સાધુ બનીને અનેકને પ્રભુ આપ્યા છે. પ્રત્યક્ષ ધામ, ધામી મુક્તોને ખૂબ મહિમાગાન કર્યું છે. મુંબઈ મંડળ એ તેઓની ભક્તિનું પરિણામ છે. સુખ-દુઃખમાં હરિભક્તો સાથે રહીને ભજન કરવા લાગ્યું છે અને સુખિયા કર્યા છે. ભજન કરતા કરી દીધા છે. કપરા કાળમાં દુકાળમાં કોદરા પૂર્યા છે.

{gallery}/images_in_articles/newsletter/2011/Oct/16.10.11 vimalaben modi ni Mahapuja{/gallery}

૧૯૬૬માં વિદ્યાનગર ગુણાતીત જ્યોતમાં ૫૧ બહેનોને પ્રથમ દીક્ષા આપી. તેમાં બોરીવલી મંડળનાં ૫ બહેનો છે ! જેમને પૂ.વિમળાબેને ગુરૂહરિની આજ્ઞાથી તૈયાર કર્યાં હતાં. તેમાં એક પોતાની જ ભત્રીજી પૂ.ભારતીબેન મોદી, બીજા ચારમાં પૂ.નલિનીબેન, પૂ.ભગવતીબેન, પૂ.કુંદનબેન અને પૂ.વસંતબેન હતાં. તે પછીથી ઘણાં બહેનોને ભગવાનને માર્ગે મોકલનાર એવા ગૃહસ્થોનું ઘડતર પૂ.વિમળાબેન અને પૂ.રમણિકભાઈ અદાએ કર્યું છે. તે માટે તેઓએ, સતત કથાવાર્તાનો અખાડો ! માહાત્મ્યેયુક્ત સેવાનો ઘસારો ! ભજન-ધૂન્ય અને નિર્દોષબુધ્ધિની ધૂણી ધખાવી ! ગુરૂહરિ પપ્પાજી અને સહુ સ્વરૂપોનો રાજીપો લીધો છે. સદ્દગુરૂઓ અને બહેનો-સંતોની સેવા કરીને મૂર્તિ લૂંટી છે. એવા અનંત ગુણ જેમના છે તેવાં વિમળાબેનનો અંતિમ શ્વાસ, અંતિમ ક્રિયાથી માંડીને પારાયણ, પ્રાર્થના સભા વગેરે પણ એવી જ વિશેષ રીતે બોરીવલી જ્યોતમાં ગુરૂ શ્રી જ્યોતિબેનના સાંનિધ્યમાં થયું. એટલું જ નહી ત્યારે જ વિદ્યાનગર ગુણાતીત જ્યોતમાં અંતિમ ક્રિયા વખતે ધૂન્ય તેમજ ત્રણ દિવસ પારાયણ થયું. તે પણ ઓહોહો ! જાણે શિબિર થઈ ગઈ ! તા.૧૬/૧૦/૧૧ ના રવિવારે સવારે ૧૦.૦૦ થી ૧૨.૦૦ વિદ્યાનગર ગુણાતીત જ્યોતમાં મહાપૂજા થઈ. તે પણ જાણે પરાભક્તિ પર્વના ભાગરૂપે થઈ ગઈ ! વ્રતધારી બહેનો, વ્રતધારી ભાઈઓ અને ગૃહસ્થો ભેગા મળીને અંજલિ અર્પણ કરી હતી. પૂ.વિમળાબેનનું જીવન જ ‘પરાભક્તિ’ રૂપ હતું. તેઓએ ખરા અર્થમાં ગુરૂહરિ પપ્પાજીને જીવન અંજલી અર્પણ કરીને ધન્યતા અનુભવી ન હોય ! હે પપ્પાજી ! આપનો સંકલ્પ “યાવત્ ચંદ્ર દિવા કરૌ, આ ગુણાતીત જ્યોત જ્વલંત રહો !” વિમળાબેનની જેમ ગુણાતીત જ્ઞાન પચાવી, વહેંચી શકીએ એવા રૂડા આશીર્વાદની યાચના સાથે સાથે આજે સાંજે તેઓનાં અસ્થિ પુષ્પ વિસર્જન મહીસાગર નદીએ થયું હતું.

(૬) તા.૧૫/૧૦/૧૧ સદ્દગુરૂ સ્વરૂપ પ.પૂ.હેમાબેનનો સુવર્ણ સાક્ષાત્કારદિન

વર્ષોથી શ્રી ગુણાતીત જ્યોતની પત્રિકાના તંત્રી રહ્યાં છે એટલે કે યોગીજી મહારાજનાં વચનો “ગુણાતીત જ્ઞાનના સંદેશા દુનિયા ભરમાં અહીંથી ફેલાશે.” એ વચનનાં નિમિત્ત બન્યા છે એવા પૂ.હેમાબેનના સુવર્ણ સાક્ષાત્કારદિને મંગલ પ્રભાતે જ્યોત દરવાજાનું  રિનોવેશન બાદ તેઓના શુભ હસ્તે ઉદ્દઘાટન થયું. આ સામાન્ય નથી પ્રભુ પ્રેરિત છે ! તે શું તો ? પૂ.હેમાબેન જાણપણારૂપ દરવાજે રહીને જ્યોત પ્રકાશન વિભાગમાં ખોવાઈ જઈને, જ્યોત દરવાજો છોડ્યો નથી. એવાં પૂ.હેમાબેનને ૫૦ વર્ષ પ્રભુ ભજવાના પ્રારંભ કર્યાને થયાં હોય ! એ ખૂબ મોટી વાત છે. ગુરૂહરિ પપ્પાજી અને ગુરૂ શ્રી જ્યોતિબેનનું અનોખું સર્જન આ હેમાબેન છે.

આજે મંગલ સભામાં ખૂબ નાના પાયા પર છતાંય આધ્યાત્મિક રીતે ખૂબ ભવ્ય રીતે પૂ.હેમાબેનનો સુવર્ણદિન પ.પૂ.દેવીબેનના સાંનિધ્યે ઉજવાયો હતો. ગૃહી-ત્યાગી સહુ અનુભવી વક્તાઓએ પૂ.હેમાબેનના અનેક ગુણોનું દર્શન કરાવ્યું હતું. પૂ.હેમાબેને દેહાતીત રહી મોટી બીમારી પ્રભુપ્રસાદ માન્યો છે.  ખૂબ નિર્માનીભાવે, બુધ્ધિશાળી છતાંય જાણપણે બુધ્ધુ બનીને ભક્તોમાં ખોવાઈને સુહ્રદ ભાવનાને જ્વલંત રાખી છે. ગુરૂહરિ પપ્પાજીએ સોંપેલી સેવા જીવનના અંત સુધી કરવાની ભાવનાને જ્વલંત રાખી છે. ગુરૂહરિ પપ્પાજીએ પણ ધ્વનિ મુદ્રિત આશીર્વાદ આપતાં રાજીપો બતાવી ખરી સાધનાનું દર્શન કરાવ્યું હતું.

{gallery}/images_in_articles/newsletter/2011/Oct/15.10.11 P.hemaben saxatkardin{/gallery}

આ ઑક્ટોબર મહિનો તો પરાભક્તિ પર્વની સેવાનો જ હોય ને ! તેથી કોઈ સમૈયા કે ભક્તિ કે આનંદના કાર્યક્ર્મ નહીં જ હોય ! પરંતુ આ મહિનાના પ્રથમ દિવસથી માંડીને આજ સુધી બસ ભર્યા ભર્યા દિવસો પસાર થયા છે. એ જ બતાવે છે શ્રી સ્વામિનારાયણ ભગવાન પ્રગટ ગુરૂહરિ પપ્પાજી તેમના અંશ સ્વરૂપો દ્વારા પ્રત્યક્ષ છે જ. “તગારાં, નગારાં ને તાવડા. સ્વામિનારાયણ ભગવાન લઈને જ પધાર્યા છે !” તે બંધ તો ના થાય, પરંતુ પકડીએ “તગારાં, નગારાં ને તાવડા. કારણ હવે તો નજીક આવી દિવાળી ! અને તે પછી દેવદિવાળીએ આવ્યો પરાભક્તિ પર્વ ! વ્હાલા ગુરૂહરિ પપ્પાજીનો ૯૫મો પ્રાગટ્ય પર્વ ! તો તા.૧૧, ૧૨, ૧૩ નવેમ્બર. શુક્ર, શનિ, રવિ. લાભ લેવા તા.૧૦મીએ સાંજથી જરૂરથી પધારી જાજો હં. આપ સર્વે સહકુટુંબ મિત્ર મંડળ સાથે જરૂરથી પરાભક્તિ પર્વે પધારજો ! પધારજો ! પધારજો !

આપણે ભેગા મળી ગુરૂહરિ પપ્પાજીના ગુણગાન ગાઈશું. આનંદ કરીશું. સ્વરૂપો દ્વારા પપ્પાજીના સ્વરૂપને વધુ પિછાણીશું. પપ્પાજીને રાજી કરવાની કળા શીખીશું. પપ્પાજીની નજીક વધુ જઈશું. O.K. આવો પધારો

વેલકમ !!!

વિજ્ઞપ્તિ :- અનિવાર્ય સંજોગોમાં ના પધારી શકો તો મનોમન (માનસી ફ્લાઈટમાં) પધારી જજો. તેમજ ઉત્સવ પણ તમારે ઘરે પધારશે. “ઘેર બેઠા ગંગા” વેબસાઈટ દ્વારા દર્શન કરજો.

વેબસાઈટ એડ્રેસ – 1.www.gunatitjyot.org  2.www.parabhaktiparva.com

                                                                    આવજો. જય સ્વામિનારાયણ !

                                                                                 લિ. જ્યોત કિરણ P.૭૧ ના જય સ્વામિનારાયણ !