01 to 20 May 2012 – Newsletter

                    સ્વામિશ્રીજી                         

જય ગુરૂહરિ પપ્પાજી, પપ્પાજી સ્વરૂપદર્શન હીરક પર્વની જય જય જય

ગુરૂહરિ પપ્પાજીના સંબંધ પામેલ વ્હાલા અક્ષરમુકતો, જય સ્વામિનારાયણ !

આજે અહીં આપણે ૧ થી ૨૦ મે ની જ્યોત સમૈયાની સ્મૃતિનો આનંદ માણીશું.

તા.૧/૫/૧૨ કીર્તન આરાધના

દર તા.૧લીની કીર્તન આરાધના સાંજે ૭.૩૦ થી ૯.૦૦ રાબેતા મુજબ, પરંતુ ખૂબ ભક્તિભાવ પૂર્વક થઈ હતી.

 

આ પત્રના અનુસંધાને જણાવવાનું કે બે બીજી બહેનોના વિદાય સમારંભ આ મે મહિના દરમ્યાન થયા હતા.

 

તા.૮/૫/૧૨ મંગળવાર

પૂ.પ્રીતિબેન (પ્રજ્ઞાબેન) કાનાણી ને સુરત તેમના ગામે માતા પૂ.નબુબેન અને પિતા પૂ.હિંમતભાઈએ પંચવટી A.C હૉલ રાખીને લગ્નપ્રસંગની જેમ  ધામધૂમથી ભગવાન ભજવા માટેનો વિદાય સમારંભ યોજ્યો હતો. પૂ.કલ્પુબેન દવેએ દિવ્યતાસભર મહાપૂજા કરી હતી. સગાં-સંબંધીઓ સહુનેય આમંત્રણ આપેલું. સર્વેએ આ મહાપૂજાનો લાભ લીધો હતો. અને સર્વની હાજરીમાં સમર્થ સદ્દ્ગુરૂ સ્વરૂપ પૂ.તરૂબેન ને પૂ.પ્રીતિબેનની જવાબદારી સોંપી હતી. ૬૦ બહેનો તેમને લેવા વિદ્યાનગરથી સુરત ગયાં હતાં. પૂ.પ્રીતિ છેલ્લા પાંચ વર્ષથી પૂ.તરૂબેનનું સેવન-સિંચન પામી રહી છે. અને આજ્ઞાથી દાહોદ શિક્ષિકા તરીકે કર્મયોગ કરી રહી છે. અને પપ્પાજીના પ્રત્યક્ષપણાના અનુભવ કરી રહી છે. તેવી પૂ.પ્રીતિએ તેમના યાચના પ્રવચનમાં સગા-સંબંધીઓ સહુનેય ઉદ્દેશીને જણાવ્યું કે “તમો કોઈ મારી ચિંતા ના કરશો, પપ્પાજી મારી સાથે અખંડ છે જ. હું તેનો સતત અનુભવ કરું છું.” વગેરે વાત સાંભળી સર્વને પપ્પાજી અને જ્યોતની ગુપ્ત પીછાણ થઈ ! વળી, અગત્યની વાત તો એ હતી કે, માતા-પિતા, સગાં-સંબંધીઓ સર્વે સ્વામિનારાયણના હરિભક્ત છે. કુંડળ મંદિરના અનન્ય સેવક છે. છતાંય તેઓ જ્યારે પોતાની દીકરીને રાજી ખુશીથી ગુણાતીત જ્યોતમાં ગુરૂહરિ પપ્પાજી અને તેમના થકી તૈયાર થયેલા સદ્દગુરૂઓના ચરણે ભગવાન ભજવા મોકલી રહ્યાં છે. એ તો સ્વામિનારાયણ ધર્મની પણ ખૂબ આંતરિક પ્રગતિનું આ પરિણામ છે.

મહારાજે વચનામૃતમાં કહ્યું છે કે, અમને બુધ્ધિશાળી ગમે. તે બુધ્ધિ કઈ ? તો ચોજાળી બુધ્ધિ નહીં, પરંતુ જે બુધ્ધિને વિષે મહારાજ ક્યાં ક્યાં છે ? તેનો પ્રકાશ પડે અને તેનો સ્વીકાર કરીને તેમાં ભળી શકે તે સાચી બુધ્ધિ ! તર્કવિતર્ક કર્યા વગર અને પોતાના ધર્મનો જ સચ્ચાઈનો જ કક્કો પકડી રાખીને બીજાને ઉતરતા ગણવા એ પણ એક અહંકાર જ છે. એ અહંકારથી પર જઈને એકમેકની રીતને માન્ય કરીને ભળવું એ ખૂબ મોટી વાત છે. એ સાચી બુધ્ધિ છે. ગ.પ્ર.૧૬ વચનામૃત પ્રમાણેનો સત્-અસત્ નો વિવેક છે. એવી સમજણ ધરાવનાર પ્રજ્ઞાબેનનાં માત-પિતા, સગાં સંબંધીઓને ખૂબ ધન્યવાદ છે. મહારાજ ખૂબ રાજી થતાં હોય. પપ્પાજીની પ્રસન્નતા પણ આવી સર્વદેશીય સમજણમાં છે. સંપ, સુહ્રદભાવ અને એકતામાં છે. આવું જ્યાં હોય ત્યાં મહારાજનો વાસ હોય જ. અને ખરેખર એવી અનુભૂતિ ત્યાં હાજર સહુ કોઈનેય થતી રહેતી હતી. વળી, ગુરૂહરિ પપ્પાજીનું કાર્ય જ્યોતની શાખાઓ ખોલીને ત્યાં પૂ.તરૂબેન, પૂ.મીનાબેન દોશી જેવા સાધુગુણે યુક્ત સદ્દગુરૂઓ મૂક્યા છે. એવા ગુણાતીત પ્રકાશના ભાઈઓ તૈયાર કર્યા છે. તેમજ ગૃહસ્થ ચૈતન્ય માધ્યમો તૈયાર કર્યા છે. એવા એક પૂ.રંભાબેન, પૂ.રવજીભાઈ પટેલ છે. તેના સગાંમાં જ આ પ્રીતિબેન છે. તેથી તો તેમને નાનપણથી જ આવા સંસ્કાર મળ્યા છે. જ્યોતનો સંબંધ પામી છે અને એવી સર્વદેશીય સમજણ પૂ.રંભાબેન, પૂ.રવજીભાઈની પણ છે. આમ, સુરત જ્યોતનાં વડીલ સ્વરૂપો તેમજ ચૈતન્ય માધ્યમોને આ આભારી છે. પપ્પાજીનું આ પૃથ્વી પરનું કાર્ય છે. પૃથ્વી પરનું પ્રગટપણું છે. પ્રભુ ! આપની કૃપા અપરંપાર છે.

તા.૧૩/૫/૧૨ રવિવાર

પૂ.અદીતિબેન ઠક્કર નો વિદાય સમારંભ મુંબઈમાં સાંઈ પ્લાઝા હૉલમાં થયો હતો. માતા પૂ.નીનાબેન અને પિતા પૂ.હર્ષદભાઈ ઠક્કરની વ્હાલસોઈ સંસ્કારી દીકરીને એરહોસ્ટેસ થઈ દુનિયામાં આગળ વધવાના કોડ ૧૦ વર્ષ પહેલાં હતાં. સરસ ભણતર B.A. B.ED મુંબઈમાં ચાલુ હતું. માત-પિતાને પપ્પાજીનો આશરો, જ્યોતનો જોગ અને જ્યોતિબેન, સવિબેન જેવા સદ્દ્ગુરૂ સ્વરૂપોનો સમાગમ હતો. દીકરી અદીતિ વેકેશનમાં વિદ્યાનગર શિબિરમાં આવતી. પપ્પાજીનાં દર્શન કર્યાં. પૂર્વનો જબરજસ્ત ભક્ત આત્મા હશે. જેથી પળમાં તે મીરાંબાઈ બની ગઈ. કેરિયર છૂટી ગઈ ! સાપ જેમ કાંચલી ઉતારે તેમ અદીતિએ જગત છોડીને જ્યોતમાં સેવા સમાગમ માટે આવી ! નિર્દોષ બાળકોને ઈંગ્લીશમાં ભણાવવાની નિર્દોષ સર્વિસ (કર્મયોગીના ભાગરૂપે) અહીં વિદ્યાનગર રહીને આણંદ D.N. આણંદ હાઈસ્કૂલમાં કરી રહી છે. અને જ્યોતની નામના વધારી રહી છે. એ રીતે ગુણાતીત જ્ઞાનના સંદેશા દુનિયાભરમાં વર્તનથી ફેલાવે છે. એવી પૂર્વની અદીતિનો વિદાય સમારંભ મુંબઈ જેવી રંગીલી અટપટી નગરીમાં આ કળિયુગમાં યોજાવો એ કોઈ સામાન્ય બીના નથી. ‘પુત્રનાં લક્ષણ પારણાંમાંથી’ એ કહેવત મુજબ પૂર્વના મુક્તની કરણી જ વર્તાઈ આવે. લુહાણામાં દીકરી ખૂબ વ્હાલી હોય. જો કે પટેલને એથીય વિશેષ હોય તેથી જ તેની ચિંતા હોય.અરે ! સર્વને દીકરી વ્હાલી હોય જ. એવે વ્હાલી દીકરી અદીતિને આજે લુહાણા સમાજે ભગવાન ભજવા મોકલીને પોતાના સમાજનું ગોરવ વધાર્યું છે. જ્યારે તેમના ગુરૂઓએ દીકરીની આધ્યાત્મિક જવાબદારી લઈને જ્યોતનું ગોરવ વધાર્યું છે. મુખ્ય તો પપ્પાજીના સંકલ્પનું આ ફળ છે. “યાવત્ ચંદ્ર દિવા કરૌ જ્યોત રહેશે.” જ્યોત એટલે ગુણાતીત જ્યોત સંસ્થા જ નહીં. પરંતુ ચૈતન્યની પ્રગતિ ઉત્તરોઉત્તર થઈ જ રહી છે.શ્રીજીમહારાજનો સમાજ સ્વામિનારાયણ નામ ધારી સહુનેય માટે સત્સંગનો સતયુગ ચાલી રહ્યો છે. સ્વામિશ્રીજીની દયાનો ધોધ વહે છે. તેમાં ભીંજાયેલા સહુ ધન્યતા અનુભવે છે. આવી પ્રાપ્તિનો આનંદ-કેફ હરપળે રહે, વહે, વધે એવી પ્રાર્થના સહ જય સ્વામિનારાયણ.

તા.૧૭/૫/૧૨ યોગી જયંતી

તા.૧૭/૫/૧૨ ના રોજ યોગીજીમહારાજની જ્ન્મ જયંતીની ઉજવણી શ્રી ગુણાતીત જ્યોતમાં ‘યોગી ગીતા’ પુસ્તિકાનું પારાયણ કરીને તથા તેમાંથી સદ્દગુરૂ સ્વરૂપો પ.પૂ.દીદી, પ.પૂ.માયાબેન, પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.દેવીબેન, પ.પૂ.જસુબેન વગેરેનો તા.૧૬,૧૭ બે દિવસ પરાવાણીનો લાભ લીધો હતો. તથા ૧૭મીએ રાત્રે ૮.૩૦ થી ૧૦.૦૦ સંયુક્ત સભા જ્યોત પંચામૃત હૉલમાં થઈ હતી. ધ્વનિ મુદ્રિત પ.પૂ.પપ્પાજીએ યોગીજીમહારાજ વિષે મહિમાગાન કર્યું હોય તેવી પરાવાણી સાંભળી ધન્યતા અનુભવી હતી. વળી, આજે તો યોગીબાપાના અવાજમાં “મહાબળવંત માયા તમારી…” એ ફગવાનું ગાન અને સમજૂતી સાંભળી અનોખો આનંદ અનુભવ્યો હતો. ગુરૂના ગુરૂનું ખૂબ મૂલ્ય દરેક ભક્તોને હોય ! પરંતુ યોગીજી મહારાજનો મહિમા તો પપ્પાજીએ ખૂબ ગાયો છે. ઘણી બહેનોએ બાપાનાં દર્શન કર્યાં છે, સામર્થિના અનુભવ કર્યા છે, અને યોગીબાપાની કૃપાથી જ પપ્પાજી મળ્યા છે, ઓળખાયા છે. તે વાત તો બધા મુક્તોને મનાયેલી છે જ. પપ્પાજીનું એક પણ પ્રવચન એવું નહીં હોય કે જેમાં તેઓએ યોગીબાપાને સંભાર્યા ના હોય. પપ્પાજીએ વધુમાં વધુ નામ તેમના મુખે જો દીધું હોય તો તે યોગીજીમહારાજનું છે. પંડે સ્વયં આવા સત્પુરૂષ હોવા છતાંય ઉમદા દાસત્વભાવે પરાભક્તિ કરી છે. એટલું જ નહીં, જે ગુરૂ યોગીજીના હસ્તે બાહ્ય વિમુખ થયા ! તે ગુરૂનું સેવન દૂર રહીને એકલવ્યની માફક ગુરૂનું વચન અને ગુરૂને મૂર્તિ રાખીને નિર્દોષબુધ્ધિએ યુક્ત જોગીના સંબંધવાળાને જોગીનું સ્વરૂપ માનીને તેમની સેવા સેવકભાવે કરી છે. એવી દાસત્વભક્તિ કરીને ગુણાતીતભાવ પ્રગટાવ્યો છે, માહાત્મ્ય રેલાવ્યું છે. પૃથ્વી પર અક્ષરધામ ખડું કરનાર એવા પપ્પાજીને કોઈની ઉપમા આપી શકાય તેમ નથી. એકલવ્યથી પણ ઉચ્ચ-પરની ભૂમિકાનું જીવંત ઉદાહરણ જો કોઈ હોય તો પપ્પાજી છે. પ્રભુકૃપામાં ૪૦વર્ષ આવાં દર્શન પપ્પાજીનાં સગી આંખે કર્યાં છે. ગુરૂદક્ષિણામાં એકલવ્યએ અંગૂઠો આપ્યો. પપ્પાજીએ તન, મન, ધન, કીર્તિ, મોટપ, કુટુંબ ખ્યાતિ આદિ સર્વસ્વનું સમર્પણ કરીને સ્વરહિતપણાનું દર્શન, મહામાનવનો આદર્શ પૂરો પાડ્યો છે. એવા પપ્પાજીના ગુરૂ યોગીજીમહારાજનો પ્રાગટ્યોત્સવ માણીને સહુએ ધન્યતા અનુભવી હતી. પપ્પાજી યોગીજીમહારાજની ખૂબ વાતો કરતા. “અસલી સાધુ ! પોતાના માટે કાંઈ જ ના જોઈએ. ભક્તિ તો યોગીબાપાની જ. બાપાના મુખમાંથી મહિમા જ નીકળે. બધી વાતે બસ પોઝીટીવ જ વલણ. ટપાલી ને ટપાલી નહીં. પણ ટપાલી સાહેબ કહેવાય. ટપાલીભાઈ કહેવાય. આશ્રિતોને ‘ગુરૂ’ સંબોધીને વાત કરે. કાંઈપણ લખે તો ‘ઓહોહો !’ થી શરૂ કરાવે. કોઈ નબળી વાત કે ઘસારાની વાત બોલે તો મીઠાશથી કાપી નાખે. પોતાની જાત પર ખૂબ કડકાઈ રાખી ખમ્યા. ખમી-નમીને જીવ્યા. અને કોઈનાય વિષે ભૂંડો ઘાટ ના થવા દીધો. ખમાવનારનો ગુણ જ લીધો તો સંકલ્પનું બળ પોતાનું વધી ગયું. બાપાએ કેવળ સંકલ્પે જ કામ કર્યું છે અને આખો ગુણાતીત સમાજ સંકલ્પે સ્થાપી દીધો છે.’ આવી અનેક વાત ! બાપાની આખી જીવનગાથા પપ્પાજીના મુખે સાંભળી છે. એટલું જ નહીં, પરંતુ ગુરૂને સર્વોપરીભાવે માનવા અને સર્વોપરીભાવે સેવન કરવું એ ખૂબ અગત્યનું છે. અને તે પપ્પાજીએ કર્યું છે. “જ્યાં જેને માનો તે પૂર્ણપણે માનો, બીજાને મનાવી દેવાનો ભાવ સહજ સાધકમાત્રને હોય. મારા ગુરૂ સર્વોપરી ! એ ભાવ વાડા ઉભા કરે છે. પણ જે ગુણો સ્વરૂપમાં જેને મનાયું ત્યાં તેને માટે તે સર્વોપરી. એવો ભાવાત્મક ભાવ પપ્પાજીએ જીવી બતાવ્યો છે. તે ભાવ જીવનમાં સહજ બને. નિષ્ઠા સર્વોપરી, પરિપકવ બને ! તેથી પપ્પાજીના ષષ્ટમ્ શાશ્વત સ્મૃતિ પર્વે તથા પપ્પાજી સ્વરૂપદર્શન હીરકપર્વે પ્રાર્થના સહ જય સ્વામિનારાયણ.

પપ્પાજીનો હીરક સાક્ષાત્કારદિન ૧લી જૂન તે પહેલાંના ત્રણ દિવસ પહેલાં ૬ઠ્ઠા શાશ્વત પર્વ નિમિત્તે તે અનુસંધાને પપ્પાજીની મૂર્તિ સંભારી સ્વામિનારાયણ મંત્રની જાપની ૬૦૦માળા દરેક મુક્ત કરે તેવું આયોજન આ મહિનામાં હતું. તે મુજબ ‘મે’ મહિનાના એન્ડમાં દરેક મુક્તો મંડળની સભામાં કે ઘરમંદિરમાં માળા કરી રહ્યા છે. તા.૨૨/૫ જેઠ સુદ-૧ (પડવો) એટલે ‘છઠ્ઠો શાશ્વત તિથિ પર્વ. આજે જ્યોતશાખા અને મંડળોમાં શાશ્વત પર્વની મહાપૂજા થઈ હતી. અને પપ્પાજી સ્વરૂપદર્શન હીરક પર્વ નજીક આવી રહ્યો છે. તા.૧, ૨, ૩ જૂનનો સમૈયો કરવા જરૂરથી સર્વે મુક્તો પધારશો. સંજોગવશાત ના પધારી શકો તો મનોમન પધારજો. તેમજ આધુનિક ટેકનોલોજી દ્વારા એટલે કે જ્યોતની વેબસાઈટ પર પણ લાભ લેશોજી. ટૂંક સમયમાં મળીશું એ આશા સાથે વિરમું છું.

અત્રે પ.પૂ.બેન, પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.દીદી, પ.પૂ.દેવીબેન, પ.પૂ.જસુબેન, પ.પૂ.પદુબેનની તબિયત સારી છે. તેઓના તથા બધા મુક્તોના આપ સર્વેને જય સ્વામિનારાયણ.

 

                                                   એ જ જ્યોત સેવક P.૭૧ના જય સ્વામિનારાયણ.