Apr 2012 – Newsletter

                            સ્વામિશ્રીજી                          

જય ગુરૂહરિ પપ્પાજી, પપ્પાજી સ્વરૂપદર્શન હીરક પર્વની જય જય જય,

શ્રી હરિ જયંતી, રામ નવમીની જય જય જય, 

ગુરૂહરિ પપ્પાજીના સંબંધ પામેલ વ્હાલા અક્ષરમુકતો, જય સ્વામિનારાયણ !

આજે અહીં આપણે એપ્રિલ મહિનાની જ્યોત સમૈયાની સ્મૃતિ માણીશું. ઓહોહો ! આ ૨૦૧૨નું વર્ષ એટલે ગુરૂહરિ વ્હાલા પપ્પાજીના હીરક સાક્ષાત્કારનું વર્ષ ! ૧લી જૂન એ ભવ્ય દિવસ આવી રહ્યો છે. તેમાં આજે એપ્રિલ માસ આવ્યો તે હરિ જયંતી નો પર્વ લઈને આવ્યો.

(૧) તા.૧/૪/૧૨ શ્રી હરિ જયંતિ

દર તા.૧લીએ પપ્પાજી પ્રાગટ્ય સ્મૃતિદિન તા.૧લી સપ્ટેમ્બર અને પપ્પાજીની સાક્ષાત્કાર તારીખ ૧લી જૂનની સ્મૃતિ સહ આપણે સાંજે કીર્તન આરાધના રાખીએ છીએ. આજે શ્રી હરિ જયંતી અને ૧લી એપ્રિલનો સુંદર સુયોગ થયો છે ! વળી, વાર રવિવાર શ્રી હરિ જયંતી એટલે આપણા માટે ખૂબ ખૂબ ભવ્ય દિવસ ! સર્વોપરી ભગવાનનો શ્રી સ્વામિનારાયણનો પ્રાગટ્યદિન ! આજે જ્યોતમાં પણ હરિ જયંતી નો સમૈયો પ.પૂ.જ્યોતિબેનની પ્રેરણા મુજબ વિશેષ રીતે ઉજવાયો હતો. ગુરૂહરિ પપ્પાજીની નવી મૂર્તિ અને શ્રી ઠાકોરજી મહારાજ સહિત નાનો રથ બનાવી તેમાં બિરાજમાન કરાવીને રથયાત્રાની સ્મૃતિ સહ જ્યોતની પ્રદક્ષિણા બહેનોએ ધામધૂમથી કરી હતી. તે દરમ્યાન ભાવાર્પણ થાળ ( પ્રસાદ ) સેવાની ટુકડીવાઈઝ બહેનો દ્વારા અર્પણ થયાં. પ.પૂ.બેન પણ આરતીમાં પધાર્યાં હતાં. પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.દીદીના સાંનિધ્યે સાંજે ૫.૦૦ થી ૬.૩૦ માં આ ઉત્સવ થયો હતો. રાત્રિ સભામાં શ્રી હરિ જયંતી નિમિત્તેના ભજનોની ૧લી તારીખની કીર્તન આરાધના પ્રસ્તુત થઈ હતી. ત્યારબાદ પ.પૂ.જ્યોતિબેનના આશીર્વાદ લઈને સભાના અંતમાં પ્રભુપ્રાગટ્યની આરતી અને પ્રાગટ્યવિધિ થયાં. પંચાજીરીના પ્રસાદ બાદ સભાની પૂર્ણાહુતિ થઈ હતી.

૧લી એપ્રિલે જનરલી લોકો એકમેકને એપ્રિલફૂલ બનાવવાનો આનંદ અનુભવતા હોય છે. જ્યોતમાં પણ ભક્તો એવો આનંદ સખાભાવે ગુરૂહરિ પપ્પાજીના સાંનિધ્યે કરતા. તેમાં પપ્પાજીને નેગેટીવ એપ્રોચથી આનંદ કરે તેવું ના ગમે, નુકસાન, રસોઈ બગડે વગેરે રીતે એક્મેકને મુક્તો મૂર્ખ બનાવે તેવું જરાય પણ ના ગમે ! પપ્પાજીએ તો કાયમ ભક્તોને પ્રભુના ભાવે જોયા છે. અને આપણને પણ સંબંધવાળામાં મહારાજ જોવાની પ્રેરણા આપતા રહ્યા છે. એવા પપ્પાજીને, મુક્તોને એપ્રિલફૂલ (મૂર્ખ) બનાવીએ તે ના ગમે ! છતાંય ૧લી એપ્રિલે નિર્દોષ આનંદ પોઝીટીવ રીતે કરવા દે. પપ્પાજીની ૧લી એપ્રિલની એક સ્મૃતિ છે કે, ૧લી એપ્રિલ હતી. ગુરૂહરિ પપ્પાજીને એક મુક્તએ પૂછ્યું કે, પપ્પાજી તમને ક્યારેય કોઈએ એપ્રિલફૂલ બનાવ્યા છે ? પપ્પાજીએ એક મિનિટ થંભી સુંદર જવાબ આપ્યો કે, આ ૪૦૦ બહેનોની સેવા જોગીના ગુલામ બનીને કરૂં છું, એ જોગીએ મને એપ્રિલફૂલ જ બનાવ્યો છે ને !

{gallery}/images_in_articles/newsletter/2012/April/01.04.2012 SHRI HARI JAYANTI{/gallery}

(૨) તા.૩/૪/૧૨ માહાત્મ્ય સમ્રાટ સદ્દગુરૂ A સ્વરૂપ પ.પૂ.માયાબેનનો સ્વરૂપાનુભૂતિદિન

પ.પૂ.માયાબેનનો સ્વરૂપાનુભૂતિદિનનો સમૈયો આજે બહેનોની રાત્રિ સભામાં ખૂબ જ દિવ્ય રીતે ઉજવાયો હતો. પ.પૂ.માયાબેનની જીવનગાથા અને માહાત્મ્યગાનમાં માયાબેનના સાથી મુક્તો તથા આશ્રિત મુક્તોએ પણ પોતાના અનુભવની વાતો કરી હતી. પૂ.મનીબેન, પૂ.કલ્પુબેન મહેતા, પૂ. કૃષ્ણાબેન શાહ, પૂ.સંધ્યાબેનનો પણ લાભ લીધો હતો. પ.પૂ.જ્યોતિબેન અને પ.પૂ.જસુબેને આશીર્વાદ આપતાં માયાબેનનું જીવન દર્શન કરાવ્યું હતું. તેના સારરૂપ જીવન વૃતાંત આ પ્રમાણે છે. “પ્રભુ ચરણાર્વિંદની રાખી માનહાનિમાં સમતા, સમતા સ્વરૂપ માયાબેનને કરું અગણિત વંદના.” સત્સંગી કુટુંબમાં જન્મેલ માયાબેન બાળપણથી જ આનંદી. ૧૯૬૪માં ૧૧ વર્ષની નાની વયે ગોંડલ શરદ પૂનમના સમયે પપ્પાજીનાં પ્રથમ દર્શન ખૂબ ગમ્યાં. પ.પૂ.કાશીબાના વચને પપ્પાજીના ઉતારાની સફાઈની સેવા ‘આજનો લ્હાવો લીજીયે, કાલ કોણે દીઠી છે !’ એવા માહાત્મ્યથી કરતા. નડિયાદ પાછા જવાનું થતાં પપ્પાજીએ અંતર્યામીપણે તેમના સંકલ્પે મઠિયાનો પ્રસાદ આપ્યો. જે ખાતાં તેમના અંતર જગતની માયા ખરી ગઈ ને પ્રભુની માયા લાગી. અભ્યાસ કરતા માયાબેનને અમીર સખીની નોટ વાંચતા ૧૦૦રૂા. નોટ મળી. બીજે દિવસે પરત કરતાં ‘તે રાખી લીધા હોત તોય મને તો ખબર જ ન પડત…’ ના જવાબમાં તેમણે કહ્યું “તને ખબર પડે કે ના પડે પણ પ્રભુને તો ખબર પડે ને ! “આમ, પ્રભુને અંતર્યામી માનીને જીવતા માયાબેનની વફાદારીનું મૂલ્ય સખીને સમજાયું.

એક વખત જ્યોતમાંથી ઘરે જતાં પપ્પાજીનાં દર્શન કરવા ગયાં. ‘આપણે ભજન કરવું.’ એવું વચન પપ્પાજીએ આપ્યું તો હસતાં હસતાં ‘હું નહીં કરું’ કહી ઘરે ગયા. ત્યાં તો માથાનો સખત દુઃખાવો ને તાવ શરૂ થયો. ઉપચાર સાથે મનોમંથન ચાલ્યું ને અંતરમાં પ્રભુએ પ્રકાશ કર્યો કે ગમ્મતમાં સત્પુરૂષના વચનની અવગણના કરી, એની આ બીમારી આવી છે. રડતા હ્રદયે પરિતાપ કરતાં કરતાં તેમણે પ્રભુ પાસે ક્ષમાયાચના કરી ને ત્યારથી ‘સત્પુરૂષનું વચન એ જ જીવન’ એવો નિશ્ર્ચય ર્દઢ કર્યો. અંતર્યામી પ્રભુએ તારાબેનને નડિયાદ મોકલી શાંતિ ને બળ પમાડી તાવ મટાડ્યો. ત્યારથી જીવનમાં વચનપાલનની ર્દઢતા થઈ ને સાધનાની સભાનતા પ્રવેશી. રમતિયાળ અને ચંચળ પ્રકૃતિ, છતાંય એકાગ્ર ચિત્તે ભજન કરવા લાગ્યા ને સાધનામાં પોતાનાં વિચાર, વાણીને પકડી પ્રભુચરણે ધર્યાં. S.S.C ની પરીક્ષા પૂર્ણ કરી અક્ષરધામની યુનિવર્સિટીમાં (જ્યોતમાં) તેમણે પ્રવેશ કર્યો.  જ્યોતમાં પૂ.લીલાબેનના હાથ નીચે દવાખાનાની સેવામાં બુધ્ધિ બંધ કરી પૂ.લીલાબેનની રીતે સેવા કરી તેમને રાજી કરી લીધા. દેહભાવના ભૂક્કા કરવા માટેના પ્રભુયોજિત પ્રસંગોમાં પપ્પાજી ને તારાબેનને અંતર્યામી માની તેમનું માહાત્મ્ય વાગોળી હઠ, માન, ઈર્ષાના પ્રસંગોને વાચા ન આપતાં દેહભાવથી અલિપ્ત રહ્યાં. પપ્પાજીએ સમકક્ષાના સાધકોને ઉપલી કક્ષામાં મૂકી તેમના ફોટા પડાવવાનું લીસ્ટ માયાબેનને આપ્યું. જેમાં પોતાનું નામ ન હતું. છતાંય ‘અક્ષરધામરૂપ રહેવું એ જ મારૂં ગ્રુપ’ એ બ્રહ્મસૂત્રે સ્મિતસહ સુંદર વ્યવસ્થા કરી બધાંને બોલાવ્યા. જે જોઈ પપ્પાજી પ્રસન્ન થઈ ગયા. ‘દેવોને પણ દુર્લભ છે એ સ્વરૂપે મને ગ્રહણ કરી !’ પ્રાપ્તિના આ અંતરતાંતણે પ્રભુ સાથે જોડાયેલ રહી ગુરૂહરિ કે ગુરૂને ક્યારેય ઓશિયાળા ન કર્યા. હંમેશાં ‘મુક્ત સ્વરૂપો સહુ ખાલી ખોખાં છે, પરબ્રહ્મ મહીં…’ એ વિચારે માહાત્મ્યેયુક્ત સેવા અને સ્વભજનથી ઉકેલ લાવ્યાં. પ.પૂ.જસુબેને કહેલ વાર્તામાંથી ‘ગુલામ’ શબ્દ પકડ્યો. ગુલામને કાંઈ પોતાપણું હોય ? ‘હું ગુલામ છું.’ એ સાધનામંત્રને જીવનમાં રાખી પ્રભુધારક બની ગયાં. સંબંધમાં આવનાર મુક્તોને સ્વભાવરૂપી માયાથી પર કરી પ્રભુથી ભર્યા રાખવાનો તેમનો પ્રયત્ન ચાલુ છે. એક માત્ર ઉદ્યમ છે ‘દુનિયામાં એવું શું છે જે આપણને ન આવડે ? ગુરૂહરિ પપ્પાજીના વચનને સ્મરણમાં રાખી જ્યોતના સાંસ્કૃતિક કાર્યક્ર્મની, મોટા સમૈયા વખતે આખા કેમ્પસના આયોજનની, મંદિરના ડેકોરેશન, ફોટોગ્રાફી વિભાગની કે કમિટી જે સેવા સોપેં તે સેવા દેહને અવગણી રાત-દિવસ જોયા વગર અહોહોભાવે કરે. ગમે તેવી ભીંસમાં કે અપમાનમાં સહેજ પણ અકળાયા વગર પ્રભુ પર બધું નાખી નિશ્ચિંતતાથી પ્રસન્ન મુખે સેવા કર્યા કરે. જેના ફળસ્વરૂપે સ્વયં પ્રભુ વ્યાપકમાં પ્રવેશી તેમની સેવા ટાઈમે અપ-ટુ-ડેટ કરાવી જાય. આમ પ્રાપ્તિના કેફે કેવળ પ્રભુમાં લીન રહી એકાગ્ર ચિત્તે બધા જ પ્રકારની સેવા બજાવી શકે તેવી સામર્થિ પ્રાપ્ત કરી. પ્રત્યક્ષનાં લીલાચરિત્રોનું તેમજ જીવનપ્રસંગોનું મનન-ચિંતન- નિદિધ્યાસ ને સાક્ષાત્કાર કરી અખંડ એવી જ્ઞાનસમાધિમાં, જીવતાં થયાં. સમગ્ર ગુણાતીત સમાજની મહાપૂજાની સેવા પપ્પાજીએ તેમને સોંપી. છ-છ કલાક સુધી એક જ બેઠકે બેસી મહાપૂજા કરી બળ પમાડવાની અદ્દભૂત પરાભક્તિ કરી રહેલ માયાબેનનું આ સર્વશ્રેષ્ઠ યોગદાન છે.

{gallery}/images_in_articles/newsletter/2012/April/3.4.2012 P.MAYABEN DIVINE DAY{/gallery}

(૩) તા.૧૫/૪/૧૨ પ.પૂ.પપ્પાજી ભારત આગમન સ્મૃતિદિન

આજે પપ્પાજીનો ભારત આગમન સ્મૃતિદિન. આફ્રિકાથી કાયમ માટે ભારત પધાર્યા, એને આજે ૬૦વર્ષ પૂરાં થયાં ! આવા મહામંગલકારી ભવ્ય દિને અમદાવાદથી પૂ.ફાલ્ગુની ભાભી અને પૂ.પંકજભાઈ ભરૂચીની સુપુત્રી ચિ.ઋજુબેન એમના ઘરેથી કાયમ માટે ભગવાન ભજવા માટે જ્યોતમાં આવ્યા. તેના વિદાય સમારંભ નિમિત્તે આજે સાંજે અમદાવાદ જ્યોત શાખા મંદિરના પ્રાંગણમાં મહાપૂજાનું અલૌકિક આયોજન થયું. જેના પ્રણેતા માહાત્મ્ય સ્વરૂપ પૂ.ઈન્દુબા હતાં. પપ્પાજી સ્વરૂપ જ્યોતિબેન અમદાવાદ જ્યોતમાં પધાર્યાં અને બોર્ડ પર આશીર્વાદ લખતાં હતાં કે, પપ્પાજીના ભારત આગમન સ્મૃતિદિને ‘ઋજુ’ ભગવાન ભજવા આવે છે. વગેરે લખાણમાં ‘ઋજુ’ નું નામ આવ્યું અને ‘ઋજુ’ ના મનનું મનોમંથન ટળી ગયું ! તે શું તો “પપ્પાજીના હસ્તાક્ષરમાં ‘ઋજુ’ એવું ક્યારેય લખાયું નહોતું. એવા લેખિત આશીર્વાદ પત્રને હું ક્યારેય પામી નથી. તે આજે વિદાય સમારંભના પ્રારંભે જ જાણે પપ્પાજી પધારી ગયા અને મારું નામ લખી મને આશીર્વાદ આપ્યા ન હોય ! તેવી ટીક અંતરમાં વાગી !” સુંદર સુશોભન પૂ.હરેશભાઈ ભરૂચી અને ભાઈઓએ કર્યું હતું. તે મંડપમાં ભવ્ય મહાપૂજા પૂ.કલ્પુબેન દવેએ કરી અને તેમાં આદિ વડીલો પૂ.ભટ્ટ દાદા, પૂ.મધુબાને  અને પૂ.સુશીલાબેન અને પૂ.હરજીવનભાઈ ભરૂચીને પણ યાદ કર્યાં. આખું વાતાવરણ દિવ્યતાથી ભરાઈ ગયું હતું. મહાપૂજા બાદ પ.પૂ.જ્યોતિબેન અને પ.પૂ.દેવીબેનના સરસ આશીર્વાદ લઈને રાત્રે પૂ.ઋજુબેન વિદ્યાનગર જ્યોતમાં સહુ વ્રતધારી બહેનો સાથે ભગવાન ભજવા આવ્યાં. પંચામ્રુત હૉલમાં તેમની સ્વાગત સભા (બહેનોની) થઈ. ઋજુબેનને સહુ બહેનોએ હરખથી વધાવી, સહુના દિલમાં સમાવી લીધાં. પૂ.ઋજુબેને યાચના પ્રવચન કર્યું. પૂ.ભારતીબેન સંઘવી, પ.પૂ.દયાબેન અને પ.પૂ.દેવીબેને પણ પ્રાસંગિક લાભ આપ્યો હતો. આજે ઋજુનો સ્વાગત દિન જ નહીં, પરંતુ પપ્પાજીના સંકલ્પનો વિજયદિન હતો. ‘યાવત ચંદ્ર દિવા કરૌ’ પપ્પાજીએ જ્યોત થકી જલાવેલી જ્યોત રહેશે. એ અમરપટ્ટો ભાલે લગાવી આજનો અમૂલ્ય દિવસ “પપ્પાજીનું ભારત આગમન હીરક દિન” માણ્યો હતો.

{gallery}/images_in_articles/newsletter/2012/April/15.04.12 GURUHARI AAGMAN RUJU MILAN SABHA{/gallery}

(૪) તા.૨૯/૪/૧૨ પૂ.પરાગીબેનનો વિદાય સમારંભ

આજે પૂ.પરાગીબેન અમદાવાદ પોતાના ઘરેથી વિદાય લઈને ભગવાન ભજવા આવ્યાં ! તેનો સત્કાર સમારંભ જ્યોત પંચામૃતમાં બહેનોની સભામાં આનંદભેર માણ્યો. અમદાવાદના હરિભક્ત પૂ.સુધાબેન કનુભાઈ પટેલની નાની દીકરી ચિ.પરાગીને આજે તેમના ઘરેથી એથીય વિશેષ સમૈયાની જેમ મહાપૂજા સભા-ભક્તિનો ઉત્સવ પોતાના ઘરના પ્રાંગણમાં ઉજવ્યો હતો. વિદ્યાનગરથી ૨૫૧ બહેનોને બોલાવ્યા હતાં. પૂ.કલ્પુબેન દવેએ સરસ મહાપૂજા કરી. પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.પદુબેન, પ.પૂ.મધુબેન, પ.પૂ.દયાબેન, પ.પૂ.નીમુબેન દાડિયા વગેરે એ સદ્દ્ગુરૂએ આશીર્વાદ આપ્યા હતા. પૂ.ઈન્દુબાની આજ્ઞા-પ્રેરણા મુજબ આખું અમદાવાદ મંડળ સેવા-દર્શનનો લાભ લેવા ખડે પગે હાજર હતું. પૂ.પરાગી એટલે મીરાંબાઈનું સ્વરૂપ. પ્રેમલક્ષણા ભક્તિથી પ્રત્યક્ષની પૂજારણ બનીને આજે જ્યોતમાં ભગવાન ભજવા આવી રહી છે. માત-પિતાની લાડકી દીકરીને હર્ષાશ્રુ સાથે વિદાય આપી. જ્યોત પ્રાંગણે પધારતાં પહેલાં પ્રભુકૃપામાં પગે લાગવા ગઈ. ત્યાં પપ્પાજીએ મૂર્તિમાંથી દર્શન દઈને તેને આવકાર આપતા હોય તેવી પ્રતીતિ થઈ. અને તે જ સમયે પ.પૂ.બેન વ્હીલચેરમાં ત્યાં પહોંચ્યાં. પપ્પાજીના પ્રત્યક્ષપણાની ટીક વાગી. અને અશ્રાશ્રુનો ધોધ વહી ગયો ! આ અનુભવની વાત તેમને સ્વયં સ્વાગતસભામાં યાચનાપ્રવચનમાં કરી ! એ વાત એવા અનુભવી સહુ બહેનોનાં હૈયાને વિષે મહેસૂસ થયું. પરાગી પહેલાં ડાન્સ ટીચર હતી. પરાગીના આરંગેત્રમમાં ગુરૂહરિ પપ્પાજી અમદાવાદ પધાર્યા હતા. આમ, પપ્પાજીની સ્મૃતિની વાતો પ.પૂ.દીદીએ સત્કાર સભામાં આશીર્વાદ આપતાં કરી હતી. પરાગીની સાહેલીઓએ પરાગીનું સ્વાગત ગરબો કરી કર્યું હતું. આનંદભેર પરાગી સહુ બહેનોમાં સમાઈ ગઈ. આ એપ્રિલ મહિનામાં અમદાવાદનાં બે બહેનો પૂ.ઋજુ અને પૂ.પરાગી નો સત્કાર સમારંભ થયો. અને મે મહિનામાં સુરતથી પૂ.પ્રીતિબેન કાનાણી અને મુંબઈથી પૂ.અદિતીબેન ઠક્કરનો પણ વિદાય સમારંભ કરી માતા-પિતા વળાવશે.

{gallery}/images_in_articles/newsletter/2012/April/29.04.12 PARAGIBEN MILAN SABHA{/gallery}

જ્યોતમાં સત્કાર થશે. ૩૧/૫/૧૨ ના રોજ તે બહેનોને આજીવન ભગવાન ભજવાનું વ્રતધારણ કરશે. દીક્ષા ધારણ કરશે. આ સામાન્ય વાત નથી. પપ્પાજીના સંકલ્પનો વિજય અને પપ્પાજીનું પ્રત્યક્ષપણું માણી રહ્યાં છીએ. પપ્પાજીએ જ્યારે જ્યોતની સ્થાપના કરી ત્યારે કહેલું કે, ‘By the women, for the women,  આ જ્યોત યાવત ચંદ્ર દિવા કરૌ રહે’ તેવો હેતુ છે. શ્રીજીમહારાજનાં વચન છે.૨૬ નાં વચનો મુજબ એવા સાધુગુણેયુક્ત બાઈની સેવા બાઈઓએ કરવી એ સંકલ્પ મુજબના અધૂરા કાર્યની પૂર્તિ અર્થે જ સ્વયં શ્રીજીએ પપ્પાજીના નામે દેહ ધારણ કરી પૃથ્વી પર પધાર્યા અને સાથે પોતાનો સાજ લઈને આવ્યા. એવું કહીએ તો અતિશયોક્તિ નથી. એક એક મુક્તના હૈયાને વિષે એ વાત મહેસૂસ થયેલ છે. એવા પપ્પાજી આજે એમને તૈયાર કરેલાં સ્વરૂપો ! સદ્દ્ગુરૂઓ અને એકાંતિક ભક્તો દ્વારા પ્રત્યક્ષ કાર્ય કરી રહ્યા છે. પપ્પાજીના આ કાર્યમાં જેમનો સાથ લીધો તેવા ભાઈઓને તથા ગૃહસ્થોને તો ન્યાલ કરી દીધા. પોતાના જેવા અંતર સુખીયા કર્યા છે. અને અત્યારે પણ એ રીતે જ ફળ એકાંતિક પરમ ભાગવત સંત બનાવવામાં આપી રહ્યાં છે. નિષ્ઠાવાળા અને સંબંધવાળા સર્વે ભક્તોના મુખે પપ્પાજીના પ્રત્યક્ષપણાના અનુભવોની વાત ડગલે ને પગલે સાંભળી રહ્યાં છીએ. આ પરચો નથી, પણ પરચાથી આગળ વાસ્તવિક અનુભૂતિ છે. હે પપ્પાજી ! આપ આવી અનુભૂતિ અમને દેહપર્યંત અને ભવોભવ કરાવતા રહેજો. જન્મોજન્મ ઓળખાતા રહેજો, પ્રસન્ન થકા સાથે રહેજો. આપ પ્રસન્ન રહો તેવાં વિચાર, વાણી અને વર્તન કરવા બળ, બુધ્ધિ અને પ્રેરણા દેજો.

એપ્રિલ મહિના દરમ્યાન ૧૮૦૦૦ માળા એટલે કે ધૂન્યનું આયોજન બહેનોનું જ્યોત મંદિરમાં આધ્યાત્મિક ગ્રુપ મુજબ શિબિરમાના રૂપમાં કર્યું હતું. પ.પૂ.દયાબેનના નેતૃત્વ હેઠળ સરસ શિબિર- ભજન થયાં. તે આ પપ્પાજીનું હીરક સાક્ષાત્કાર વર્ષ ચાલી રહ્યું  છે, તેથી અનાયાસે ૧૮,૦૦૦ ને બદલે ૬૦,૦૦૦ માળા થઈ ગઈ હતી. Thank’s pappaji ! આમ, આ રીતે એપ્રિલ મહિનો ખૂબ આનંદ અને ભક્તિ સાથે પસાર થયો હતો.

અત્રે પ.પૂ.બેન, પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.દીદી, પ.પૂ.દેવીબેન, પ.પૂ.જસુબેન, પ.પૂ.પદુબેનની તબિયત સારી છે. તેઓના તથા બધા મુક્તોના આપ સર્વેને જય સ્વામિનારાયણ.

 

                                                       એ જ જ્યોત સેવક P.૭૧ના જય સ્વામિનારાયણ