Click here to donate and support the Pappaji Divya Prakash Parva this November

Mar 2012 – Newsletter

                                            સ્વામિશ્રીજી                          

જય ગુરૂહરિ પપ્પાજી, પપ્પાજી સ્વરૂપદર્શન હીરક પર્વની જય જય જય

ગુરૂહરિ પપ્પાજીના સંબંધ પામેલ વ્હાલા અક્ષરમુકતો, જય સ્વામિનારાયણ !

ઈ.સ.૨૦૧૨ની સાલ આવી ! અને જોતજોતામાં ત્રીજો મહિનો પણ પસાર થઈ ગયો ! માર્ચ મહિના દરમ્યાન શ્રી ગુણાતીત જ્યોતમાં મોટા ઉત્સવ નથી થયા,પણ જાણે શિબિર થઈ. માર્ચ મહિના દરમ્યાન સભા-સમૈયા થયા છે. તેમાં ઉચ્ચ કક્ષાની ગોષ્ટિ થઈ હતી. પ્રવચન થયાં. તેમાં ગુણાતીતજ્ઞાન સરિતાની જેમ વહેતુ રહ્યું. તેનું પાન ગ્રીષ્મ ઋતુના પ્રારંભે કરી ધન્ય થઈએ!

(૧) તા.૧/૩/૧૨ હરિદ્વાર પંચમ શાશ્વત સ્મૃતિદિન

 

આજે ૧લી માર્ચ. દર ૧લીએ સાંજે ૭.૩૦ થી ૯.૦૦ જ્યોતમાં કીર્તન આરાધનાનો કાર્યક્ર્મ સંયુક્ત સભામાં હોય ! તે મુજબ આજે પણ હતો. શાશ્વત પર્વે બહેનોએ મીરાંબાઈની જેમ હ્રદય ઉદ્દ્ગારો ભજનમાં વણેલા છે. જેમાં માહાત્મ્ય સભર ભાવો ઉપરાંત ગુણાતીત જ્ઞાન, પપ્પાજીનું ઉચ્ચકોટિનું આધ્યાત્મજ્ઞાનને વણી લીધું છે. તેવાં ભજનો તાલબધ્ધ વાજિંત્રો સાથે ભાવસભર ગવાયાં ! દર ૧લી તારીખની કીર્તન આરાધના તો અચૂક થાય

જ ! પપ્પાજી કહેતા આપણા ભજનોમાં પ્રાર્થનાના ભાવ ઉપરાંત સચોટ ગુણાતીત જ્ઞાન આવરી લીધેલું છે. ભજનમાં પણ જ્ઞાન હોય છે.

{gallery}/images_in_articles/newsletter/2012/March/01.03.2012 shashwat smrutidin kirtan aradhna{/gallery}

(૨) તા.૪/૩/૧૨ ચિદાકાશ દિન

દર તા.૪ થી એટલે ‘ચિદાકાશ ઉડ્ડયન શિબિર’ દિન ! આજે સવારે વડીલોની શિબિર થઈ અને સાંજે સમગ્ર બહેનોની શિબિર સભા થઈ ! જેમાં પૂ.પદુબેને, પૂ.દયાબેને ખૂબ સરસ લાભ આપ્યો હતો. તા.૫/૩/૧૨ ના રોજ સાંજે પંચામૃત હૉલમાં પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.દીદી, પ.પૂ.દેવીબેન, પ.પૂ.જસુબેનના સાંનિધ્યે એક નાની સભાનું આયોજન થયું ! તેનું નિમિત્ત પૂ.ડૉ.પંકજબેનની હીરક જયંતી વખતે પરદેશથી એમનાં બે બહેનો, ભાભી વગેરે ત્યારે પધારી નહોતાં શક્યાં ! આજે તે નિમિત્તે શ્રી ઠાકોરજીનો થાળ ધરાવવા અને જ્યોતનાં બહેનોને જમાડવાનો ભાવ લઈને આવ્યાં હતાં. તેઓની સાથે બહેનોની સભા અને ઓળખાણ કરાવવાની સાથોસાથ પ.પૂ.દીદીએ ખૂબ સરસ લાભ આપતાં કહ્યું કે, અતીતના સંસ્મરણો સુખદ હોય છે, તે સંભારવાં ગમે છે. તે વાતમાં એક સ્મૃતિ પ્રસંગ કહ્યો. ૧૫ વર્ષ પહેલાં લંડનમાં મારે એક જૈન ફેમિલીના ઘરે પધારામણીએ જવાનું થયું. એ બેન મને કહે, તમે મહાવીર સ્વામીની આરતી કરશો ? મેં હા પાડી. આરતી કરી. એ બેને મને પૂછ્યું, તમે તો સ્વામિનારાયણ ધર્મના છો તો આ મહાવીર સ્વામીએ એ જમાના પ્રમાણે કેવી તપશ્ર્ચર્યા કરીને કેવું પામી ગયા! ભગવાન સ્વામિનારાયણે અને અમારા પપ્પાજીએ અમને શીખવ્યું છે કે સૌમાંથી સારું લેવું. આદર કરવો. મેં તો પપ્પાજીનું સ્વરૂપ માનીને આરતી ઉતારી છે. તે બેન ખુશ થઈ ગયાં ! જે સાચા પ્રભુભક્ત હોય તે કોઈ દિવસ ધર્મના વાદવિવાદમાં ના પડે ! તું જૈન છે તો તું ત્યાં જ વફાદાર રહેજે. જેથી મહાવીર સ્વામી જ્યાં પ્રત્યક્ષ હશે ત્યાં તને ઓળખાણ કરાવી દેશે. આપણે એમને પ્રાર્થના જ કરવાની હોય છે કે તું મને ઓળખાઈ જજે ! અને પછી તો અંતરનો આનંદ-સુખ એ આપણું પોતાનું થઈ જાય ! ડૉ.પંકજબેનનું ફેમિલી એટલે જૈન કુટુંબના સભ્યો આવેલા હતા. તેઓને જોઈને દીદીને જે પ્રેરણા આવી તે ઉપરનો પ્રસંગ કહીને સુંદર લાભ આપ્યો હતો. તથા આજે પ.પૂ.જસુબેને પણ ખૂબ સરસ વાત કરીને પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.દીદી પર પ.પૂ.દેવીબેનનો મહિમા ગાન કરતાં પ્રત્યક્ષનું સેવન કેવા ભાવે કરવું જોઈએ. “રામ કરતાં તેનું નામ એના કરતાં એનું વચન અધિક કામ કરે છે.” એ સબીજ વાત કરીને સહુને ધન્ય કર્યાં હતાં.

(૩) તા.૬/૩/૧૧ તથા તા.૧૧/૩/૧૨

૧.આદર્શ ગૃહસ્થ સાધુ પરમ ભાગવત સંત પૂ.નીરૂબેન યશવંતભાઈ દવે આજ રોજ અક્ષરધામ નિવાસી થયા ! તેઓનાં અંતિમ દર્શન અને અંજલિ અર્પણનો કાર્યક્રમ સાંજના સુમારે શ્રી ગુણાતીત જ્યોતના પ્રાંગણમાં યોજાયો હતો. તે ઓછી ક્ષણોનો દર્શન પ્રસંગ પણ સમય અને મન-મગજને સ્થિર કરી દે તેવો હતો. આપણે પરમ ભાગવત સંત કેવા હોય તેની વાતો સાંભળી છે ! રાજાઓની વાર્તાઓ સાંભળી છે. જનકવિદેહી અને અંબરિષ રાજાની વાત સાંભળી છે. મહારાજના વખતના પર્વતભાઈની વાત સાંભળી છે. પરંતુ આજે તો તેનાં સાકાર દર્શન પૂ.યશવંતભાઈ દવેમાં કર્યા. પૂ.નીરૂભાભીનાં જીવનદર્શનથી કર્યા. આજે પણ પૃથ્વી ઉપર પ્રત્યક્ષના ઉપાસક ગૃહસ્થ આદર્શ ભક્તો છે ! જેનું દર્શન કરી કોટિ ધન્યવાદ અપાઈ જતાં હતાં. ડૉ.પૂ.યશવંતભાઈ દવે આપણા સમાજના આદર્શ પૂજારી છે. આજે તો પૂ.નીરૂભાભીની ત્રયોદશીની મહાપૂજા હતી. અને આશ્ચર્યજનક વાત તે મહાપૂજા ડૉ.પૂ.યશવંતભાઈ દવેએ કરી હતી. ઉચ્ચકોટિના હરિભક્તોને અન્યોન્ય મુક્તભાવે જીવન જીવવું જોઈએ. એ પપ્પાજીના સિધ્ધાંતને સાકાર કરનાર પૂ.યશવંતભાઈના અલૌકિક દર્શન આજે થઈ રહ્યાં હતાં. પૂ.નીરૂભાભીની મહાપૂજામાં બેઠેલા પોતાના બે પુત્રો અને બે પુત્રવધુઓને પૂજાવિધિ પૂ.યશવંતભાઈએ કરાવી હતી. આમ, ડૉ.દવે સાહેબે સહજ જ આધ્યાત્મિક સમતામાં રહી, પ્રભુસ્મૃતિ સહ મહાપૂજા કરી હતી. મહાપૂજાબાદ પ્રાર્થના સુમન અને મોટેરાંઓના આશીર્વાદમાં પણ નીરૂભાભી અને ડૉ.યશવંતભાઈ દવેનું આદર્શ સાધુ જીવનને માણ્યું હતું. તેમાં પૂ.ઈલેશભાઈ અને પૂ.મનોજભાઈ સોનીએ ખૂબ સરસ વાતો કરી હતી. તેમાંથી તથા અન્ય વક્તાની વાતમાંથી થોડી વાતનું અહીં પુનરાવર્તન કરી લઈશ. જેમાંથી આખી સભાનો સાર પ્રાપ્ત થઈ શકે.

{gallery}/images_in_articles/newsletter/2012/March/06.03.2012 p.nirubhabhi dave mahapuja{/gallery}

પૂ.નીરૂબેનના મંગલકારી મૃત્યુનાં દર્શન કર્યાં ! ડૉ.યશવંતભાઈ દવે અને નીરૂભાભી બંને પરમ ભાગવત સંત છે. જ્ઞાન, વર્તનમાં પચાવ્યું છે. સર્વદેશીયતા, ભક્તિ અને ગુણાતીત જ્ઞાન બંનેને વરેલાં છે. એમને આંગણે કોઈપણ અલ્પ સંબંધવાળા પધારે તેની પપ્પાજી પધાર્યા હોય તેવા અંતરના ભાવથી માહાત્મ્યથી સેવા કરી લે. બીજાને કેમ મદદરૂપ થવું. એવી એમની હંમેશની ભાવના ! દરેક સાથે ખૂબ સરળતાથી ભળી શકે. છતાંય મૂળભૂત સિધ્ધાંત વચનામૃત મધ્ય ૨૮ જીવનદોરી તે પોતે કપાવા ના દીધી. ગૃહસ્થ ભાભી મંડળની  અઠવાડિક સભા (મંગળવારની થાય છે) તેના નેતા (લીડર) તરીકે પૂ.દયાભાભીની સાથે સાથે પૂ.નીરૂભાભીએ સેવા બજાવી છે. ભક્તિસભર ભજનો ગાવા, મહિમાસભર વાતો કરવી અને હસતા મુખે સહુની સાથે દૂધમાં સાકર ભળે તેમ નીરૂભાભી ભળી જાય એવા સરલ ગૃહસ્થ સાધુ ખરેખર આ પૃથ્વી પર હોય નહીં. ગુરૂહરિ પપ્પાજીએ સ્વયં નીરૂભાભીને ગુરૂ તરીકે પ.પૂ..દેવીબનને સોંપેલા. તે પ્રથમ દિવસથી આ દિવસ સુધી ગુરૂ અને ગુરૂહરિની વફાદારી અને કેવળ તેમના જ થઈને જીવન જીવ્યાં છે. પોતાની ત્રણેય દીકરીઓ શ્રી ગુણાતીત જ્યોતમાં ભગવાન ભજે છે. તેમને બાળપણથી આ સંસ્કાર આપનાર માતા-પિતા આ ગૃહસ્થ સાધુસ્વરૂપો છે. એટલું જ નહીં, પોતાના બે દીકરાઓ અને બે પુત્રવધુઓની મા બનીને સંયુક્ત કુટુંબમાં રાખીને પારકી દીકરીને વહુ નહીં, પણ દીકરી જેવા પ્રેમે સેવન કરીને હૈયામાં ભગવાન આપનાર પરમ ભાગવત સંત પૂ.નીરૂબેનને કોટી વંદન !

આવા પ્રસંગે જે ખરી મહિમાની વાતો થઈ ! તેના અનુસંધાને પૂ.મનોજભાઈ સોનીએ એમની વાતમાં વિશેષ પ્રાર્થના કરી હતી કે, હે પપ્પાજી ! હવે પછીના શેષ જીવનમાં અમારી આસપાસ જે જે મુક્તો બિરાજે છે. જીવતા જાગતા એ મુક્તોનો મહિમા સમજી એ રીતે દર્શન અને સેવા કરીએ. “હે પ્રભુ ! તારું કાર્ય, તારી રીતે, તને રાજી કરવા.” જે પ્રાર્થનામાં કર્મયોગ, ભક્તિયોગ સમાયા છે. ગીતાના સારરૂપ ૯ શબ્દોની પ્રાર્થના છે કે

જેમાં હું, મારૂં, મને નથી. એ આપણા સહુનીય પ્રાર્થના જીવન બની રહે. તેવા ભાવો સાથે આજનો આ મહાપૂજાવિધિ પ્રસંગ ખરેખર આધ્યાત્મિક રીતે સંપન્ન થયો હતો.

(૩) ૧૮/૩/૧૨ જ્યોતનાં સદ્દ્ગુરૂ સ્વરૂપ પૂ.લીલાબેનનો સ્વરૂપાનુભૂતિદિન

{gallery}/images_in_articles/newsletter/2012/March/18.03.2012 P.P.LILABEN DIVINE DAY{/gallery}

જ્યોતનાં સદ્દ્ગુરૂ સ્વરૂપ પૂ.લીલાબેનનો સ્વરૂપાનુભૂતિદિનનો સમૈયો આજે સવારે ૧૦.૦૦ થી ૧૨.૦૦ ની સભામાં જ્યોત પંચામૃત હૉલમાં પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.દીદી, પ.પૂ.દેવીબેન અને સૌ સદ્દ્ગુરૂ સ્વરૂપોના સાંનિધ્યે બહેનોની સભામાં ઉજવાયો હતો. પૂ.લીલાબેનનું સાધનાકાળમાં પ્રવેશ થવો એ જીવનવૃતાંત તો એક ફિલ્મની સ્ટોરી સમાન છે. ગુરૂહરિ પપ્પાજી હંમેશાં તેમના આ ડિવાઈન ડે ના દિવસે એ સ્ટોરી સ્વમુખે અવશ્ય કહેતા.  સ્મૃતિની સાથે સાથે પૂ.લીલાબેનના જીવનમાં ગુણોનું ગાન પણ આજની સભામાં થયું. અનુભવી બહેનો પૂ.ભાવનાબેન વડિયા, પૂ.ઈલાબેન દવે, પૂ.સ્મૃતિબેન દવે, પૂ.નીપાબેન શાહ અને પૂ.શીલાબેન એમ. પટેલ દ્વારા નવા નવા પ્રસંગો સાથે માહાત્મ્યગાન સાંભળવા મળ્યું હતું. સાથી મિત્ર પૂ.હંસાબેન ગુણાતીતે ખૂબ સરસ ઐતિહાસિક વાત કરીને આશીર્વાદ આપ્યા હતા. પ.પૂ.દીદી, પ.પૂ.જ્યોતિબેનના આશીર્વાદ તથા ધ્વનિમુદ્રિત ગુરૂહરિ પપ્પાજીના લીધા હતા. આશીર્વાદમાં પપ્પાજીએ ખૂબ સરસ વાત કરી હતી કે, એકાંતિકની ર્દષ્ટિમાં આપણે આવ્યા એટલે આપણે પૂરા થયે છૂટકો. મોમ્બાસામાં પૂ.માસીબાની ર્દષ્ટિ પડી ને આ જોગમાં આવી ગયા. તારદેવ આવ્યા. ખૂબ જાગ્રતતાપૂર્વક સાધના કરી. જ્યોતની શાન વધારી. જે સેવા આપી તે સ્પષ્ટતા, ચોક્કસાઈ અને ચીવટાઈ અને વફાદારી પૂર્વક કરી ! શ્રધ્ધાપૂર્વક કરેલી પ્રાર્થના કરી નિષ્ફળ જતી નથી એ અનુભવ્યું. તો આધ્યાત્મિક ર્દષ્ટિથી જીવતા થઈ ગયાં ! ભગવાનનું કામ કરતા થઈ ગયાં ! આમ, રાજીપા સાથેના આશીર્વાદ આપ્યા હતાં. પપ્પાજીએ નવી પ્રણાલિ ર્દષ્ટાદિનની ઉજવણીની કરી છે. તે રીતે જબરજસ્ત મોટી સાધના સામુદાયિક રીતે કરાવ્યે જાય છે. સ્વામીની વાતુ નિરંતર કર્યા કરવી. જેનાથી જીવ બ્રહ્મરૂપ થઈ જાય. એ વાતને પ્રેક્ટીકલ જ્યોતમાં તથા સમાજમાં આ રીતે પપ્પાજીએ કરી છે. ગુણગાન ગાવાથી આત્માને વિષે આનંદ આવે ! વળી, ઝીણા ઉડેલા છાંટાના ડાઘ સહેજે ધોવાઈ જાય ! પૂ.હંસાબેન ગુણાતીતનો સ્વરૂપાનુભૂતિદિન તા.૯/૩/૧૨ના હતો. જેની ઉજવણી ૧૧/૩ ના હતી. પરંતુ પૂ.નીરૂભાભીની મહાપૂજા અને સભા થઈ તેથી જાહેર ઉજવણી નથી થઈ શકી. પરંતુ તેઓનો આ દિવસ આવ્યો. તેથી અંતરમનમાં સહજ ગુણગાન અને યાચનાના ભાવો વહ્યા હતા. પૂ.હંસાબેન એટલે બેઠી નદી. જમનાના નીર જેવું છૂપું જીવન ! મા જેવી મમતા અને સમતા ! પોતે એમનો પોતાનો સમૈયો ના ઉજવવા દીધો અને સાથી સદ્દગુરૂ મિત્ર પૂ.લીલાબેનના સમૈયામાં છૂટા દિલે (મુખે) ગુણગાન અને સ્મૃતિની વાતો કરીને ભરી દીધાં ! આવું સ્ત્રીઓમાં ક્યાંય બની શકે ? ગુરૂહરિ પપ્પાજીનું આ પૃથ્વી પરનું કાર્ય છે ! આ પપ્પાજીનો ખરેખર વિજયદિન કહીએ તો ખોટું નથી. આમ, જ્યોતમાં આજે ખરા અર્થમાં પૂ.હંસાબેન ગુણાતીતનો પણ સમૈયો ઉજવાયો હતો.

આ રીતે આખો માર્ચ મહિનો માહાત્મ્યસભર વિચાર, વાણી, વર્તનથી ભર્યો ભર્યો પસાર થયો હતો. ગુરૂહરિ શ્રી પપ્પાજીના ચરણોમાં કોટી વંદન કરી વિરમું છું. આપના ધૂન ભજનથી અત્રે પ.પૂ.બેન, પ.પૂ.જ્યોતિબેનની તબિયત સારી છે. સર્વે સ્વરૂપોના જય સ્વામિનારાયણ.

 

                                                                      એ જ જ્યોત સેવક P.૭૧ના જય સ્વામિનારાયણ !