સ્વામિશ્રીજી
જય ગુરૂહરિ પપ્પાજી, પપ્પાજી સ્વરૂપદર્શન હીરક પર્વની જય જય જય
ગુરૂહરિ પપ્પાજીના સંબંધ પામેલ વ્હાલા અક્ષરમુકતો, જય સ્વામિનારાયણ !
ક્યાંથી વાત શરૂ કરવી તેની ખબર પડતી નથી. ફક્ત એટલું જ ગુંજે છે કે, “પપ્પાજીનો જય જયકાર…..૧લી જૂનનો જય જયકાર… પપ્પાજી સ્વરૂપદર્શન હીરક પર્વનો જય જયકાર…”
પપ્પાજી સ્વરૂપદર્શન હીરક પર્વની ઉજવણીના ભાગરૂપે જ્યોતમાં ઉજવાયેલા સમૈયાની સ્મૃતિ બે વિભાગમાં માણીશું.
(૧) તા.૨૧/૫/૧૨ થી ૩૧/૫/૧૨
(૨) તા.૧/૬/૧૨ થી ૧૫/૬/૧૨
આજે અહીં આપણે ૨૧મે થી ૧૫જૂન દરમ્યાન જ્યોતમાં ઉજવાયેલ ભવ્ય સમૈયાની સ્મૃતિ કરીશું. તે અહીં લખવું તે તો સાગરને ગાગરમાં સમાવવા જેવું છે. પપ્પાજી હંમેશાં કહેતા કે, જે સ્વરૂપનો પ્રાગટ્યદિન હોય તેના અઠવાડિયા પહેલાં અને અઠવાડિયા પછી આગળ-પાછળ ગુણગાન ગાઈને ઉજવવો. પપ્પાજીના હીરક સાક્ષાત્કારનું ખરેખર બન્યું એવું કે પખવાડિયું આગળ-પાછળ ઉજવણી થઈ તેવું આપમેળે બન્યું. સમૈયો ગોઠવેલ હતો ત્રણ દિવસનો ૧,૨,૩ જૂન ! અને થઈ ગયો ભરપૂર આખો મહિનો ! તેનું કારણ સ્વામિનારાયણ ભગવાનના ઘરે (મંદિરે) તગારાં, નગારાં ને તાવડા ચાલુ જ હોય. જ્યાં સાક્ષાત પ્રભુ બિરાજમાન છે. ગયા વર્ષે નવેમ્બરમાં પરાભક્તિ પર્વના સમૈયા પછી તરત જાહેર થયો હતો. પપ્પાજીનો હીરક સાક્ષાત્કાર પર્વ…જેનું નામ પડ્યું. “પપ્પાજી સ્વરૂપદર્શન હીરક પર્વ.”
(૧) તા.૨૫/૫/૧૨ સ્મૃતિ દિન
આજે પપ્પાજીએ આપણા માટે પ્રભુતામાં પગલા માંડ્યાં હતાં તે દિવસ. આજે સાંજે પ્રભુકૃપામાં ‘સંજીવની મંત્ર’ ની ચિત્રાત્મક સમજણનાં દર્શન પીસનું ઉદ્દઘાટન સદ્દ્ગુરૂઓના હસ્તે થયું હતું.
(૨) તા.૨૭/૫/૧૨ રવિવારના રોજ બે સમૈયા ઉજવાયા.
૧. સદ્દ્ગુરૂ સ્વરૂપ પૂ.મધુબેન સી. નો સુવર્ણ સાક્ષાત્કાર પર્વ.
સવારે ૮.૩૦ થી ૧૨.૩૦ દરમ્યાન જ્યોત પપ્પાજી હૉલમાં સંયુક્ત સભામાં ખૂબ આનંદ સાથે ઉજવાયો હતો. ગુરૂહરિ પપ્પાજીના ૬૦ વર્ષના કાર્યના ભાગરૂપ આ ઉજવણી થઈ. તારદેવની ધરતી પર પ્રથમ ૨૫ બહેનોને તૈયાર કરીને લઈને ૧૯૬૬માં વિદ્યાનગર આવેલા અને ૧લી જૂને પ્રથમ ૫૧ બહેનોને દીક્ષા આપી હતી. તેમાંના પ્રથમ ૨૫માં પણ આ બે મોટેરાં બહેનો કે જેમણે ભેખ નિભાવ્યો છે, જ્યોત દિપાવી છે. કાકાજી હંમેશાં આ પ્રથમ ૨૫ બહેનોને કહેતા કે, “તમો અમારૂં નાક છો. બા-કાકાજી-પપ્પાજીની અમારી ત્રિપુટીએ અંધારામાં પથ્થર ફેંક્યા છે. અને સામા પૂરે સમાજમાં ચાલ્યા છીએ. એમાં તમોએ સાથ આપ્યો ! અમારૂં ખૂબ શોભાડ્યું !” એવો અંતરનો રાજીપો અને વિશ્વાસ સંપાદન કરનાર પૂ.મધુબેન સી. પટેલનું જીવન ટૂંકમાં માણીએ.
પૂ.મધુબેનને પહેલેથી જ સ્વામિનારાયણ ધર્મ. જીવ અતિ બળિયો. પ્રત્યક્ષના જોગ સમજણી ઉંમરે થતાં તત્કાળ દિવ્યતાથી રૂપાંતરથી સાધનામાં પ્રવેશ થઈ ગયો. સાક્ષાત્ પ્રભુએ જ સામેથી પ.પૂ.હંસાદીદીને કહ્યું કે (૧૯૬૨માં) તમે ભાદરણ શિબિરમાં જાવ છો તો મધુ સાથે સંબંધ બાંધતાં આવજો. અને આજ્ઞા ભેળી મૂર્તિ આવે. એ સ્મૃતિએ પ.પૂ.હંસાદીદીની ભક્તિએ મધુબેન તારદેવ અક્ષરધામના તખતમાં પધાર્યાં. ને આજ્ઞાએ કરીને કર્મયોગે સાધના શરૂ થઈ. ‘પટેલ રૂબી’ મેડીકલ સ્ટોરમાં જ્યાં તેમની સ્પષ્ટતા, ચીવટાઈ, ચોક્સાઈની સેવાભાવનાથી નફામાં વધારો થયો. સાથે સાથે ખપ, ગરજ, ખટકાથી સ્વભજન, સ્વાધ્યાયને સેવાના માર્ગે સતત જાગ્રતતાથી વરત્યાં. ગુણાતીત જ્યોતમાં કેન્દ્ર નંબર ૧૪ મેળવ્યો. અહીં ઓફિસ, રસોડું, કોઠાર, સફાઈ, સેન્ટરની સેવા, વિદ્યાનગર મહિલા મંડળ વગેરે અનેક સેવામાં રસબસ થયાં. સાથે સાથે ત્યાગી, ગૃહી ચૈતન્યોનું જતન કરી સૌને સુખિયા કરી રહ્યાં છે. દરેક ચૈતન્યોનાં ગુણાતીતના સુહ્રદ બની આધ્યાત્મિક માર્ગે વાળવા પત્રલેખનથી, ફોનથી, વિચરણથી, ને ખાસ તો શ્રધ્ધાપૂર્વકના જપયજ્ઞથી સૌને જપયજ્ઞની ટેવ પડાવી. ભગવાનને સંભારો, ભગવાન કામ કરશે જ. અને ખરેખર જપયજ્ઞ કરીને જીત મેળવનાર ભક્તોના અનુભવોનું દર્શન કરી સૌ એ જપયજ્ઞના જોગીને વંદન કરી રહ્યાં. ધન્ય એ ગુરૂહરિ પપ્પાજી, ધન્ય એ ગુરૂસ્વરૂપ દીદી, ધન્ય એ જપયજ્ઞના જોગી મધુબેન અને ધન્ય જપયજ્ઞ કરનાર સંત બહેનો, હરિભક્તોને.
{gallery}/images_in_articles/newsletter/2012/May/27-05-12 P.P.MADHUBEN SUVARNA DIN{/gallery}
૨. સાંજે ૫.૦૦ થી ૮.૦૦ પૂ.કમુબેન પટેલનો ૯૦મો પ્રાગટ્ય દિન
પૂ.કમુબા પટેલના ૯૦મા પ્રાગટ્યદિનની ઉજવણીની સ્મૃતિ તથા તેઓના મહિમાની વાત સાથે માણીએ. તા.૨૭મી એ રાત્રે પ.પૂ.કમુબાનો ૯૦મો પ્રાગટ્યદિવ ઉજવાયો. ભક્તિસભર સ્વાગત નૃત્ય ‘શ્યામ તને નીરખી નાચું જી…’ દ્વારા પાયલાગણ કરી સ્વાગત પુષ્પાર્પણ થયાં. પૂર્વાશ્રમના સ્નેહીજનોએ પણ આ લાભ લીધો અને આશિષ યાચના કરી. ભાવનૃત્યમાં માહાત્મ્યગાન થયાં. પૂ.કમુબા એટલે નિર્માની સ્વરૂપ. સેવાનું સ્વરૂપ. નિરપેક્ષભાવ, બ્રહ્માનંદી, મૂર્તિ લૂંટારૂ. ગુરૂહરિ, ગુરૂના મુખનું પાન, વિશ્વાસુ સેવક સપનામાં પણ નિષ્કામ ભાવ. જે દિવસે આ પ્રાપ્તિ થઈ તે દિવસથી આ ઘડી સુધી દિવ્યભાવભરી સેવા ચાલુ જ છે. ‘સૌ મારાં છે, એટલે હું સૌની છું.’ એ ભાવનાનાં દર્શન અન્યોન્ય માણ્યાં અને હજુય ૧૦૦ વર્ષ સુધી તેમના આશિષ વરસે, તેમના જેવો બ્રહ્માનંદ સૌને પ્રાપ્ત થાય એ જ પ્રાર્થના કરી. અને એવું નિરંતર પ્રસન્ન આત્મારૂપ જીવન જીવનારના વરદ હસ્તે ‘આતમ આરોગ્યનું ઔષધ’ એ પુસ્તકનું અનાવરણ થયું. જેમાં ગુરૂહરિ પપ્પાજીના પરાલેખનમાંથી ૬૦ મૌક્તિક ચૂંટી સાધક્વૃંદના મનને પ્રફુલ્લિત કર્યું છે.
{gallery}/images_in_articles/newsletter/2012/May/27-05-12 – P.P.Kumba – 90th B’day{/gallery}
(૩) તા.૨૮/૫/૧૨ પપ્પાજીનો ષષ્ઠમ શાશ્વત પર્વ
કેવો સુમેળ ! પપ્પાજીના ૬૦મા સાક્ષાત્કાર પર્વે જ પપ્પાજીને દેહત્યાગના ૬ વર્ષ પૂરાં થઈ રહ્યાં છે. ૬ ના અંકની સ્મૃતિએ ભક્તોને આ મે મહિનામાં ૬૦૦ માળા કરીને આ સ્મૃતિપર્વ ઉજવવા પધાર્યા હતાં. પ્રભુકૃપામાં સ્મૃતિ માહાત્મ્યના હિંડોળે શાશ્વત પ્રભુ ગુણાતીત સ્વરૂપો સાથે ઝૂલી શ્રીજી મહારાજના ૧૨ દ્વારના હિંડોળાની સ્મૃતિ કરાવતા હતા. પૂ.જીતુભાઈ ચિતલિયા , પૂ.જયંતિદાદા પંચાલ અને તેમની ટુકડીના ભાઈઓએ હ્રદય હલાવે તેવું સુશોભન કર્યું, એ જ હોલની છત પર ચિદાકાશમાં વિહાર કરાવવા ૫૧ હિંડોળા ઝૂલતા મૂક્યા હતા. આપણા ૫૧ ખંડને પ્રજ્જવલિત કરવા પધારેલા ગુરૂહરિનું એ રીતે સ્વાગત કર્યું. સૌ ભક્તોનાં હૈયાં ઝૂમી રહ્યાં હતાં. સવારે ૧૦.૦૦ થી ૧૨.૦૦ સંયુક્ત સભામાં મહાપૂજા થઈ. ગુરૂહરિ પપ્પાજીએ આશિષ વરસાવતાં શ્રધ્ધાના શ્વાસ ભરાવતાં વાર્તા કરી કે, જો સત્પુરૂષના વચનમાં શ્રધ્ધા હશે તો સાધનનાં બળ હટી જશે ને તત્કાળ દર્શન થશે. તેથી સૌનાં મન શ્રધ્ધામાં મહાલતાં રહ્યાં. શાશ્વત પળોમાં ૧૧ વાગ્યે ધ્યાન, ભજન, મૌન કરી ક્ષમાયાચના સાથે એમના ચરણે ઝૂક્યાં.
(૪) તા.૨૯/૬/૧૨
આજે પણ શાશ્વત સ્મૃતિ સભર દિન છે. અખિલ ગુણાતીત સમાજના સંતો, બહેનો, યુવકો અને ગૃહસ્થોએ હજારોની સંખ્યામાં પપ્પાજીનાં અંતિમ દર્શન કરીને મૂર્તિ શ્વાસમાં-નયનમાં ભરી હતી તે દિવસ ! આજે જ્યોતમાં સંયુક્ત સભામાં મંગલ પ્રભાતે ગુરૂહરિ પપ્પાજીની સ્મૃતિ સહ ૬.૦૦ થી ૮.૦૦ પપ્પાજી હૉલમાં સંઘધ્યાન કર્યું હતું . ત્યારબાદ ભાઈઓ માટે બ્રહ્મવિહારની અક્ષર ઓરડીમાં મૂકાયેલા સ્મૃતિ દર્શનનો કાર્યક્ર્મ હતો. જે પૂ.દિવ્યાબેન પટેલે માહાત્મ્ય-ચિંતવનથી સભર કર્યો છે, તે સૌએ માણ્યો. સવારે ૯.૦૦ થી ૧૨.૦૦ દરમ્યાન નડિયાદ “પ્રસાદ રજ” સ્મૃતિ સ્થાને (કાકાશ્રીના પ્રાગટ્યધામે) પ.પૂ.જ્યોતિબેન, પૂ.દયાબેન, પૂ.શોભનાબેન, પૂ.માયાબેનના સાંનિધ્યે પરદેશના ભક્તો દર્શનાર્થે પધાર્યા અને ગુરૂહરિ પપ્પાજીના ત્રણ જીવન પ્રસંગોનું તૈલીચિત્રોનું અનાવરણ કરી દર્શનાર્થે ખુલ્લું મૂક્યું. જે સૌને હ્રદયસ્પર્શી લાગ્યું. ગુણાતીત જ્યોતનાં પૂ.નેહલબેન દવેએ પ્રભુ પપ્પાજીની કૃપાથી આશીર્વાદથી અને પ્રખ્યાત આર્ટીસ્ટ પૂ.અશોકભાઈ ખાંટના માર્ગદર્શનથી આ પેઈન્ટીંગ કર્યું હતું. સાંજે શાશ્વત સ્મૃતિ પર્વ નિમિત્તે સમૂહ ધૂન કરી. શાશ્વતગાન આરતી અને સ્તુતિ કરી.
{gallery}/images_in_articles/newsletter/2012/May/28-05-12 P.K.DARSHAN{/gallery}
(૫) તા.૩૦/૫/૧૨ શિબિર દિવસ
દેશ પરદેશથી સમૈયો કે દિવાળી કરવા પધારેલ હરિભક્તોને આગળ પાછળના દિવસોએ પપ્પાજી શિબિર કરાવીને અવશ્ય લાભ આપતા. પળેપળનો ઉપયોગ કરીને આધ્યાત્મિક જ્ઞાન સાથે સ્મૃતિનું ભાથું ભરી દેતાં. તે રીત મુજબ આજનો ખાલી દિવસ ભર્યો ભર્યો ગયો હતો. સવારે ૮.૦૦ થી ૧૦.૦૦ સંઘધ્યાન સાથે સભા રાખી હતી. પૂ.પદુબેને મૂર્તિના બળે પંચવર્તમાની સાધુ બનવા જાગ્રત કર્યા. પૂ.દિલીપભાઈએ (લંડન) સ્મૃતિ સભર કરી ગુરૂહરિની નિષ્ઠા પરિપકવ કરાવી. પ.પૂ.દીદીએ આશિષ આપી આધ્યાત્મિક વાતુનો થાળ મળ્યો છે. તેને વાપરી ભૂલકું બનતાં શીખવ્યું. રાત્રિ સભામાં ભાઈઓએ કીર્તન આરાધના દ્વારા સૌનાં મન સભર કર્યાં.
(૬) તા.૩૧/૫/૧૨ ગુરૂવાર મંત્રયજ્ઞ તથા વ્રતધારણ
પરાભક્તિ પર્વે મંત્રલેખન થયું. તે મંત્રપોથીને આ પપ્પાજી સ્વરૂપદર્શન હીરક પર્વે શાશ્વત ધામના અનાવરણ અને મૂર્તિપ્રતિષ્ઠાના પ્રસંગે પ્રારંભે મંત્રયજ્ઞ પપ્પાજી તીર્થ પર P.લોનમાં ખૂબ ભક્તિભાવ પૂર્વક થયો હતો. સવારે ૬.૦૦ વાગ્યે યજ્ઞ પ્રારંભ પૂ.કમુબા અને પૂ.મણીબા પટેલના વરદ્દ હસ્તે અગ્નિ પ્રજ્જવલિત કરાવી હતી. પૂ.ઘનશ્યામભાઈ દવે (બોરીવલી) તે પ.પૂ.દીદીએ આ યજ્ઞ માટે પસંદ કર્યા હતા. સાથે પૂ.મહેશભાઈ દવે (વિદ્યાનગર), પૂ.કિરણભાઈ શુકલ હતા. સિનીયર પૂ.યશવંતભાઈ દવેના સાંનિધ્યે તેઓએ વિધિપૂર્વક યજ્ઞ કર્યો હતો. સમગ્ર ગૃહી-ત્યાગી ભાઈઓએ મંત્રઆહુતિ સવારે આપી હતી. અને સાંજે ગૃહી-ત્યાગી બહેનોએ મંત્ર આહુતિ માટે પપ્પાજી તીર્થ પર આહુતિ આપી હતી. મોટેરાં બહેનોએ (સ્વરૂપોએ) યજ્ઞમાં શ્રીફળ હોમી યજ્ઞની સફળતાનાં દર્શન કરાવ્યાં હતાં. ધ્વજ વિહાર – આજે સવારે ૮.૦૦ વાગ્યે સમગ્ર ભાઈઓ એ ધ્વજ વંદન કર્યું હતું. ગુણાતીત સમાજનો ધ્વજ પપ્પાજી તીર્થના પ્રાંગણમાં પદ્મ સ્તંભ પાસે પૂ.ધરમ સ્વામી તથા પૂ.કિશોરકાકાના વરદ્દ હસ્તે ધ્વજ લહેરાવ્યો હતો. જે કાયમ લહેરાતો રહેશે.
{gallery}/images_in_articles/newsletter/2012/May/31-05-12 MANTRA YAGNA MORNING P.TIRTH{/gallery}
આજે સવારે ૮.૩૦ થી ૧૨.૦૦ પપ્પાજી હૉલમાં સંયુક્તસભા મધ્યે વ્રતધારણનો ભક્તિસભર મહાપૂજાનો કાર્યક્ર્મ થયો હતો. પપ્પાજી હૉલમાં વ્રતધારણની સભા ૮.૩૦ વાગ્યે શરૂ કરી. આજના મંગલ આનંદની કંઈ વાત થાય તેમ નથી. ૧૩ દીક્ષાર્થી બહેનોના સગાંસ્નેહીઓ આવ્યાં હતાં. કન્યાને વળાવે તેવી ધામધૂમ કરી ઘરેથી વિદાય આપેલી, એનાં આજે દિવ્ય દર્શન માટે સૌ ભાવવિભોર હતાં. યોગીજી મહારાજે જે કાર્ય માટે ગુરૂહરિ પપ્પાજીને પસંદ કર્યા હતા તેનો આજે વિજયદિન હતો. ૪૧૫ બહેનોની પાછળ આજે ૧૩ બહેનોનો ઉમેરો થઈ રહ્યો હતો. તેની ભવ્ય મહાપૂજા પૂ.કલ્પનાબેન દવે અને પૂ.શારદાબેન ડઢાણિયાએ કરી. બહેનોને વ્રતધારણનો સંકલ્પ મહંત શ્રી હંસાદીદીએ કરાવ્યો. વ્રતધારી બહેનો તથા મંત્રપુષ્પાંજલિરૂપે સ્વરૂપોએ આશિષ પુષ્પો વરસાવ્યા. ત્યારબાદ દીક્ષાર્થી બહેનો તથા હવે પછી ગુણાતીત સૌરભનું વ્રત લેવાના છે તે સૌને પ.પૂ.દીદીએ આશિષ આપ્યા કે, ‘આજે જે વ્રત લેનાર બહેનો છે તે ધામધૂમથી વાજતેગાજતે અહીં આવ્યા, પણ પ્રારંભને સંભારીએ તો તે વખતના સંજોગોમાં પપ્પાજીની જીગર હિંમતને ધન્યવાદ છે. પાર્ટીશન થયાના ચોથા જ દિવસે ૫૧ બહેનોને ભગવા વસ્ત્ર આપી વ્રત આપ્યું તથા તે પછી થોડા વખતમાં સર્વ પ્રકારે મદદ કરે તેવા ગૃહસ્થોને અંબરીષ દીક્ષાના વ્રત અપાયાં. જે વ્રતને આજે ગુણાતીત સૌરભના નામથી આપણે માણીએ છીએ, એવા નવા ગૃહસ્થ મુક્તોએ આજે ગુણાતીત સૌરભનું વ્રત ગ્રહણ કરીને જીવનને ધન્ય બનાવ્યું હતું. તેઓને મોટેરાં ભાઈઓએ બેજ, નિયમ પુસ્તિકા, પ્રસાદ આપી આશિષ પુષ્પો વરસાવ્યા. વ્રતધારણ નિમિત્તે વ્રત લેનાર ત્યાગી-ગૃહી મુક્તોને તથા સર્વને જીવન જીવવા માટેનું ભાથું બાંધી આપવા રૂપે મોટેરાં બહેનોએ લાભ આપ્યો હતો. જાણે શિબિરસભા તુલ્ય સમૈયો ઉજવાયો હતો.
{gallery}/images_in_articles/newsletter/2012/May/31-05-12 DIKSHADIN SABHA{/gallery}
એ જ જ્યોત સેવક P.૭૧ના જય સ્વામિનારાયણ.