15 to 30 Jul 2010 – Newsletter

સ્વામિશ્રીજી

જય ગુરૂહરિ પપ્પાજી

પરાભક્તિ પર્વની જય જય જય

 

ગુરૂહરિ પપ્પાજીના સંબંધ પામેલ વ્હાલા અક્ષરમુકતો, જય સ્વામિનારાયણ !

અહીં આપણે છેલ્લા ત્રણ અઠવાડિયા દરમ્યાન જયોતમાં ઉત્સવો ઉજવાયા. તેની સ્મૃતિ પપ્પાજીના વ્યાપક પ્રત્યક્ષપણાનાં દર્શનના ભાગરૂપે માણીએ !

 

(૧) તા.૧૮/૦૭/૨૦૧૦ (રવિવાર)

પૂ.દયાબેન ગોસર (સદ્દગુરુ A) નો સ્વરૂપાનુભૂતિદિન સવારે ૯.૩૦ થી ૧૨.૦૦ પૂ.જ્યોતિબેનના સાંનિધ્યે બહેનોની સભામાં ઉજવ્યો હતો. પપ્પાજી હૉલમાં સ્ટેજ પર નવીન રીતે પૂ.દયાબેનના ગુણગાન ગવાયા ! નવાં સત્સંગી બહેનો ધ્વારા પૂ.ઉમાબેન મસરાનીના માર્ગદર્શન હેઠળ ડાન્સ અને અભિનયના રૂપમાં (‘ડાયરો’) રજૂ કર્યો હતો. પ.પૂ.બેન પણ સભામાં દર્શનદાન દેવા પધાર્યાં હતાં અને રૂડા આશીર્વાદ આપી ધન્ય કર્યાં હતાં. પૂ.દયાબેન એટલે ઈ.સ.૧૯૬૬માં પ્રથમ ૨૫ બહેનોને મુંબઇથી પપ્પાજી તૈયાર કરીને વિદ્યાનગર જ્યોત ખોલી ત્યારે લાવેલાં, તેમાંના જૂના જોગી ! સ્વભજન, આજ્ઞાપાલન, ચોક્સાઇ, ચિવટાઇ અને સ્પષ્ટતા જેવા અનેક ગુણનું સિંચન યુવતીઓને અને નવા સાધકોને પૂ.દયાબેને કર્યું છે.

(૨) તા.૨૪/૦૭/૨૦૧૦ (શનિવાર)

પ.પૂ.બાનો પ્રાગટ્યદિન સાંજે ૪.૩૦ થી ૭.૩૦ પપ્પાજી હૉલમાં ખૂબ ભવ્ય રીતે બહેનો-ભાઇઓની સભામાં ઉજવાયો ! દિવ્યતાનું વાતાવરણ સર્જાયુ હતું. ગુરૂહરિ પપ્પાજી અને બાની દિવ્ય સંનિધિનો સૌના હૈયે અનુભવ થઈ રહ્યો હતો. વિશેષમાં સભાના અંતે પપ્પાજી બાના આશીર્વાદ વિડિયો-ફોટો શો ધ્વારા સ્ક્રીન પર માણ્યા હતાં. ઐતિહાસિક દર્શન પણ જાણે વર્તમાન બની ગયું હોય તેવી અનુભૂતિ સર્વને થઇ હતી. મેઘરાજાની મહેર પણ પ્રથમવાર “દિવ્ય મા” ના પ્રાગટ્યોત્સવમાં જ થઇ હતી.

(૩) તા.૨૫/૭/૧૦ રવિવાર, ગુરૂપૂનમ અષાઢ સુદ-૧૫

ભારત દેશ ભક્તિપ્રધાન દેશ ! એમાંય ગુરૂપૂનમનો ખૂબ જ મહિમા. આ વખતે ગુરૂપૂનમ જોગાનુજોગ રવિવારે આવી હતી. તેથી તો જાણે જ્યોત પ્રાંગણમાં ૧લી સપ્ટેમ્બરનો ઉત્સવ આવ્યો હોય તેવું લાગ્યું ! ત્યાગી ભક્તોએ (વક્તાઓએ) વાતો પણ એવી જ કરી. પ્રભુકૃપામાં પ્રથમ દર્શન કરીને જ થંભી જવાય ! એવું ભવ્ય-દિવ્યતા નીતરતું ડેકોરેશન ‘તિલક-ચાંદલા’ નું હતું. તેની મધ્યે ગુરૂહરિ પપ્પાજી સુંદર વસ્ત્રોમાં બિરાજમાન હતા. શ્રી ઠાકોરજીએ પણ સુંદર વાઘા ધારણ કર્યાં હતાં.ગુરૂપૂનમે ગુરૂ-ગુરૂહરિને ચાંદલો કરી પૂજન કરીએ છીએ. અને મનોમન પ્રાર્થના થાય છે કે પ્રભુ ! અમો તમારું તિલક (ઓળખ) બની રહીએ. આવા ભાવો પ્રભુકૃપાના સુશોભનમાં વંચાતા હતા.પ.પૂ.બેન પણ ગુરૂપૂનમના દર્શન દેવા સભામાં પધાર્યાં હતાં ! અને ખૂબ સરસ આશીર્વાદ ગુરૂપૂનમ નિમિત્તે આપ્યા હતા.

(૪) તા.૨૭/૭/૧૦ મંગળવાર હિંડોળા પ્રારંભ અષાઢ વદ-૧.

ચાતુર્માસ પ્રારંભ તા.૨૧/૭/૧૦થી થયો ! ચાતુર્માસ દરમ્યાન જાતજાતના ધાર્મિક તહેવારો આવતા હોય છે. તેમાં એક મહિનો ઠાકોરજીને હિંડોળે ઝૂલાવવાનો પણ હોય છે. વિધ વિધ શણગાર હિંડોળાના બધા મંદિરોમાં થતા હોય છે. એમાંય આપણા સ્વામિનારાયણ મંદિરોમાં તો હિંડોળા દર્શનનો ખૂબ મહિમા હોય છે ! જ્યોતમાં પણ તા.૨૭/૭/૧૦ના રોજ પંચામૃત હૉલમાં હિંડોળા પ્રારંભ પ.પૂ.જ્યોતિબેનના સાંનિધ્યે થયો. દર મંગળવારે ગૃહસ્થ બહેનોની સભા સાંજે ગુણાતીત જ્યોતમાં હોય છે. ભાભીઓને પણ હિંડોળાનો વિશેષ ઉમંગ હોય છે.

૧. બહેનોએ પ્રથમ હિંડોળા મોટી બે માછલી આકારના બનાવેલા હતાં. હિંડોળાના દર્શન કરતાં એક ભજન છે તેની પંક્તિઓ પ્રાર્થના રૂપે સરી પડતી હતી !

“મીન જીવે જળ વિષે, પ્રીત એવી થાય તારા વિષે,

પ્રીત એવી કે લાગે વ્હાલો, મળ્યો કૃપામાં કામણગારો…..”

પાંચ દિવસ પછી હિંડોળાનાં દર્શન બદલાયાં.

૨. બીજા હિંડોળા મયુર પંખ જેવા હતા ! તે પણ ખૂબ સુંદર હતા. જેમાં ભજનની પંક્તિઓ લખેલી હતી.

૩.‌ ત્રીજા હિંડોળા તો ઓહોહો ! સ્વામિનારાયણ મંત્ર લેખનના હતાં. ગુજરાતીમાં તથા ઇંગ્લીશમાં લખેલા મંત્રના પેપર્સથી તથા ખાસ તો મંત્રથી હાથે દોરેલી મૂર્તિઓથી હિંડોળા શોભાયમાન હતા ! જ્યોતની કલાકાર બહેન પૂ.નેહલબેન દવેને પ્રભુની આપેલ બક્ષિસ હસ્તકલાની છે. તેઓએ નાજુક મંત્રોથી મૂર્તિ બનાવી હતી. મહારાજની, તથા યોગીજી મહારાજની તથા ગુરૂહરિ પપ્પાજીની. અને આસન સહિત જે કલા દર્શાવી હતી તે તો પ્રસન્નીય છે. પ્રભુને પ્રસન્ન કરવાના ભાવથી યોજાયેલા હિંડોળામાં આ મંત્રમૂર્તિઓ આવરી લઇને જે ભાવ દર્શાવાયેલો, તે હિંડોળા દર્શન કરી ધન્યતા હજુય અનુભવીએ છીએ.જ્યોત શાખા મંદિરોમાં પણ શ્રી ઠાકોરજી અને ગુરૂહરિ પપ્પાજીને હિંડોળે ઝૂલાવાય છે. સહુ ભક્તો-બહેનો વિધ વિધ ભાવથી હિંડોળા બનાવી ધન્યતા અનુભવે છે.

(૫) તા.૧/૮/૧૦ રવિવાર, પૂ.તરૂબેનનો સ્વરૂપાનુભૂતિદિન

પૂ.તરૂબેન પટેલ (સદ્દગુરૂ A) નો સ્વરૂપાનુભૂતિદિન ઉજવાયો. આજે સવારે ૯.૩૦ થી ૧૨.૩૦ ની સભામાં જ્યોત પંચામૃત હૉલમાં પૂ.તરૂબેનનો સ્વરૂપાનુભૂતિદિન ખૂબ સરસ ઉજવાયો ! તરૂબેનનું જીવન જ એવું છે ! આદર્શ સાધુતા ! નીતરતી ભક્તિ અને ઉછળતો ખપ, ખટકો અને મુમુક્ષુતા ! વિદ્યાનગર જ્યોત આશ્રમ બંધાતાં પહેલાં આફ્રિકાથી પ.પૂ.બેન તેમની સાથે ચાર બહેનોને ભગવાન ભજવા લાવેલાં ! તેમાંના આ પૂ.તરૂબેન ! એ વખતનું સમાજનું વાતાવરણ અને અંધારામાં ભૂસકો મારવા જેવી આ વાત હતી ! વહેતા વહેણમાં યાહોમ કરીને તરતું મૂકી દીધું ! જીવન ન્યોછાવર કરી દીધું. તે જેવો ખપ લઇને આવ્યા હતાં ! તેવો જ છેક સુધી પકડી રાખ્યો! આ ખૂબ અગત્યની બાબત તરૂબેનના જીવનની છે. પ.પૂ.પપ્પાજી, પ.પૂ.બેન, પ.પૂ.દીદી, પ.પૂ.માસીબા અને પૂ.જસુબેનને સેવીને તેઓની પ્રસન્નતા પ્રાપ્ત કરી લીધી છે. અને ખૂબ ટૂંક સમયમાં સદ્દગુરૂ A ની સ્થિતિ પ્રાપ્ત કરી લીધી છે. ગુરૂહરિ પપ્પાજીએ જ્યોતમાં સદ્દગુરૂના સ્વરૂપાનુભૂતિદિન એટલા માટે ઉજવવાના રાખ્યા છે કે, દરેકના જીવનમાંથી અવનવી પ્રેરણા મળતી રહે ! પૂ.તરૂબેનની આ સભામાં ગામોગામથી ગૃહસ્થ બહેનો પણ વરસાદની સિઝન હોવા છતાંય લાભ લેવા પધાર્યાં હતાં. સભાના અંતમાં સમૂહ આરતીનો વિશેષ કાર્યક્રમ રાખ્યો હતો. આમ, ખૂબ સરસ ગુણાનુગાનની સભા થઇ હતી.

(૬) તા. ૪/૮/૧૦ બુધવાર, પ.પૂ.જ્યોતિબેનનો મિલન સમારંભ

પ.પૂ.જ્યોતિબેન સાથે પૂ.દેવ્યાનીબેન, પૂ.રસિલાબેન ડઢાણિયા લંડન અને U.S.A ની ધર્મયાત્રાએ પધારી રહ્યાં છે. અત્યારે જવાનો મુખ્ય હેતુ.

૧. લંડનમાં ગુરૂહરિ પપ્પાજીના માનસપુત્ર એવા પૂ.દિલીપભાઇ ભોજાણીનો ૬૫ મો પ્રાગટ્યદિન તા.૮/૮/૧૦ ના રોજ ઉજવવાનો છે. તે ઉજવવા ગુરૂહરિ પપ્પાજી અને સ્વરૂપો વતી જવાનો ખૂબ ઉમંગ જ્યોતિબેનનો હતો.

૨. U.S.A માં પૂ.દિનકરભાઇનો અને પૂ.મહેન્દ્રબાપુના ૬૫મા પ્રાગટ્યદિનનો સમૈયો ‘સુહ્રદમ મહોત્સવ’ તા.૩, ૪, ૫ સપ્ટેમ્બરના યોજાયો છે. પ.પૂ.પપ્પાજી, કાકાજી, બાના સ્વરૂપે પ.પૂ.જ્યોતિબેનને બોલાવવાનો ભાવ અને આમંત્રણ મુજબ જ્યોતિબેનનું U.S.A જવાનું ગોઠવાયું ! તેઓની વિદાય (મિલન) કાર્યક્ર્મ જ્યોત પંચામૃત હૉલમાં બહેનોની સભામાં થયો હતો ! જ્યોતિબેને ખૂબ સુંદર લાભ આપ્યો ! મિલન સભા નહીં, પરંતુ જાણે શિબિર સભા થઇ !

(૭) તા.૮/૮/૨૦૧૦ પૂ.દિલીપભાઇ ભોજાણીનો ૬૫ મો પ્રાગટ્યદિન

તા.૮/૮/૨૦૧૦ ના રોજ પૂ.દિલીપભાઇ ભોજાણીનો ૬૫ મો પ્રાગટ્યદિન લંડનમાં સવારે ૧૦.૦૦ થી ૨.૦૦ સુધી પપ્પાજી સ્વરૂપ પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.દેવીબેનના સાંનિધ્યમાં તથા પૂ.શોભનાબેન, પૂ.દિવ્યાબેન, પૂ.રમીબેન, પૂ.મુક્તામાસી તેમજ લંડન જ્યોતનાં બહેનો તેમજ સમાજના તમામ ભક્તોની હાજરીમાં Vyners school હૉલમાં ખૂબ ભવ્ય અને દિવ્યતાથી ઉજવાયો. પૂ. આશિષભાઇ કોટેચા, પૂ.રાજુભાઇ દત્તાણી વગેરે યુવક ગ્રુપના આયોજન મુજબ વિધ વિધ રીતે કાર્યક્ર્મ રજુ થયો ! સહુને ખૂબ આનંદ આવ્યો. પૂ.દિલીપભાઇ રાજીપાવાળા લાડીલા આદર્શ સાધુ છે ! પપ્પાજીએ તેઓને ‘માનસપુત્ર’, ‘વારસદાર’, ‘ગૃહસ્થ સાધુ’ એવા અનેક સંબોધનોથી નવાજ્યા છે ! એમનું જીવન પણ ખૂબ ઉમદા ! પૂ.મુક્તામાસી ભોજાણી (લંડન જ્યોત) ના તેઓ પુત્ર. તેથી વારસામાં ભક્તિનું ભાથું મળ્યું છે ! વળી, જીવનસાથી પૂ.અરૂણાબેન પણ પપ્પાજીના એવા જ ખાનદાન નિષ્ઠાવાન ભક્ત ! એક સિક્કાની બંને બાજુ એટલે પપ્પાજીના અંગ-ઉપાંગ, તેઓનું જીવન ઉચ્ચ આદર્શ સાધુ જેવું છે. પપ્પાજીની, બેનની આજ્ઞાથી લંડન સમાજના ગૃહસ્થ હરિભક્તોની સભા નિયમિત પોતાના ઘરે વર્ષોથી કરતા આવ્યા છે. અરે, જ્યારે ૧લીની સમૂહ ધૂન તેઓના મંડળમાં શરૂ કરી ત્યારે તો પપ્પાજીનો અપરંમપાર રાજીપો તેઓ પર જાણે ઠલવાય ગયો ના હોય ! જ્યોતના બહેનોની સેવા-સંભાળ ખૂબ જવાબદારીપૂર્વક દિવ્યભાવે પપ્પાજી સામે કેવળ નજર રાખીને કરી છે ! અત્યારે પણ એક ઉચ્ચ આદર્શ સાધક્ની અદાથી જીવે છે. એક જ ઉદાહરણ જોઇએ. તેઓ બંને નિયમિત અનુપમ ભાગ ૫,૬,૭,૮ નો સ્વાધ્યાય કરે, મનન કરે અને નિદિધ્યાસ કરે (જીવનસાથે સરખાવે) અને ક્યાં ત્રુટી છે તેની અંતર્દષ્ટિ કરે ! ઓહો ! આવી ગોષ્ટિ ક્યાં હોય કે જે ઘર અને દેહ મંદિર બની ગયું હોય ! પપ્પાજીનો સિધ્ધાંત રાજીપો માણનાર પૂ.દિલીપભાઇને પ્રાગટ્ય પર્વે અને સાથે સાથી પૂ.અરૂણાબેન ને કોટિ અભિનંદન !

 

 

(૮) તા.૮/૮/૧૦ રવિવાર મહાપૂજાનો ૪૬ મો વાર્ષિકદિન

તારદેવની ધરતી પર ગુરૂહરિ પપ્પાજીએ નિષ્કામભાવની મહાપૂજાની શરૂઆત કરાવેલી. પ.પૂ.દીદી પાસે મહાપૂજા શરૂ કરાવેલી ! ૮/૮/૬૪ નો એ દિવસ ! ત્યારથી દર વર્ષે આ દિવસે જ્યોતમાં ખૂબ મોટી મહાપૂજા સમૂહમાં પંચામૃત હૉલમાં થાય છે. તે મુજબ ઓહોહો ! આજે પણ ખૂબ ભવ્ય રીતે ! દિવ્યતાના વાતાવરણમાં સમૂહ મહાપૂજા પ.પૂ.દીદી, પ.પૂ.જ્સુબેન અને સદ્દગુરૂઓના સાંનિધ્યે ૧૪ મહાપૂજાના બાજોઠ બિછાવી નવી જ મહાપૂજા (સોપારી, શ્રીફ્ળ આદિ) મૂકાય. તેની પૂજા થાય ! વળી, આખા સમાજ્ના મુક્તોનાં નામ આજે આ હોલમાં ઠાકોરજી સમક્ષ મનોમન વંચાય (બોલાય)! જેટલા મુક્તોને રાખડી મોક્લીએ છીએ તે બધાનાં નામ આજે મહાપૂજામાં વંચાય.જોકે જયોતમાં રોજ જ મહાપૂજા થાય છે. નિષ્કામ ભાવની મહાપૂજા ત્થા માનતા રૂપે માનેલી મહાપૂજા થાય છે. આધિ, વ્યાધિ, ઉપાધિના નિવારણ માટે કે શુભ હેતુની પૂર્ણકામના માટે જે ભક્તોએ મહાપૂજા માની હોય તેઓનાં નામ દરરોજની મહાપૂજામાં પ્રાર્થના કરી બોલાય છે. અને બાકી સર્વ માટે પણ શ્રી ઠાકોરજી સમક્ષ, પપ્પાજી સમક્ષ નિસ્વાર્થ હેતુથી સર્વે સબંધવાળા મુક્તો તન-મન-ધન આત્માના સુખે સુખિયા થાય તેવા ભાવો ધરી ભજન કરીએ છીએ ! વગેરે ખૂબ સરસ વાતો આજે પ.પૂ.દીદીએ આશીર્વાદમાં મહાપૂજાના અંતમાં કરી. પ.પૂ.બેન પણ મહાપૂજામાં દર્શન દેવા પધાર્યાં હતાં ! અને તેઓએ પણ ટૂંકા છતાંય સચોટ આવી ભક્તિ કરતા રહેજો એવા આશીર્વાદ પ્રસંગ મુજબ આપીને સહુને ધન્ય કર્યાં હતાં ! પ્રભુકૃપામાં પણ ભાઇઓએ કેન્દ્રોના નવાં શ્રીફળ-સોપારી ધરી મહાપૂજા કરી હતી. તથા આજે તો ઠેર ઠેર જ્યોત શાખા મંદિરોમાં પણ વાર્ષિક દિને સમૂહ મહાપૂજા કરી ધન્યતા માણી હતી.“જ્યાં ભક્તિ હોય ત્યાં ભગવાન પ્રગટ હોય” એ સૂત્ર મુજબ ખરેખર પપ્પાજીની હાજરીની અનુભૂતિ સર્વેને જ્યાં હોય ત્યાં થતી રહે છે. તો હે પ્રભુ ! હે ગુરૂહરિ પપ્પાજી ! આપ સદાય અખંડ આપના સહુ ભક્તો ઉપર કૃપા વરસાવજો. રાજી રહેશો.

 

એ જ સર્વે મુક્તોને અત્રેથી સર્વે સ્વરૂપો મુક્તોના જય સ્વામિનારાયણ.

એ જ જ્યોત સેવક P.૭૧ ના પ્રણામ સાથે જય સ્વામિનારાયણ!