01 to 15 Dec 2012 – Newsletter

સ્વામિશ્રીજી

જય ગુરૂહરિ પપ્પાજી

ગુરૂહરિ પપ્પાજીના સંબંધ પામેલ વ્હાલા અક્ષરમુકતો, જય સ્વામિનારાયણ !

અહીં આપણે શ્રી ગુણાતીત જ્યોતમાં ઉજવાયેલા સમૈયાની સ્મૃતિ તા.૧ થી ૧૫ ડીસેમ્બરની કરીશું.

(૧) તા.૧/૧૨/૧૨

કીર્તન આરાધના સાંજે ૭.૩૦ થી ૯.૦૦ હોય છે તે મુજબ પપ્પાજી હૉલમાં પ્રથમ બહેનોએ ભજન ગાયા અને ત્યારબાદ ભાઈઓએ ભજનોની રમઝટ મચાવી સહુને બ્રહ્માનંદ સભર કર્યા.

{gallery}/images_in_articles/newsletter/2012/Dec/01-12-12 kirtan aardhna{/gallery}

(૨) તા.૨/૧૨/૧૨ રવિવાર ડૉ.નીલાબેન નાણાવટીની હીરક જયંતિ

ડૉ.નીલાબેન નાણાવટીની હીરક જયંતિ જ્યોત પપ્પાજી હૉલમાં સવારે ૯.૦૦ થી ૧૨.૦૦ ની સભામાં ઉજવાણી હતી. ગામોગામ અને દેશ પરદેશથી જસુબેન સંબંધીત સર્વે ભક્તો ભાવ લઈને પધાર્યા હતાં. સભામાં સહુ પ્રથમ પ.પૂ.જસુબેન અને ડૉ.નીલાબેન સ્વાગત કર્યું. આજની સભામાં જે જે મુક્તોએ પ્રવચન કર્યા, સ્વરૂપોએ આશીર્વાદ આપ્યા. તેના સાર રૂપે ડૉ.નીલાબેનના માહાત્મ્ય સાથેની ઓળખ અને જીવન વૃત્તાંત સત્સંગમાં આવ્યા પછીનો પ્રથમ જાણી લઈએ. ડૉ.નીલાબેન સુરતમાં ડૉક્ટર બન્યા. પ.પૂ.જસુબેનને ગુરૂ તરીકે સ્વીકાર્યા. સહુપ્રથમ જ્યોતમાં ડૉક્ટર તરીકેનું સ્થાન નીલાબેનનું છે. પપ્પાજીએ એમને કરમસદ શ્રીકૃષ્ણ મેડીકલ હૉસ્પીટલમાં કર્મયોગ કરાવ્યો. સાથે સાથે પ.પૂ.જસુબેનની સેવા, તેમના સમાજની સેવા ઉપાડી લીધી. ગુરૂને નિર્દોષ અને દિવ્ય માનીને સેવી લીધા, રાજી કરી લીધા. ડૉ.નીલાબેનમાં અનંત શક્તિ અને આવડત છે. રાત-દિવસ કે દેહ ગણ્યા વગર સેવાને જીવનું જીવન બનાવી દીધું. ડૉ.નીલાબેન નિર્માની, નિર્લોભી, નિઃસ્વાદી, નિઃસ્નેહી, નિષ્કામી એવા પરમ ભાગવત સંત છે. આમ, સાથી  મિત્રો, ગુરૂઓએ ગુણગાન કરી આશીર્વાદ આપ્યા દીર્ધાયુ, નિરામય રહેવાની શુભેચ્છાઓ પાઠવી હતી.

{gallery}/images_in_articles/newsletter/2012/Dec/02-12-12 dr.p.nilaben hirak jayanti{/gallery}

ડૉ.નીલાબેનના પૂર્વાશ્રમના સગાં-સંબંધીઓ કે જેઓ મોટાભાગે સત્સંગ પ્રધાન જીવન જીવે છે. તેઓ સર્વે પણ આ પ્રસંગે સપરિવાર પધારી લાભ લીધો હતો. અને પૂર્વાશ્રમના નીલાબેનની વાતો કરીને સહુને આનંદ કરાવ્યો હતો. તેમજ નીલાબેન જેવા સાધુ ડૉક્ટર અમારા કુટુંબમાં પાક્યા તે ગૌરવ ભાવોથી કૃતકૃતાર્થ થયા. કર્મયોગ ક્ષેત્રે સંબંધ પામેલા અને સાથી ડૉક્ટર્સ અને આશ્રીત ભક્તોમાંથી અને મિત્રો ગુરૂઓએ આજની આ સભામાં મહિમાગાન કર્યું હતું. ડૉ.નીલમબેન, ડૉ.મેનકાબેન, પૂ.દયાબેન, પૂ.જલ્પેશભાઈ, પૂ.નિકુંજભાઈ નાણાવટી, ડૉ.સૌરભ નાણાવટી, પૂ.લક્ષ્મણબાપા મોરબી, ડૉ.જયશ્રીબેન, પૂ.પ્રિતીબેન પટેલ (લંડન), પ.પૂ.દીદી, પ.પૂ.જ્યોતિબેને આશીષ પ્રવચન કર્યું હતું. ડૉ.નીલાબેને પણ સુંદર યાચના પ્રવચન કર્યું હતું. જેમાં સિધ્ધાંતિક બ્રહ્મસૂત્રોની સ્મૃતિ કરાવી હતી.

૧. પપ્પાજીએ આશીષ પત્રમાં લખી આપેલું “આપણે સ્વધર્મ અને માહાત્મ્યનો સમન્વય કરી ગુણાતીતભાવને પામવાનું છે.

૨.‘બ્રહ્મરૂપ રહી પરબ્રહ્મની ભક્તિ કરવાની’ વાત.

પ.પૂ.જસુબેનના સ્વાસ્થ્ય માટેની માંગણી જવાબદાર ડૉક્ટર તરીકે કરી અને પપ્પાજીની બંસરી બનીને પળેપળ રહું વગેરે. અંતમાં પ.પૂ.જસુબેને આશીર્વાદ આપીને જાણે કળશ ચડાવી દીધો હતો. સેવા કરનાર સમર્પિત ભક્તોની ઓળખાણ કરાવીને. ડૉ.નીલાબેનનો મહિમા બીજાની કલમે (પત્ર વંચાવીને) ગાયો હતો. આશીર્વાદ આપ્યા હતાં. બપોરના ૧.૩૦ ક્યાં ને કેમ વાગ્યા તેની ખબર જ ના પડી !

(૩) તા.૩/૧૨/૧૨ પૂ.યશવંતભાઈ દવેની અમૃત જયંતિ

આપણા જાણીતા માનીતા ગૃહસ્થ સાધુ એવા પૂ.યશવંતભાઈ દવે સાહેબનો અમૃતપર્વ જ્યોત મંદિરમાં ભાઈઓની સભામાં, સંતોના સાંનિધ્યે રાત્રે ૭.૩૦ થી ૧૦.૦૦ ખૂબ દિવ્યતાથી ઉજવાયો હતો. પૂ.ડૉ.યશવંતભાઈનું તો જીવન જ વાતો હતી. પપ્પાજી એમની મહાપૂજાની સેવાથી ખૂબ ખૂબ રાજી હતાં. લગ્નની મહાપૂજા હોય કે જનોઈની કે વાસ્તુની હોય, મરણ (દુઃખદ) પ્રસંગની હોય, જ્યોતમાં હરિભક્તો પ્રસંગે મહાપૂજા કરાવવા આવે, બહારગામ પ્રસંગે બોલાવે તો ત્યાં વિધવિધ રીતે મહાપૂજા દવે સાહેબે લયલીન રહીને કરી છે અને આશીર્વાદ આપ્યા તે ફળ્યા છે. મહાપૂજા તો અનેક પૂજારી સરસ કરતા હોય છે. એવી જ યશવંતભાઈ પણ કરે છે. આ યશવંતભાઈનું જીવન જ પરમ ભાગવત સંત તરીકેનું છે. ગૃહસ્થ હોવા છતાંય સાધુ સ્વરૂપ છે. ગુરૂહરિ પપ્પાજીની અખંડ સ્મૃતિ સભર તેમનું વર્તન છે. મોમ્બાસાની સાયકલની સવારી અને ઉભરાટની પદ્મમાર્ગની અંગૂલી નિર્દેશની સ્મૃતિ તેમના વર્તનથી સહજ કરાવતા રહે છે.

{gallery}/images_in_articles/newsletter/2012/Dec/03-12-12 p.yashbhai dave amrut jayanti{/gallery}

પપ્પાજીના પગલે ડગ ભરનાર યશ દવેએ તો ધર્મપત્ની પૂ.નીરૂભાભીની બિમારી અને અવસાન વખતે ટાણે આધ્યાત્મિક સમતાભરી સ્થિતિના દર્શન કરાવ્યા છે. સગા-સંબંધીને અને મળવા આવનાર ભક્તોને બરડો થાબડી બળ આપે. આવી ઉલ્ટી ગંગા એટલે જ પૃથ્વી પરનું અક્ષરમુક્તનું જીવન છે. મમ્મીજી સ્વધામ સિધાવ્યા ત્યારે પપ્પાજી લંડન (ગન્ઝી) બહેનોની શિબિરમાં હતાં. સમાચારથી સહુ મુક્તો ક્ષોભ પામ્યા ! સવારે સંઘધ્યાનમાં આવ્યા ને કહે કે “હવે હું તમારા જેવો ત્યાગી થઈ ગયો.” એક વાક્યે સહુની વ્યથા દૂર કરનાર પપ્પાજીની સાકાર સ્મૃતિ પૂ.યશવંતભાઈએ ગયા વર્ષે જ સહુનેય કરાવી. એટલું જ નહીં ત્રણેય દીકરીઓને નીરૂભાભી અને યશવંતભાઈએ આર્ટ (કલા) કૌશલ્ય સાથે ભક્તિના સંસ્કાર આપીને શ્રી ગુણાતીત જ્યોતમાં ભગવાન ભજવા માટે મોકલી છે. તે મોટી ભેટ તેઓ તરફથી જ્યોતને પપ્પાજીને અર્પી છે. અને હજુય બે દિકરાના પરિવારને કહ્યા-ટોક્યા વગર ગૃહસ્થ માર્ગે આદર્શ ભક્તો બનાવવાની સેવા પ્રાર્થના જતનથી કરી રહ્યાં છે. એવા યશવંતભાઈને કોટિ કોટિ વંદન. અમૃતપર્વ ઉજવવા વિદ્યાનગર, આણંદ, કરમસદ, મોગરી, ગાના ઉપરાંત અમદાવાદ, વડોદરા, કંથારિયા વગેરે ગામોથી યુવકો પધાર્યા હતાં. અને સમૈયો કરી ધન્યતા અનુભવી હતી.

(૪) તા.૪/૪/૧૨ ચિદાકાશ દિન

આજે મહાબળેશ્વર ચિદાકાશ ઉડ્ડ્યન શિબિરનો વાર્ષિક ૩૦મો ચિદાકાશદિન હતો. ગુરૂહરિ પપ્પાજીએ સદ્દ્ગુરૂ A ની શિબિર મહાબળેશ્વર કરેલી ત્યારથી દર મહિનાની ૪થી એ પપ્પાજીના સાંનિધ્યે અને ૨૦૦૬ પછી પપ્પાજીના દિવ્ય સાંનિધ્યે જ્યોત મંદિરમાં સદ્દ્ગુરૂ A સ્વરૂપોની શિબિર થાય છે. એ રીતે આજે ૩૬૦મી શિબિર હતી એ સ્મૃતિ પ.પૂ.દીદીએ કરાવી હતી. આજે બધી જ્યોત શાખાના સદ્દગુરૂ A પણ વાર્ષિકદિન હોવાથી શિબિરમાં પધાર્યા હતાં.

(૫) તા.૫/૧૨/૧૨ પૂ.જસુબેનનો સ્વરૂપાનુભૂતિદિન

આજે પ.પૂ.જસુબેનનો સ્વરૂપાનુભૂતિદિન હતો. ૧લી જૂને મોટા સમૈયામાં માણ્યો હતો. જ્યોતના બહેનોની સભામાં ગુરૂહરિ પપ્પાજીના ધ્વનિ મુદ્રિત આશીષ લાભ લીધો હતો અને સ્વયં જસુબેને કૃપાલાભ અને દીદીના આશિષ લાભ મહિમાગાન સાથે લઈ સહુ ધન્ય થયા હતાં. એવું જ તા.૭/૧૨ના પૂ.ધર્મિષ્ઠાબેનનો ૫૦મો સ્વરૂપાનુભૂતિદિન હતો. ઉજવણી અનુકૂળ તારીખ ૩૦ડીસે. રવિવારે રાખી છે. પરંતુ આજના ઓરીજીનલ શુભદિને પણ ૫૦ વર્ષ જૂની અક્ષરધામની સ્મૃતિ કરી હતી. બહેનોની મંગલ સભામાં ધર્મિષ્ઠાબેન રચિત ભજન ગાયું હતું. “અંર્તર્દષ્ટિનું છે જીવન, એ જીવનમાં સમાયું દિવ્ય જીવન.” પ.પૂ.દીદીએ ધર્મિષ્ઠાબેન વિષે વાતો કરીને આશીર્વાદ આપ્યા હતાં.

(૬) તા.૧૧/૧૨/૧૨ પૂ.કમુબાનો પ્રાગટયદિન

આજે પૂ.કમુબા પટેલનો ૯૧મો પ્રાગટ્યદિન હતો. ગુરૂહરિ પપ્પાજી-કાકાજી અને બા નો સહુથી વધારે જેમને લાભ મળ્યો છે એવા કમુબા આજે ૯૧ વર્ષ પૂરાં કરે છે. તે તો શ્રી ગુણાતીત જ્યોત માટે ખૂબ જ ગૌરવની વાત છે. કમુબા જેવા અનુભવ, નક્કર સાધુની પ્રાપ્તિ એ સાધક મુક્તો માટે ભાગ્યની વાત છે. સ્વયં સેવક એટલે કમુબા. સેવા એ જ જીવન. આજે બહેનોની મંગલ સભામાં કમુબાના જીવનના સાર રૂપે સભા સંચાલક ઝરણાબેને મહિમાગાન કરી ધ્વનિ મુદ્રિત ગુરૂહરિ પપ્પાજીના આશીર્વાદ લીધા હતાં અને કમુબાની પરાવાણીનો પણ પ્રત્યક્ષ લાભ લઈ ધન્ય થયા હતાં.

આજે બહેનોની રાત્રિ સભામાં બહેનોએ આનંદ બ્રહ્મ સાથે પૂ.સવિબેન જી. ના સુવર્ણ સાક્ષાત્કારદિનની ઉજવણીનો પ્રારંભ કર્યો હતો. યુવતી-કિશોરી-બાલિકાઓએ ડાન્સ અભિનય દ્વારા પૂ.સવિબેનના મહિમાગાન સાથે જીવનનું દર્શન કરાવ્યું હતું. તેમાં વચ્ચે વચ્ચે એક એક યુવતીએ સ્પીચ આપી જેમાં સવિબેનના સાધના કાળના પ્રસંગનું સુંદર દર્શન કરાવ્યું હતું. એ રીતે નવા ખીલતા પુષ્પોને કિશોરી, યુવતીઓને પણ સંસ્કાર પ્રાપ્ત થાય. ખૂબ સરસ સાંસ્કૃતિક કાર્યક્ર્મની રીતે આ માહાત્મ્યગાનનો કાર્યક્ર્મ રજૂ થયો. તેથી સદ્દ્ગુરૂ સ્વરૂપોએ પ્રસન્નતા દાખવી હતી.

(૭) તા.૧૨/૧૨/૧૨ પ.પૂ.સવિબેન જી. નો ર્દષ્ટાદિન

ખૂબ ભવ્ય દિવસ. તારીખ, મહિનો અને વર્ષનો આંકનો સુમેળ હોય તેવો આ દાયકાનો છેલ્લો દિવસ ! આ દિવસે પ.પૂ.સવિબેનનો સુવર્ણ સાક્ષાત્કાર પર્વ આવ્યો. પૂ.સવિબેન પ્રભુ ભજવાના રાહે ઝંપલાવ્યું. તેને આજે ૫૦ વર્ષ પૂર્ણ થયા ! તારદેવની એ ગંગોત્રીમાં જેમણે નિર્દોષબુધ્ધિનું પાન કર્યું છે એવા પૂર્વના ભાગ્યશાળી આત્મા સવિબેનના જીવનની કહાની તો કાલ્પનિક નવલકથા જેવી છે. પરંતુ આ બધી હકીકતની વાતો પૃથ્વી પરના અક્ષ્રરધામની છે. પંદર વર્ષના સવિબેનની મુમુક્ષુતા સોનાબાને સ્પર્શી. “બા મારે તો ભગવાન ભજવા છે.” બા એ જીવને ર્દ્ષ્ટિમાં લીધો. કહે છે કે એકાંતિકના સંકલ્પમાં પ્રભુ ભળે છે. એમની હૂંડી સ્વીકારે છે. એ રીતે બા નો સંકલ્પ સવિબેનને ભગવાન ભજવા છે તે પપ્પાજી પાસે ધર્યો. પપ્પાજીનું સ્વયં મુંબઈથી આણંદ વ્યવહારિક કાર્ય નિમિત્તે આવવું અને બીજી બાજુ માણાવદરથી હરિભાઈ સવિબેનને ડૉક્ટરને બતાવવાના નિમિત્તે આણંદ આવેલા. તે આણંદને બદલે સવિબેનને મુંબઈ બા ના ઘરે સારવાર માટે પપ્પાજી લઈને પધાર્યા. જાણે શ્રીકૃષ્ણ રૂક્ષ્મણીને લઈને આવ્યા ન હોય. વિપરીત સમય હતો ભજવા માટેનો ! તેથી નિમિત્ત યોજી સવિબેનનો ભજવાનો સંકલ્પ પૂરો કર્યો. પૂ.સવિબેને તો યોગીબાપા પાસે મનોમન માંગેલું જ કે, મને બિમારી એવી આપો કે કોઈ મને પરણે નહીં. અને હું ભગવાનને વરું. યોગીજીની પ્રેરણા ઝીલીને જીવનાર પપ્પાજીએ સવીને લાવીને મૂકી દીધી. તારદેવ અક્ષ્રરધામના તખતમાં બા ની ગોદમાં અને જ્યોતિબેનના સમાગમની હૂંફમાં બાહ્ય રીતે કરાવી હ્ર્દયરોગની દવા ! ડૉક્ટરે આપે સલાહ આપી કે સવિને કાચની પૂતળીની જેમ કાચના કબાટમાં સાચવીને રાખવા જેવી નાજુક તબિયત છે. પૂ.સવિબેનને ડૉક્ટર કરતાં વધારે વિશ્વાસ પ્રભુમાં અને તેમના ભક્તોની સેવામાં. તે તો ચરી સલાહ પ્રભુના ચરણે સોંપીને બની ગઈ તારદેવના ઘરની ધણિયાણી. ગણેશપુરી શિબિરની ધોબણ ! નાનો દેહ, ગરાસિયણ ચાલે ચાલતી જાય, ભજન ગુંજતી જાય. બિમારી દૂર ભાગતી જાય. જોત જોતામાં આવ્યા વિદ્યાનગર. ૫૧ બહેનોમાં તેમનો ૧૫મો કેન્દ્ર નંબર. ઘાટ ઘડાઈને આવેલી ચોકસાઈ, ચીવટાઈ અને આત્મબુધ્ધિથી આ છોકરી સેવા કરે છે ! તેથી પપ્પાજીએ પસંદ કરી ભંડારની સેવામાં. કાપડ ચીજ વસ્તુના બટ્વારા ૫૧ બહેનોને કરવામાં આ સિંહ જેવા સવિબેન બીવે. કોઈ મુક્ત રખેને દુઃખાશે તો ! તે બીક રૂપી આંતરિક રાંકભાવે ત્રેવડ કરી-કરાવીને જ્યોતના સંજોગ મુજબ મુક્તોની કપરી સેવા કરી તો ગુરૂહરિ પપ્પાજી રાજી થઈ ગયા અને તેના ફળ સ્વરૂપે સદ્દ્ગુરૂA તરીકે ચૈતન્યદર્શી બનાવી દીધા. જતન કરે વિધ વિધ ચૈતન્યની જનની બનીને ગૃહી હોય કે ત્યાગી સહુનેય આપે પ્રભુ ! નાના-મોટાને મમતાભર્યો પ્રેમ કરીને.

{gallery}/images_in_articles/newsletter/2012/Dec/12-12-2012{/gallery}

સ્વરૂપનિષ્ઠા છે ર્દ્ઢ ! સંકલ્પમાં સવિબેન મક્ક્મ. પ્રભુની પ્રેરણા ઝીલતા ઝીલતા કરી વર્ષો સુધી સેવા ચૈતન્યોની. હાર્ટની બિમારીનો સાથ છે સોડમાં અને બીજો સાથ આવ્યો કાનની બિમારીનો. તોય મારા પ્રભુનો પ્રસાદ ! દાસના દુશ્મન હરિ કદી હોય નહીં. પોતાની બિમારી મટાડવા ભજન સંકલ્પ કર્યો નથી. ચૈતન્યોની સેવા માટે જેની જેટલી જરૂર હોય તે પ્રભુ કરે છે. સામુદાયિક પ્રગતિ માટે, ભજન કરાવવા માટે કરે છે. તેવું લીલારૂપ માની નિમિત્ત બની રહ્યાં છે. પરિણામે જંગમ મંદિર બની ગયા છે. જ્યાં જીવ પોકારે કે પ્રભુની સેવા હોય ત્યાં પ્રભુ દોરી જાય છે.આવા ખરેખર જંગમ મંદિર જ્યોતિબેન થકી જંગમ મંદિર સવિબેન બન્યા. એ પ્રભુ પપ્પાજીનું પૃથ્વી પરનું જ્વલંત ઉદાહરણ છે. દર્શન છે. એ કાર્યના દર્શન રૂપે જ આજના સમૈયાનું દર્શન હતું. જેમાં સુવર્ણ ૫૦ મંદિર બનાવેલા. જેમાં પપ્પાજીના ૫૦ ગુણનું દર્શન હતું. (વાક્ય હતાં)

“પ્રથમ પ્રભુ પછી પગલું” એવા દાસત્વ સ્વરૂપ સવિબેનની રૂચિ મુજબ આશ્રિત એકાંતિક મુક્તોએ આજે ૧લી જૂન પપ્પાજીના સુવર્ણ સાક્ષાત્કાર પર્વના ભાવે ઉજવવાનો મુખ્ય હેતુ રાખ્યો હતો. વળી, પ્રભુકૃપામાં મુખ્ય સૂર્ય ડેકોરેશનમાં પપ્પાજીને બિરાજમાન કરેલા અને સ્વાગત પથ પર પપ્પાજીના ચરણાર્વિંદ અને તેના ઉપર એક એક ગુલાબ એ પગલે ચાલનાર એવા જ્યોતિબેન-સવિબેનનું સ્વાગત મુખ્યત્વે સૌરાષ્ટ્ર પ્રદેશમાંથી ભગવાન ભજવા આવેલા ૧૨૫ બહેનો જ્યોતમાં છે-તે બહેનોએ સુવર્ણ બેલ્ટ ધારણ કરી સ્વાગત લાભ માણ્યો હતો. સૌરાષ્ટમાંથી સહુ પ્રથમ સવિબેન આવ્યા છે. ભજવાનો રાહ ખોલી રાજમાર્ગ બનાવનાર સવિબેનને સોરઠની બહેનોએ નવાજ્યા હતાં. જૂનાગઢમાં દાખલ થતાં દરવાજાના પીલર પર બે સિંહને જોઈને કહે કે, સોરઠનો સિંહ સવિ છે. આવા સિંહાવલોકી ર્દ્ષ્ટિ જેમણે રાખી છે. સિંહ આગળ જાય અને પાછળ જોતો જાય છે તેમ સવિબેન હંમેશા અંર્તર્દ્ષ્ટિ કરતા રહે છે. સિંહ જેવી શૂરવીરતા/ભક્તિ વગર કાંઈ ન કરાય. એટલે કે સિંહ હંમેશા ભૂખ્યો હોય ત્યારે જ શિકાર કરે. બાકી ખોટી રીતે સામુદાયિક ઈજા કરતો નથી. આમ, પપ્પાજીએ સિંહની ઉપમા સવિબેનને યથાર્થ આપી છે. એવા સવિબેનનો ઉત્સવ ઉજવવા મુંબઈ, ગુજરાત, સૌરાષ્ટથી જૂના-નવા સર્વે હરિભક્તો સંબંધીઓ પધાર્યા હતાં.

ભવ્ય ડેકોરેશન પપ્પાજી હૉલમાં અને જ્યોતમાં ઠેરઠેર હતું. તે દર્શનથી અંતરમાં પણ માહાત્મ્યનો માહોલ ઉભો થયો હતો. જ્યોતિબેનનો પડછાયો બનીને પહેલેથી સાથે રહેનાર સવિબેને એકેએક હરિભક્તોને મહિમાગાઈને ભરી દીધા છે. પ્રત્યક્ષ નો મહિમા સમજાવીને સેવા કરાવીને સુખિયા કર્યા છે. એવા સવિબેનનો સમૈયો કરવા લગભગ જ્યોતિબેનના સર્વે ભક્તો સહકુટુંબ પધાર્યા હતાં. અને ખૂબ ખૂબ લાભ લીધો હતો. સવિબેનને ભગવાન ભજવા મોકલવાની માતા-પિતાની, સગાંની નામરજી હતી. વિપરિત સંજોગોમાં માત્ર પૂર્વાશ્ર્મના ભાઈ શાંતિભાઈએ સાથ આપેલો. તેના ઋણ સ્વરૂપે સવિબેને ભજન-જતનથી પપ્પાજી-જ્યોતિબેનની ગોદમાં બે-બે પેઢી પરિવાર સહિત મૂકી દીધા છે. તે સર્વે સગા-સંબંધીઓ પણ પધાર્યા હતાં. અને આ સમૈયાનો દિવ્ય આનંદ માણ્યો હતો.

આ પ્રસંગે મહિમાગાનમાં પ.પૂ.દીદી, પ.પૂ.દેવીબેન, પૂ.મનીબેન, પૂ.કુસુમબેન ગોહિલ, પૂ.નીનાબેન ઠક્કરે લાભ આપ્યો હતો. પપ્પાજીએ ધ્વનિ મુદ્રિત આશીર્વાદ આપ્યા હતાં. સર્વે મોટેરાં સ્વરૂપોને સ્વાગતમાં મંદિરની મૂર્તિરૂપે પ્રત્યક્ષ બિરાજમાન કર્યા હતાં. અને કાયમ મહિમા રાખી દાસત્વભક્તિ રાખી જીવી રહ્યાં છે. એવા સવિબેનને શત્ શત્ વંદન !  દીર્ધાયુ, નિરામય રહી પૃથ્વી પર અક્ષરધામ યાવત-ચંદ્ર દિવા કરૌ રહે તે સ્વપ્ન ગુરૂહરિનું સાકાર બને, તેવી અભ્યર્થના પ્રાર્થના સહ જય સ્વામિનારાયણ.

ઓહો ! આ પખવાડિયું સમૈયા, ઉત્સવો અને માહાત્મ્યથી ભર્યું ભર્યું ગયું છે. આવા દિવ્ય દેહે પ્રગટ પ્રભુને વંદન કરી વિરમું છું આવજો ફરી મળીશું નવા વર્ષે. પણ આ વર્ષની છેલ્લા પખવાડિયાની સ્મૃતિ વાત કરીશું.

અત્રે સર્વે સ્વરૂપો, મુક્તોની તબિયત સરસ છે. આપ સર્વેને સર્વ ના જય સ્વામિનારાયણ.

 

એ જ જ્યોત સેવક P.૭૧ના જય સ્વામિનારાયણ.