Nov 2012 – Newsletter

                            સ્વામિશ્રીજી

જય ગુરૂહરિ પપ્પાજી ગુરૂહરિ પપ્પાજીના સંબંધ પામેલ વ્હાલા અક્ષરમુકતો,

દિવાળી પ્રારંભના હેતપૂર્વક   જય સ્વામિનારાયણ !

આજે અહીં આપણે તા.૧/૧૧ થી ૧૫/૧૧ એટલે કે નવેમ્બર માસના પ્રથમ પખવાડિયા  દરમ્યાન જ્યોતમાં ઉજવાયેલ ઉત્સ્વોની સ્મૃતિગાથા જોઈશું.

 

(૧) દરેક માસનો પ્રારંભ થાય છે. ૧લી તારીખની કીર્તન આરાધનાથી ! ગુરૂહરિ પપ્પાજીના પ્રાગટ્ય અને સાક્ષાત્કારદિનની સ્મૃતિ સહ ૧લી એ સાંજે ૭.૩૦ થી ૯.૩૦ પંચામૃત હૉલમાં કીર્તનનો કાર્યક્ર્મ બહેનો-ભાઈઓ દ્વારા માણ્યો જેમાં સહકુટુંબ ગૃહસ્થ મુક્તોએ લાભ લીધો હતો.

(૨) તા.૬/૧૧/૧૨ – મંગળવાર

જ્યોત મંદિરમાં આજે સવારે ૧૦ થી ૧૨ મહાપૂજા પૂ.યશવંતભાઈ દવે એ કરી હતી. કંથારિયાવાળા પૂ.દિનેશભાઈ પટેલના પુત્ર અમેરિકાથી આવેલ પૂ.ઉપેન્દ્રભાઈ અને પરિતા ભાભીએ તેઓની ભાવના મુજબ ખુશીથી મહાપૂજા કરાવી ઠાકોરજી અને બહેનોને-ભક્તોને થાળ જમાડ્યો હતો.

(૩) તા.૧૧/૧૧/૧૨ – રવિવાર

સવારે ૧૦.૦૦ થી ૧૨.૦૦ માં પપ્પાજી હૉલમાં સદ્દ્ગુરૂ સ્વરૂપ પૂ.રમીબેન તૈલીના ર્દષ્ટાદિનની ઉજવણી બહેનોની સભામાં થઈ હતી. પ.પૂ.બેનનું સર્જન વારસ સ્વરૂપ એટલે રમીબેન ! બેનની રૂચિ મુજબ સાધના કરીને, તેમના સમાજનું જતન કરી રહ્યાં છે. પ.પૂ.બેનના શબ્દોમાં “રમીનું જીવન ટોપ છે.” વિધ વિધ દાખલા આપી વક્તાઓએ રમીબેનનું મહિમાગાન કર્યું હતું. અને યુવતીઓએ ડાન્સ કરી ભાવ અર્પણ કર્યો હતો. આમ, તા.૧૧/૧૧ થી દિવાળીનો પ્રારંભ થયો હતો.

પપ્પાજી હંમેશા દિવાળીના દિવસોમાં દિવાળીના ઉત્સવોની સાથોસાથ આત્માનું ભાથું આપી સમયનો પૂરો ઉપયોગ કરાવતાં. તે સ્મૃતિ સાથે ગુણાતીત સૌરભ ગૃહસ્થ ભાઈ-ભાભીઓની શિબિરનું આયોજન થયું.

તા.૧૧/૧૧ ના સાંજે લક્ષ્મીપૂજનની મહાપૂજા બહેનોએ કરી હતી. નવા સૌરભ મુક્તોએ વ્રત ધારણ કર્યું.

(૪) તા.૧૨/૧૧/૧૨, સોમવાર

નવા-જૂના સમગ્ર સૌરભ મુક્તોની શિબિર ખૂબ દિવ્ય રીતે થઈ હતી. તેમજ સર્વે હરિભક્તોનું પપ્પાજી તીર્થ પર શાશ્વત ધામે દર્શને જવાનું પણ આજે ગોઠવ્યું હતું. શાશ્વતધામે સવારે બહેનો અને રાત્રે ભાઈઓએ પ્રદક્ષિણા કરીને ભજન ભક્તિ કર્યાં હતા.

(૫) તા.૧૩/૧૧/૨૦૧૨ દિવાળી

આજે સવારે વિશિષ્ટ મહાપૂજા પપ્પાજી શતાબ્દી સ્મૃતિ રૂપે ૧૦૦ દંપતિની રાખી હતી. પરાભક્તિ પર્વે ૨૯૫ દંપતિને લાભ મળ્યો હતો. પપ્પાજીએ બનાવેલ ભજનની પંક્તિ મુજબ “કોઈ રહી નહીં જાય…(૨)”

પપ્પાજી હંમેશા સર્વે મુક્તોને રાજી રાખતા ! કોઈ આયોજનથી કોઈ મુક્તોને લાભ ના મળ્યો. કે દુઃખ થાય તેવું ના જ થવા દે. તે રૂચિ સ્મૃતિ સહ બાકી રહેલા દંપતિને લાભ મળે તેવા શુભ હેતુથી વ્હાઈટ યુનિફોર્મમાં દિવ્યતાસભર વાતાવરણમાં પપ્પાજી હૉલમાં આજે સવારે પૂ.દવે સાહેબ અને ભાઈઓએ મહાપૂજા વિધિ કરાવી હતી. જાણે બે ઘડી સ્વર્ગ અક્ષરધામ ખડું થઈ ગયું ના હોય. તેવી જ રીતે સાંજે શારદા પૂજનની મહાપૂજા પણ થઈ હતી. આમ, દિવાળીનો દિવસ દિવ્યતા સભર ઉજવાયો હતો.

(૬) આ વખતે દિવાળીના તહેવારો દરમ્યાન બાળકો માટેનો અલગ કાર્યાક્ર્મ રાખ્યો હતો. બાલિકા, કિશોરી અને યુવતી અને બાલ મંડળના ભૂલકાંઓએ સંસ્કાર, સિંચન, સેવા સાથે આનંદ બ્રહ્મ માણ્યો હતો. બાળકોને સેવા પણ મળી. બ્રહ્મ વિહારે તથા પપ્પાજી તીર્થ પર દોરડા કૂદ જેવી રમતો, ફટાકડા અને ખાણીપીણીનો દિવાળીનો આનંદ તો ખરો જ. સાથે ભક્તિસભર હૈયે પ્રદક્ષિણા, ભજનો વગેરે શાશ્વત ધામે કરીને સર્વે બાળ મુક્તોએ ધન્યતા અનુભવી હતી.

(૭) તા.૧૪/૧૧/૧૨ – બુધવાર નૂતનવર્ષ્

સવારે  મંગલપ્રભાતે પ્રભુકૃપામાં પપ્પાજીના દર્શને બધા મુક્તો વારાફરતી પધાર્યા હતા.  જ્યોત મંદિરમાં પાટોત્સવ નિમિત્તે ઠાકોરજીનું પૂજન-આરતી બહેનોએ કરી હતી.

૬.૩૦ થી ૮.૦૦ સંઘધ્યાન ગુરૂહરિના દિવ્ય સાંનિધ્યે પપ્પાજી હૉલમાં થયું હતું. સવારે ૧૨.૦૦ વાગ્યે અન્નકૂટ થાળ-આરતી થયાં હતાં. તે પહેલાં અન્નકૂટ દર્શન મંદિર/પ્રભુકૃપામાં ભાઈઓ-બહેનોએ વારાફરતી કર્યું હતું. આમ, નવલા વર્ષની મંગલ પ્રભાત તો ખૂબ ભક્તિભાવે પધારેલ મુક્તોએ માણી હતી.

(૮) સાંજે ૪.૩૦ થી ૭.૦૦ ભાઈબીજનો સમૈયો રાખેલ કારણ દિવ્ય બહેનો-ભાઈઓની મિલનસભા આજે કરી લઈને સહુ ભાઈ-ભાભીઓ પોતાના વ્યવહાર કાર્ય માટે ઘરે જઈ શકે.

ભાઈબીજના સમૈયાની પ્રેરણા આયોજન પ્રારંભ ગુરૂહરિ પપ્પાજીએ કરેલ છે. દર વર્ષે દિવ્ય ભાઈ-બહેનનો આ સમૈયો વિશેષ રીતે જ્યોતમાં ઉજવાય છે. ભાઈબીજની આ સભામાં ભાઈઓ બહેનો એક્મેકના ગુણ ગાઈ પ્રસંશા કરી માહાત્મ્યની ખેંચાખેંચનો દિવ્ય આનંદ માણે છે. ભૂતકાળના સંસ્મરણોની વાતો-સ્મૃતિથી ભીંજાઈને નિર્દોષ પ્રેમગંગામાં સ્નાન કરે છે. આવું ક્યાંય દુનિયામાં ન મળે તેવો સત્યતાનો નિર્દોષ પ્રેમ દાખવવાનો અવસર એટલે ભાઈબીજનો સમૈયો.

ભાઈબીજની સભા બાદ મહાપ્રસાદ લઈ વિસર્જન થયું.

તા.૧૩/૧૪ના મુખ્ય બે દિવસોનો ઉત્સવ આનંદ (વેબસાઈટ દ્વારા) ત્યારે જ માણ્યો હશે. તેથી વિગતે ના લખતા અત્રે દિપોત્સવી તહેવારોની પૂર્ણાહુતિ કરી નવાવર્ષના સહુ મુક્તોને જય સ્વામિનારાયણ પાઠવીએ છીએ. આખું નવું વર્ષ આપણા સહુ માટે સુખદ નીવડે.

તનથી નિરામય, મનથી મજબૂત, ધનથી સમૃધ્ધ, આત્માથી પ્રફુલ્લિત રહો ! નવા વર્ષના દિવસો નિત પ્રગતિમય બનો તેવી અનેક શુભેચ્છાઓ સાથે સ્વામિશ્રીજી-પપ્પાજીના શ્રી ચરણોમાં પ્રાર્થના ધરી વિરમું છું.

આનંદની વાત તો એ છે કે પ.પૂ.બેન ૯૯વર્ષની વયે પણ દરરોજ સભામાં પધારી દર્શન આશીર્વાદ આપી ધન્ય કર્યા હતાં.

પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.દીદી, પ.પૂ.દેવીબેન, પ.પૂ.જસુબેન, પ.પૂ.પદુબેન અને સદ્દગુરૂ સ્વરૂપો નિરામય તબિયત સાથે નિયમિત સભામાં સ્ટેજ પર બિરાજી પપ્પાજી તરફથી પરાભક્તિ અદા કરી રહ્યાં હતાં.

લંડનથી અચાનક પૂ.દિલીપભાઈ ભોજાણી અને પૂ.અરૂણાબેન પધારી ગયા હતા. સરસ લાભ આપી શિબિર અને સભાઓમાં હાજરી આપીને જાણે દિવડાઓમાં તેલ પૂરવા આવ્યા ન હોય ! તેમ દિવાળી કરવા આવી ગયા હતાં. લંડન મંડળના મુક્તોમાંથી અનુકૂળતાએ ભક્તો પધાર્યા હતાં. દિલ્હીથી પૂ.બંસલ સાહેબ અને પૂ.સુશીલાબેન પણ પધાર્યા હતા. આમ, દૂરના મંડળના મુંબઈ, સૌરાષ્ટ્ર, ગુજરાતમાંથી ધાર્યા કરતાં વધારે ભક્તો પધાર્યા હતાં. પપ્પાજીનું ઘર એટલે ભાભીઓનું પિયર, બાળકોનું મોસાળ કહેવાય. તેથી સહકુટુંબ પધારી અક્ષરધામ ખડું કર્યું હતું. “અક્ષરધામમાં સંકડાશ જ હોય” એ અનુભવ સૂત્ર મુજબ જ્યોતમાં ભક્તોની ભીડ જામી હતી. તે ભીડ અને ભીડામાં ગુણાતીત જ્ઞાનનો બ્રાહ્માનંદ માણી આત્મીય ભાવનો આનંદ માણી ફટાકડા વગર, વિના વિધ્ને, દિવાળી ઉત્સવો ઉજવાયા હતાં તે બદલ પ્રભુનો આભાર.

અત્રે સર્વે સ્વરૂપોની તબિયત સરસ છે. ફરીથી આપ સર્વેને અત્રેના સર્વે સ્વરૂપો મુક્તો વતી નવા વર્ષના જય સ્વામિનારાયણ.

 

                          એ જ જ્યોત સેવક P.૭૧ના જય સ્વામિનારાયણ.