Oct 2012 – Newsletter

સ્વામિશ્રીજી                          

જય ગુરૂહરિ પપ્પાજી

ગુરૂહરિ પપ્પાજીના સંબંધ પામેલ વ્હાલા અક્ષરમુકતો,

હ્રદયના ભાવથી જય સ્વામિનારાયણ !

આજે અહીં આપણે ઑકટોબર મહિના દરમ્યાન જ્યોતમાં થયેલા સમૈયાની સ્મૃતિની ગોષ્ટિ કરી લઈએ.

 

(૧) તા.૧/૧૦/૧૨ સોમવાર – કીર્તન આરાધના

દર તા.૧લીએ સાંજે કીર્તન આરાધનાનો કાર્યક્રમ ગુરૂહરિ પપ્પાજીના પ્રાગટ્યદિનની સ્મૃતિ સહ વર્ષોથી જ્યોતમાં સંયુક્ત સભામાં થાય છે. તે મુજબ આજે પણ બહેનોએ ભજન ગાયાં. ત્યારબાદ ભાઈઓએ ભજન ગાયાં. આપણા ભજનોમાં આધ્યાત્મિક જ્ઞાન સમાયેલું છે. એવા સરસ ભજનોની કીર્તન આરાધના દ્વારા પ્રાર્થનાના ભાવો સાથે પ્રભુમાં લીન થયા. ધ્વનિ મુદ્રિત પપ્પાજીના આશીર્વાદનું પાન કરી ધન્ય થયાં. શ્રી ગુણાતીત જ્યોતમાં નિત પ્રભાતે, મંગલ સભામાં ધ્વનિ મુદ્રિત ગુરૂહરિ પપ્પાજીની પરાવાણીનો લાભ નિયમિત મળે છે. તે ઉપરાંત પપ્પાજીનો પ્રત્યક્ષ લાભ જેમણે વર્ષો સુધી માણ્યો છે અને એમની આજ્ઞા પ્રમાણે દેહને વર્તાવ્યો છે એવા અનુભવી સદ્દગુરૂ સ્વરૂપોને તથા મુક્તોનો લાભ ગોષ્ટિરૂપે મળતો જ રહે છે.

ગુરૂહરિ પપ્પાજીએ નિરંતર કથાવાર્તાનો અખાડો ચાલુ રાખ્યો હતો. તે ઑડિયો દ્વારા, લેખ દ્વારા, લખાણ દ્વારા અઢળક જ્ઞાન ખજાનો આપ્યો છે. તે વાગોળવાનો જાણે આ સમય આપીને પપ્પાજીએ દેહ, ત્યાગ કર્યા છતાંય આ જ્ઞાન રૂપે, આ સ્વરૂપો-મુક્તો રૂપે પ્રત્યક્ષ હોય તેવી અનુભૂતિ રોજબરોજ થતી રહે છે. જ્યોતનો રૂટીન કાર્યક્ર્મ છતાંય તહેવારો-સમૈયાની વિધવિધતામાં દિવસ પછી દિવસ ક્યાં પસાર થઈ જાય છે તેની ખબર જ નથી પડતી. વળી, સાંભળેલું જ્ઞાન ફરી સાંભળતા નવું ને નવું જ લાગે છે. આ બતાવે છે કે પ્રભુનો વાસ સદાય અહીં છે.

(૨) તા.૩/૧૦/૧૨ – પ.પૂ.પદુબેનનો સ્વરૂપાનુભૂતિદિન

આજે પ.પૂ.પદુબેનનો સ્વરૂપાનુભૂતિદિન તથા આજે ૩/૧૦/૧૯૫૨માં પ.પૂ.યોગીજી મહારાજે ગુરૂહરિ પપ્પાજીને બહેનો માટેનો આશ્રમ (સ્થાન) વિદ્યાનગરમાં તેમના પ્લોટમાં બાંધી આપવાની આજ્ઞા કરેલી તે દિવસ. આજે પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.દીદીએ સરસ લાભ આપ્યો હતો અને આજે સાંજની સભામાં પ.પૂ.પદુબેનનો લાભ લીધો હતો. પ.પૂ.પદુબેને ખરેખર ખૂબ સરસ લાભ આપીને સ્વરૂપનિષ્ઠાની પરાકાષ્ટાનું પોતે સ્વરૂપ છે, તેનું દર્શન આપોઆપ થઈ આવે તેવી ગુણાતીત વાતો કરીને સહુને ધન્ય કર્યા હતાં.

(૩) તા.૫/૧૦/૧૨ – શનિવાર

ભાદરવા વદ-૬ નિમિત્તે નાની સાધક બહેનો દ્વારા જૂનો સાંસ્કૃતિક કાર્યક્ર્મ ‘અલખની વાટે’ પ.પૂ.દીદીની પ્રેરણા મુજબ પૂ.ઝરણાબેન દવેએ તૈયાર કર્યો હતો. અને પપ્પાજી હૉલના સ્ટેજ પર રજૂ કર્યો હતો. આમ, ૧૯૬૬ની સાલની સ્મૃતિ તાર્દશ્ય કરાવી હતી.

{gallery}/images_in_articles/newsletter/2012/Oct/05.10-12 SANSKRITIK PRG{/gallery}

(૪) તા.૬/૧૦/૧૨, ભાદરવા વદ-૬ – ગુરૂહરિ પપ્પાજીની પ્રાગટ્યતિથિ

જો કે આખો મહિનો પપ્પાજીના પ્રાગટ્યદિનના અનુસંધાને જ વીત્યો હતો. મહિના દરમ્યાન થયેલ કથાવાર્તા સ્વરૂપોએ કરેલી જૂની સ્મૃતિ સાથેની ગોષ્ટિ તે બધું લખીએ તો અહીં બુક ભરાય તેટલું થઈ જાય ! માટે તે બધાના સાર રૂપે એક નાનકડી વાત કે ભાદરવા વદ-૬ ના ગુરૂહરિ પપ્પાજીના પ્રાગટ્યદિન નિમિત્તેની ગોષ્ટિમાં પૂ.હંસાબેન ગુણાતીતે કરેલી. પપ્પાજી હંમેશાં કહે કે, રોજ રાત્રે આપણે “પોતુ મારી લેવું” , “આખા દિવસમાં તારી ભક્તિ માની” ભજન ગાઈ ને સૂઈ જવું. એ સિધ્ધાંતના સંદર્ભમાં નાની વાર્તા છે. એક ગામમાં જાહેર કર્યું. તમારા રસ્તા, ઘર, ગલીઓ બધું ચોખ્ખું કરો. જેણે સરસ ચોખ્ખું કર્યું હશે તેને ઈનામ મળશે. વધારે કચરો કાઢવા સહુ મંડ્યા. પછી નિયામકો ચેકીંગ કરવા નીકળ્યા. એક છોકરાના ઘરમાંથી જરાક જ ચપટી કચરો નીકળ્યો. તેને ઈનામ મળ્યું. કેમ? તો તે છોકરાને પૂછવામાં આવેલું કે, તારા ઘરમાંથી કેમ આટલો જ કચરો નીકળ્યો છે ? તે છોકરાએ કહ્યું કે, હું રોજ જ નિયમિત સફાઈ કરું છું તેથી. આમ, નિયમિત સફાઈ બદલ ઈનામને પાત્ર બનેલ. તેમ નિયમિત ભજન, ભક્તિથી પ્રભુ સાથે જોડાયેલા રહીને જીવન વ્યવહાર કરવાથી અંતર ચોખ્ખું રહે ! રોજ રાત્રે અંર્તઃર્દષ્ટિ કરી લઈ, તપાસી લઈ, પોતું મારી લેવું. પ્રભુને ગદ્દ ગદ્દ કંઠે પ્રાર્થના કરી લેવી.

{gallery}/images_in_articles/newsletter/2012/Oct/06-10-12 BHADARVA VAD 6 SABHA{/gallery}

આજ રોજ પૂ.જસુબેનના ૮૦મા પ્રાગટ્યદિનમાં ડૉ.નીલાબેન નાણાવટીએ નિજની હીરક જયંતીનો સમાવેશ કરાવી લઈને ભક્તો પાસે જ્યોતની બહેનોની સેવા કરાવી લઈને બહેનોને દિનભર ભર્યા રહેવાનો અવસર આજે આપ્યો હતો. બહેનોએ સવારે મહાપૂજા ગ્રુપવાઈઝ કરી હતી. સાંજે પપ્પાજી તીર્થ પર જઈ ભજન, પ્રદક્ષિણા, ગોષ્ટિનો આનંદ માણ્યો હતો. અને રાત્રે પ્રભુદર્શન કરી ભક્તિમય દિવસ માણ્યો હતો.

(૫) નવરાત્રિ – તા.૧૬/૧૦/૨૦૧૨ થી ૨૩/૧૦/૨૦૧૨

રાત્રે ગરબા રાસનો કાર્યક્ર્મ જ્યોત પંચામૃત હૉલમાં દર વર્ષની જેમ યોજાયો હતો. ગુરૂહરિ પપ્પાજીએ દરેક તહેવારને યોગ્ય રીતે ભક્તિમાં ઢાળીને તેને માન આપીને પ્રભુમાં રહેવામાં ઉપયોગ કરાવ્યો છે. દર વર્ષની નવરાત્રિની અનેક સ્મૃતિઓ સાથે બાળકોની ગાડી તથા ગરબા અને દાંડિયા રાસનો આનંદ ત્યાગી-ગૃહી-યુવતી-બાળકોએ મુક્ત મને માણ્યો હતો. તેમાંય છઠ્ઠું નોરતું એટલે પપ્પાજીની સ્મૃતિનો દિવસ ! પપ્પાજીના મમ્મી દિવાળીબા કહેતાં કે, મારા બાબુનો જન્મ છઠ્ઠા નોરતે થયો છે. સારું ભઈ ! જનની કહે તે સાચું. પપ્પાજીનો પ્રાગટ્યદિન તો જેટલા માણીએ તેટલા ઓછા જ છે. તેવા ઉમદાભાવે છઠ્ઠા નોરતે વિશેષ આનંદ માણ્યો હતો. પૂ.ઝરણાબેન આધ્યાત્મિક ગાડીનું ભજન બનાવેલું અને તે ગાડી નાના સાધક બહેનો પાસે કરાવી જ્ઞાન સાથે આનંદ મેળવ્યો હતો.

{gallery}/images_in_articles/newsletter/2012/Oct/16.10.12.NAVRATRI PRARABH,{/gallery}

(૬) તા.૨૪/૧૦/૧૨ – દશેરા

પપ્પાજીએ દશેરાના દિવસે પ્રસંગ મુજબ કરેલી વાત ધ્વનિ મુદ્રિત પરાવાણીનો લાભ જ્યોતની મંગલ સભામાં લીધો હતો. અને તેના ઉપર પ.પૂ.દીદીએ દશેરાની પપ્પાજીની બે-ત્રણ સ્મૃતિની વાત કરીને સરસ લાભ આપ્યો હતો. આજે બહેનોની રાત્રિસભામાં પ.પૂ.દીદીને બહેનોએ બહુમાન કરી નવાજ્યાં હતાં. પ.પૂ.દીદીને જ્યોતના મહંત તરીકેની નિમણૂંક પપ્પાજીએ કરી તેને ૫૦મું વર્ષ બેસે છે. તે જૂની વચન સ્મૃતિને તાજી કરી હતી. પ.પૂ.દીદીના એકધારા વર્તનથી રાજી થઈ, વિશ્વાસ મૂકતા પપ્પાજીએ અગાઉથી બહેનોને આશ્રમ થવાનો છે, તેના મહંત તરીકેની વરણી તારદેવની એ ભૂમિ પર કરી હતી.

{gallery}/images_in_articles/newsletter/2012/Oct/24-10-12 DASHERA{/gallery}

(૭) તા.૨૯/૧૦/૧૨ – શરદ પૂનમ

આજે તો આપણા માટે ખૂબ મોટો દિવસ. શ્રીજી મહારાજનું ધામ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીનો પ્રાગટ્યદિન ! આવા શુભદિને એક વિશેષ કાર્યનો પ્રારંભ થયો. ‘પરમ ક્લાસીસ’ નું ઉદ્દઘાટન. દિવ્યદિપ મકાનમાં જ્યાં નીચે સોનાબા મેડીકલ સેન્ટર ચાલે છે. તેમાં ઉપર ૧લા માળે આજે સવારે ૧૦.૦૦ વાગ્યે પૂ.વિમુબેન પંડ્યાના વરદ્દ હસ્તે પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.દીદી, પ.પૂ.જશુબેન વગેરે સ્વરૂપોના સાંનિધ્યે અને તેઓની આજ્ઞા અને પ્રેરણાથી ડૉ.વીણાબેન અને ડૉ.નીલાબેન નાણાવટીની જવાબદારી હેઠળ એક નવા કાર્યનો પ્રારંભ થયો.

{gallery}/images_in_articles/newsletter/2012/Oct/29-10-12-SARAD PUNAM{/gallery}

પપ્પાજીનું જીવન હંમેશાં પરોપકારી, પ્રમાણિક અને મદદકર્તા રહ્યું છે. તેમની પ્રેરણા પણ સાધકોને એવી જ મળતી રહે છે. જ્યોતના બહેનો દ્વારા સમાજમાં જ્યોત અને જ્યોત શાખાઓ દ્વારા સમાજ સેવા, સમાજ સુધારા અને સમાજ શાંતિનું કાર્ય અર્દશ્ય રીતે થતું રહ્યું છે. કૌટુંબિક ભાવના દ્વારા ચેરીટી થાય છે. છતાંય આજે વિશેષ શૈક્ષણિક ક્ષેત્રે કિશોરી કન્યાને કેળવણી મળી રહે ! ખાસ કરીને આર્થિક નબળા કુટુંબની કન્યાને ધ્યાનમાં રાખીને ટ્યુશન ધો.૬,૭ ના શરૂ કરાયા છે. ક્ર્મશઃ સીવણ ક્લાસ, કૉમ્પ્યુટર ક્લાસ વગેરે પણ ‘પરમ ક્લાસીસ’ માં ઉમેરાશે.

આ પ્રસંગે જૂના જોગી સમાન પૂ.રતિકાકા પટેલ (અનુપમ મિશન), પૂ.ડૉ.વી.એસ. પટેલ સાહેબ, પૂ.પિટરભાઈ, પૂ.વિઠ્ઠલ ફુવા (હરિધામ) તેમજ વિદ્યાનગર નગર પાલિકાના સક્રિય સેવક પૂ.બાબાભાઈ ઉપસ્થિત રહ્યા હતા. એટલું જ નહીં પરંતુ આ કાર્યમાં બહેનોને પડખે ઊભા રહી તન, મન, ધનથી સાથ આપવાની આત્મીયતા દાખવી હતી. આમ, આજનો મંગલદિન-મંગલ કાર્યના શુભારંભથી થયો હતો.

{gallery}/images_in_articles/newsletter/2012/Oct/29-10-12 SARAD PUNAM RATRI SABHA BEHNO PANCHMRUT HALL MA{/gallery}

શરદપૂનમની રાત્રિ સભા ૮ થી ૧૧ ગુણાતીતાનંદ સ્વામીના ૧૩૭મા પ્રાગટ્યદિનની થઈ હતી. શ્રી ગુણાતીત જ્યોત જેમના નામ ઉપરથી પડ્યું છે એવા ગુણાતીતાનંદ સ્વામીના જીવનના પ્રસંગો વાગોળીને તથા ભજનો દ્વારા પ્રાર્થના ભાવ ધર્યો હતો. આ સભાની વિશેષતા આરતીની છે. સભા દરમ્યાન વારાફરતી ગૃહી-ત્યાગી મુક્તોએ આ સમૈયાની આરતીનો લાભ માણ્યો હતો. ભાઈઓએ પપ્પાજી તીર્થ પર સંતોના સાંનિધ્યે સભા, ભજનો અને રાસ રમી આનંદ સાથે ગુણાતીતાનંદ સ્વામીનો પ્રાગટ્યદિન માણ્યો હતો. શરદપૂનમનો પ્રસાદ દૂધ પૌંઆ અને સાથે ગરમ ગોટા જમી પૂનમની ચાંદનીનો આનંદ માણ્યો હતો.

અમેરિકામાં કુદરતી આફત ‘સેન્ડી’ ના સમાચાર મળતાં આજની સભામાં સુહ્રદ ધૂન ભક્તોની-લોકોની રક્ષા માટે કરી હતી. આમ, આખો મહિનો ભક્તિ, આનંદથી ભર્યો ભર્યો પસાર થયો હતો. આ મહિના દરમ્યાન તા.૧૪/૧૦ થી ૩૦/૧૦ જ્યોતના બહેનોની ‘પરમ પ્રેરણા શિબિર’ દીવ મુકામે ગ્રુપવાઈઝ યોજાઈ હતી. જો કે પૂર્ણાહુતિ દિવાળી બાદ એક બેચ બાકીની જઈ આવશે ત્યારે થશે. તેથી તેની સ્મૃતિ ત્યાર પછી માણીશું.

દિવાળીના પર્વો નજીક આવી રહ્યા છે. આપ સૌને દીપાવલિની શુભકામનાઓ.

महोब्बत की रोशनी, दीपो की कतार, सूरज कीरनें, खुशीयों की बहार,

चांद की चांदनी, अपनों का प्यार, मुबारक हो आपको, दीपो का त्यौहार.

અત્રે સર્વે સ્વરૂપોની તબિયત સરસ છે. ફરીથી આપ સર્વેને અત્રેના સર્વે સ્વરૂપો મુક્તો વતી દીપાવલિની અનંત શુભકામનાઓ સાથે જય સ્વામિનારાયણ.

                                                        એ જ જ્યોત સેવક P.૭૧ના જય સ્વામિનારાયણ.