01 to 30 Sep 2010 – Newsletter

સ્વામિશ્રીજી તાઃ ૩/૧૦/૧૦
જય ગુરૂહરિ પપ્પાજી
ગુરૂહરિ પપ્પાજીના સંબંધ પામેલ વ્હાલા અક્ષરમુકતો, જય સ્વામિનારાયણ !
આપણે અહીં આજે સપ્ટેમ્બર મહિના દરમ્યાન જ્યોતમાં ઉજવાયેલ ઉત્સવોનું સ્મૃતિદર્શન કરીશું.
(૧) તા.૧/૯/૧૦ બુધવાર
દર મહિનાની ૧લી તારીખની કીર્તન આરાધના સાંજે થાય છે તેમ, પરંતુ આજે તો પ.પૂ.પપ્પાજીનો પ્રાગટ્યદિન ! વિશ્વ શાંતિ દિવસ ! આજે પપ્પાજી હૉલમાં બહેનો-ભાઇઓની સભામાં ખૂબ દિવ્ય રીતે કીર્તન આરાધના થઇ હતી ! પ.પૂ.પપ્પાજી પ્રસન્ન થકા બિરાજમાન હતા. જાણે આ કીર્તનો ચાલુ જ રહે, પૂરા જ ન થાય ! એવા એકથી એક અધિક ભજનો ગુરૂહરિ પ.પૂ. પપ્પાજી વિષેના બનેલા ગવાયા ! તેમાં લય થયેલ ભક્તો ભાવવિભોર થઇ અશ્રુભીના ગદ્દગદિત્ હૈયે સહુએ લાભ લીધો હતો.
(૨) પૂ.ચંદનબેન તન્ના – અક્ષરધામ નિમિત્તે ત્રયોદશીની મહાપૂજા તથા અંતિમ દર્શન પૂજાવિધિનો લાભ લીધો તેનું દર્શન
જૂના જોગી કે જેમને દુકાળમાં કોદરા પૂર્યા છે. એવા અનાદિ મુક્તો પૂ.ચંદનબેન અને પોપટભાઇ તન્ના કે જેમને ૧૯૫૧થી તારદેવની ધરતી પરની માહાત્મ્યની ગંગોત્રીનું જળ બની જીવ્યા છે. ગંગામાં વહી સમુદ્રમાં સમાયા છે. ગુણાતીત જ્ઞાન ગૃહસ્થમાં પચાવી જાણનાર ચૈતન્ય માધ્યમોનું જૂથ હતું, જે પપ્પાજીના સંકલ્પ અને શ્રમથી તૈયાર થયેલ. તેમાંના પણ જૂના એવા આદર્શ માતા ચંદનબેન સહકુટુંબ મુંબઇથી વિદ્યાનગરની ધરતી પર જ્યોતના નિતના જોગમાં આવીને વસ્યાં હતાં. અને તા.૨૭/૮/૧૦ ના રોજ સ્વધામ સિધાવ્યાં ! તેઓની અંતિમ દર્શનપૂજા, પારાયણ થયું. અને ત્રયોદશીની મહાપૂજા તા.૪/૯/૧૦ ના રોજ જ્યોત મંદિરમાં થઇ હતી.
(૩) પ.પૂ.શોભનાબેન, પૂ.કસ્તૂરીબેન લંડનની ધર્મયાત્રા કરીને લંડન જ્યોત શાખા મંદિરમાં ભક્તોને સમાગમનો લાભ આપીને સુખરૂપ વિદ્યાનગર પધાર્યા. તા.૯/૯/૧૦ ના રોજ જ્યોત પંચામૃત હૉલમાં તેઓની સ્વાગત સભા થઇ હતી.
 
 
(૪) તા.૧૦/૯/૨૦૧૦ શુક્ર્વાર
ડૉ.ભાવનાબેન શેઠનો સ્વરૂપાનુભૂતિદિન જ્યોત રાત્રિ સભામાં પંચામૃત હૉલમાં ઉજવાયો હતો. ગુરૂહરિ પપ્પાજી કોઇ જ ચમત્કાર બતાવતા નથી. છતાંય એમના એવા અનન્ય, નિઃસ્વાર્થ, નિષ્કામ ભક્ત માટે અશક્ય શક્ય કર્યું છે તેવું દર્શન આજની સભામાં પપ્પાજીના કાર્યરૂપ ડૉ.ભાવનાબેનના જીવનમાંથી થયું. પપ્પાજીના એક ઉચ્ચ કોટિના સાધક છે, ગુરૂપદ પામ્યા છે, છતાંય સાધુતાનો આદર્શ પૂરો પાડી રહ્યા છે. એમના જીવનમાં ખાનદાની અને ઉચ્ચ સંસ્કારો તો પ્રભુએ આપેલા જ હતા. તેમાં ‘સોનામાં સુગંધ ભળી’, પૂ.ભાવનાબેન આવા પ.પૂ.પપ્પાજી અને ગુરૂ પ.પૂ.દીદીના જોગમાં આવ્યા !
ઈ.સ.૧૯૭૩માં જ્યોતમાં જ્યારે લગભગ ૧૦૦ બહેનો હતાં. પ.પૂ. દીદીને સહજ સંકલ્પ થઇ ગયો કે, આવા સંત બહેનો માટે ડૉકટર્સ બહેનો જ હોય તો સારૂં. પ.પૂ. પપ્પાજીએ એ પ્રાર્થના સ્વીકારી અને ‘પ્લાન આ તો પૂરવના’ એમ પૂર્વના આત્માઓ કે જે સાત્વિકભાવે ડૉક્ટર લાઇનમાં અભ્યાસ પામી રહેલું એક જૂથ કે જેમને આજીવન સેવાની ભાવના હતી ! તે ૧૧ બહેનોના સમૂહને સત્સંગમાં લાવી દીધાં ! તેમાંના ભાવનાબેનના જીવનને આપણે અહીં ટૂંકમાં નિહાળીએ ! સદાય સરળતા, નિયમિતતા, સાધુતા એક રહેણી ! ધીરજ, છતાંય કર્તવ્યનિષ્ઠ, સમતા,આનંદ વગેરે અનેક ગુણોનું દર્શન પૂ. ભાવનાબેનની વાણીની મીઠાશ અને મુખ પરનાં સ્મિત અને શાંતિ ઉપરથી સહુનેય થાય છે. પૂ. ભાવનાબેનનો સમૈયો ખૂબ સાદાઇથી અને ગહનતાથી ઉજવાયો હતો. (જેવું એમનું જીવન તેવો.) પૂ. ભાવનાબેન જ્યોતની ઓળખ છે. પ.પૂ. પપ્પાજીના કાર્યનું આદર્શ ર્દષ્ટાંત છે. પૂ. ભાવનાબેને યાચના પણ સેવાની જ કરી. ખૂબ ખૂબ અભિનંદન પૂ. ભાવનાબેનને, કોટિ અભિનંદન ગુરૂહરિ પ.પૂ. પપ્પાજીને !
 
(૫) તા.૧૨/૯/૧૦ ગુરૂવાર ઋષિપંચમી પ.પૂ.તારાબેનનો ૮૦મો પ્રાગટ્યદિન
ગુરૂહરિ પપ્પાજીનો ૮૦મો પ્રાગટ્યપર્વ ‘ભક્તિ ઉત્સવ’ તરીકે ૧૯૯૬માં સાંકરદા ઉજવાયો હતો. તે સ્મૃતિ સાથે ભક્તિ સ્વરૂપ પ.પૂ.તારાબેનનો આજે તિથિ મુજબ જન્મદિવસ ! તથા ૨૭/૯ના તારીખ મુજબ, તેની ઉજવણી જે તે દિવસે જ્યોતમાં તારકભૂલકાંઓ ધ્વારા થઇ હતી. પ.પૂ.તારાબેનનો ૮૦મો પ્રાગટ્ય પર્વ આપણે દિવાળી વેકેશનમાં તા.૩/૧૧/૧૦ ના રોજ ઉજવીશું. જેથી સહુ કોઇ તેમના માહાત્મ્ય અને જીવનદર્શનનો લાભ લઇ શકે.
 
(૬) તા.૧૩/૯/૧૦ પૂ.સવિતાબેન પોપટની અમૃત જયંતી
જૂના ચૈતન્ય માધ્યમ પૂ.સવિતાબા પોપટ અમદાવાદ કે જેમને આખું જીવન અને પરિવાર પ્રભુચરણે ધરી સમર્પિત ભાવનું આદર્શ ર્દષ્ટાંત છે. એવા સવિતાબાની અમૃત જયંતીએ એમના મહિમાગાનની ઝલક મંગલસભામાં માણી હતી. ધીરજ, સમજણ, સ્વરૂપનિષ્ઠા અને નિર્દોષબુધ્ધિ શું ચીજ છે તેનું ર્દષ્ટાંત પૂ. સવિતાબા છે. એવાં રત્નો પકવનાર પ.પૂ.બેન, ગુરૂહરિ પપ્પાજીને કોટિ વંદન છે ! એવી પાત્રતા ધરાવનાર પૂ.સવિતાબાને અમૃત જયંતીએ કોટિ અભિનંદન છે !!
(૭) તા.૧૯/૯/૧૦ રવિવાર જળ ઝીલણી – પરિવર્તિની એકાદશી
શ્રી ગુણાતીત જ્યોતમાં પંચામૃત હૉલમાં શ્રી ઠાકોરજી સમક્ષ જળઝીલણીના દર્શન પ્રાર્થના સાથે માણ્યાં. “જલરૂપી વચન ઝીલી લઇ જલઝીલણી ઉજવીએ”. ગુરૂહરિનાં અમૃતસમાં વચનો ગુણાતીત જ્ઞાનનું નવનીત અને પંચામૃત ઝીલી લઇ જીવનમાં પચાવીએ એવી વચનઝીલણીની પ્રાર્થના સાથે દર્શન આરતીનો લાભ લીધો હતો.
(૮) પ.પૂ.મમ્મીજીનો ૯૪મો પ્રાગટ્યદિન
પ.પૂ.પપ્પાજીની પરછાંઇ એવા પૂ. મમ્મીજીનો પ્રાગટ્યદિન તા.૨૮/૯/૧૦ના જ્યોતમાં રાત્રિસભામાં ખૂબ દિવ્ય રીતે ઉજવાયો. જીવનપ્રસંગની સ્મૃતિની વાતો થઇ ! પૂ.મમ્મીજીએ પપ્પાજીના આધ્યાત્મિક કાર્યમાં ખભેખભો મિલાવી સાથ આપ્યો. અને પોતે સહુની મા બનીને જીવ્યા એવા પૂ. મમ્મીજીને કોટિ પ્રણામ !
(૯) ભાદરવા વદ – ૬ ગુરૂહરિ પ.પૂ.પપ્પાજીનો પ્રાગટ્યદિન
ભાદરવા વદ – ૬ ગુરૂહરિ પ.પૂ.પપ્પાજીનો પ્રાગટ્યદિન તા.૨૯/૯/૧૦ ના રોજ હતો. એ નિમિત્તે જ્યોતમાં અનેકવિધ કાર્યક્ર્મ આખા મહિના દરમ્યાન થયા ! તેના સારરૂપે ઉજવણી જુદી જુદી રીતે થઇ હતી. તા.૨૬/૯/રવિવાર હોવાથી આનંદબ્રહ્મ તથા તા.૨૮/૨૯ શાશ્વત સ્મૃતિદિન હોવાથી દર ૨૮મીએ પ્રદક્ષિણા તથા દર ૨૯મીએ સાંજે સમૂહ ધૂનનો કાર્યક્ર્મ હોય છે, તે મુજબ થયાં હતાં.તા.૨૯/૯ ના રોજ સવારે મંગલસભામાં પ.પૂ. પપ્પાજીના પ્રાગટ્યદિનની ઉજવણી થઇ હતી. તથા બહેનોની રાત્રિ સભામાં ૯.૦૦ થી ૧૦.૩૦ માં વિશેષ મહાપૂજા (યજ્ઞના ભાગરૂપે) બહેનોની સભામાં પ.પૂ.દીદી અને પ.પૂ.દેવીબેનના સાંનિધ્યે થઇ હતી. પ.પૂ.પપ્પાજીના પ્રાગટ્ય સમયે સાંજે ૫.૦૦ વાગ્યે પ્રભુકૃપામાં શંખનાદ અને આરતી કરીને પ.પૂ.દીદી અને સદ્દગુરૂ સ્વરૂપોના સાંનિધ્યે બહેનોએ પ્રાગટ્ય આનંદ માણ્યો હતો. ગુરૂહરિ પ.પૂ.પપ્પાજીના જીવનદર્શનમાંથી પ્રશ્ન અને તેમાં ઉત્તિર્ણ થયેલને મહાપૂજામાં બેસવાનો લાભ અને સમૂહમાં મહાપૂજાનો સર્વએ લાભ માણ્યો હતો. વિશેષ મહાપૂજા એટલે પપ્પાજીએ અનુપમ ભાગ-૭ માં લેખમાં લખ્યા મુજબ બ્રહ્મયજ્ઞ અને જ્ઞાનયજ્ઞ કર્યા કરવો. જપયજ્ઞ એ સહુથી અધિક યજ્ઞ છે.
આ ત્રણેય યજ્ઞનું પ્રતીક બનાવી ધૂમાડા અને ગરમી વગરની આ યજ્ઞરૂપ મહાપૂજા કે જેમાં જવ, તલ, તેલ વગેરેની આહુતિ નહીં પરંતુ એવા આંતર શત્રુઓ કે જે ગુણાતીત જ્ઞાન પચાવવા નથી દેતા તેવા માંહીલા અહં પ્રેરિત ભાવોની આહુતિ અપાઇ હતી.જેનાં શબ્દ ઉદ્દગારો આ પ્રમાણે હતા.
બ્રહ્મયજ્ઞમાં આહુતિ
  • ‘હું’ અને ‘મારા’ નિર્ણયોની સચ્ચાઇભરી ‘હઠ’, સ્વાહા….
  • અપમાને નાકનું ટેરવું ચડાવતું ‘માન’, સ્વાહા….
  • અપેક્ષાની અગ્નિથી અર્ધબળ્યા કાષ્ટની જેમ ધુંધવાતી ‘ઈર્ષા’, સ્વાહા….
  • સેવામાં સરળતા શોધતી ‘માહાત્મ્યકચાશ’, સ્વાહા….
  • સ્મૃતિસંગ્રહને બદલે અભિપ્રાયસંગ્રહ કરતી ‘અવળાઇ’, સ્વાહા….
  • લાંબા લાંબા કાનવાળી મૂંઝવતી ‘અણસમજણ’, સ્વાહા….
  • ૧૩” ની ફૂટ્પટ્ટીથી માર ખવડાવતી ‘ડફોળબુધ્ધિ’, સ્વાહા….
  • ગુરૂવચને દોટ મૂકવાને બદલે લૂલાબચાવ કરતું ‘દોઢડહાપણ’, સ્વાહા….
  • પ્રસંગે જાણીયા કાકાની બકરી બનતું ‘જ્ઞાન’, સ્વાહા….
  • સારપ મ્હોબતમાં ઢસડાતી ‘લોકેષ્ણા’, સ્વાહા….
  • ગુરુ સાથે અંતરાયરૂપ બનતી ‘પુત્રેષ્ણા’, સ્વાહા….
  • ચીજ-વસ્તુ,પદાર્થમાં લોભાતા ચિત્તને ભક્તિરૂપ મનાવાતી ‘વિતેષ્ણા’, સ્વાહા….
  • જીવનમુક્તના સૂચનમાં આંખ આડા કાન કરતી ‘ઉપેક્ષાવૃતિ’, સ્વાહા….
  • મુક્તોના મુક્ત મને ગુણ ગાવામાં અટકાવતા ‘મૂલ્યાંકનો’, સ્વાહા….
  • શેક્યો પાપડ પણ ન તોડી શકનાર પહેલવાનોનો ‘હૂંહાટો’, સ્વાહા….
  • પ્રાપ્તિની સભાનતા ભૂલી અન્યલોકમાં કૂદમકૂદ કરતું ‘માંકડુ મન’, સ્વાહા….
  • અધૂરો ઘડો છલકાવતું ‘મિથ્યાભિમાન’, સ્વાહા….
  • ગાડા તળે ચાલતા શ્વાનની જેમ સ્વકર્તાપણાનો ‘અભિનિવેષ’, સ્વાહા….
  • આચારને બદલે પ્રચાર કરતી ‘મુર્ખામી’, સ્વાહા….
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
આમ, આજે આધ્યાત્મિક સાધનાની રીતે યજ્ઞરૂપ મહાપૂજા કરી, પ્રાર્થનાઓ કરી હતી.
(૧૦) ભાદરવા વદ-૬ ગુરૂહરિ પ.પૂ.પપ્પાજીનો પ્રાગટ્યદિનની ઉજવણીની શરૂઆત જ વર્ષો પહેલાં અમદાવાદ મંડળે જ કરી હતી. દર વર્ષે ગુરૂહરિ પ.પૂ. પપ્પાજીના સાંનિધ્યે તેઓએ લાભ લીધો છે. એ સ્મૃતિ સાથે આ વખતે ઉજવણીનું ભવ્ય આયોજન પ્રોગ્રામ સાથે સભાનું પૂ.ઇન્દુબા અને અમદાવાદ જ્યોતના મુક્તોએ કર્યું હતું. પપ્પાજી સ્વરૂપ પ.પૂ.દીદી અને સદ્દગુરુ સ્વરૂપોના સાંનિધ્યમાં પૂ.સુધાબેન કનુભાઇ પટેલના ફાર્મહાઉસ ઉપર ભવ્ય ઉજવણી તા.૩/૧૦ ના રવિવારે સાંજે થઇ હતી. સભાના અંતે “સંત પરમ હિતકારી” શ્રીજીમહારાજના સમયના પ્રસંગોનું દર્શન કરાવતું નાટક અને રાસના કાર્યક્ર્મ અમદાવાદના યુવકોએ રજૂ કરી સૌને આનંદમાં તરબોળ કરી દીધા હતાં. ધન્યવાદ !
 
(૧૧) સત્સંગ પ્રધાન જીવન જેમનું છે એવા પૂ.સ્મૃતિબેન રાજુભાઇ શાહના સુપુત્ર પૂ.અક્ષિતકુમાર આપણું ગૌરવવંતુ પુષ્પ છે. તેમને પ.પૂ.દેવીબેન અને સદ્દગુરૂ સ્વરૂપોએ અભિનંદન પાઠવ્યા હતા, શાના ? તો…..તેઓને તેમની હૈદ્રાબાદ કોલેજમાંથી MBAની સ્કોલરશીપ માટે પસંદ કરવામાં આવ્યા છે. અને તેઓ ભણવા માટે ઓસ્ટ્રેલિયા જઈ રહ્યા છે. (Australia-Adelaide-South Australia) પ.પૂ. પપ્પાજીની બહુ જ મોટી કૃપા છે કે તેમના ભણવાની બધી જ સ્કોલરશીપ તેમને કોલેજ તરફથી મળવાની છે. એવા અક્ષયભાઇને અભિનંદન
(૧૨) પ.પૂ.જ્યોતિબેનના U.S.A માં દર્શનની ઝલક માણીએ
સમર્પિતભાવે જે જીવન જીવી ગયા એવા પૂ.કાંતામાસી ડી. પટેલની પ્રથમ પુણ્યતિથિએ દિવ્યમાતા પ.પૂ.જ્યોતિબેન વિચરણ કરતાં અમેરિકા પહોંચ્યા. તેઓના સંતાન પૂ.ઘનશ્યામભાઇની દુકાને પૂ.અરવિંદભાઇ ગુણાતીત પ્રકાશને પ્રકાશિત કર્યા. એનું દર્શન આજે અહીં કરીએ. આપણે પ.પૂ.જ્યોતિબેનના દર્શન જાણે ઘણા દિવસથી નથી કર્યાં. તો તે દર્શન કરી ધન્ય થઇએ.આપને જાણ છે તે મુજબ સપ્ટેમ્બર માસમાં પપ્પાજી સ્વરૂપ જ્યોતિબેન પરદેશની ધરતી પર વિચરી ઘરમંદિરોએ જઇ ગુરૂહરિ પ્રાગટ્ય પર્વ ‘પરાભક્તિ પર્વ’ સાચા અર્થમાં ઉજવી રહ્યા છે. તેઓને અંતરનમન કરીએ.
અત્રે વિદ્યાનગર મુકામે પ.પૂ.બેન સુખદ સ્વાસ્થ્ય સાથે કૃપા કરી દર્શન આશિષ ૯૭ વર્ષની ઉંમરે પણ આપી રહ્યાં છે. તેમજ પ.પૂ.દીદી, પ.પૂ.દેવીબેનના સાંનિધ્યે જ્યોત સમૈયાની દિવ્ય રંગત છે. તેવા આ પપ્પાજી સ્વરૂપોને નમન ! પ.પૂ.જસુબેનને આ મહિને વિશેષ પગના ઘૂંટણ-રીપ્લેસમેન્ટ ઑપરેશન. તેમાં ગ્રહેલ તકલીફોના માધ્યમે, જેવી રીતે પ.પૂ.પપ્પાજીએ પંડે દુઃખ ગ્રહીને ભક્તોને સામુદાયિક રીતે ધૂન્ય-ભજન કરતા રાખ્યા છે. આ મહિના દરમ્યાન પ.પૂ.જશુબેને પણ તેવી પ્રેક્ટિકલ ધૂન્ય સ્મૃતિ કરાવી. સારા સ્વાસ્થય સાથે જ્યોતમાં બિરાજમાન છે, તેઓને પણ નમન !
સાજા છતાંય બિમારી. બિમારી છતાંય સાજા એવા દેહાતીત પૂ.પદુબેનને નમન ! તથા સ્વાસ્થ્ય તંદુરસ્ત રાખી, ઠેર ઠેર પધારી ભક્તોના ભાવ ગ્રહી, ભજન-ભક્તિ કરતા એવા સદ્દગુરુ બહેનો અને ગુણાતીત પ્રકાશના મોટેરા ભાઇઓને પણ અનંત નમન સાથે ગુરૂહરિ પ્રાગટ્ય મહિનાના જ્યોત ભૂલકાંઓના જય સ્વામિનારાયણ સાથે વિરમું છું.
એ જ જ્યોત સેવક P.૭૧ના જય સ્વામિનારાયણ