Nov 2016 – Newsletter

                                સ્વામિશ્રીજી                  

 

કાકાજી-પપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય

 

ગુરૂહરિ પપ્પાજી શતાબ્દી મહાપર્વની જય

 

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો શતાબ્દી વંદના સહ જય સ્વામિનારાયણ !

 

 SSP 4729

આજે અહીં આપણે નવેમ્બર મહિના દરમ્યાન જ્યોત પ્રાંગણમાં તથા પપ્પાજી તીર્થ પર ખૂબ જ દિવ્ય અને ભવ્યતાપૂર્વક ઉજવાયેલ બંધુબેલડી શતાબ્દી મહોત્સવ તથા ગુરૂહરિ પપ્પાજી શતાબ્દી મહાપર્વની વિશેષ સ્મૃતિ અને મહિમાગાન માણી ધન્ય થઈશું. ‘ગુણાતીત જ્યોત’ પત્રિકામાં આપે માણ્યું હશે. પરંતુ અધિકસ્ય અધિકમ્ ફલમ્ !

 

 

આપ જાણો છો તે મુજબ આ ઈ.સ ૨૦૧૬નું વર્ષ ગુરૂહરિ પપ્પાજીની શતાબ્દી લઈને આવ્યું હતું. તેમાંય તેની ઉજવણી માટેનો મહિનો નવેમ્બર નક્કી થયો. તા.૧૧, ૧૨, ૧૩ શુક્ર, શનિ, રવિ નક્કી થયા. નવેમ્બર મહિનો તો ઐતિહાસિક રીતે અમર બની ગયો.

 

 

તા.૧૧, ૧૨, ૧૩ નવેમ્બરના ત્રણેય દિવસના કાર્યક્ર્મો વિશ્વ માંગલ્ય યજ્ઞ-મહાપૂજા, સાંસ્કૃતિક કાર્યક્ર્મ, શોભાયાત્રા, સભા દરમ્યાનના અનાવરણ, દરેક સભા પહેલાના વિધવિધ રીતે ગુરૂહરિ કાકાજી-ગુરૂહરિ પપ્પાજીની એન્ટ્રી- સ્વાગત, સ્વાગત ડાન્સ, સભા દરમ્યાન ડાન્સ, પુષ્પાર્પણ, ભાવાર્પણ, સ્મૃતિભેટ અર્પણ વગેરે આપે વેબસાઈટ “www. Gunatitjyot.org” પર લાઈવ દર્શન કર્યા જ હશે. જે સમૈયામાં પધાર્યા હશે તેઓએ તો મૂર્તિમાન લાભ લઈ પ્રસાદ-મહાપ્રસાદનો આનંદ માણ્યો હતો. તેથી આ ત્રણ દિવસ સિવાયના આસપાસના દિવસની સેવા અને મહિમાની માંડીને વાત કરીએ.

 

 

ઈ.સ.૨૦૧૬ ના પ્રારંભ થતાં પહેલાની ૨૦૧૫ની દિવાળી વખતે એટલે કે સંવત ૨૦૭૨ના નવા વર્ષથી શતાબ્દી સમૈયો નવેમ્બર મહિનામાં વેકેશનમાં ઉજવવાનું નક્કી થયું. વેકેશનના અંતમાં એટલે કે શુક્ર, શનિ, રવિ લેવાનું રાખ્યું. જેથી વેકેશનમાં બહુધા મુક્તો લાભ લઈ શકે. વળી, ગુણાતીત સમાજના કેન્દ્રોના સંતો-મુક્તો પોતાના ઝોનની દિવાળી તહેવારોની ઉજવણી કરીને પ્રસાદ વિતરણ કરીને સમૈયામાં પધારી શકે. એ રીતે વિચારીને આ તારીખો નક્કી કરી. પરંતુ તેઓ પરદેશના ભક્તોને થોડી તકલીફ હતી. પ.પૂ.બેનની શતાબ્દીનો સમૈયો તેઓને અનુલક્ષીને રાખ્યો. તો આ વખતે દેશના ભક્તોને અનુલક્ષીને નવેમ્બર ૧૧, ૧૨, ૧૩ રાખી. ખરેખર બધું જ વિચારતાં તારીખ નક્કી કરવી ખૂબ અઘરૂં હતું. કારણ તાપ-ઠંડીનું પણ વિચારવું રહ્યું. હવે તો તાપ પણ ખૂબ વધી ગયો છે. વરસાદ પણ મોડો પાછળથી હતો. વાતાવરણનું પણ જોવાનું હોય. બધા દેવો પધાર્યા પણ ખરા અને દેવોએ સાથ પણ આપ્યો.

 

 

ગુરૂહરિ પપ્પાજીનો શતાબ્દી પર્વ છે સાથે સાથે કાકાજી-પપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવનું સોપાન પણ ઉજવવું. અને એ રીતે ત્રણેય દિવસનો મુખ્ય કાર્યક્ર્મ પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.દીદી, પ.પૂ.દેવીબેન અને યોગીકમિટિના સ્વરૂપોએ નક્કી કરી આપ્યો.

સમૈયાની તારીખ નક્કી થઈ તેનું નાનું કાર્ડ બનાવી. વેમારમાં સમૈયા વખતે ગુણાતીત સમાજના દરેક કેન્દ્રો પર અપાયું. ત્રણેય દિવસનો આછો કાર્યક્ર્મ નક્કી થયો. તે દરેક ગુણાતીત સમાજ્ના કેન્દ્ર પર અને પત્રિકા દ્વારા ગામોગામ અને ઘરોઘર પહોંચી ગયો, પરંતુ કાંઈ તૈયારી નહીં.

અંતરમાં ઉમંગ ગુરૂહરિ પપ્પાજીની શતાબ્દીનો સહુનેય હતો. પણ કરવું શું ? દર વખત જેવું જ કરીશું. ?

 

 

જો કે પ્રેરણામૂર્તિ પ.પૂ.દીદી અને બીજા વારસ પ્રેરણામૂર્તિ પૂ.બકુબેનને તો ઘણી પ્રેરણા ગુરૂહરિ પપ્પાજીએ કરી. જે તેઓએ વિચારી પેપર પર ટાંકી રાખી હતી. વળી, ગુરૂહરિ પપ્પાજીની શતાબ્દીએ મહાયજ્ઞ કરવાનો સંકલ્પ તો પાંચ વર્ષથી હતો. તથા તેવું જ…

ગુરૂહરિ પપ્પાજીની શતાબ્દી છે તેથી સાંસ્કૃતિક કાર્યક્ર્મની પ્રેરણા પ.પૂ.દીદીના વારસદાર પૂ.ઝરણાબેનને પ્રભુએ કરવા જ માંડી હતી. પૂ.ઝૂલીબેનની કલમ જાગતાને ઉંઘતા ઊઠાડીને પ્રભુ ચલાવી રહ્યા હતા એ બધું પણ પેપર પર હતું.

૧લી જૂનનો સમૈયો પણ આ વખતે હતો. જ્યોત સ્થાપનાનો સુવર્ણપર્વ હતો. તેથી તેની ઉજવણી પણ વર્ષથી થતી હતી.

૧લી જૂનનો સમૈયો પણ ગયો. શિકાગોમાં સમૈયો થયો. ત્યાં સુધી અહીં શતાબ્દીના સમૈયાની કોઈ જ તૈયારી નહીં. સમૈયાની પ્રથમ નાની મિટીંગ મોટેરાં બહેનો-ભાઈઓની તા.૨૬/૫/૧૬ના થઈ.

જોતજોતામાં વરસાદની સીઝન પણ શરૂ થઈ ગઈ. સમૈયો પપ્પાજી તીર્થ પર કરવાનો નક્કી થયો પણ જગ્યા નાની પડશે. જો કે એ બધું તો પૂ.માયાબેન, પૂ.બાબુકાકા અને સંતો ઉપર રાખ્યું હતું.

 

 

પહેલી મિટીંગ તા.૧૮ જુલાઈ ૨૦૧૬ના થઈ હતી. તેમાં મુખ્ય જવાબદાર ભાઈઓ-બહેનોની મિટીંગ હતી. તેઓના નામ

બહેનોના નામ – પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.દીદી, પ.પૂ.દેવીબેન, પૂ.દયાબેન, પૂ.શોભનાબેન, પૂ.હંસાબેન ગુણાતીત, પૂ.તરૂબેન, પૂ.માયાબેન, પૂ.મનીબેન, પૂ.ડૉ.વિણાબેન, પૂ.મીનાબેન દોશી, પૂ.જશવંતીબેન, પૂ.બકુબેન પટેલ, પૂ.હર્ષાબેન પટેલ

ભાઈઓના નામ – પૂ.વિરેનભાઈ, પૂ.ઈલેશભાઈ, પૂ.કિશોરકાકા, પૂ.પિયૂષભાઈ પનારા, પૂ.નંદુભાઈ, પૂ.સુરેશભાઈ ગાંધી, પૂ.બાબુકાકા, પૂ.મહેન્દ્રભાઈ શાહ, પૂ.હેમંતભાઈ મોદી, પૂ.અતુલમામા ભટ્ટ્, પૂ.બેચરભાઈ માંગરોલીયા, પૂ.નિલેશભાઈ કોટીવાલા, પૂ.શાહભાઈ, પૂ.વિજયભાઈ પટેલ

 

 

શતાબ્દી પર્વનો આવડો મોટો સમૈયો આવી રહ્યો હતો. તેનો આનંદ પણ ખૂબ હતો. પરંતુ પ્લાન તૈયારી કાંઈ જ નહીં. તેથી જેમ જેમ દિવસો પસાર થાય તેમ તેમ ધડકન ધડક ધડક વધતી જતી હતી. ગુરૂહરિ પપ્પાજી જ એમનો સમૈયો કરી જશે. તેવી શ્રધ્ધા પણ હતી. વળી, વડીલોની છત્રછાયામાં સહુ નિશ્ર્ચિંત હતા.

 

 

જ્યોત શાખા મંડળોમાં શતાબ્દી નિમિત્તેના ભક્તિના કાર્યક્ર્મો બે-ત્રણ વર્ષથી સભા-મહાપૂજા-સ્વાધ્યાય ચાલુ રહ્યા. તેમાં શતાબ્દી નિમિત્તે મંડળોમાં શિબિર સભાનું આયોજન જ્યોત સમૈયા સમિતિ તરફથી થયું. તેમાં ગરૂડજી ભળ્યા. તે શું તો પ.પૂ.દીદીએ વડોદરા મંડળમાં શિબિરનો પ્રારંભ કરતાં કહ્યું કે, “આ વખતે મહેમાનો બનીને નહીં પણ ઘરના ધણી જવાબદાર બનીને શતાબ્દીના સમૈયામાં આવજો.” પછી તો આ રીતના ઉઠાવની શિબિર સભા બધા જ નાના-મોટા મંડળોમાં થઈ. હરિભક્તોની અંતરમાં પણ શતાબ્દીની હોંશ હતી. તેને જાગ્રતતા મળી. ગુરૂહરિ પપ્પાજી રાજી થાય તેવો માહાત્મ્યનો ઉઠાવ લેવો છે. એવું દરેક મંડળધારી અને જ્યોતના વડીલોને હતું.

 

 

વળી, સુશોભન, પ્રકાશન, વિડિયો, ઓડિયો, કોઠાર, ભંડાર, રસોડું, પરમ વિભાગ એમ દરેક વિભાગના અનુભવી મુક્તોએ શતાબ્દીના સમૈયાની પોતાના વિભાગની વિચારણા કરીને તૈયારી શરૂ તો કરી હતી. પરંતુ ૧લી સપ્ટેમ્બર સુધી તો બહાર કાંઈ જ સમૈયાની તૈયારી દેખાતી નહોતી. ૧લી સપ્ટેમ્બરે મંગલ પ્રભાતે પપ્પાજી તીર્થ પર શતાબ્દી સમૈયાનું ભૂમિપૂજનની મહાપૂજા મોટેરાં સ્વરૂપોના સાંનિધ્યમાં પૂ.ઈલેશભાઈ, પૂ.યશવંતભાઈ દવેએ કરીને ગુણાતીત સમાજનો ધ્વજ શતાબ્દી ભૂમિ પર શાશ્વત ધામ સમક્ષ ફરક્યો.

શતાબ્દી સમૈયાનો કાર્યક્ર્મ તે પછીની તા.૧૧/૯/૧૬ની શતાબ્દી સમૈયા કમિટિમાં ફાઈનલ થયો. તેની કોપી આ સાથે છે.

 

તા.૧૧/૯/૧૬ની ભાઈઓ-બહેનોની મિટીંગ દરેક વિભાગના જવાબદાર ભાઈઓ સહિતની હતી. આ મિટીંગ માટે મુંબઈ, સુરત, વડોદરા, અમદાવાદ, માણાવદર વગેરે ગામોગામથી જવાબદાર ભાઈઓ આવ્યા. આ મિટીંગમાં દરેક વિભાગે કરેલી સમૈયાની તૈયારીની  નોંધ રજૂ થઈ. સમૈયાનો કાર્યક્ર્મ ફાઈનલ થયો. સમૈયાનો સિમ્બોલ નક્કી થયો. હવે કાંઈક લાગ્યું કે સમૈયાની તૈયારીની શરૂઆત થઈ હોય. પણ શતાબ્દી જેવું તો કાંઈ લાગતું જ નહોતું. કમિટિ મેમ્બર્સને જરા ચિંતા થતી હતી. પરંતુ વર્ષોનો અનુભવ હતો કે, છેલ્લી ઘડીએ પ્રભુ મદદે પહોંચી જાય છે. બધું થઈ જશે.

 

બધું રૂટીન ચાલુ, વિચરણ ચાલુ, સમૈયા-શિબિર બધું ચાલુ, વળી, ઘણા બહેનોને થાય અરે…!  સમૈયાની તૈયારી ક્યારે કરીશું? શું કરીશું?

 

 

આ સમયમાં વરસાદની ખૂબ જરૂર હતી. સૌરાષ્ટ્રના હરિભક્તો કહેવડાવે ! વરસાદ મોકલો. ખેતરમાં પાક (મોલ) સુકાવા લાગ્યા. આ સમયે પ.પૂ.જ્યોતિબેનને સૌરાષ્ટ્રમાં જવાનું થયું. હરિભક્તોએ પ.પૂ.જ્યોતિબેનને વિનંતી કરી ! શતાબ્દીનું વર્ષ છે. વરસાદ નહીં પડે તો અમો કેવી રીતે આવી શકીશું. પ.પૂ.જ્યોતિબેને પહેલા તો કહી દીધું કે, એ તો ભગવાનના હાથમાં છે. પણ ભક્તોનો ભાવ અને નિષ્ઠા. અને કર્તાહર્તા પ્રત્યક્ષને માને છે. તે જોઈને ઉદ્દગારો સરી પડ્યા. આશીર્વાદ નીકળ્યા કે, અમે જઈશું પછી વરસાદ પડશે. અને બન્યું પણ એવું કે ઓચિંતુ ચોમાસું બેઠું અને જોઈએ તે કરતાંય વધારે વરસાદ થયો. તળાવ, નદી, ડેમમાં પણ પાણી આવ્યું. ગરૂડજીએ પાંખ મારી દરિયો પૂર્યો હતો. તેમ પ.પૂ.જ્યોતિબેને ગુરૂહરિ પપ્પાજીને પ્રાર્થના ફેંકી વરસાદ વરસાવ્યો. થોડા દિવસમાં સમાચાર ફોન આવવા લાગ્યા કે, અમો સમૈયામાં આવીશું. સીઝન હશે તોય મૂકીને સમૈયામાં તો આવશું જ.

 

 

પરદેશથી ભક્તો પધારવાના છે તેના લીસ્ટ બે-ચાર મહિનાથી બન્યા હતાં. આપણા સમૈયાનો પ્રારંભ પ્રબોધિની એકાદશીએ ૧૦૬ કુંડી મહાયજ્ઞ અને મહાપૂજાથી શરૂ થતો હતો. તે મહાપૂજામાં જે દંપતિએ ભાગ લેવો હોય તેનું લીસ્ટ અને લીસ્ટ પ્રમાણે વસ્ત્રોની તૈયારી કરવાની હતી. પરંતુ આવવાનું નક્કી થાય પછી મહાપૂજામાં બેસવાનું નામ લખાવી શકે ને !

 

 

 

આમ, ૬૦૦ દંપતિની ગોઠવણ રાખી હતી. નામ લખાવે પણ ફીક્સ નહોતું થતું તે હવે ફીક્સ થવા લાગ્યું. પડાપડી થવા લાગી. મહાપૂજામાં ભાભીઓની સાડીનો યુનિફોર્મ તો દર વખતે હોય જ. પણ ભાઈઓ માટેનો યજ્ઞનો યુનિફોર્મ કોટી સાથેનો સુંદર નક્કી થયો. અને તે અમદાવાદમાં સીવડાવવાની જવાબદારી પૂ.હેમંતભાઈ મોદીએ ઉપાડી હતી. સામે જ્યોતમાંથી પૂ.કાજુબેન, પૂ.હંસાબેન મોદી વગેરે બહેનો પણ હતા. માપ પ્રમાણે સીવડાવવાની કાર્યવાહી પણ ઝીણવટ, મહેનત અને સમય માંગી લે તેવું આ કામ હતું. વળી, દિવાળી વચ્ચે આવતી હોવાથી કામ પૂરૂં કરવું જરૂરી હતું. મહેનતમાં મહારાજ ભળ્યા. પ્રયત્નમાં પપ્પાજી ભળ્યા. સિવણ કામ દિવાળી સુધીમાં પૂરૂં થયું અને યુનિફોર્મ વિતરણનું કામ પૂ.હેમંતભાઈ, પૂ.વિજયભાઈ અને પૂ.અનુપભાઈ વગેરે એ મળી દિવાળીના તહેવારોમાં શરૂ કર્યું અને છેલ્લા દિવસ સુધીમાં ચાલુ રહ્યું. પ્રભુ ભળ્યા અને સારી રીતે સંપન્ન કરી પણ શક્યા. મહાપૂજાની સામગ્રી તથા યજમાન ભાભીનો યુનિફોર્મ વગેરે અગાઉથી પૂ.મીનાબેન દોશીએ સુરત તૈયાર કરાવીને વિદ્યાનગર મોકલી આપ્યા હતાં. તેઓને ખૂબ ખૂબ ધન્યવાદ સાથે સો સો સલામ !

 

 

મહાપૂજાની સામગ્રીની તૈયારી તો ખૂબ જ વિશાળ હતી. પૂ.માયાબેન, પૂ.બકુબેન એન્ડ પાર્ટી મહિનાઓથી સતત કાર્યરત હતાં. તેઓ ખૂબ નિશ્ચિંત હતા. વેમારમાં સમૈયા વખતે યજ્ઞ થયેલ. ત્યારથી અનુપમ મિશનના ભાઈઓએ કહેલું કે, “આ યજ્ઞના આસનથી માંડીને બધી સામગ્રી તમોને જે જે કામ લાગે તે લઈ જજો. બધું આપનું જ છે તેમ માનજો. બીજી પણ જે જે મદદ જોઈએ તે કહેશો તે કરીશું.

 

 

તા.૪થી સપ્ટેમ્બર રવિવારે “શતાબ્દી ભગિની સંમેલન” જ્યોતમાં રાખ્યું હતું. દિલ્હી, પવઈ, હરિધામ, સાંકરદા ભગવાન ભજતાં બહેનો જ્યોતનું આમંત્રણ સ્વીકારી શક્ય એટલા બધાં જ બહેનો આવ્યાં. જેની વિગતે સ્મૃતિ અગાઉના પરિપત્રમાં આપણે જોઈ છે. આ વખતે પધારેલ વડીલ સ્વરૂપોએ જ્યોતનાં વડીલ સ્વરૂપોની પાસે માગણી મૂકેલી કે, “અમારે લાયક સેવા આપજો.”

ગુણાતીત સમાજમાંથી સેવાની માંગણી સુહ્રદભાવના ભાવો વહેવા લાગ્યા. તેની ઝલક જોઈએ.

 

 

પૂ.વજુભાઈ-સાંકરદાએ પ.પૂ.અક્ષરવિહારી સ્વામીજીની પ્રેરણા મુજબ ખાસ ભાર દઈને વારંવાર સેવાની યાચના કરતા જ હતા. અને તેઓએ તીથલ-ઉભરાટ શિબિર વખતે પાણી-પૂરવઠાની સેવા કરેલી તે સ્મૃતિ સહ એ સેવા આપી હતી. અગાઉથી જરૂરિયાત મુજબની સંખ્યામાં તે આવડત મુજબના હરિભક્તો લઈને જંગલ સમાન ફાર્મમાં આવી પૂ.બાબુકાકાની સાથે રહી જવાબદારીથી એ સેવા પાર પાડી હતી. દૂર દૂર ખેતરોમાં રસોડું-ભોજનશાળા હતી. ત્યાં બેઝીન નંખાવવા. બધે જ પાણીની પાઈપલાઈનો નાંખી પાણી પહોંચાડવું વગેરે સેવા તાપમાં આવીને કરી હતી. આ બધું તે અગાઉની સેવાની વાત હતી. સમૈયા વખતે રસોઈનો સ્ટોક ભોજનશાળામાં ઠેરઠેર બુથ પર પહોંચાડવાની સેવા સાંકરદા ઝોનના ભક્તોને ફાળે હતી. તે પણ અને પછી તો જ્યાં સેવા દેખે ત્યાં લાગી જવાની ભાવના રાખીને નાનામાં નાની સેવા કરી સ્વામીજીના ખરા દાસત્વભાવનાં દર્શન વર્તનથી કરાવ્યાં હતાં. “કૂવામાં હોય તો હવાડામાં આવે.” તે કહેવત મુજબ વર્તનથી દર્શન કરાવ્યું હતું.

 

 

 

બ્રહ્મજ્યોતિના ભાઈઓએ સેવાની માંગણી કરી હતી. પરંતુ તેઓને ફાળે તો અમોએ આખા ગુણાતીત સમાજના ભક્તોની ઉતારાની મુખ્ય જવાબદારી આપી દીધી હતી. દિલ્હી, શિકાગો, પવઈ, સમઢિયાળા વગેરેથી જે કોઈ સંતો, વ્રતધારી સાધકો હરિભક્તો લઈને પધારે તેઓના ઉતારાની સઘળી વ્યવસ્થા આ ભાઈઓએ સંભાળી હતી. એટલું જ નહી પૂ.માયાબેન, પૂ.ડૉ.વિણાબેન, પૂ.મહેન્દ્રભાઈ શાહ આ અંગે બ્રહ્મજ્યોતિ પર એક જ વાર મળ્યા. અને બધું જ ઉપાડી લીધું. ફક્ત ઉતારાની જ નહીં. તેઓને ચા-નાસ્તો કરાવીને સમૈયામાં મોકલીશું. (અરે વચ્ચે એક જોક્સ પણ માણી લઈએ. બ્રહ્મજ્યોતિમાં ભક્તોને ચા-નાસ્તો કરાવવા માટે મંડપ બાંધ્યો હતો.વાંદરાની ટોળી આવી. હૂપાહૂપ કરી મૂકી અને  મંડપ તૂટી ગયો. પપ્પાજી તીર્થ પર ‘ગણેશ મંડપ સર્વિસ’ના ભાઈઓ મંડપ બાંધતા હતા એ ભાઈઓને બ્રહ્મજ્યોતિ મોકલી બીજો મંડપ બંધાવ્યો. આ સ્મૃતિની વાત પૂ.માયાબેન ૨૭/૧૧ની સભામાં કરતાં હતાં તો એક બેને જોક કર્યો કે મહાપૂજા યજ્ઞ હતો તેથી હનુમાનજી અને ગણેશજી ભેગા થઈ ગયા.)

 

 

તા.૬/૧૦/૧૬ના પ.પૂ.સાહેબજી પૂ.જયંતિભાઈ દોશીની તબિયતની ખબર જોવા પ્રભુકૃપામાં પધારેલા ત્યારે પ.પૂ.જ્યોતિબેન અને પૂ.માયાબેનને કહીને ગયા કે “આપણો જ સમૈયો છે.” આખું કેમ્પસ બધું જ આપણું છે. જે જરૂર હોય તે કહેજો. બધું જ વાપરજો. અને ખરેખર આપણો જ સમૈયો હોય તેમ એકોએક સાધકો અને મુક્તોએ સાથ આપ્યો છે.

 

હરિધામથી પણ પૂ.પ્રેમબેન, પૂ.સુમનબેન સેવાની માંગ કરતા હતાં. શોભાયાત્રામાં બહેનોની બેન્ડવાજા પાર્ટીએ તો મહિલા સંત સમાજની શોભા-દિવ્યતા વધારી દીધી હતી. “ગુણાતીત સમાજના અમે ત્યાગી બહેનો અમારો સમૈયો છે.” તેવા આપોપાપણાના ભાવો હૈયામાં સ્પર્શતા હતા.

 

 

આ સમાજે તો ક્યારેય આવી બહેનોની બેન્ડવાજા પાર્ટી જોઈ નથી. પ.પૂ.હરિપ્રસાદ સ્વામીજીની પ્રસન્નતાના ભાવો અને ગૌરવની ગરિમા નીતરતી હતી.

 

ઉતારા માટેની કોઈ સેવા હરિધામના ભક્તોની સાધકોની આપી જ નહીં. ઉપરાંત બાકરોલ, આત્મીય ધામ (મંદિર) હૉસ્ટેલમાં ૯૦ ભાઈઓના ઉતારાની સગવડ આપીને ઉતારા વિભાગને નિશ્ચિંતતા બક્ષી હતી.

 

 

હરિભક્ત બહેનોના ઉતારા તો જ્યોતમાં અને આસપાસના ઉતારાઓ-હરિભક્તોના ઘરે વગેરે સમાવેશ થઈ જાય. પરંતુ ભાઈઓના ઉતારાની જવાબદારી પૂ.મહેન્દ્રભાઈ શાહના શિરે હતી. તે પણ બાકરોલ મંદિરના અને બ્રહ્મજ્યોતિના કેમ્પસમાં થઈ જતાં. હરિભક્તોની સગવડ સચવાતા એક ઐક્યતા ભરી હાશની અનુભૂતિ સમૈયા કમિટિને થઈ હતી. આભાર-અભિનંદન સાથે સો સો સલામ !

 

 

હરિધામના સંતોએ ઘણી સેવા કરી. મોટાં વાસણો, મોટાં ગેસ અને જરૂરિયાતનું ઘણું અરે બધું આપણું હોય તેમ રસોડા વિભાગના હેડ કહે અમો મનમૂકીને ત્યાંથી મંગાવી શકતા હતાં. એટલું જ નહીં…

 

હરિધામના અંબરીષ ભક્તો પણ ખૂબ તૈયાર. સંતોના માર્ગદર્શન હેઠળ બધા ક્ષેત્રે આવડત ધરાવનાર નવા-જૂના મુક્તોનો સાથ-સહકાર સંતો અને બહેનો તરફથી મળ્યો છે. સાંસ્કૃતિક કાર્યક્ર્મ માટે ભજનો ગાવા માટે વડોદરા અહીંથી ગાયક વૃંદ અને વાદ્યવૃંદ અને ઓડિયો વિભાગના જવાબદાર બહેનો જતાં હતાં. તેમાં હરિધામના ભક્તોની ખૂબ મદદ મળી હતી. નવા જ સાધક બહેન પૂ.શ્રેયાંશુબેનનો ઉંચો, મીઠો, પહાડી અવાજ આખા સાંસ્કૃતિક કાર્યક્ર્મમાં અલગ તરી આવતો હતો.

 

 

તેમજ વડોદરાના પૂ.કાજલબેન અને પૂ.ઉર્મિલાબેનનો મીઠો સ્વર શતાબ્દીએ શાશ્વત સેવામાં સમાઈ ગયો છે. ખૂબ ધન્યવાદ સાથે સો સો સલામ !

 

પવઈથી પૂ.ભરતભાઈ પૂ.ઈલેશભાઈને તથા પૂ.માધુરીબેન બહેનોને વારંવાર કહેવાડતા હતા કે “અમારે લાયક સેવા આપજો.” અગાઉ કહેશો તોય ઔરંગાબાદથી હરિભક્તો બોલાવી આપીશું. તેઓ બધા જ પ્રકારની સેવા કરી શક્શે. પરંતુ હજી વરસાદ જ છેક નવરાત્રી સુધી ચાલતો હતો. ત્યાં કઈ સેવા માટે કોને બુકીંગ કરાવવાનું કહીએ. છતાંય અંતે તેઓએ એક સુંદર સમૂહ ડાન્સ ૧૩ યુવતીઓનો તૈયાર કરી તા.૧૨મીએ સવારે ૧૧.૦૦ વાગ્યે સભાના પ્રારંભે ખૂબ મહેનત કરીને તૈયાર કરી ભવ્ય રીતે રજૂ કર્યો હતો. આખું આયોજન અમેરીકાથી દોઢ મહિનો વહેલા પધારી પૂ.ઘનશ્યામભાઈ અમીને સંભાળ્યું હતું. અને એક આઈટમે ગુરૂહરિ કાકાજી-ગુરૂહરિ પપ્પાજીની શતાબ્દીનો ડંકો દિગંતમાં માર્યો હતો.

 

 

પવઈ મંદિર સંબંધિત લગભગ આખા સમાજના ભક્તોને લઈને પૂ.ભરતભાઈ, પૂ.વશીભાઈ તા.૧૦/૧૧ના સાંજથી અહીં પધારી ગયા હતા. વળી, ઔરંગાબાદના મુક્તોની બસ હતી. જેથી તેઓની સગવડ આવવા જવાની જાતે કરી લીધી હતી.

 

 

નૂતન વર્ષનો અન્નકૂટ ૧૦૦ મોટી ડબ્બીઓમાં ૧૦૦ વાનગી ભરી મોટા ટોપલામાં P અને K લખીને ખરેખર શતાબ્દીનું માહાત્મ્ય રેલાવ્યું હતું. ધન્યવાદ પવઈ મંદિરના સ્વરૂપોને-મુક્તોને સો સો સલામ !

 

 

પૂ.હેમંતભાઈ મરચન્ટના બનાવેલા ગુરૂહરિ કાકાજી-ગુરૂહરિ પપ્પાજી માટેના ભજનો તો ઠેર ઠેર ગુંજી રહ્યા છે. સર્વદેશીય જૂના જોગી એવા ગૃહસ્થ સાધુને અભિનંદન સાથે સો સો સલામ !

 

કહેવાય છે ને કે ‘દિલ્હી બહુત દૂર હૈ’ પ.પૂ.ગુરૂજી માટે ત્યાંથી ૫૫ ભક્તોને લઈને આવવું એ સહેલી વાત નથી. મુટ્ઠીભર સમાજ અને મંદિરની સતત સેવા સંભાળમાંથી નીકળીને આ શતાબ્દી પર્વે આવવું એ પણ સામાન્ય નથી. ખૂબ મોટી સંપ, સુહ્રદભાવ અને એકતાની સેવા છે.

 

 

પીવાના પાણીની મિનરલ વૉટરની બૉટલોની ટ્રક છેક દિલ્હીથી પૂ.પ્રમિતભાઈ સંઘવી (પૂ.હંસામાસીના દિકરાએ) મોકલી આપી હતી. પૂ.ડૉ.નીલાબેન નાણાવટીના સૂચનથી વણવિચારી આજ્ઞા પાળી લઈને તક ઝડપી લીધી હતી. ખૂબ ખૂબ ધન્યવાદ સાથે સો સો સલામ!

 

 

અક્ષરજ્યોતિના બહેનોની બિમારી, સેવામાં ખેંચ વગેરે ચાલુ હોવા છતાંય પૂ.આનંદીદીદી ડોલતા ડોલતા મંદમંદ હસતા કશુંય જણાવવા દીધા વગર બસ ગુરૂહરિ કાકાજી-ગુરૂહરિ પપ્પાજીની સિધ્ધાંતિક પ્રસન્નતા આ સમૈયાનું સૂત્ર બે વર્ષથી છે કે, “સંપ, સુહ્રદભાવ અને એકતા” એ સિધ્ધાંત નિભાવી મોટી સેવા કરી છે. ખૂબ ખૂબ આભાર સાથે સો સો સલામ !

 

છેક દરિયાપારથી પધારનાર પ.પૂ.દિનકરભાઈ, પૂ.કુસુમબા, લંડનથી પૂ.કિશોરભાઈ પેરિસથી પૂ.પ્રવિણભાઈ લાડ વગેરે ભક્તો સહિત આ સમૈયામાં આવ્યા ! ગરમીમાં ભીડામાં રહ્યા. કેવળ પોઝીટીવ ર્દષ્ટિકોણથી સર્વત્ર નિહાળી શુભાશિષ આપનારા આવા સ્વરૂપનું પળેપળનું જીવન એ જ સેવા છે.

 

 

આમ, આખા ગુણાતીત સમાજના ભક્તોએ ભેગા મળીને આ સમૈયો ઉજવ્યો છે. ઉજવાયો છે. ગુરૂહરિ કાકાજી-ગુરૂહરિ પપ્પાજીને સર્વદેશીયતા ખૂબ ગમે છે. સંપ, સુહ્રદભાવ અને એકતા એ એમના જોગીના સૂત્રને પંડનું સૂત્ર બનાવ્યું છે. તે સૂત્ર પ્રમાણેનું જીવન એ શતાબ્દી સમૈયામાં રહ્યું છે.

 

 

નવરાત્રીમાં પણ આ વખતે વરસાદ ચાલુ હતો. પૂ.માયાબેન રૂમ નં.૧૦માં બેઠા હતાં. ‘દિવાળી સુધી વરસાદની વકી છે.” જાણ્યું ! ગુરૂહરિ પપ્પાજીને વિનંતી કરી ! ‘દશેરાથી વરસાદ આપે બંધ કરવો પડશે. આપની શતાબ્દીનો સમૈયો છે. હજુ તો ખેતર ખેડવાના બાકી છે. રોલર ફેરવવું છે. ઘાસ કઢાવી શેઢા ચોખ્ખા કરવાના છે. ખૂબ સેવા બાકી છે.’

 

 

એમના મિતભાષી થોડા શબ્દોમાં પ્રાર્થના વહાવીને કહે, ‘હવે વરસાદ નહીં આવે.’ અને ખરેખર તે દિવસથી વરસાદ બંધ થઈ ગયો. પરંતુ કામ તો ખૂબ બાકી હતું. ખેતર તો ઠીક પણ આમ પણ કોઈ તૈયારી નહોતી.

 

ગુરૂહરિ પપ્પાજી સહુનીય ભાવનામાં ભળ્યા ! તેના ઉદાહરણ જોઈએ.

રહી સહી તૈયારી માટે પ્રેરણા કરાવીને યાદ કરાવતા ગયા. કામ કરાવતા ગયા. દા.ત. જ્યોતથી પપ્પાજી તીર્થ સુધીના રોડ પર ઉંચે બેનર બનાવીને બંધાવવાનું કાર્ય મોડું યાદ આવ્યું. દિવાળીના તહેવારોમાંય ભાઈઓએ આ કાર્ય ત્રણ દિવસમાં સંપન્ન કર્યું હતું.

 

 

જ્યોત પ્રાંગણમાં મોટો સમૈયો હોય ત્યારે ૨-૩ દિવસ આપણે પપ્પાજી માર્ગ દરવખતે જાહેર જનતા માટે બંધ કરીએ છીએ તેમ આ વખતે તા.૯/૧૧ થી ૧૪/૧૧ સુધી ૬ દિવસ રોડ બંધ કરવાની મંજૂરી નગરપાલિકાની ઑફિસમાં આપી હતી. અને તેઓએ પણ મંજૂરી લેટર આપ્યો હતો. તે રોડની બંને બાજુએ સિક્યોરીટીવાળા ભાઈઑએ લગાવ્યો હતો. બંને બાજુના રોડ પર વાંસથી ગેઈટ બનાવ્યો હતો. મંદિરની ચોકડીથી પરિતોષની ચોકડી સુધીનો રોડ ફક્ત આપણા માટે જ હતો. નગરપાલિકાના મુક્તોને પણ ધન્યવાદ સાથે સો સો સલામ !

 

 

સમૈયાના કાર્યક્રમમાં તો કાંઈ જ શતાબ્દીની વિશેષતા નથી. તો “નાના એવા વચનને મોટું માની સ્વીકારવું.” એ ગુરૂહરિ પપ્પાજીના વાક્યને સાકાર પૂ.પિયૂષભાઈ, પૂ.વિરેનભાઈ અને સુરત મંડળના યુવકોએ કર્યું.

 

પ્રદર્શનની તૈયારી કે પ્લાન નહોતો. જ્યોત સમૈયા કમિટિ પૂ.માયાબેનના સૂચનને સ્વીકારી સુરત “ગુણાતીત ધામે” ધમધોકાર તૈયારી રાત-દિવસ જોયા વગર કરી. દિવસે કર્મયોગ કરીને આવીને ભાઈઓએ ગુરૂહરિ પપ્પાજી તરફની અતૂટ પ્રીતિ અને નિષ્ઠાનું દર્શન કરાવ્યું. ટૂંક સમયમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને સહુ કોઈનેય સમજાય ગમે અને સહુનેય કાંઈક પ્રેરણા મળે તેવું અદ્દભૂત અલૌકિક પ્રદર્શન અસ્તિત્વમાં આવ્યું. આ કેવળ ગુરૂહરિ પપ્પાજીની કૃપા ! પ્રેરણાથી જ થયું છે. પ્રેરણા કરનારને અનંત આભાર. પ્રેરણા ઝીલનારને કોટી અભિનંદન સાથે સો સો સલામ !

 

 

પ્રદર્શનનું ઉદ્દઘાટન જૂના જોગી એવા પૂ.મહેન્દ્રભાઈ ગાંધી અને પૂ.નરસિંહફુવાના વરદ્દ હસ્તે થયું હતું.

સુરતના યુવકો સુરતથી બધું તૈયાર કરીને અહીં આવી ચાર જ દિવસમાં આખું પ્રદર્શન તૈયાર કરી દીધું. બે પાર્ટીમાં LED સ્ક્રીન પર આધ્યાત્મિક ઈતિહાસના પાત્રોનું જીવનવૃત્તાંત ગુરૂહરિ પપ્પાજીના કાર્ય સ્વરૂપે રજૂ કર્યું હતું. અદ્દભુત લખાણ અને ઓડિયો દ્વારા રજૂ થયું.

 

 

વળી, ગુરૂહરિ કાકાજી-પપ્પાજી બંધુબેલડીનું ર્દશ્યમાન પ્રદર્શન લખાણ સાથે રજૂ કર્યું. તે માધ્યમે ગુરૂહરિ કાકાજી-ગુરૂહરિ પપ્પાજી બંધુબેલડીની મહાનતાનું અલૌકિક દર્શન કરાવ્યું. પ.પૂ.હરિપ્રસાદ સ્વામીજી, પ.પૂ.ગુરૂજી (દિલ્હી) અને સર્વ સ્વરૂપો, જૂના જોગીઓ ખૂબ પ્રસન્ન થયા. નવા ભક્તોને સાધકોને ઐતિહાસિક જ્ઞાન સાથે ભાથું મળ્યું. જેવો સાંસ્કૃતિક કાર્યક્ર્મ એવું આ એક બીજું પાસું સમૈયાનું થયું. પ્રદર્શન તૈયાર કરનાર ભાઈઓને સો સો સલામ.

 

પ્રદર્શન જોઈને બહાર નીકળો ત્યાં ચા-કૉફીની સગવડ ! એ માહાત્મ્યનું- સેવા ભક્તિનું દર્શન હતું.

પ્રદર્શન-દર્શનથી ભીંજાયેલા હૈયા મનમાંથી નીકળેલા ઉદ્દગારો એટલે કે બહાર આવી જે મુક્તો જે મંતવ્ય લખતા તે ફાઈલ તો વાંચવા જેવી છે.

 

દિવાળી વેકેશન તા.૧૪/૧૧થી ખૂલશે તેવું વાર્ષિક પ્લાનરમાં હતું, પરંત સરકાર તરફથી વેકેશનની તારીખો બદલાઈ અને ચાર દિવસ પાછળ થયું. તા.૧૪મી ને બદલે સ્કૂલો ૧૮મીથી શરૂ થઈ. જેથી શિક્ષકો-વિદ્યાર્થીઓ અને વાલીઓને ઘરે પહોંચવા ઉતાવળ ના કરવી પડી. શાંતિથી લાભ લઈ શક્યા. સેવા કરી શક્યા.

ઈન્ટરકોમ સીસ્ટમ આખા કેમ્પસમાં નંખાવવાની નાની એવી વાતમાં પણ ગુરૂહરિ પપ્પાજી ભળ્યા તે જોઈએ.

 

 

અત્યારના મોબાઈલના યુગમાં ઈન્ટરકૉમ કે ફોનની સગવડ કરવાની જરૂર ના રહે. પરંતુ અહીં ઘણી વખત ટાવર ના મળવાથી મોબાઈલ કયારેક ક્યાંક ના ચાલે તેવી વકી પણ હતી. તેથી જ્યોતની ઈન્ટરકૉમ સીસ્ટમ હતી તે નંખાવી હતી. તેથી તેના નિષ્ણાત પૂ.મંગળભાઈને વડોદરાથી બોલાવ્યા હતા. ઘણા આઈડીયા આયોજન થયા. પણ સરખાઈ ના આવી. ગુરૂહરિ પપ્પાજીએ પૂ.મંગળભાઈને પ્રેરણા કરી. તેઓને એક સરસ આઈડીયા આવ્યો. કહે કે, આપણને BSNL ફોન લોકલ નહીંવત્ ભાવે આપે છે. તમો જો ટેમ્પરરી સમૈયા માટે અમુક ફોનની અરજી કરો તો જરૂર મળી શકે. પૂ.દેવ્યાનીબેને આ વાત સ્વીકારી તપાસ કરી. હકારાત્મક બધું થવા માંડ્યું. અને જાણવા મળ્યું કે હમણાં તો સરકારની સ્કીમ છે. ૫૦% ખર્ચ છે. ટૂંક સમયમાં કાર્યવાહી થઈ. પૂ.સુખદાબેન, પૂ.અર્પિતભાઈ ચપલાએ BSNLના કાર્યકર્તા ભાઈઓ સાથે રહી આખા કેમ્પસમાં ઠેરઠેર ફોનની વ્યવસ્થા જોતજોતામાં કરાવી દીધી. આ હતી ગુરૂહરિ પપ્પાજીની કૃપા ! ગુરૂહરિ પપ્પાજીની કૃપાને સો સો સલામ.

 

 

વરસાદ બંધ થઈ ગયો. પપ્પાજી તીર્થનાં ખેતર ખેડાઈ ગયાં. અને મંડપ-ડોમ પણ બંધાવા લાગ્યો. પપ્પાજી તીર્થની પાછળના અમુક ખેતર પણ મળી ગયા હતા. તેમાં પ્રથમ પોતાનું ખેતર આપી માથું મૂકનાર પૂ.મંગાભાઈ પટેલ (ગાના) હતા. પૂ.મંગાભાઈ પપ્પાજી તીર્થ પર પૂ.બાબુકાકા અને પૂ.માયાબેનને અવારનવાર કામ માટે પૂછતા રહેતા.

 

 

સભાખંડમાં પહેલા દિવસે મહાયજ્ઞ. રાત્રે સાંસ્કૃતિક કાર્યક્ર્મ અને બીજા દિવસથી સભાઓ એક જ સભા ખંડમાં શક્ય નથી. તેથી પપ્પાજી તીર્થની પાછળના પાર્કીંગના ખેતરમાં સાંસ્કૃતિક કાર્યક્ર્મનું સ્ટેજ બાંધી ખુલ્લામાં કાર્યક્રમ જોવાની બેસવાની સઘળી સગવડ થઈ ગઈ. વળી પાછળના ખેતરમાં રસોડું, ટ્રાન્સપોર્ટ (પાર્કીંગ) ભોજનશાળા બહેનોની-ભાઈઓની-સંત બહેનોની-V.I.Pની મોટી જગ્યામાં કરવાની હતી. તે બધું થઈ ગયું. પરંતુ વાહનની આવન-જાવનની સગવડ નહોતી થઈ.

 

 

૧લી નવેમ્બરથી ગુણાતીત પ્રકાશના ભાઈઓ સેવામાં જવાબદાર તરીકે સેન્ટરોમાંથી અત્રે આવી ગયા હતા. વાહનો માટે જગ્યા જોવા પપ્પાજી તીર્થ પર ગયા. બધે ફર્યા, બધું જોયું. જગ્યા નક્કી કરી. બાજુવાળા ફાર્મમાં ચરાના પાક કઢાવીને ત્યાંથી રસ્તો કરવાનું નક્કી કર્યું. મંગાભાઈએ એ ખેડૂતોને મળી બે કલાકમાં બધું ગોઠવી દીધું. પરંતુ રોડ પરથી ઉતરતા વાહનો માટે એક્સીડન્ટનો ભય હતો. તેથી બીજા દિવસે પૂ.બાબુકાકા-પૂ.અતુલભાઈ પરસાણીયાને નવી પ્રેરણા થઈ. પાછળના ખેતરો હજુ લઈને પાર્કીંગ રૂટ અને પાર્કીંગ એરિયા વધારવાનું ફાઈનલ થયું. પૂ.મંગાભાઈ કહે, થઈ જશે. બીજા ખેતરો લીધા, ખેડાવ્યા પણ રોલર ફેરવી પાણી પીવડાવી જમીનનું પૂર્ણ લેવલ કરવામાં ખૂબ ઉતાવળ પડી. મોડા હતાં. છતાંય એ ચાર-પાંચ ખેતરો મળતા બધાને હાશ થઈ ગઈ. ભોજનશાળાઓ બહેનો-ભાઈઓની બદલાણી. ઘણું ફાઈનલ યથાર્થ સેટીંગ બે જ દિવસમાં થઈ ગયું. ૧૧.૫૯ મિનિટે ગુરૂહરિ પપ્પાજી બધું કરી ગયા. આ હતી ગુરૂહરિ પપ્પાજીની અપરંપાર કૃપાને સો સો સલામ.

 

 

રિભક્તોને ઉતારા આપવાની ખેંચ તો ખૂબ હતી જ. બ્રહ્મજ્યોતિ, આત્મીયધામ મંદિરે ઉપરાંત પૂ.ડૉ.સી.એલ.પટેલ સાહેબે ન્યુ વિદ્યાનગરની હૉસ્ટેલો અપાવી. વળી, મોગરીમાં નવી નવી સોસાયટીઓ બની. તેમાં ખાલી બંગલાઓ પૂ.આચાર્ય સ્વામી, પૂ.યોગેશભાઈ, પૂ.મંગાભાઈ વગેરેએ તપાસ કરી નક્કી કરી રાખેલા. તુલસી ટાઉનશીપ, તપોવન, માતૃભૂમિ, માતૃછાયા, આઈરીશ વગેરે ઉતારા ખાલી બંગલામાં મળ્યા પરંતુ તે બધા મકાનોમાં ભાડાના પંખા લાઈટો નંખાવવાની સેવા મહિના અગાઉથી બધે ફરી ફરીને પૂ.મહેન્દ્રભાઈ શાહની સાથોસાથ ઉભા રહી પૂ.જયમુનિભાઈ વ્યાસે કરાવી હતી. તે છેલ્લે સમેટવા સુધીનુ કાર્ય ખૂબ ચોક્સાઈથી આ ભાઈઓએ સંપન્ન કર્યું હતું ખૂબ ધન્યવાદ સાથે સો સો સલામ. તથા છૂટક બંગલા પપ્પાજી તીર્થ નજીકના મળ્યા. જેથી રસોડામાં સીક્યોરીટે ગાર્ડ વગેરેમાં સેવા આપનાર ભક્તોને નજીક ઉતારા અપાયા. પૂ.મહેન્દ્રભાઈ શાહે મહિનાથી દોડતા રહીને ગોઠવણ કરી હતી. માટે છેક છેલ્લા દિવસે યજ્ઞ ચાલુ હતો ત્યારે જાતે પેટલાદ જઈને પપ્પાજી તીર્થની સામેના સ્કાય બ્લ્યુ બંગલાની ચાવી લાવીને ગુણાતીત સમાજના સંત બહેનો માટે આગવી વ્યવસ્થા કરી. બંગલો તૈયાર કર્યો હતો. આમ, ગુરૂહરિ પપ્પાજીની કૃપાને સો સો સલામ !

 

 

સમૈયાના ઉતારા માટે તપાસ કરવા જતાં અહોહોભાવે મદદ કરી છે એવા ઘણાં સદ્દભાવનાવાળા, ધાર્મિક, માનવતાવાળા વ્યક્તિઓ સંપર્કમાં આવ્યા.

દા.ત. મોગરીમાં પૂ.મહેશભાઈ, પૂ.મફતભાઈ, પૂ.યોગેશભાઈ પટેલ, પૂ.સંદિપભાઈ, પૂ.નવિનભાઈ, પૂ.રતિભાઈ પટેલ વગેરે. તેવું જ દરેક ક્ષેત્રે એક યા બીજી રીતે ઘણાં સામાજિક વ્યક્તિઓએ મદદરૂપ થયા છે. તેમને આભાર-અભિનંદન સાથે સો સો સલામ !

 

 

ગુરૂહરિ પપ્પાજીએ સિંચવેલ માહાત્મ્ય. આંગણે આવેલ હરિભક્તોની પથારી અને થાળી સાચવવા. તે રૂચિ મુજબ પૂ.મહેન્દ્રભાઈ શાહ અને ભાઈઓએ ભાઈઓના ઉતારા અને પૂ.સબોબેન, પૂ.ઈલાબેન દવે અને ગ્રુપના જવાબદાર બહેનોએ ભાભીઓ અને ફેમિલીના ઉતારાની વ્યવસ્થા કરી હતી. તથા ઉતારે જવા આવવા માટે ટ્રાન્સપોર્ટ વિભાગે ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા કરી હતી. તેમજ જે હરિભક્તો પાસે પોતાની ગાડી હતી તે સમૈયાની સેવા માટે વાપરીને ધન્યતા અનુભવી હતી.

 

 

ટ્રાન્સપોર્ટની સેવા રાત-દિવસ ખડા પગે પૂ.અતુલભાઈ, પૂ.જીતુભાઈ પટેલ, પૂ.હીરેનભાઈ માવાણી અને ટીમના ભાઈઓએ કરી હતી.

અમેરિકાથી પૂ.અરવિંદભાઈ ઍડવાન્સ શતાબ્દી સેવાના ઉમંગ સાથે આવ્યા હતાં. અનુભવી જૂના જોગી ઑલરાઉન્ડર ! તે જ્યારે જ્યાં સેવા મળી તેમાં જોડાઈ ગયા હતાં.

 

 

પાર્કીંગ અને સિક્યોરીટીની સેવા પૂ.બેચરભાઈએ જોવું જ ના પડે તે રીતે પૂ.મુકુંદભાઈ ફળદુ, પૂ.કનુભાઈ ચાવડા ટીમે ઓછા સ્વયં સેવકની મદદથી સઘળી જવાબદારી સંભાળી લીધી હતી. તેઓ તરફથી સિક્યોરીટી સેવકોને સ્પેશ્યલ કોટી પણ આપવામાં આવી હતી. ક્યાંય અજુગતો બનાવ બન્યો નથી. રાત-દિવસ, ટાઢ-તડકો, ભૂખ-તરસને જોયા વગર સેવા કરનારમાં પ્રભુ ભળ્યા છે.

 

 

શતાબ્દીનો સમૈયો હતો તેથી ગોઠવેલા ઉતારા પણ ઓછા પડત. અને સભાખંડ પણ નાનો પડત. પરંતુ તા.૮/૧૧ના રોજ મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના આદેશ મુજબ ૫૦૦-૧૦૦૦ની નોટની સમસ્યા ઉભી થતા ઘણા નવા સંબંધવાળા ભક્તો પોતાના સાંસારિક પૈસાના પ્રોબ્લેમને લીધે આવી ના શક્યા. ઘરે પણ જવું પડ્યું. સત્સંગ પ્રધાન જીવન જીવતા એવા નિષ્ઠાવાન હરિભક્તોએ ‘સમૈયો પહેલા’ ની પ્રાયોરીટી રાખી બધું પ્રભુ પર છોડી સમૈયો કર્યો, સેવાઓ કરી. સત્સંગની ગરિમાની ધન્યતા અનુભવી. ગુરૂહરિ કાકાજી-ગુરૂહરિ પપ્પાજીએ સત્સંગ પ્રધાન જીવન જીવતા વર્તનથી શીખવ્યું હતું. તેવું જીવન બહુધા મુક્તો જીવ્યા. એવા હજારો ભક્તો હતા કે જેમનું સત્સંગનું પલ્લું નમ્યું ટાણે પરીક્ષામાંથી પાસ થઈને ૬૦%થી ઉપર માર્કસ મેળવ્યા. જેનું નામ નિશાન સ્ટેજ પર કે ક્યાંય ક્યારેય નથી આવ્યું. એવા ગુણાતીત બાગના નિર્માની દાસત્વ પચાવ્યું છે. એવા ભક્તોને કોટી વંદન એવું સર્જન કરનારા સંત સ્વરૂપોને પ્રણામ. આ છે ગુરૂહરિ પપ્પાજીની અસાધારણ કૃપા-પ્રસન્નતાને સો સો સલામ !

 

દશેરાએ હજુ તો કેમ્પસનું કામ શરૂ થયું. ધમધોકાર કામ ઉપાડ્યું. પરંતુ વચ્ચે આવી દિવાળી. તેથી બધા કામ બંધ રહ્યા. લાભપાંચમથી કામ શરૂ થાય તો ૧૦/૧૧/૧૬ સુધીમાં પૂરૂં થાય તેવું લાગતું જ નહોતું. પણ તા.૫મીથી રોજ હરિભક્તો સેવામાં ઉમેરાતા ગયા. એકએક મુક્તોએ ૫-૧૦ મુક્તોના ભાગની સેવા સંભાળી લીધી. અને કામ પૂર જોશમાં આગળ વધ્યું. અને ટાણે પૂર્ણ પણ થયું.

 

દિવાળી પહેલાં યજ્ઞમાં બેસનાર યજમાન ભાઈઓના ખેસ મુંબઈથી આવી જવા જોઈએ તે દિવાળીના દિવસે આવ્યા. તા.૧/૧૧ થી યજમાન હરિભક્તોને યજ્ઞનો યુનિફોર્મ ખેસ-બેજ સાથે આપવાની શરૂઆત થઈ શકી. એવું જ

મોમેન્ટો તૈયાર કરવાની સેવા પૂ.ડૉ.વિણાબેને હાથ ધરી હતી. પરંતુ તેઓની તબિયત લથડી. ગમે તેમ કરીને તેઓએ દિવાળી પછી પણ તે તૈયાર કરી દીધું. તેના સંદર્ભનું બધું જ તૈયાર કરવાની સેવા પ.પૂ.દીદીની આજ્ઞાથી પૂ.પ્રતિક્ષાબેન ચિતલીયા જેવા મુક્તોએ કરી ટાણું જીતી લીધું.

 

 

યજ્ઞ મહાપૂજાની તૈયારી તો ખૂબ જ વિશાળ પાયા પર હતી. પ.પૂ.દીદી, પૂ.માયાબેન, પૂ.મીનાબેન ગાંધી અને પૂ.બકુબેનના માર્ગદર્શન હેઠળ પૂર્વ તૈયારી જબરજસ્ત કરેલ હોવા છતાંય છેક સુધી તેમાં બદલાવ અને યજમાનોના ઓચિંતી હાજરી-ગેરહાજરીનો સમન્વય કરતા રહ્યાં. વળી આ મહાયજ્ઞ ગુણાતીત સમાજલક્ષી હતો. યજમાનો પણ હરિધામ, સાંકરદા, પવઈ, શિકાગો વગેરે કેન્દ્રોમાંથી હતાં. પરંતુ પૂજારીઓ, ગાયકો અને યજ્ઞ કરાવનાર બ્રાહ્મણો પણ બ્રહ્મજ્યોતિના અનુભવી મુક્તો પૂ.ઈલેશભાઈ, પૂ.યશવંતભાઈ દવેની પડખે ટાણે ઉભા રહીને આપણો સમૈયો છે તેવું માનીને સ્વરૂપોની રૂચી મુજબ સર્વદેશીય ભાવે સેવા કરનાર મુક્તોની પણ જય હો ! તેમને પણ સો સો સલામ !

 

 

યજ્ઞ માટેની ૧૦૦ કુંડી સારસા ગામના ગાયત્રી મંદિરેથી આવી હતી. સુરતના વડીલ ભાઈઓએ તેને રંગરોગાન કરી એકદમ નવી જેવી જ બનાવી દીધી હતી. આ સર્વ મુક્તોને આભાર સાથે સો સો સલામ !

 

યજ્ઞ શરૂ કરતાં પહેલાં યજ્ઞ મંડપને પવિત્ર કરવાની એક વિધિ હોય છે. તા.૧૧/૧૧ ના રોજ વહેલી સવારે ૫.૩૦ વાગ્યે પ.પૂ.દીદી અને સદ્દ્ગુરૂ બહેનો યજ્ઞમંડપમાં પધાર્યાં. યજ્ઞના મુખ્ય ઠાકોરજીની આરતી કરી અને ત્યારબાદ આખા મંડપમાં જળનો છંટકાવ કરી યજ્ઞ મંડપને પવિત્ર કર્યો હતો. પ.પૂ.દીદીને પાયલાગણ વંદન સહ સો સો સલામ !

 

 

ભક્તોને પ્રભુના ભાવથી સારામાં સારી રીતે જમાડવા એ ગુરૂહરિ પપ્પાજીની તારદેવથી રૂચી હતી. યોગીજી મહારાજ મુંબઈ પધારતા ત્યારે વાડીમાં ભક્તોને યોગીજી મહારાજના ભાવે જમાડતા. આમ, વર્તનથી દાખલો બેસાડી એ માહાત્મ્યનું સિંચન તેઓનું કાયમ રહ્યું છે. એ રૂચિ મુજબ રસોડા વિભાગના જવાબદાર ભાઈઓ-બહેનોએ ઉત્તમ મેનુ સમૈયાના દિવસનું બનાવ્યું હતું. છેલ્લી મિટીંગ તા.૧૧/૧૦ના થઈ ત્યારે ફાઈનલ બધું થયું.

 

 

દિવાળીના તહેવારો પછી તા.૧/૧૧ સુધીમાં મુંબઈ, સુરત, અમદાવાદ, વડોદરા વગેરેથી રસોડાના જવાબદાર ભાઈઓ સાથે સમૈયા કમિટિની મિટીંગ થઈ. પૂ.નંદુભાઈ વીછીં, પૂ.કિશોરકાકા અને ભાઈઓએ ચા-નાસ્તા, જમવાના વાસણ ટીસ્યુથી માંડીને બધુ જોયું. શતાબ્દી સમૈયાની રીતે તો આપણી તૈયારી નબળી લાગી. સારૂં શોભે એવું કરી લેવાની કમિટિએ અનુમતી સાથે સૂચન કર્યું. છેલ્લા ચાર દિવસમાં તપાસ કરી સારૂં અને વ્યાજબી કરી લેવા નિર્ણય કરી ઘટતું કરી લીધું. તેમાં પૂ.ધીરૂમાસા સુરતે ચા ના પેપર ગ્લાસની સેવાની તક ઝડપી લીધી.

 

 

રસોઈયા મહારાજ દિવાળીથી તા.૧/૧૧ થી કન્ટીન્યુ હતા. કમિટિમાંથી આવેલા નાના સૂચનને રસોડાના હેડ ભાઈઓ બહેનોએ સ્વીકારી ખૂબ ધ્યાન રાખી ગુરૂહરિ પપ્પાજીની રીત પ્રમાણે આંગળા કરડી ખાય તેવી રસોઈ રસોઈયા મહારાજ પાસે બનાવડાવી. મોન્ટુ મહારાજ પણ ખૂબ મહિમાવાળા. તા. ૧ થી ૧૫ સુધીની બધા દિવસની રસોઈ ખૂબ જ સરસ બની હતી. ભક્તો રાજી થયા. ચરીની રસોઈ, નાસ્તા, ચા-ઉકાળા બધું જ અદ્દભૂત !

 

 

સમૈયાના ૩ દિવસની રસોઈ પૂ.લક્ષમણબાપા (મોરબી) અને તેમના મિત્ર-ભાઈઓ અને મોરબી મંડળે મળીને આ લાભ લીધો હતો. પૂ.શારદાબેન લીલાધરભાઈ ઉનડકટ તરફથી તા.૧૩મીની ઘારીની રસોઈ હતી. ઘારી બનાવવાની સેવા સુરત મંડળના ભાભીઓએ વિદ્યાનગર જ્યોતના રસોડે જાતે કરી હતી. તા.૧૨મીએ સાંજે સાટાની રસોઈ હતી. સાટા મોરબીમાં ખૂબ સરસ બને છે. તેથી પૂ.લક્ષ્મણબાપાએ ત્યાં સાટા બનાવડાવીને વિદ્યાનગર લાવ્યા હતા. આમ, બધા જ હરિભક્તોએ ખૂબ સેવાઓ કરી છે. કોઈએ તનથી, કોઈએ મનથી, કોઈએ ધનથી શક્તિ પ્રમાણે સેવા કરી છે. તેમને ધન્યવાદ સાથે સો સો સલામ !

 

 

વર્ષોથી એકધારી રસોડાની કપરી સેવા સંભાળનાર પૂ.નીતાબેન દલાલ, પૂ.પુષીબેન બીલીમોરા, પૂ.રેખાબેન વ્યાસ, પૂ.મંજુબેન ઝાટકીયા, પૂ.વિજુબેન, પૂ.જયુબેન લાખાણી આદિ સર્વે બહેનોને ખૂબ ખૂબ ધન્યવાદ ! પૂ.શોભનાબેનને પણ નિશ્ચિંતતા રહે તેવું કાર્ય ભાઈઓની મદદથી આ બહેનોએ કર્યું છે. તેમજ અનાજ મહિના અગાઉથી બહેનોએ જાતે દળી, રાસન મેનુ પ્રમાણે તૈયાર રાખી રસોડે ખડે પગે ઉભા રહી જોઈએ તેમ પહોંચાડનાર કોઠારનાં બહેનો પૂ.ભાનુબેન અને પૂ.મંજુબેન જેતપરીયાની ટુકડીને પણ ધન્યવાદ છે. આ સર્વે મુક્તોને સો સો સલામ !

 

 

પૂ.મીનાબેન દોશી દરેક સમૈયામાં ભાભીઓને લઈને અગાઉથી આવી જાય છે તેમ આ વખતે પણ સુરત મંડળના અમુક ભાભીઓ દિવાળી પહેલાથી અને બીજા ૧લી નવે.થી વિદ્યાનગર જ્યોતમાં રસોડાની સેવામાં આવ્યા. પૂ.મંજુબેનના ગાઈડન્સ હેઠળ નાસ્તા બનાવ્યા. પ્રસાદનાં બોક્ષ તૈયાર કર્યાં. રસોડું તો એવી ફેક્ટરી છે કે જેમાં રાત-દિવસ જોયા વગર અનેક મુક્તોએ સુરત-સાંકરદા તથા અન્ય ભાઈઓ-બહેનોએ ખૂબ ખૂબ સેવા કરી છે. સમૈયામાં હરિભક્તો સભાનો લાભ લઈને પધારે ત્યારે રસોઈ ભોજનશાળામાં તૈયાર હોય. ભાવથી પીરસવાની સેવા પણ ભાઈઓ વિભાગમાં પૂ.નંદુભાઈ વીંછી, પૂ.કિશોરકાકા, પૂ.અતુલમામા, પૂ.સુહ્રદભાઈના હાથ નીચે બધા મંડળોના પીરસણીયા ભાઈઓએ અને તેવું જ બહેનોમાં પૂ.મીનાબેન દોશી, પૂ.ભારતીબેન મોદી, પૂ.રેખાબેન વ્યાસ, પૂ.ઈલાબેન ઠક્કર,પૂ.હેમાબેન પટેલના હાથ નીચે બધા મંડળોના પીરસણીયા બહેનો-ભાભીઓએ સેવા કરી ધન્યતા અનુભવી. તેવું જ શાક વિભાગમાં પણ વહેલી સવારથી મોડી રાત સુધી અખંડ અખાડો ચાલુ જ હતો. શાક વિભાગના હેડ પૂ.વજીબેન, પૂ.ગીતાબેન ચાંગેલા ના નેતૃત્વ હેઠળ વિદ્યાનગર મંડળના ભાભીઓ તથા વડોદરા, હાલોલ વગેરે મંડળના વડીલો કે જેમને સૂત્ર મળેલું કે ‘આપણે સમૈયામાં મહેમાન નથી, ઘણા સમૈયા કર્યા. આ વખતે સેવા એ જ સમૈયો માનજો.’ એ સૂચન પ્રમાણે તેઓએ સેવા કરી છે. સભાખંડનાં દર્શન પણ નથી કર્યા.

 

 

તેવું જ વાસણ સફાઈની સેવાની જવાબદારી વર્ષોથી સંભાળનાર પૂ.ગોદાવરીબેન, પૂ.જયુબેન દેસાઈ, પૂ.ચંદ્રિબેન મારડીયા, પૂ.દેવિકાબેન અને ટુક્ડીના બહેનોને ખરેખર ધન્યવાદ છે. ચોકડી હંમેશાં વાસણોથી ભરેલી જ રહે. “નીચી ટેલ મળે તો માનો મોટાં ભાગ્ય જો.” ભગતજી મહારાજની જેમ આ યુગમાં પણ એવા ભક્તો સફાઈની સેવામાં પરમપદ માની ‘સભા કે કાંઈ જોવાનું જાણવાનું એમાં જ આવી ગયું’ માની જીવનારા મુક્તો છે. વાડ-ગેજના મુક્તો પણ સફાઈ-લીંપણ તથા વાસણની સેવા આવા સમૈયામાં કાયમ કરી રહ્યા છે. આ સર્વને ખૂબ ખૂબ ધન્યવાદ સાથે સો સો સલામ ! પીવાના પાણીની વ્યવસ્થા સંભાળનાર પૂ.ભારતીબેન સંઘવી, પૂ.આરતીબેન ઝાલાવાડીયા, પૂ.માનસીબેન અને મદદનીશ મુક્તોને પણ ખૂબ ધન્યવાદ સાથે સો સો સલામ !

તા.૧૧, ૧૨, ૧૩ નવેમ્બર ત્રણેય દિવસ મહાપ્રસાદ લેનાર મુક્તોની સંખ્યા ૯૦૦૦ થી ૧૦,૦૦૦ ની હતી.

 

 

રસોઈ વધે નહી અને બગાડ ના થાય તેવી કાળજી હંમેશાં ગુણાતીતના ઘરમાં રાખવાની જ હોય. મહાપ્રસાદ લેનાર ભક્તો પણ લગ્નના જમણની જેમ થાળીમાં એંઠું મૂકે કે ફેંકી ના દે તેને માટેની સૂ્ચના (માહિતી) ના બોર્ડ પૂ.જીજ્ઞેશભાઈ દેસાઈએ બનાવ્યા હતાં. અને તે ભોજનશાળામાં લગાવ્યા હતાં. તે પ્રમાણે ભક્તોએ ધ્યાન રાખ્યું. સર્વે ભક્તોને ધન્યવાદ સાથે સો સો સલામ !

 

 

રસોઈ વધે નહીં તેના જેવી જ કાળજી સામે રસોઈ ખૂટે નહીં તેની પણ રાખવામાં આવતી. તેથી જે વસ્તુ ખૂટવા જેવી લાગે કે તરત રસોડાની ટુકડી તૈયાર ! મુક્તોને બેસી ના રહેવું પડે તેની કાળજી રાખી ઝડપથી રસોઈ તૈયાર કરી દેતા.

ભોજનમાં ચરી હોય તેવા મુક્તો પણ ભૂખ્યા ના રહે. ચરીની રસોઈ પણ બનતી. અને શક્ય તેટલી કાળજી રાખવા પ્રયત્નશીલ હતા.

સવાર-સાંજ ચા-ઉકાળા, જમવામાં છાશ પૂરી પાડનાર દૂધ વિભાગના મુક્તો પૂ.જયુબેન લાખાણી અને ટુકડીના બહેનોને ખૂબ ખૂબ ધન્યવાદ સાથે

સો સો સલામ !

 

 

જ્યોતના વડીલ બહેનો, આશિષ મંડળના બહેનો તેમની તબિયત અનુસાર પપ્પાજી તીર્થ પર નહોતા આવી શક્યા. તેઓએ જ્યોતમાં લાઈવ દર્શન સમૈયાના કર્યા છે. તેઓએ પણ ઓચિંતે કંઈપણ સેવા આવી તે જવાબદારીપૂર્વક કરી અને જ્યોતના જવાબદાર હેડને નિશ્ચિંતતા બક્ષી હતી. તેમને પણ ધન્યવાદ સાથે સો સો સલામ !

 

 

સભા વિભાગ, યજ્ઞમહાપૂજા, સાંસ્કૃતિક કાર્યક્ર્મ ગાયક-વાદ્યવૃંદ ઓડિયો, લાઈટીંગ, ફોટા, વિડિયો, વેબસાઈટ, સુશોભન, સ્વયં સેવક વગેરેને જુદા પાડી શકાય તેમ નથી.

 

 

મન, બુધ્ધિ ચિત્ત પરોવી પૂર્વ તૈયારી કરવી. પ્રભુની પ્રેરણા ઝીલી નવા નવા આઈડીયા કરવા તેને પ્રેક્ટીકલ કરવું. એ કાંઈ સામાન્ય કાર્ય નથી. પૂ.ઝરણાબેન, પૂ.નેહલબેન દવે, પૂ.હર્ષાબેન, પૂ.દક્ષાબેન પટેલ, પૂ.નીપાબેન શાહ, પૂ.ચેતુબેન પટેલ, પૂ.ભાવનાબેન ડી, પૂ.હરિનીબેન, પૂ.હીનલબેન, પૂ.કુસુમબેન ગોહીલ, પૂ.જયશ્રીબેન મચ્છર, પૂ.સરોજબેન પટેલ આદિ બહેનો અને તેવું જ સામે પૂ.ઈલેશભાઈ, પૂ.શાહભાઈ અને પપ્પાજી ગ્રુપના ભાઈઓ, સુરત પરમહંસ ગ્રુપના ભાઈઓ વગેરેએ હળીમળીને પ.પૂ.દીદીની છત્રછાયામાં અદ્દભૂત કાર્ય કર્યું છે. કોના નામ લખવાં – ના લખવાં. એ મોટો પ્રશ્ન છે. તો વળી બહેનોના આઈડીયા પ્રમાણે સ્વાગત-શોભાયાત્રા ફ્લોટ બનાવનાર પ.પૂ.વિજ્ઞાન સ્વામીજી, પૂ.રોનકભાઈ કોટક (મુંબઈ), પૂ.રાજુભાઈ શાહ તથા કલાકારીગરી જાણનાર ભાઈઓના માહાત્મ્યભરી મહેનતને ખરેખર ધન્યવાદ છે. તેમને પણ સો સો સલામ !

 

 

શોભાયાત્રામાં આ વખતે આપણે ગુરૂહરિ કાકાજી-ગુરૂહરિ પપ્પાજીની મૂર્તિ પર ઉપરથી પુષ્પવૃષ્ટિ કરવાની રાખી હતી. નાના પ્લેન જેવું રિમોટથી ચાલે તેવું યંત્ર જેને ‘ડ્રોન’ કહે છે. તેનાથી પુષ્પવૃષ્ટિ કરી હતી. શોભાયાત્રા ચાલુ થઈ ત્યાંથી પપ્પાજી તીર્થના ગેઈટ સુધી પહોંચી તે દરમ્યાન ત્રણ વખત પુષ્પવૃષ્ટિ થઈ હતી. આ રીતે પ્રથમ વાર આપણે ચિદાકાશમાંથી પુષ્પવૃષ્ટિ કરવાનું રાખ્યું હતું.

 

 

શોભાયાત્રા માટે પણ મામલતદારની ઑફિસેથી મંજૂરી લેવાની હોય છે. અને મંજૂરીપત્ર મળ્યા બાદ તેમાં લખેલ નિયમોનું પાલન કરવાનું હોય છે. આ સઘળી કાર્યવાહી તથા પુષ્પવૃષ્ટિ કરાવવાની કાર્યવાહી પૂ.ડૉ.નીલાબેન નાણાવટીએ કરી હતી. તેમને પણ ધન્યવાદ સાથે સો સો સલામ !

 

 

શતાબ્દી સમૈયા પહેલાં તા.૮/૧૧/૧૬ના રોજ યજ્ઞ મહાપૂજાની સામગ્રી મંદિરમાં શ્રી ઠાકોરજી સમક્ષ મૂકી. આપણા સદ્દગુરૂ A સ્વરૂપોએ મંદિરમાં બેસી ૧૫ મિનીટ ધૂન કરી દ્રષ્ટિ પ્રસાદીની કરી હતી. શક્તિ પૂરી હતી. સ્વરૂપોએ ઘડામાં જળ પ્રસાદીનું કર્યું હતુ. મહાપૂજામાં જળની સ્પેશ્યિલ બોટલ હતી તેમાં ભર્યું હતું.

 

 

આ મહાપૂજાનું જળ ફક્ત યજમાનોને જ મળી શકે. અન્ય સર્વ માટે બીજું જળ શ્રધ્ધા અને માહાત્મ્યનું સ્વરૂપ પ.પૂ.જ્યોતિબેન અને પ.પૂ.જશુબેન પાસે પ્રસાદીનું કરાવીને બોટલો ભરીને પ્રતીતિ વિભાગમાં સહુ કોઈ લઈ શકે તે રીતે મૂકવામાં આવ્યું હતું. આ બંને પ્રકારના જળની બોટલો દિલ્હીવાળા પૂ.પ્રમિતભાઈ સંઘવીએ મોકલી હતી. તેમને પણ ધન્યવાદ સાથે સો સો સલામ !

 

છેલ્લે સુધી કાંઈ ફાઈનલ થયું ના હોય. પ્રભુ ભળ્યા અને સફળતાપૂર્વક દરેક વસ્તુ પાર પડાવી ગયા અને કાર્ય કરનાર સહુનેય રાજી રાખનાર ગુરૂહરિ પપ્પાજીની કૃપા અપરંપાર છે. ફરીફરીથી પ્રાણાધારને સો સો સલામ !

 

જગ્યાના અભાવે બે કેમ્પસ પડી ગયા. રજીસ્ટ્રેશન વિભાગ બહાર અને ડીકલેરેશન, સેન્ટ્રલ ઑફિસ, વેચાણ કેન્દ્ર, પરમ ઑડિયો, દવાખાનું વગેરે વિભાગ સભાખંડની સામે ગૌશાળા પાસેના ખેતરમાં આ બધું હતું. અત્રે સેવા કરનાર મુક્તો પણ તાપ-તડકો સમય-સભા જોયા વગર કાઉન્ટર પર સેવામાં જ રહ્યા છે.

 

 

આ બધી સેવાની વ્યવસ્થા કરનાર સ્વયંસેવક દળના વ્યવસ્થાપક ભાઈઓમાં પૂ.રાજુભાઈ પટેલ (સુરત) અને બહેનોમાં પૂ.સુસ્મીબેન પટેલ હતાં. સર્વત્ર સેવાનો યજ્ઞ હતો. શતાબ્દીનો આનંદ સેવામાં જ સમાયેલો હતો. તેથી સેવા કરનારના વખાણની વાત અહીં નથી. પરંતુ સમૈયાની ઠેરઠેરની સ્મૃતિ તેમજ છેલ્લા દિવસોમાં પ્રભુ કેવી રીતે કાર્ય કરી ગયા તે મહિમાના આનંદની વાત છે. તેથી લખવામાં લીંક કે ક્ર્મ જળવાયેલાં નથી. ખેર આગળ ચાલીએ…

 

 

આ શતાબ્દી સમૈયામાં શું શું પ્રકાશિત થયું. તે સેવાના નિમિત્ત કોણ કેવી રીતે બન્યા તેનું સ્મૃતિગાન કરીએ.

પાંચ પુસ્તકો પ્રકાશન વિભાગ તરફથી બહાર પડ્યા.

(૧) ગુરૂહરિ પપ્પાજીની પરાવાણી (૨) ગુરૂહરિ કાકાજીની પરાવાણી

(૩) ઓહોહો ! આ પપ્પાજી (૪) દિવ્યતા પ્રસારી દરિયાપાર ભાગ-૨, ભાગ-૩

 

આ પુસ્તકો ઉપરાંત આ આખા વર્ષની પ્રત્રિકાઓ પણ શતાબ્દી પર્વ તથા જ્યોત સુવર્ણ જયંતિ નિમિત્તેની મેટરની બહાર પડી છે. ખરેખર પૂ.હેમાબેન ભટ્ટ્, પૂ.વર્ષાબેન પટેલ, પૂ.અનુરાધાબેન દવે અને પ્રકાશનની ટુકડીના બહેનોને તેમજ પૂ.ઈલેશભાઈને ધન્યવાદ સાથે સો સો સલામ !

પત્રિકાના ગ્રાહકોને ‘પપ્પાજીની પરાવાણી’ પુસ્તક ભેટ અપાયું.

 

વિડીયો વિભાગ તરફથી (૧) પપ્પા તમે ધન્ય કર્યા (૨) અક્ષરધામની વિરલ વિભૂતી D.V.D બહાર પાડી. તેમાની ‘અક્ષરધામની વિરલ વિભૂતી” આ D.V.Dમાં કાકાજી-પપ્પાજીની જૂના ફોટાની સ્મૃતિઓ આવરી લીધી હતી. આ સ્મૃતિભેટ રૂપે શતાબ્દી સમૈયામાં પધારેલ સર્વે મુક્તોને કુટુંબદીઠ ૧ આપવામાં આવી હતી. પૂ.સર્યુબેન સંઘવી, પૂ.દક્ષાબેન તેલી, પૂ.દર્શનાબેન ભટ્ટને ધન્યવાદ સાથે સો સો સલામ !

 

 

તેમજ અદ્દભૂત પ્રદર્શન થયું. તેની પણ D.V.D ભાઈઓએ બનાવેલી તે તૈયાર કરવાની કાર્યવાહી વિડીયો વિભાગે કરી હતી.

D.V.D -૧ શતાબ્દી વંદના તેમાં પ્રદર્શનના પાર્ટ-૧ અને ૨નો સમાવેશ કરેલ છે.

(૨) ‘બંધુત્વના દિવ્ય ઉપવન’માં પ્રદર્શનમાં જે પોસ્ટર લખાણ સાથે હતાં તે ફોટા, લખાણની સ્પીચ સાથે D.V.D તૈયાર કરી હતી.

ઑડિયો વિભાગ તરફથી ત્રણ D.V.D બહાર પડી હતી.

(૧) કિરતારની કીરપા (પૂ.ઈલેશભાઈએ ગાયેલા ભજન)

(૨) સ્વામિનારાયણ ધૂન( પૂ.ઈલેશભાઈના અવાજમાં)

(૩) ગુરૂહરિ પપ્પાજીની પરાવાણી

 

 

ઑડિયો વિભાગના હેડ પૂ.દક્ષાબેન પટેલ, પૂ.નીપાબેન શાહ, પૂ.સંગીતાબેન વિઠ્ઠલાણી ને ધન્યવાદ સાથે સો સો સલામ !

કેલેન્ડર શતાબ્દી પર્વ નિમિત્તેનું ગુણાતીત સમાજલક્ષી કેલેન્ડર આ વખતે વિશેષ રીતનું તૈયાર કર્યું હતું. પૂ.માયાબેન અને પૂ.દયાબેનના નેતૃત્વ હેઠળ પૂ.કુસુમબેન ગોહીલ, પૂ.પ્રફુલ્લાબેન દોશી, પૂ.હર્ષાબેન પટેલ તથા પૂ.ઈલેશભાઈ તથા તેમાં સામેલ એવા સર્વે મુક્તોને ધન્યવાદ સાથે સો સો સલામ !

પ્રસાદ – સાકર, સીંગ, સાકરીયા અને સૂકામેવાને મિક્ષ કરી પ્રસાદની ડબ્બીઓ સિમ્બોલ લગાવી તૈયાર કરાવી હતી. તે કાર્યના મુખ્ય જવાબદાર પૂ.મંજુબેન ઝાટકીયા વિદ્યાનગર મંડળના ભાભીઓ-બહેનોને ખૂબ ખૂબ ધન્યવાદ સાથે સો સો સલામ !

 

 

આ વખતે દિવાળી પછી અન્નકૂટ પ્રસાદ વિતરણ માટે સમૈયાને લીધે જવાનું બંધ હતું. તેથી આ પ્રસાદ અન્નકૂટ વિતરણરૂપે પણ હતો. તેથી ખૂબ મોટી સંખ્યામાં પ્રસાદ તૈયાર કરાવ્યો હતો.

આ સમૈયામાં પધારનાર હરિભક્તોને કુટુંબદીઠ ૧-કેલેન્ડર, પ્રસાદની ડબ્બી અને

૧-D.V.D એક કેરિયરબેગમાં મૂકી સ્મૃતિભેટ રૂપે આપી હતી. ગુણાતીત સમાજના દરેક કેન્દ્ર પર પ્રસાદનો મોટો ડબ્બો, કેલેન્ડર- D.V.D અમુક સંખ્યામાં આપેલ હતું.

 

આ સઘળી કાર્યવાહીનું સંકલન કરનાર પૂ.મનીબેન, પૂ.નીનાબેન પટેલ, પૂ.મંજુબેન ઝાટકીયા, પૂ.રસીલાબેન ઝાટકીયા અને કેન્દ્ર મુજબના જવાબદાર બહેનોને ધન્યવાદ સાથે સો સો સલામ !

 

વેબસાઈટ વિભાગ સમૈયાનું લાઈવ પ્રસારણ અહીંથી કરાવનાર પૂ.શિલ્પેશભાઈ અને લંડનથી મૂકનાર અને તે માટે આપણી આગવી વેબસાઈટ તૈયાર કરનાર યુવક પૂ.પાવનભાઈ ગાંધીની નવી ટેકનોલોજીની આવડત અને ભાવના હતી. તે સફળ થઈ. વેબસાઈટ કમિટી પૂ.પાવનભાઈ, પૂ.શિલ્પેશભાઈ, પૂ.ભાવનાબેન ઉનડકટ, પૂ.ઈલાબેન વિસાણી, પૂ.નયનાબેન વિસાણી, પૂ.પ્રીતિબેન ગાંધી, પૂ.વિભાબેન ગાંધીના ફેમીલીને ખૂબ ખૂબ ધન્યવાદ સાથે સો સો સલામ !

 

 

અખિલ ગુણાતીત સમાજલક્ષી આ સમૈયો હતો. બધાં કેન્દ્રો પરથી સ્વરૂપો-ભક્તો પધારે તેનું સ્વાગત-સરભરા-સુશ્રુષા વગેરે માટે દરેક કેન્દ્રના જવાબદાર તથા મદદનીશ બે-ચાર બહેનોની નિમણૂંક કરી હતી. તે બહેનોએ પણ ખૂબ સરસ રીતે સેવા બજાવી હતી. તેઓને પણ ખૂબ ધન્યવાદ સાથે સો સો સલામ !

 

 

ભાઈઓમાં પૂ.સુરેશભાઈ ગાંધી અને પૂ.નિલેશભાઈએ સાત સમેલીયા બની સ્વાગત સરભરાની સેવા સંભાળી લઈને માહાત્મ્યના-આત્મીયતાનાં દર્શન કરાવવા બદલ ખૂબ ધન્યવાદ સાથે સો સો સલામ !

 

 

એકલી સેવા વાંઝણી છે. ભજન કરવું પણ જરૂરી છે. પ.પૂ.જ્યોતિબેને અગાઉ આજ્ઞા કરી હતી કે “૧૦૦ કલાક ધૂન દરેક મુક્તએ ૩૦ ઑક્ટોબર સુધીમાં કરવી.” આ સંદેશો જ્યોતશાખામાં-મંડળોમાં પહોંચ્યો. આ આજ્ઞા પાળીને ઘણા ભક્તોએ ધૂન કરી હતી. એવા સર્વે ભક્તોને પ્રણામ, ધન્યવાદ સાથે સો સો સલામ !

 

 

સહુથી મોટી વાત સમૈયા પછી સેવક પાસેથી જાણવા મળ્યું કે પ.પૂ.જ્યોતિબેન દરરોજ સમૈયા વખતે (અગાઉથી) વહેલી સવારે ૩.૦૦ થી ૫.૦૦ માં ધૂન કરતા. સમૈયો ખૂબ સરસ થઈ જાય, નિર્વિધ્ને થાય. કોઈનેય કોઈ તકલીફ ના પડે. પધારેલ સર્વે મુક્તો સમૈયામાંથી કાંઈક લઈને ભર્યા ભર્યા થઈને જાય.

 

 

તેવા મહાપૂજાની પ્રાર્થના જેવા ઉદ્દગારો વાઈબ્રેશન સાથે ભજન કરતાં એવા પ.પૂ.જ્યોતિબેનને અનંત વંદન સાથે સો સો સલામ !પ.પૂ.દીદી, પ.પૂ.દેવીબેન, પ.પૂ.જશુબેન, પ.પૂ.પદુબેન અને સર્વે સદ્દગુરૂઓ વડીલ સ્વરૂપો આવી જ પ્રાર્થના હાલતાં-ચાલતાં વહાવતા હોય ! એ સર્વેને પણ કોટિ વંદન સાથે સો સો સલામ !

 

 

ગુણાતીત પ્રકાશના ભાઈઓએ એડવાન્સ સેવા માટે આવેલા ભાઈઓ પાસે નિયમિત સંઘધ્યાન અને સભા કરીને સાથે ભજન કરાવ્યું છે. કર્યું છે.

 

 

 

ગુરૂહરિ પપ્પાજીનું સૂત્ર છે કે “જે કામ ભજન કરે તે કોઈ જ ના કરે.” એ સૂત્રનું સાકાર દર્શન એટલે આ શતાબ્દી મહાપર્વનો સમૈયો ! છેલ્લી ઘડીએ બધું પાર પડી ગયું એનું મૂળ છેલ્લે મળ્યું. એ છે આ ભજન !

પ્રભુકૃપામાં ઓહો ! શું દર્શન હતાં. પૂ.જીતુકાકા અને તેમની ટીમ પ્રભુકૃપા મંડળના મુક્તોએ દિવસ-રાત જાગીને અગાઉ પ્લાન તૈયારી કરીને ખૂબ સુંદર સુશોભન કર્યું હતું. શતાબ્દી વર્ષ દરમ્યાન વાર-તહેવારે જે જે ડેકોરેશન પ્રભુકૃપામાં થયાં હતાં. તે બધા ડેકોરેશનને આવરી લઈને આખું પ્રભુકૃપા ખૂબ સુંદર રીતે સુશોભિત કર્યું હતું.

પૂ.જીતુકાકા અને તેમની ટીમના મુક્તોને અનંત ધન્યવાદ સાથે સો સો સલામ !

 

 

 

વળી, પૂ.માયાબેન અને પૂ.હરૂભાઈ માવાણીએ પાયલ ડેકોરેશનવાળાની મદદથી પ્રભુકૃપા ઉપર લાઈટની સિરીઝ લગાવીને આખું પ્રભુકૃપા અને જ્યોતનું પ્રાંગણ ઝગમગાવી દીધું હતું. પ્રભુકૃપાના પ્રાંગણમાં ખૂબ સુંદર રંગોળી પણ કરી હતી.

પ્રભુકૃપાની ઉપર સ્મૃતિ મંદિરમાં પણ વિશેષ દર્શન આવરી લીધા હતાં. અને દર્શન માટે ખુલ્લું મૂક્યું હતું. ગુરૂહરિ પપ્પાજીની જીવનગાથા પ્રસાદીની ચીજ વસ્તુનું જતન કરનાર પૂ.હરણાબેન દવે અને ટુકડીના બહેનોને ધન્યવાદ સાથે સો સો સલામ !

 

 

સમૈયા પહેલાં એડવાન્સ સેવા માટે બધી શાખા મંડળોમાંથી હરિભક્તોને લઈને ‘ગુણાતીત પ્રકાશ’ ભાઈઓ આવી ગયા હતાં. અને સઘળી જવાબદારી સંભાળી લીધી હતી. જ્યોત કમિટિમાંથી આવેલ સૂચનને ધ્યાનમાં લઈને આવેલા સ્વયં સેવકોમાં માહિતી દ્વારા સિંચન કરીને એક માહાત્મ્યનો માહોલ પૂ.વિરેનભાઈ અને મોટેરા ભાઈઓએ ખડો કરી દીધો હતો.

 

 

બ્રહ્મવિહારે દરેક તહેવારે પૂ.દિવ્યાબેન ઉત્સવપ્રેમી પપ્પાજીના ચરણે વિધવિધ ભક્તિ ધરીને સહુને દર્શનની ધન્યતા અર્પે છે. તો આજે આ ગુરૂહરિ પપ્પાજીની શતાબ્દીએ શું ના હોય ? ખૂબ સુંદર ડેકોરેશન અને પપ્પાજીની ટૂંકમાં જીવનગાથા ફોટા અને લખાણ સહિત ફ્રેમ બનાવીને મૂકી છે. આપ સહુએ તે દર્શન સુખ માણ્યું જ હશે. પૂ.દિવ્યાબેનને અને તેમને સાથ આપનાર સર્વે મુક્તોને કોટિ ધન્યવાદ સાથે સો સો સલામ !

 

 

 

પપ્પાજી તીર્થ પર ‘શાશ્વત ધામ’ ના ભવ્ય સુશોભનની તો વાત શું કરવી. ત્રણેય દિવસ સાચા ફૂલોથી આખું ‘શાશ્વત ધામ’ ખૂબ સુંદર રીતે સુશોભિત કર્યું હતું. પ્રાંગણમાં ખૂબ સુંદર રંગોળી પણ કરી હતી. વળી આ પર્વનું સુંડર બેનર બનાવડાવી શોભામાં અભિવૃધ્ધિ કરનાર પૂ.ડૉ.પંકજેબેનને તથા વાર તહેવારે પણ વિધ વિધ ડેકોરેશન કરી શાશ્વત ધામને ભર્યું ભર્યું રાખનાર પૂ.ડૉ.વિણાબેન અને  પૂ.યોગેશભાઈ ઠક્કરને ધન્યવાદ સાથે સો સો સલામ !

 

 

 

શાશ્વત ધામની સામે જ સભાખંડ ! સભાખંડનું ભવ્ય સ્ટેજ ! એ સ્ટેજ પર નિત નવું ડેકોરેશન પૂ.ચેતુબેન પટેલના માર્ગદર્શન હેઠળ બહેનોએ અગાઉથી જાતે તૈયાર કરેલ હતું. ત્રણેય દિવસનું જુદું જુદું ડેકોરેશન જે થયું તે દર્શન તો આપણે માણ્યા છે. તથા પત્રિકા, ફોટા અને વિડીયો દ્વારા સનાતન માણતા રહીશું. સુશોભનના બહેનોને અને ડેકોરેશન કરનારા અમદાવાદ મંડળના ભાઈઓને ખૂબ ધન્યવાદ સાથે સો સો સલામ !

 

 

છેલ્લા દિવસોમાં ઘણું ઘણું કાર્ય તો થયું જ છે પરંતુ છેલ્લા દિવસોમાં ભવ્ય મનોરથના પ્રલય પણ થયા છે. તે સ્મૃતિ પણ છેલ્લે માણી લઈએ.

 

 

ગુરૂહરિ પપ્પાજી શતાબ્દીએ પૂ.બકુબેનને યજ્ઞનો અને ‘હાથી પર ગુરૂહરિ પપ્પાજી ગુરૂહરિ કાકાજીને બિરાજમાન કરીને શોભાયાત્રા’ કરવાનો સંકલ્પ પાંચ વર્ષથી હતો. બે હાથીની અંબાડીએ પ.પૂ.પપ્પાજી, પ.પૂ.કાકાજી બિરાજમાન હોય એવું સ્વાગત શોભાયાત્રામાં રાખેલું. અંબાડીઓના શણગાર તૈયાર કર્યા. હાથીની તપાસ કરીને ગોઠવાઈ ગયું. પરંતુ,

ગુરૂહરિ પપ્પાજી હંમેશાં નિશ્ચિંતતા એ પહેલો ધર્મ માનતા. તે સેવન પામેલા સ્વરૂપો-મુક્તોને એક ભય હાથીનો હતો. એવું આ જમાનામાં બનતું રહેતું હોય છે. તેથી આ હાથી અંતરમાં ફીટ નહોતા થયા. (એકદમ ‘હા’ નહોતી પડતી)

 

 

 

મોટો મહેલ ચણેલો તે એક કાંકરીથી ગુરૂહરિ પપ્પાજીએ તો પાડી નાંખ્યો ? બોલો કેવું થયું હશે ? પરંતુ

શોભાયાત્રા ખૂબ સરસ થઈ. એમાં ગુરૂહરિ પપ્પાજી-ગુરૂહરિ કાકાજી ખરેખર દિવ્ય સ્વરૂપે હાથી કરતાંય વિશેષ પ્રસન્ન થકા પધારી ગયા હોય તેવી અનુભૂતિ સહુ કોઈનેય થઈ હતી. બંધુબેલડીને કોટી પ્રણામ સાથે સો સો સલામ ! તથા આવી પરિક્ષામાં પાસ થયેલ પૂ.બકુબેન અને સાથી મુક્તોને પણ સો સો સલામ !

 

 

 

દરેક સભા સમૈયામાં ખૂબ ખૂબ ભીડો વેઠી સમય સર પધારી સહુ હરિભક્તોને દર્શન, આશિષનું સુખ આપ્યું એવા ગુણાતીત સમાજના સર્વે મોટેરાં સ્વરૂપોને પાયલાગણ સહ કોટી કોટી ધન્યવાદ સાથે સો સો સલામ !

 

 

 

સમગ્ર સમૈયા સમિતિ અને ત્રણેય દિવસ પપ્પાજી તીર્થ પર સમૈયાનું સંકલન કરી ગુરૂહરિ પપ્પાજીના કાર્યને શોભાડનાર પૂ.દયાબેન, પૂ.હંસાબેન ગુણાતીત અને પૂ.મનીબેન અને મોટેરા ભાઈઓને પણ અનંત ધન્યવાદ સાથે સો સો સલામ !

જે જ્યાં જે ક્ષેત્રમાં હોય ત્યાં તેને જે નજરમાં આવ્યું હોય, પ્રકાશમાં આવ્યું હોય તેટલું જ આ તો લખાયું હોય, કહેવાયું હોય, કેટલુંય ચૂકાયું હોય. નામ ભૂલાયાં હોય તેવી ભૂલચૂક બદલ ક્ષમાયાચના. તથા કેટલીયે બાબત છૂપી અર્દશ્ય છે. તેવા છૂપા મુક્તોની સેવાને તો અતિ ધન્યવાદ છે. અને લાખો સલામ પણ છે.

 

 

 

એકલે હાથે કાંઈ જ થતું નથી. એક ઈંટથી ઈમારત બનતી નથી. આપણે સહુ મુક્તો ઈંટો સમાન છીએ. એક એક ઈંટની વેલ્યુ છે. પછી તે પાયામાં હોય કે બહાર ! છતાંય ઈંટ એ તો નિમિત્ત નિર્જીવ છે. ઈમારત બનાવનારને યશ જાય છે. તેમ આપણી હાં હાં ગડથલ સ્વીકારી તેમાં ભળી બધું કરાવી જનાર હે સ્વામિનારાયણ ભગવાન ! હે ગુરૂહરિ પપ્પાજી મહારાજ ! હે સર્વે ગુણાતીત સ્વરૂપો આપને કોટાનકોટી પાયલાગણ-વંદન સહ જય સ્વામિનારાયણ. આપના કાર્યને અનંત અનંત સલામ !

 

 

 

હે સર્વે ગુણાતીત સમાજના આપ સહુ મુક્તો ! અમારા આમંત્રણને સ્વીકારી આ સમૈયામાં પધાર્યા. ખૂબ સેવા, દર્શન, આશિષનુ સુખ લીધું, એ માણતા રહેજો. વાગોળતા રહેજો. મન થાય ત્યારે મળવા આવતા રહેજો. આપ સર્વને અભિનંદન સાથે સો સો સલામ !

અરે ! વચ્ચે એક વાત કરવાની રહી ગઈ.

 

 

 

પ.પૂ.ગુરૂજી તા.૧૨મી એ રાત્રે વિદ્યાનગર પધારવાના હતા. ૧૧મીએ સાંજે દિલ્હીથી  અમદાવાદ આવી અમદાવાદ રોકાવાનો કાર્યક્ર્મ હતો. તેનો કાર્યક્ર્મ યથાવત રાખી એરપોર્ટ પર સ્વાગત કરવા કૉફીનો પ્રસાદ લઈને પૂ.સુરેશભાઈ ગાંધી, પૂ.નિલેશભાઈ અને ભાઈઓ ગયેલા. પ્રદર્શનનું આમંત્રણ પણ આપી આવ્યા. તા.૧૨મી એ સાંજે પ્રદર્શન દર્શન માટે પણ પધાર્યા. રાજીપો દર્શાવી ભાઈઓને પણ રાજી કર્યા.

 

 

ગુણાતીત સમાજમાંથી દિલ્હી, પવઈ, ઔરંગાબાદ વગેરે જગ્યાએથી પધારેલ ભક્તોને જતી વખતે ભાથું બાંધી આપવાની વ્યવસ્થા અગાઉથી વિચારી હતી. તેઓ માટેના લંચ બોક્ષ તૈયાર કરીને આપેલા. જો કે વ્યક્તિગત નાસ્તો ભરાયો નહોતો. પણ વાહન વાઈઝ સંખ્યા પ્રમાણે નાસ્તો તૈયાર કરીને આપ્યો હતો. નાસ્તા વિભાગના બહેનોએ ખૂબ જ મહેનત કરીને બધી તૈયારી કરી હતી.

દિલ્હીનો સમાજ તા.૧૩મી એ સાંજે અત્રેથી અમદાવાદ જવા નીકળ્યા. અમુક ભક્તોએ પ્રભુકૃપાના અને નડીયાદ તીર્થધામના દર્શન નહોતા કર્યા. તેઓ ૧૩મીએ સાંજે પ્રભુકૃપામાં દર્શનાર્થે આવ્યા. ત્યાં તેમના માટે ઠંડુ અને ચા- કૉફીની વ્યવસ્થા રાખી હતી. ત્યાંથી સીધા તેઓ નડિયાદ ગયા. પવઈ સંબંધિત હરિભક્તો પણ નડિયાદ દર્શન કરવા માટે ગયા હતાં. તે બધા હરિભક્તો માટે ત્યાં આઈસ્ક્રીમની વ્યવસ્થા રાખી હતી.

 

 

 

૧૪મીએ અમદાવાદથી દિલ્હી પ્લેનમાં પ.પૂ.ગુરૂજી, ભાઈઓ, પ.પૂ.આનંદીદીદી અને  બહેનો જવાનાં હતાં. તથા બીજા હરિભક્તો અને સંત બહેનો તા.૧૪મીએ જ સાંજે ટ્રેનમાં અમદાવાદથી જવાના હતાં.

દિલ્હી પ્લેનમાં-ટ્રેનમાં જનાર મુક્તો માટે અમદાવાદ જ્યોતમાંથી ભાથુંની વ્યવસ્થા કરાવી હતી. ખૂબ જ સરસ માહાત્મ્યથી પૂ.ઈન્દુબેને બધાને માટે થેપલા, વઘારેલી ખીચડી, દહીં વગેરે તૈયાર કરીને લંચ બોક્ષ ભરી આપ્યા હતાં.

 

 

પ.પૂ.ગુરૂજી માટે ઢોકળા વગેરે વિશેષ બનાવ્યું હતું. સાથે લસ્સીની બૉટલ, મરચાં વગેરે વગેરે વ્યક્તિગત ડીસ તૈયાર કરી રેલ્વે સ્ટેશને અને એરપોર્ટ પર આપવા માટે ગુણાતીત પ્રકાશના ભાઈઓ ગયા હતા. એ માહાત્મ્યભરી સેવાના વર્તનથી પ.પૂ.ગુરૂજી ખૂબ રાજી થયા. એટલે કે ગુરૂહરિ કાકાજી-ગુરૂહરિ પપ્પાજી ખૂબ રાજી થયા. માહાત્મ્ય સમ્રાટ અમદાવાદના મહંત શ્રીને અને અમદાવાદ જ્યોતના મુક્તોને ધન્યવાદ સાથે સો સો સલામ !

 

આ તો થઈ સમૈયાની સ્મૃતિની વાતો. એ સિવાય પણ અન્ય તારીખો દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ ઉત્સવોની સ્મૃતિ માણીએ.

 

 

(૧) તા.૧/૧૧/૧૬ કીર્તન આરાધના

 

 

રાત્રે ૮.૦૦ થી ૧૦.૦૦ પપ્પાજી હૉલમાં કીર્તન આરાધનામાં દર વખત કરતાંય વધારે સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો. એડવાન્સ સેવામાં આવેલા ભક્તો પણ સવાર-સાંજ સભા ભજનમાં ભાગ લેતા. આમ, સેવા અને ભજનના સમન્વયથી ૧લી નવેમ્બરથી સમૈયાનો પ્રારંભ થયો હતો.

 

 

(૨) તા.૧૯/૧૧/૧૬ સંકલ્પ સ્મૃતિ દિન

 

 

ગુરૂહરિ પપ્પાજીએ ઈ.સ.૧૯૬૩માં ગણેશપુરી શિબિર કરી સંકલ્પ કરી ભગવાન ભજવા અને ભજાવવાના વ્રતનો સંકલ્પ કરાવ્યો હતો. તે આ પાયાનો પ્રસાદીનો દિવસ છે. દર ૧૯મી નવે. જ્યોતમાં સંકલ્પ સ્મૃતિદિન નિમિત્તેની સભા હોય જ ! આજે પણ સવારે ૧૦.૦૦ થી ૧૨.૦૦ પપ્પાજી હૉલમાં સંયુક્ત સભા થઈ હતી. જેમાં ૫૩ વર્ષ પૂર્વેની સ્મૃતિ પ.પૂ.જશુબેન, પૂ.મધુબેન સી. અને પૂ.હંસાબેન ગુણાતીતે કરાવી હતી. ૧૯ નવે. એટલે પૂ.જયંતીભાઈ દોશીનો દ્રષ્ટાદિન. દર ૧૯મી નવે. તેની ઉજવણી પણ છેલ્લા ઘણાં વર્ષોથી થતી હતી. આજે પૂ.જયંતીભાઈની નાદુરસ્ત તબિયત અનુસાર સભામાં પધારી નથી શક્યા. તેથી પ્રભુકૃપામાં તેઓને જય સ્વામિનારાયણ કરવા અને આશીર્વાદ લેવા બધા મુક્તો વારાફરતી જઈ પૂ.જયંતિભાઈના જીવન સમર્પણને સ્મરી ધન્યતા અનુભવી હતી.

 

(૩) તા.૨૧/૧૧/૧૬

 

ત્રણ દિવસ સમૈયામાં સ્ટેજ પર મોમેન્ટો (સ્મૃતિભેટ) અર્પણ ફક્ત ગુણાતીત સ્વરૂપોને (ગુણાતીત સમાજના કેન્દ્રોને) જ થઈ શક્યા હતા. જ્યોતશાખા અને ચૈતન્ય માધ્ય્મ જેવા જવાબદાર મુક્તોને મોમેન્ટો અર્પણ બાકી હતાં. તે બે વિભાગમાં થયા હતાં.

 

 

તા.૨૧મીના રોજ લંડન જ્યોતના બહેનો અને સદ્દગુરૂ A તથા પરદેશના ભક્તોનો નાનો કાર્યક્ર્મ જ્યોત મંદિરમાં સાંજે ૪.૩૦ થી ૬.૦૦ માં રાખ્યો હતો. અને પ.પૂ.દીદીએ લંડન જ્યોતનો મોમેન્ટો પૂ.નયનાબેન વિસાણી અને પૂ.શીલાબેન પોપટ અને લંડન જ્યોતનાં બહેનોને અર્પણ કર્યો હતો. આ કાર્યક્ર્મ નિમિત્તેની એક સરસ શતાબ્દી સભા આ બહેનો સાથે થઈ હતી. જેમાં પ.પૂ.દીદીએ પ.પૂ.પપ્પાજીના પ્રાગટ્યથી માંડીને જીવનદર્શન ઉપર સરસ લાભ આપ્યો હતો તથા પ.પૂ.દેવીબેન, પ.પૂ.જ્યોતિબેને પણ ખૂબ સરસ આશીર્વાદ અર્પી આનંદ સાથે તે બહેનોને નવાજ્યાં હતાં. વિદાય કર્યાં હતાં. આજે રાત્રે તે બહેનો લંડન જવા વિદાય થવાના હોવાથી કાર્યક્રમ આજે રાખી લીધો હતો. તથા બીજો કાર્યક્ર્મ તા.૨૭/૧૨ રવિવારે સવારે ૧૦ થી ૧૨.૩૦ જ્યોત પપ્પાજી હૉલમાં બહેનો-ભાઈઓની એક સભા શતાબ્દી સંદર્ભે રાખી હતી. પૂ.દિલીપભાઈ ભોજાણીનો લાભ લેવા તથા જ્યોતશાખામાં તથા જ્યોત સંબંધિત મંડળોના નેતાઓને મોમેન્ટો (સ્મૃતિભેટ) અર્પણ કરવાનો બાકી હતો. તેના માટે પ.પૂ.દીદીની પ્રેરણાથી આ સભાનું આયોજન થયું હતું. સ્થાનિક મુક્તો અમદાવાદથી વડોદરા સુધીના કાર્યકર્તાઓ અને ભક્તો આજે આ સભામાં પધાર્યા હતા. તેઓને નક્કી કર્યા પ્રમાણે મોમેન્ટો ગ્રહણ કરવા અને અર્પણ કરવાનો કાર્યક્ર્મ થયો હતો.

 

 

 

આજે તો સહુ સમૈયાની સ્મૃતિમાં અને ગુરૂહરિ પપ્પાજી કૃપા કરીને દરેક ક્ષેત્રે કેવી સફળતા અપાવી. એ ગદ્દગદ્દિત ભાવોમાં જ હતાં. એ ભાવમાં રહી ગદ્દગદ્દિત હૈયે ડીકલેરેશન થઈ રહ્યું હતુ. એ અર્પણ વિધિ પહેલાં પૂ.દિલીપભાઈ ભોજાણીનો લાભ લેવાનું ડીકલેર થયું. આપણે જાણીએ છીએ તેમ પૂ.દિલીપભાઈ ભોજાણી એટલે હળવું હાસ્ય અને ગુરૂહરિ પપ્પાજીની સ્મૃતિ માહાત્મ્ય અને જ્ઞાનથી ભરેલી વાણી દ્વારા આખા વાતાવરણને હળવું બનાવી દીધું હતું. અને ગમ્મત સાથે વાર્તા કહીને  જ્ઞાન અર્પી ગુરૂહરિ પપ્પાજીની શતાબ્દીનો સાચો આનંદ અર્પ્યો હતો.

 

પૂ.માયાબેને ગાના ગામના મંગાભાઈની ઓળખાણ સ્મૃતિભેટ અર્પતા પહેલાં આપવાની સાથે એમણે તો આખા સમૈયાનો અહેવાલ માહાત્મ્યગાન સાથે રજૂ કર્યો હતો. કેવી રીતે કોના સહવાસથી શું શું તૈયાર થયું. તે બધાને બધી ખબર જ ના હોય. મોટાભાગની પપ્પાજી તીર્થની તૈયારીના સંદર્ભની સેવાની સ્મૃતિ અનુભવો સાથે મહિમાગાન કર્યું હતું. ખૂબ ધન્યવાદ !

 

 

(૪) સમૈયા બાદ તા.૧૫ થી ૨૦ નવે. પરદેશના મુક્તો માટે કચ્છની યાત્રાનું પૂર્વ આયોજન થયેલું હતું. (પૂ.અરૂણાબેન પટેલ અને પર્યટન કમિટિ દ્વારા) તે મુજબ પૂ.શોભનાબેન, પૂ.રમીબેન તેલી, પૂ.નીમુબેન સાકરિયા અને પૂ.કિશોરકાકાના સાંનિધ્યે આ યાત્રા થઈ હતી.

 

 

તા.૧૫/૧૨ ના મંગલ પ્રભાતે જ્યોત પ્રભુકૃપાના પ્રાંગણમાંથી ૭.૦૦ વાગ્યે પ્રારંભ થયો. યાત્રિકોની પ્રાર્થનાને સ્વીકારી પ.પૂ.જ્યોતિબેન આટલી ઉંમરે અને આવડા મોટા સમૈયાના થાક પછી પણ દેહ કે દેહભાવ ગણ્યા વગર સરપ્રાઈઝ આપવા સવારે ૧૧.૦૦ વાગ્યે પાછળ નીકળી ગયા. અને બધા ભક્તોને આનંદ આનંદ અને જ્ઞાન-ગોષ્ટિ સ્મૃતિથી બ્રહ્માનંદ કરાવીને ભર્યા ભર્યા કરી દીધા હતા.

 

 

આમ, આખો મહીનો શતાબ્દી સમૈયાથી ભર્યો ભર્યો પસાર થયો હતો. જેમાંનુ  બહુ બધું લખ્યું હોવા છતાંય આચમનરૂપે જ આ આપી શકાયું છે.

 

 

અત્રે સર્વે સ્વરૂપોની તબિયત સરસ છે. અત્રેના સર્વે સ્વરૂપો મુક્તો વતી આપ સર્વને અંતરના ભાવભર્યા જય સ્વામિનારાયણ !

એ જ જ્યોત સેવક P.71ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ !