સ્વામિશ્રીજી
જય ગુરૂહરિ પપ્પાજી
પરાભક્તિ પર્વની જય જય જય
ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વ્હાલા અક્ષરમુક્તો !
પરાભક્તિ પર્વ દિનના ભાવભર્યા જય સ્વામિનારાયણ !
“એ એક દિવસની વાટ જોતા’તા, આજ એ શુભ દિન આયો આનંદમાં……
ગુરૂહરિ પપ્પાજીનો ૯૫મો પ્રાગટ્યદિન આપણે પરાભક્તિ પર્વ તરીકે પપ્પાજી તીર્થની દિવ્ય ભૂમિ પર ઉજવી રહ્યા છીએ. દેવદિવાળીથી પરાભક્તિ પર્વ પ્રારંભના શ્રી ગણેશ થયા હતા.
(૧) તા.૧૦/૧૧/૧૧ ઉત્સવ પ્રારંભ
પરાભક્તિ પર્વનો પ્રારંભ તા.૧૦/૧૧/૧૧ ના સાંજથી થઈ ગયો હતો. જો કે અઠવાડિયાથી સેવા માટે એડવાન્સ સ્વયં સેવક મુક્તો પધાર્યા હતા. તેમજ પરદેશના હરિભક્તો પણ અઠવાડિયાથી આવવા લાગ્યા હતા. છતાંય બસ સમૈયાની મેદનીનાં દર્શનનો ૧૦મીની સાંજથી થયાં હતાં. પપ્પાજી હંમેશાં બિફોર સમયે હાજર રહેતા. તેમ એમનો ૯૫મો પ્રાગટ્ય પર્વ પણ વ્હેલો આવી ગયો. તા.૧૦મી થી ઉત્સવનું રસોડું પપ્પાજી તીર્થ પર શરૂ કરી દીધું હતું. આખું કેમ્પસ જંગલમાંથી મંગલ થયું હોય તેમ ૧૦મીએ તૈયાર થઈ ગયું હતું. આખું કેમ્પસ રંગબેરંગી લાઈટીંગથી શોભતું હતું. તા.૧૦મી એ સાંજે ૫.૦૦ વાગ્યે ઉત્સવના મુખ્ય દ્વારનું ઉદ્દઘાટન પ.પૂ.જ્યોતિબેનના વરદ્દ હસ્તે થયું હતું. બધાએ આખા કેમ્પસનાં દર્શન કર્યાં હતાં. ત્યારબાદ બાળ ક્રીડાંગણ હીંચકા, લપસણી વગેરે બાળકોને લક્ષમાં રાખીને બાળ અક્ષરમુક્તો માટે રીનોવેશન કરીને સરસ તૈયાર કર્યું હતું. તેનું ઉદ્દઘાટન પ.પૂ.દેવીબેન અને સદ્દગુરૂ A મળીને કર્યું હતું. તેમજ મયુર મંદિરનું ઉદ્દઘાટન થયું હતું. આમ, જોતજોતામાં પરાભક્તિ પર્વ આવી પણ ગયો. પ્રભુકૃપા અને જ્યોતમાં પર્વનો પ્રારંભ વ્હેલો વ્હેલો થયો હતો. આખા પ્રભુકૃપાને રંગબેરંગી લાઈટના તોરણથી, ભાવથી લગાડેલ લાઈટીંગની શોભાથી દિવ્યતામાં અભિવૃધ્ધિ થઈ હતી. વળી, ‘જૂનું તે સોનું’ એ ન્યાયે ઈ.સ.૧૯૬૬ થી ૯૦ સુધીનું સ્મૃતિ પ્રદર્શન પપ્પાજીની જૂની સ્મૃતિ તાજી કરાવીને જૂના જોગીઓને જીવંત રાખ્યા હતા.
(૧) તા.૧૧/૧૧/૧૧ પરાભક્તિ મહાપૂજા
પરાભક્તિ પર્વનો પ્રારંભ મહાપૂજાથી થયો ! મહાપૂજાનો પ્રારંભ મંત્રપોથીની શોભાયાત્રાથી થયો. શોભાયાત્રાનો પ્રારંભ ભાઈઓની પ્રભાતફેરીથી થયો. પ્રભાત ફેરીનો પ્રારંભ પ્રભુકૃપામાંથી થયો. રા કાર્યનો પ્રારંભ હંમેશાં મહાપૂજાવિધિથી થાય ! એ ન્યાયે આજની આ મંત્રપોથીની મહાપૂજાથી પપ્પાજીના પર્વનો પ્રારંભ એક ઐતિહાસિક દિવસથી થયો હતો. ૨૯૫ દંપતિ (યજમાન) મહાપૂજામાં બેઠા હતા. જેમનો સ્પેશીયલ યુનિફોર્મ હતો. જે ગુરૂહરિ પપ્પાજીની સ્મૃતિ સહ શ્વેત પવિત્ર વસ્ત્રોનો રાખ્યો હતો. મહાપૂજા પહેલાં મંત્રપોથીની શોભાયાત્રા ખૂબ દિવ્ય દિવ્ય રીતે યોજાઈ હતી. ક્યારેય ના થઇ હોય તેવી આ શોભાયાત્રાનાં દર્શન થયાં હતાં.
યજમાન ભાઈઓ સવારે ૬.૦૦ વાગ્યે પ્રભુકૃપામાં ગુરૂહરિ સમક્ષ ગુણાતીત પ્રકાશ ભાઈઓના હસ્તે ખેસ ધારણ કર્યો હતો. પ્રથમ એક પ્રદક્ષિણા પ્રભુકૃપા + જ્યોતની ધૂન્યની સાથે સાથે કરીને પ્રભાતફેરીનો પ્રારંભ થયો હતો. પ્રભુકૃપાથી મોટી સંખ્યામાં ભાઈઓ ચાલતા ધૂન્ય સાથે શણગારેલી રિક્ષામાં ધૂન્ય વાગતી હતી. એટલે ભજન – ધૂન્ય સાથે પગપાળા આ ભાઈઓ પપ્પાજી તીર્થ સુધી ગયા હતા. મફતપૂરા પહેલા એક નક્કી રાખેલી જગ્યા કે જેનું નામ હાલ પૂરતું ‘પપ્પાજી પોઈન્ટ’ રાખ્યું હતું. આ સ્થળેથી બાલિકા, કિશોરીઓ કળશ સાથે , યુવકો કેડિયા પહેરીને અને માથે મંત્રપોથી લઈને યુવતીઓ તથા મહિલાઓ હરખાતા મુખે નાચતાં કૂદતાં પપ્પાજી તીર્થ સુધી આવ્યા હતાં. સરપ્રાઈઝમાં લંડનના ભાઈઓએ મસ્તકે પાઘ ધારણ કરીને આનંદમાં અભિવૃધ્ધિ કરી હતી. પાંચ પાંચની લાઈનમાં નંબર પ્રમાણે ખૂબ ડીસીપ્લીનથી બધા યાત્રામાં જોડાયાં હતાં.
સાક્ષાત પપ્પાજી ! શણગારેલા મંત્રરથમાં બિરાજીને યાત્રામાં રથ જોડાયો હતો, કે જેમને ઘોડા ચલાવે તેવું નહીં, આવા અક્ષરમુક્તોએ રથ ખેંચવાની અમૂલ્ય સેવા ગ્રહીને પોતાના જીવનની પળને સનાતન બનાવી હતી. એક એક પગલે અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય ! એવું માહાત્મ્ય શ્રી હરિએ તથા ગુરૂહરિએ ગાયેલ છે. એ મુજબ આજની મંગલ પ્રભાત તો જાણે પૂર્ણ કમાણીનો દિવસ લઈને આવી હોય તેવું ર્દશ્યમાનની અનુભૂતિ થતી હતી. યાત્રામાં વચ્ચે વચ્ચે આપણા પપ્પાજી સ્વરૂપ મોટેરાં સ્વરૂપોની ત્રણ ગાડી પણ જોડાઈ હતી. પપ્પાજી તીર્થમાં પ્રવેશી આનંદ કર્યો હતો. આમ, ખૂબ ભવ્ય રીતે યાત્રા સંપન્ન થઈ હતી.
અલ્પાહારની નાની રિશેષ બાદ મહાપૂજા સવારે ૯.૩૦ વાગ્યે શરૂ થઈ હતી. મહાપૂજામાં પૂજાપાની સામગ્રી ઉપરાંત મંત્રપોથીની પૂજા પણ કરાવવાની રાખી હતી. પૂ.યશવંતભાઈ દવે એ સાથી મિત્રો પૂ.ઈલેશભાઈ , પૂ.હેમંતભાઈની મદદથી ભવ્યાતીભવ્ય રીતે મહાપૂજા વિધિ કરાવી હતી. આખો સભાખંડમાં જાણે સ્વર્ગમાંથી દેવો અને પરીઓ ઉતરી આવ્યાં ન હોય ! એવું દર્શન થતું હતું. શ્વેત વસ્ત્રો પપ્પાજીની પસંદગીના છે. જેવું સ્વચ્છ નિર્મળ જેમનું જીવન છે. ડાઘ વિનાની ચાદર સમાન પપ્પાજીનો શ્વેત લેબાસ છે. એ સ્મૃતિ સહ સફેદ યુનિફોર્મમાં ૨૯૫ દંપતિ કુલ ૫૯૦ મુક્તો ઉપરાંત ૯૫ સીંગલ મહિલાઓ કે જેમને મંત્રપોથી લેવાનો લાભ આપ્યો હતો તે મળી કુલ ૬૮૫ મુક્તો શ્વેત વસ્ત્રોમાં સભાખંડની મધ્યે બિરાજી મહાપૂજાનો લાભ લીધો હતો. આસપાસ સર્વે મુક્તોએ બિરાજી મહાપૂજા કરી હતી. જાણે તિલક મધ્યે ચાંદલા સમાન આ સભાખંડ હતો. એક એક મુક્તોના હૈયાં સભર હતાં. ઓહોહોના ઉદ્દગારો વણપૂછ્યે સાંભળવા મળતા હતા. મહાપૂજા બાદ આશીર્વાદ લઈને બપોરે ૧૨.૩૦ વાગ્યે સભા પૂરી કરીને સ્મૃતિરૂપે ફોટો પડાવવાની કાર્યવાહી થઈ. પછી યજમાનોએ મહાપ્રસાદ લીધો હતો.
(૨) તા.૧૧/૧૧/૧૧ સાંજે પ્રભુદર્શન (મલ્ટીમિડીયા શો)
લંડનના મુક્તોએ(ગુણાતીત મિશન) વિડિયો D.V.D દ્વારા ગુરૂહરિ પપ્પાજીની લંડનની સ્મૃતિ કરાવી હતી. ગુરૂહરિ પપ્પાજી લંડનની ધરતી પર ૧૯૮૪ થી ૨૦૦૨ દરમ્યાન લગભગ ૧૬ વખત પધાર્યા છે ! રોકાયા છે ! લગભગ દર વર્ષે ચાર માસ લંડન રોકાતા. તે દરમ્યાન લંડનની ધરતી પર અનેક વિધ કાર્ય કર્યું છે. સભાઓ કરી, સંઘધ્યાન કર્યાં, શિબિરો કરી, આનંદ બ્રહ્મ કરાવ્યો. આમ, રમાડી-જમાડી ખૂબ મૂર્તિ આપી. સુખ આપ્યું, આગળ લીધા.
ઓહો ! લંડનની ધરતી પર શ્રી ગુણાતીત જ્યોતની શાખા ખોલી. કે જ્યાં હાલ અત્યારે પણ ૩૦ બહેનો રહે છે. પૂ.હરિશભાઈ, પૂ.કલાબેન જેવા આદર્શ ગૃહસ્થો પકવ્યા ! તેમજ ગૃહસ્થ સમાજના જતન અર્થે પૂ.અરૂણાબેન, પૂ.દિલીપભાઈ જેવા ગૃહસ્થ સાધુ તૈયાર કર્યાં. પપ્પાજીની ૯૫ મહિનાની સ્મૃતિનું ૨ કલાકમાં ગુણાતીત મિશનના મુક્તોએ દર્શન કરાવ્યું હતું. આમ, બધા મુક્તોએ આનંદ સાથે પપ્પાજીની સાથે જાણે લંડનની યાત્રા કરાવી ધન્ય કર્યા હતાં.
(૨) તા.૧૨/૧૧/૧૧ પ.પૂ.પપ્પાજીના માહાત્મ્યગાનની સભા
આ દિવસે બે મુખ્ય આયોજન હતું. સવારે સભા અને સાંજે સાંસ્કૃતિક કાર્યક્ર્મ થયો.
૧.સવારે ૯.૦૦ થી ૧૨.૩૦ દરમ્યાન સભા બહેનો અને ભાઈઓની રાખી હતી. આ સભા સ્પેશ્યલી બહેનો સ્વરૂપોનો આશીષ લાભ પણ સમાજને મળી શકે તેથી બહેનો-ભાઈઓની હતી. આવતીકાલે સંતો સ્ટેજ પર હોય. સભાના પ્રારંભે મોટેરાં સ્વરૂપોનું સ્વાગત હાં હાં ગડથલ રૂપે કર્યું હતું. હાથી-સસલાની મૈત્રીની વાતો આપણે સાંભળતા આવ્યા છીએ. આજે એવા સસલાના ભાવે પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.દેવીબેન, પ.પૂ.જસુબેન, પ.પૂ.પદુબેન, પ.પૂ.પ્રેમબેન, પ.પૂ.આનંદીદીદી અને પૂ.માધુરીબેન (પવઈ) આમ, ૮ મોટેરાં બહેનોનું સ્વાગત છત્ર ધરીને મહિમાના ભાવે કર્યું હતું. આજની સભામાં મોટેરાં બહેનોએ ખૂબ સરસ લાભ આપ્યો હતો.
ગુરૂહરિ પપ્પાજી વિશે વિધવિધ રીતે માહાત્મ્યગાનની ગંગા વહી, જેમાં સ્નાન કરી સહુ રાજી રાજી થયા ! સૂર્યનારાયણ પણ વાદળોનાં આવરણ વગર પધારી ગયા હતા ! ધોમ તાપ પણ અંતરમાં શીતળતા અને મહિમાનો વાયરો વહેતો હોવાથી તાપનું જાણપણું પણ ના રહ્યું. દેહાતીત રહીને ખરા મુક્તભાવે સહુએ લાભ લીધો હતો. સભા દરમ્યાન પ.પૂ.બેન પણ પધાર્યાં હતાં. અને દર્શન-આશીર્વાદ અર્પીને સહુને ધન્ય કર્યા હતા. સભામાં મોટેરાં બહેનોએ શાંતિથી લાભ આપ્યો. વચ્ચે વિદ્યાનગરની યુવતી મંડળે નૃત્ય રજૂ કર્યું. પવઈ તરફથી કિશોરી મંડળની બહેનોએ સુંદર સમૂહ નૃત્ય પૂ.હેમંતભાઈ મરચન્ટ રચિત ભજન ઉપર રજૂ કર્યો હતો. આમ, ગદ્ય-પદ્ય , દ્રશ્ય-શ્રાવ્ય ફરતા ફરતી ગુરૂહરિ પપ્પાજીના ગુણાનુગાનમાં એવા તો ગરકાવ થઈ જવાયું કે ૪-૫ કલાક તો ક્યાં ને કેવી રીતે પસાર થઈ ગયા ! તેની ખબર પણ ના પડી !
૨. રાત્રે ૬.૩૦ થી ૯.૦૦ સાંસ્કૃતિક કાર્યક્ર્મ ‘જેનું પ્રાગટ્ય શ્રીજી સંકલ્પે’ પપ્પાજીનું જીવનદર્શન
રાતની સભામાં લગભગ ત્રણ કલાકનો સાંસ્કૃતિક કાર્યક્ર્મ રજૂ થયો. પપ્પાજી એટલે ગુણાતીત સમાજ ! ગુણાતીત સમાજ એ છે ચાર પાંખાળુ ફૂલ. સંતો, વ્રતધારી બહેનો, વ્રતધારી ભાઈઓ અને એકાંતિક ગૃહસ્થો. અત્યાર સુધીના સાંસ્કૃતિક કાર્યક્ર્મ બહેનો દ્વારા રજૂ થતા. જેથી ધર્મ મર્યાદા મુજબ સંતો તેના દર્શન ના માણી શકે. પપ્પાજીનાં ૯૫મા પ્રાગટ્યપર્વ પરાભક્તિ પર્વે સંતો પણ પધારે, કાર્યક્ર્મ જુએ. તેવા શુભ હેતુથી પ.પૂ.દીદીએ આ વખતે ભાઈઓ પાસે કાર્યક્ર્મ કરાવવાનું ગોઠવ્યું હતું. ખરેખર પપ્પાજીના જીવન પ્રસંગો દર્શાવતો ખૂબ જ સુંદર સાંસ્કૃતિક કાર્યક્ર્મ રજૂ થયો હતો. ખૂબ આનંદની વાત તો એ હતી કે આજે ઘણા બધા સંતો પણ કાર્યક્ર્મ વખતે પધાર્યા હતા. પ.પૂ.અક્ષરવિહારી સ્વામીજી, પ.પૂ.ગુરૂજી, પ.પૂ.,સાહેબજી, પ.પૂ.દિનકરભાઈ, પ.પૂ.કોઠારી સ્વામીજી વગેરે સ્વરૂપોના સાંનિધ્યે સમગ્ર ગુણાતીત સમાજના સંતો – ભાઈઓએ આગળ બિરાજી કાર્યક્ર્મ નિહાળ્યો હતો.
બાળ-કિશોર-યુવકોએ ખૂબ જ સરસ રીતે કાર્યક્ર્મ રજૂ કર્યો હતો. એક એક વાક્ય પ્રમાણે એક્શન અને શબ્દ મુજબ ભાવ હતા. ત્રણ કલાકમાં પપ્પાજીનું જીવન દર્શન (પરાભક્તિની સૌરભ) પુસ્તકનો સાર (ગલ) તારવી ડાયલોગ તથા ભજનોમાં વણી લઈને કાર્યક્ર્મ બનાવતા પ્રેરણામૂર્તિ પ.પૂ.દીદી અને દીદીના સવાયા વારસ પૂ.ઝરણાબેનને કોટિ ધન્યવાદ છે. આધ્યાત્મિક ઉચ્ચ લેવલનું પપ્પાજીનું જીવન અને જ્ઞાનને ખૂબ જ સાદી શૈલીમાં રજૂ કર્યું હતું. એ બદલ કોટિ અભિનંદન ! તે પણ પપ્પાજીની પ્રેરણાથી થયું છે. તેઓ માત્ર નિમિત્ત છે. તેવું તેઓ માને છે. જો કે એવો ગુણાતીત ભાવ પ્રગટાવવો એ જ જીવન સ્વપ્ન હતું. કાર્યક્ર્મની સાથે પપ્પાજીના કાર્યનું – મહામાનવના સર્જનનું પણ દર્શન થયું. હે પપ્પાજી ! પૃથ્વી પર પધારી આપે આ શું કર્યું ? શું નથી કર્યું ? આ પ્રશ્નો વિચારતાં કોટિ કોટિ ધન્યવાદના ભાવો સાથે પ્રાપ્તિના આ આનંદમાં અશ્રાંશુ સાથે કોટિ અભિનંદન સહ જય સ્વામિનારાયણ.
(૩) તા.૧૩/૧૧/૧૧ રવિવાર મુખ્ય મહોત્સવ સભા
આજે સવારે ૯.૦૦ થી ૧.૩૦ ની સભા એટલે પ્રત્યક્ષ ગુણાતીત સ્વરૂપોના સાંનિધ્યે ચારેય પાંખના મુક્તો ગુરૂહરિ પપ્પાજીનો પ્રાગટ્યદિન મનાવવા ભેગા થયા હતાં. જેવી રીતે કોઈ મોટું કુટુંબ મળી પોતાના પિતાનો પ્રાગટ્યદિન મનાવે, તેવો એક આત્મીયતાનો આપોપાપણાનો ભાવ આ સભામાં અનુભવાતો હતો. તેથી તો નથી કોઈ ઔપચારિકતા કે નથી આભાર પ્રવચનો. બસ આત્મીયતાનો એક આનંદ હતો.
આ સમૈયાનો હેતુ શું ? તો…
પપ્પાજી પરિવારની, ગુણાતીત જ્યોતનાં બહેનોની – ગુણાતીત પ્રકાશ ભાઈઓની એક જ ભાવના હતી કે, પપ્પાજીનું યથાર્થ સ્વરૂપ ઓળખવા માટે આ સ્વરૂપોના અનુભવની વાણી અને આશીર્વાદ મેળવવા છે. પપ્પાજીની વ્યાપક સ્વરૂપે સેવા કરી લઈને દૈવત (મૂર્તિ) પ્રાપ્ત કરી લેવું છે ! આમાં તો કેવળ હાં હાં ગડથલ સિવાય કાંઈ જ નહોતું. સ્વરૂપો પણ ખરેખર ખૂબ જ ભીડો વેઠીને પધાર્યાં ! આ ઉંમરે કલાકો સુધી બિરાજી, ભીડો વેઠી રાજીપા સાથે આશીર્વાદ આપીને સહુ મુક્તોને પપ્પાજીની હાજરીની ખોટ પૂર્ણ કરી છે. ગુરૂહરિ પપ્પાજી પણ જાણે રાજી થકા વ્યાપક સ્વરૂપે પધારી ડગલે ને પગલે એક એક મુક્તને અનુભૂતિ કરાવતા જ રહ્યા છે !
સભાના પ્રારંભે સ્વાગત કિશોર યુવકોએ શ્વેત વસ્ત્રોમાં હાથમાં ધ્વજ અને ગુણાતીત સમાજનો દુપટ્ટો ધારણ કરીને સ્વરૂપોને આનંદથી ગાડીમાં બિરાજમાન કરે છે ત્યાં તો બીફોર ટાઈમ કાયમ હાજર રહ્યા છે. તેવા ગુરૂહરિ પપ્પાજી આજે પણ ખૂબ ઉતાવળે લીફ્ટમાં સ્ટેજ પર પટાપટ પધારી બિરાજી પણ ગયા ! ખબર પણ ના પડી ! સભા શરૂ થઈ ! ભાવાર્પણ, આશિષ અર્પણ બધું રૂટિનનું છતાંય કાંઈક નવા જ ભાવો, નવી જ અનુભૂતિ થતી રહેતી હતી. તેથી તો કલાકો સુધી મીટ માંડીને લાભ લેવાનો રહ્યો હતો ! પપ્પાજીની વાતો સાંભળવામાં પપ્પાજી જાણે પકડી રાખતા હતા.
કેક અર્પણ થઈ, તે પણ ગુણાતીત સમાજમાં ધ્વજના ચાર રંગોમાં છતાંય (પરાભક્તિ પર્વ ૯૫) એમ એક એક અક્ષરની એક એક કેકનું કર્તન સ્વરૂપો રૂપે પપ્પાજીએ કર્યું. કેક કર્તન બાદ હંમેશા કેક જમાડીએ ! તેમાં પપ્પાજીની એક આગવી શૈલી (ભાવના) નું દર્શન હતું. “પપ્પાજીને હંમેશાં એકલા કંઈ પણ ખાવાનું ના ગમે” સામે બેઠેલા મુક્તોને પણ આપું તેવું કાયમ જ રહે. અને પોતાનું ચરીનું-ડાયેટીંગનું હોય તોય સામા મુક્તને જમાડીને જ જમે. આજે પ્રાગટ્યદિનની કેક પણ પપ્પાજીને ગમે તે રીતે પીરસાણી હતી ! કેક કર્તન થઈ કે તરત સ્વયં સેવક મુક્તોએ પાંચ જ મિનિટમાં એકોએક મુક્તોને કેક પહોંચાડી દીધી. સમૂહમાં કેકનો પ્રસાદ ગ્રહણ કરતા જોઈને પપ્પાજી હરખાતા હતા.
સભામાં ક્યા મુક્તોએ, કોણ સ્વરૂપે શું શું લાભ આપ્યો તે લખવાનું તો અહીં શક્ય નથી. ફક્ત સ્મૃતિ લ્હાણ માણી શકીએ છીએ ! તે પણ જાણે પ્રસાદ રૂપે જ…તેથી હવે આપણે સભાના સમાપનની સ્મૃતિ કરી લઈને છુટ્ટા પડીએ !
માહાત્મ્યગાન સાંભળીને પપ્પાજીના માહાત્મ્યમાં ગરકાવ થયેલા સભાના સર્વ મુક્તોએ એક સાથે ગુણાતીત સમાજનો ધ્વજ હસ્તે લઈને કૂચ ગીત રાગે (શૌર્ય ગાન) કરતા જય નાદથી ગગન ગજાવ્યું ! નાચી કૂદીને આનંદવા લાગ્યા ! ભૂલી ગયા કે તાપ છે કે રાત ! આનંદથી ધરાઈ ગયા. ભૂખ દુઃખ ભૂલી ખૂબ જ આનંદથી સભાનું સમાપન થયું ! ધન્યવાદ ! પપ્પાજી તીર્થની પવિત્ર ભૂમિ આ ત્રણ દિવસ જાણે સ્વર્ગમાં ફેરવાઈ ગઈ હતી ! પૃથ્વી પર અક્ષરધામ ઉતરી આવ્યું ન હોય !
બસ, અનુભવની સ્મૃતિ લઈ સહુ મહાપ્રસાદ લઈ ઘરે ગયા ! સાથે કુટુંબદીઠ સ્મૃતિ ૧ કેલેન્ડર, ૧ પ્રસાદ પેકેટ અને મહાપૂજાના જળની બોટલ લઈ વિખરાયા. સહુનાય મુખમાંથી એક યા બીજી રીતે એ જ વાક્ય હતું. ખૂબ મજા આવી. સરસ લાભ મળ્યો. ખૂબ સરસ સમૈયો થયો ! આ બધું ખરેખર તો પપ્પાજીની હાજરીની કૃપાનું પરિણામ હતું. આ દિવ્ય વિભૂતિ પપ્પાજીને કોટિ કોટિ વંદન સાથે વિરમું છું. સદા સર્વદા સાથે રહેજો.
એક ભજનની પંક્તિ સરી પડે છે કે “આવા ને આવા રે રહેજો અમ સહુના સાંનિધ્ય માંહે…”
લિ. જ્યોત કિરણ P.૭૧ ના જય સ્વામિનારાયણ !