સ્વામિશ્રીજી
જય ગુરૂહરિ પપ્પાજી
ગુરૂહરિ પપ્પાજીના સંબંધ પામેલ વ્હાલા અક્ષરમુકતો, જય સ્વામિનારાયણ !
આજે અહીં આપણે ઓગષ્ટ મહિના દરમ્યાન થયેલ ઉત્સવનું સ્મૃતિદર્શન કરીશું.
(૧) હીંડોળા દર્શન
પ્રથમ દિન તા.૧૭/૮/૨૦૧૦ ના રોજ ઠાકોરજીના હીંડોળા વિદ્યા (સ્ટેશનરી) વાળા હતાં. તેની સાથે ગુરૂહરિ શ્રી પપ્પાજીને મયુરાસને ઝૂલાવી પ્રત્યક્ષની હીંડોળાની જે જે સ્મૃતિઓ માનસપટ પર હતી તેની સ્મૃતિ સહેજે થઇ આવે ! આમ, આખો મહિનો નવાનવા હીંડોળા દર્શન માણ્યાં હતાં. આપ સહુનેય મનોમન સંભારી દર્શન-પ્રાર્થના કર્યાં હતાં. તા. ૨૬/૮ ના હીંડોળા સમાપ્ત થયાં.
(૨) પૂ.સબોબેનની હીરક જયંતી
તા.૨૨/૮/૧૦ ના રોજ ગુણાતીત જ્યોતનાપ્રાંગણમાં દિવ્યતાથી ઉજવાણી. જ્યોતના કેન્દ્ર નં-૫૬ સવિતાબેન બોરડીટીંબા ગામના તેથી ટૂંકું નામ સ.બો. થી ઓળખવાનું રાખેલું. તેનું ઉંધુ કરીએ તો બોસ થાય. પરંતુ સબોબેનમાં એવો એકેય ગુણ નથી, દાસના ગુણ છે. મુમુક્ષુ આત્મા, સરળતા, સમતા, સાધુતા, ભક્તિ, દાસત્વ, આંતરિક રાંકભાવ જેવા અનેક ઉચ્ચ ગુણો જેમને વરેલા છે તેવા સબોબેનની હીરક જયંતી ઉજવવા આપોઆપ સગા-સંબંધીઓ કે જેઓ આદર્શ ભક્તો છે. મહારાજના વખતના પર્વતભાઇ કે દાદાખાચર જેવા કુટુંબના મુક્તો પધાર્યા હતા. અને ભવ્ય રીતે ઉજવણી જ્યોત પંચામૃત હૉલમાં થઇ હતી. ભાઇઓએ પ્રભુકૃપામાં સ્પીકર ધ્વારા લાભ લીધો. આ પ્રસંગે સભા સંચાલકે એક લેખ ગુરૂહરિ પપ્પાજીએ લખેલો તેનું વાંચન કરેલ તે લેખ મુજબ પૂ.સબોબેન બોસ નહી પરંતુ લીડર બન્યાં છે. જ્યોતના કોઠાર વિભાગમાં, ઉતારા વિભાગ કે જ્યારે જ્યાં આજ્ઞા આવી, ત્યાં ગયા છે. અને આવા ગુણાતીત લીડર બનીને વર્ત્યા છે. ગુરૂહરિ પપ્પાજી જગતમાંથી જે સારું સાધકોને માટે ઉપયોગી લાગે તે લઇને આપે. તેમાં ગુણાતીતજ્ઞાન વણીને તૈયાર કરીને આપણી સમક્ષ મૂકતા. એ રીતે ૧૭/૬/૯૫ ના રોજ લખેલ પપ્પાજીનો લેખ વાંચીએ…
સ્વામિશ્રીજી
ગુણાતીત સમાજની જય તાઃ ૧૭/૬/૯૫
મુક્તાક્ષર પુરૂષોત્તમની જય ડેનહામ જ્યોત
હે અક્ષરમુક્તો !
આપણે શ્રીજી મહારાજનું બાપાનું યત્કિંચત ઋણ અદા કરવું છે ? તો આપણે જો પંચામૃત પ્રમાણે જીવવાનો સ્વભાવ કરી દઇએ, વર્તન કરતા થઇ જઇએ તેને જ મહારાજ વારસદાર બનાવે છે. આપણે તેવા વારસદાર બનવું જ છે. તેથી Boss મટી Leader થઇને જીવવા પ્રયત્ન કરશો.
Boss અને Leader ના તફાવત
લીડરને ગુણ વ્યાપે જ નહીં.
(૧) બોસ :- પોતાના માણસો પર હુકમ ચલાવે છે.
લીડર :- પોતાના માણસોને માર્ગદર્શન આપે છે.
(૨) બોસ :- સત્તા પર આધારિત છે.
લીડર :- સદ્દભાવના પર આધારિત છે.
(૩) બોસ :- ભય જગાડે છે.
લીડર :- પ્રેમ ફેલાવે છે.
(૪) બોસ :- કહે છે ‘હું’
લીડર :- કહે છે ‘અમે’
(૫) બોસ :- કોણ ખોટું છે એ કહે છે.
લીડર :- શું ખોટું છે એ કહે છે.
(૬) બોસ :- માન માંગે છે.
લીડર :- માન ઉપલબ્ધ થાય છે.
એટલે બોસ મટી લીડર બનો.
લીડર બનીને મહારાજની સેવા-ભક્તિ કરતા જાય જેથી બધી જ સેવા મહારાજ ગ્રહણ કરે, દરેક મુક્ત એવું માને કે મારે જ માથે યોગીબાપાએ આખી જ્યોતની અને સમાજની જવાબદારી સોંપી છે. જેવી પપ્પાને સોંપી તેમ…..દરેક સાધક એમ માનીને ધણી થઇને સેવા સંભાળે, વળી બીજા મુક્તો તો મને મદદ કરે છે. તેવો ઉપકાર સાથીદારોનો માને. પળેપળ પંચામૃત પ્રમાણે જીવે તો પરમ ભાગવત સંત બની જવાય. ઘર અને દેહ મંદિર બની જાય. એવા તમે સૌ બની જાવ તેવી પ્રાર્થના ને આશીર્વાદ.
તમારા જ સર્વના દાસ ને તે રીતે યોગીના દાસના જય સ્વામિનારાયણ પપ્પા.
(૩) તા.૨૪/૮/૧૦ ના રક્ષાબંધન
રક્ષાબંધનના તહેવારને ગુરૂહરિ પપ્પાજીએ રાખ્યો છે. ગુરૂહરિના દિવ્ય નાતે જોડાયેલા સમાજના સર્વે ભાઇઓને કુટુંબે સહિતના ભક્તો માટે રાખડી ગુણાતીત જ્યોતના બહેનો અગાઉથી મોકલી આપે છે. જાતે બનાવી સમૂહમાં ઠાકોરજી સમક્ષ ધરી, મહાપૂજા કરી શક્તિ પૂરીને ઘરે ઘરે કવર પહોંચાડે છે. સમાજના ભાઇઓ પણ ખૂબ મહિમાથી પહેલા આ દિવ્ય બહેનોની રાખડી બાંધે છે, પછી બીજી રાખડી બાંધે છે. તે રીતે આ ઉત્સવ ઘરે ઘરે ભક્તિથી ઉજવાય છે. અને વિદ્યાનગરમાં પણ સવારે સંઘધ્યાન વખતે ભાઇઓની લાઇન પ.પૂ.દીદી, પ.પૂ.જસુબેનના હસ્તે રાખડી બંધાવવા લાગી હતી. પ્રભુકૃપા મંદિર આખો દિવસ ભર્યું ભર્યું રહ્યું હતું. જ્યોતના પાયામાં જેમની સેવા છે તેવા અનુપમ મિશનના દિવ્ય બંધુઓને રાખડી બાંધવા પૂ.કમુબા, પૂ.ડૉ.ભાવનાબેન અને ડૉ.વીણાબેન આજે બહ્મજ્યોતિ પર પધાર્યાં હતાં.
(૪) ૨૪/૮/૧૦
પ.પૂ.દેવીબેન, પૂ.રમીબેન તૈલી લંડન, અમેરિકાની ધર્મયાત્રા કરીને આજે સુખરૂપ વિદ્યાનગર જ્યોતમાં પધાર્યાં ! તેઓનું સ્વાગત ખૂબ સાદાઇથી છતાંય દિવ્ય રીતે થયું. ગુરૂહરિ પપ્પાજીનાં થઇને જીવતા પરદેશના ભક્તોનો મહિમાની વાતો સાંભળી ધન્ય થયા !
સોનાના દોરા જેવું એક્ધારું જીવન દેશ કે પરદેશમાં હોય પણ પ. પૂ.દેવીબેનનું એક સરખું ભક્તિમય જીવન વગેરે વાતો અને સમાચાર પૂ.રમીબેને આપ્યા.
(૫) ૨૭/૮/૧૦ પ.પૂ.દેવીબેનનો સાક્ષાત્કારદિન
આજે જ્યોત સભામાં પ.પૂ.દેવીબેનના સાક્ષાત્કારદિનની ઉજવણી થઇ. તથા જન્માષ્ટમી ૨/૯/૧૦ ના તિથિ મુજબ પ.પૂ. દેવીબેનનો સ્વરૂપાનુભૂતિદિન ભાઇઓ-બહેનોએ ભેગા મળી જ્યોત પપ્પાજી હૉલમાં સવારે ૯.૩૦ થી ૧૨.૩૦ માં ખૂબ જ ભવ્ય રીતે ઉજવણી કરી! આજની સભામાં પ્રાર્થના પ્રવચન થયાં. તેમાં પ.પૂ. દેવીબેનની આજ્ઞાએ જીવનાર મુક્તોના અનુભવો ગૃહીત્યાગી તથા નવા-જૂના સાધકોના મુખેથી અનુભવો સાંભળ્યા. પ્રભુનું ધામ બનીને પ.પૂ. દેવીબેન વર્તે છે તો તેઓના આશીર્વાદથી ભક્તોની મુશ્કેલી ટળી જાય છે, કાર્યમાં સફળતા મળે છે. આમ, પ.પૂ. દેવીબેન ભક્તોની પ્રાર્થના પ્રભુ ચરણે ધરે છે અને પ્રભુ પાસે કાર્ય કરાવે છે ભવની વાતોની સાથે પ.પૂ. દેવીબેનમાં રહેલ અનેક ગુણનું વર્ણન પણ થતું હતું. દયા, કરૂણા, ક્ષમા, મમતા, સમતા, ધીરજ, ઉદારતા, ભક્તિભાવ, સમયસૂચકતા, બુધ્ધિમત્તા, ધ્યેયનિષ્ઠ, બ્રહ્માનંદી જેવા અનેક ગુણ પ.પૂ. દેવીબેનમાં છે. પોતાના અંગથી વિરોધાભાષી ગુણ કોઈકમાં જ હોય, તે પ.પૂ. દેવીબેનમાં છે. ગુરૂહરિ પપ્પાજીનું આ ડાયરેક્ટ સર્જન છે. પ.પૂ. પપ્પાજીના કાર્યનું યથાર્થ દર્શન પ.પૂ. દેવીબેન જીવનની સૌરભ ધ્વારા થયું. તેઓને ખૂબ ખૂબ અભિનંદન અને અનંત વંદન.
-: જય સ્વામિનારાયણ :-