29 May 2011 – Triveni Mohotsav Sabha Newsletter

સ્વામિશ્રીજી તાઃ ૨૯/૫/૧૧

જય ગુરૂહરિ પપ્પાજી

પરાભક્તિ પર્વની જય જય જય

આજે ત્રિવેણી મહોત્સવ જ્યોત પ્રાંગણમાં સવારે ૯.૦૦ થી ૧૨.૦૦ ની સંયુક્ત સભામાં ઉજવાયો.

યોગીજી મહારાજનો ૧૨૦ મો પ્રાગટ્યદિન વૈશાખ સુદ-૧૨.

ગુરૂહરિ પપ્પાજીનો ૫૯મો (હિરક પ્રારંભ) સાક્ષાત્કાર દિન.

શ્રી ગુણાતીત જ્યોતનો ૪૫ મો સ્થાપના દિન.

 

સ્ટેજ પર શ્રી ઠાકોરજી સહિત મૂર્તિ સ્વરૂપે યોગીજી મહારાજ અને ગુરૂહરિ પપ્પાજી બિરાજમાન છે. સ્ટેજની એક બાજુ સદ્દગુરૂ સ્વરૂપો પ.પૂ.દીદી, પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.જસુબેન અને બીજી બાજુ પૂ.જયંતિભાઈ, પૂ.નરસીફુવા અને પૂ.વિરેનભાઈ બિરાજમાન છે. સભાનો પ્રારંભ આહવાન શ્ર્લોકથી થયો.

 

યોગીજી મહારાજના મુખેથી ઉચ્ચારેલી પ્રાપ્તિની મસ્તીની પરાવાણીનો સાર-સભા સંચાલક પૂ.ઝરણાબેને કહ્યો. તેવું જ, ગુરૂહરિ પપ્પાજીની પરાવાણીનો સાર અને મહિમાગાન બીજા સભા સંચાલક પૂ.બકુબેન પટેલે કર્યું. આમ, બાપા-પપ્પાનું જીવન દર્શન બે સભા-સંચાલક મળીને નવીન રીતે કરતા હતા.

યોગીજી મહારાજ, ગુરૂહરિ પપ્પાજીને પુષ્પમાળા અર્પીને મંચસ્થ સ્વરૂપોને પૂ.ઋષિતભાઈ અને પૂ.મિત્તલભાભી ખેતવાડીએ સમગ્ર સમાજ તરફથી પુષ્પમાળા અર્પણ કરીને સ્વાગત કર્યું હતું. પૂ.તારાબેન પૂ.રસિકભાઈ કે જેમણે દુકાળમાં કોદરા પૂરીને પપ્પાજીનો રાજીપો લીધો છે. તેમના પૌત્ર અને પૌત્રવધુ છે. સમગ્ર ગુણાતીત પ્રકાશ તરફથી યોગીબાપા અને પપ્પાજીને પૂ.હેમંતભાઈ મોદીએ પુષ્પ કલગી અર્પણ કરી હતી. જ્યોતના સ્થાપના દિન નિમિત્તે સમગ્ર જ્યોતના બહેનો વતી પૂ.તરૂબેન પટેલે યોગીબાપા અને પપ્પાજીને બુકે અર્પણ કર્યો હતો.

પૂ.દિવ્યાબેન પટેલ રચિત ભજ ગવાયું. ‘પપ્પા તમે ધન્ય કર્યાં. ગુરૂહરિ સ્વરૂપ પ.પૂ.દીદીના આશીર્વાદ સભા પ્રારંભે પ્રથમ લીધા હતા. દીદીએ પહેલા ગુરૂહરિને હાર અર્પણનો લાભ શાશ્વત ધામની સેવા કરનાર નવા જ ભક્ત રાજ પૂ.હંસરાજભાઈ મોરબી (લક્ષ્મણબાપાના મિત્ર) ને રાજીપા રૂપે આપ્યો. પ્રભુકૃપામાં માળાના મણકા પર મંત્ર લેખન કરનાર પૂ.અર્પિતભાઈ અને પૂ.તમન્નાભાભીને પણ પુષ્પમાળા અર્પણ કરીને દીદીએ નવાજ્યા હતાં. પ.પૂ.દીદીએ તેમની વાતના પ્રારંભમાં આજના દિવસની ગુરૂહરિની અંતિમ સ્મૃતિ દર્શન કરાવ્યું હતું તેમજ ગુરૂહરિ પપ્પાજીએ જીવન જીવીને આપેલ ગુણાતીત જ્ઞાન ‘કોઈપણ સંજોગોમાં કોઈ ભક્તને વિષે ભૂંડો ઘાટ ન જ કરવો.’ અને સુહ્રદભાવે એકમેકનું જતન કરીએ. તેના દોષ જોયા વગર આપણે સંપ, સુહ્રદભાવ અને એકતાથી જીવન જીવીએ. પપ્પાજીને રાજી કરીએ.

{gallery}/images_in_articles/newsletter/2011/May_/triveni mahotsav sabha/{/gallery}

નિઃસ્વાર્થ ભાવનાથી બહેનો મહાપૂજાની સેવા કરે. પ્રકાશના ભાઈઓ અને ગૃહસ્થોની સેવાના ખૂબ વખાણ કરીને નવાજ્યા હતાં. અને માવતર તરીકે આ બહેનોની સેવાનો ભાર સોંપતા હતા.

ત્યારબાદ સમગ્ર અમદાવાદ મંડળ વતી ગાંધીનગરના પૂ.ભાગ્યેશભાઇ અને પૂ.નીકાબેને યોગીજી મહારાજ અને પપ્પાજીને પુષ્પમાળા અર્પણ કરી હતી. તેમજ સુરત, દક્ષિણ ગુજરાત મંડળ તરફથી પૂ.હરિશભાઈ મોદી અને પૂ.ચેતનભાઈએ યોગીજી મહારાજ અને પપ્પાજીને હાર અર્પણ કર્યો હતો. પૂ.મધુબેન સી. એ ગુરૂહરિ પપ્પાજીની સામર્થીની વાત કરી અને દરેક વાતે પપ્પાજીને ઉપાયભૂત કરવાનું માર્ગદર્શન આપ્યું. પ.પૂ.બેને સભામાં પધારી દર્શન લાભ તથા આશીર્વાદ અર્પણ કર્યા હતાં.

પૂ.બાબુભાઈ ચિતલીયા (કંથારિયા) ગુણાતીત પ્રકાશ ભાઈએ નાનપણથી પપ્પાજીનો લાભ મળેલ તે ચંપલ સાચવવાની સેવા, રસોડાની સેવાની સ્મૃતિ સહ વાત કરી હતી. અને ગુણાતીત પ્રકાશ ભાઈઓ વતી યાચના કરી કે અમે, પપ્પાજીએ આપેલ વચન મુજબ સારધાર જીવીએ. “પડછાયો ક્યારેય આકૃતિ ના બની જાય.” તેવી સુંદર ગુણાતીત ભાવની યાચના કરી હતી.પૂ.કાંતિકાકા જૂનાગઢ કે જેમણે સાચા માવતર બનીને ભક્તોની સેવા સર્વદેશીયભાવે કરી છે. એવા કાંતિકાકા ને ‘એકાંતિકકાકા’ તરીકેની ઓળખાણ પૂ.પિયૂષભાઈએ આપી હતી. આ સ્વરૂપો બિમારી ગ્રહણ ના કરે, નિરામય રહે તેવી પ્રાર્થના કાંતિકાકાએ કરી હતી. અમદાવાદના પૂ.નયનભાઈ અને જાગૃતિભાભી ભરૂચીના સુપુત્ર ચિ. બિરજુ ભરૂચી એ તબલચી તરીકે ગ્રીનીસ બુકમાં સ્થાન મેળવ્યું છે. વિદ્યાનગરના સત્સંગી પૂ.મહેન્દ્રભાઈ અને હર્ષાબેન દોશી ના સુપુત્ર ચિ.ઋજુલ દોશી ધોરણ-૧૨ માં ૯૬% માર્ક્સ મેળવી ઉત્તીર્ણ થયા છે. (ધોરણ ૧ થી ૧૨ માં દરેક ધોરણમાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયા છે.) વિદ્યાનગરના સત્સંગી પૂ.ગોપાલભાઈ અગ્રવાલ ના સુપુત્ર ચિ.જય અગ્રવાલ ધોરણ-૧૨ માં ૯૨% માર્ક્સ મેળવી ઉત્તીર્ણ થયા છે. આ ત્રણેય યુવકોને સ્વરૂપોએ સ્મૃતિભેટ આપી નવાજ્યાં હતાં. અને આવી ને આવી પ્રગતિ કરતાં રહે તેવા આશિષ પ્રદાન કર્યાં હતાં. જે આપણા સમાજ માટે ગૌરવની વાત છે. પૂ.બીરજુભાઈના મિત્ર આર્ટીસ્ટ પૂ.રાજેશભાઈએ ગુરૂહરિ પપ્પાજીની જાતે દોરેલી મૂર્તિ પ.પૂ.દીદીને અર્પણ કરી હતી. અને પૂ.જસુબેને પૂ.રાજેશભાઈને કલગી અર્પી એમની વિદ્યામાં પારંગત બનવાના આશીર્વાદ આપ્યા હતા.

પૂ.મનીબેને જ્યોતના સ્થાપનાદિન અને જ્યોત માટેનું ગુરૂહરિ પપ્પાજીનું પ્રદાન એ વિષે લાભ આપ્યો. મારે ભગવાન ભજવા હતાં. મને યોગીબાપાએ જ પપ્પાજી આપ્યા છે. ગુરૂહરિ પપ્પાજીએ એમના પ્લોટમાં એમના ગુરૂ યોગીજી મહારાજની આજ્ઞાથી સ્થાન બાંધી આપ્યું. પોતાના બે દીકરાને ગુરૂના ચરણોમાં સોંપીને આખી જીંદગી જીવનની પળેપળ ગુરૂભક્તિ જ અદા કરી છે. એટલું જ નહીં. ખરેખર તો પપ્પાજીએ જીવન જીવીને એક આદર્શ પૂરો પાડ્યો છે. સ્વરૂપનિષ્ઠા, માહાત્મ્યયુક્ત સેવા અને દાસત્વભક્તિથી ગુણાતીત ભાવનાનું ર્દષ્ટાંત પૂરૂં પાડ્યું છે. આ બહેનો આપ્યા ! આવો સમાજ આપ્યો ! એ પપ્પાજીનું આપણા માટેનું મોટું પ્રદાન છે. અ ધન્યતાના ભાવો અહોનિશ વહ્યા કરે. તેમનું યત્કિંચિત ૠણ અદા કરવાનું બળ, બુધ્ધિ અને પ્રેરણા બક્ષે એવી પ્રાર્થના કરી હતી. જ્યોતના બેન પૂ.કાંતાબેન કેશોદે ખૂબ આનંદ સાથે શિક્ષક પધ્ધતિથી પપ્પાજીના કરૂણાના અનુભવની વાતો ર્દષ્ટાંત સાથે કરીને ધન્યતા અનુભવી હતી. ડૉ.નિસર્ગભાઈ અને પૂ.માનસીભાભીએ નડિયાદ મંડળ વતી પુષ્પમાળા અર્પણ કરી હતી. પૂ.સુરેશભાઈ પટેલ (પેરીસ) ગુરૂહરિ પપ્પાજીની સામર્થીના અનુભવ કહ્યાં હતાં. સરકારી ગુનો કર્યો પણ ગુરૂહરિ પાસે નિષ્કપટ થઈ આશરો ગ્રહણ કર્યો તો પપ્પાજીએ માફ કરી ગુનામાંથી મુક્ત કર્યાં. પપ્પાજીએ સરકારને પણ બદલીને જેલને બદલે ન્યાલ કર્યાની વિગતે વાતો કરી હતી. આમ, પપ્પાજીની અન્યથાકર્તુમ શક્તિનો અનુભવ થયો.

યોગીજી મહારાજે પ્રથમ ૫૧ સંતોને દીક્ષા આપી હતી, તેને આજે ૫૦ વર્ષ પૂરા થાય છે. સાંકરદા મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા ૧૯૬૭માં પપ્પાજી, કાકાજી, બા અને સર્વે સ્વરૂપોએ પ્રથમ મંદિરની કરી હતી. આજે એ ઠાકોરજી સમક્ષ પ.પૂ.અક્ષરવિહારી સ્વામિજીએ પ્રથમ ૫૧ સંતોમાંના સંતોની સભા રાખેલ છે. ૫૧ સંતો બનાવવાના યોગીજી મહારાજના સંકલ્પમાં ભળી કાકાજી, પપ્પાજી, બા એ સંતો બનાવવામાં ખૂબ સાથ આપ્યો હતો. અને તે પછી આ સંતો યોગીનું આપેલું ગાતરીયું ના ઉતારે તે માટે તથા તેઓ પરમ ભાગવત સંત બને, સ્થિતિ કરે તે માટે પણ ખૂબ જતન અને ભજન કર્યું છે. આ સંતો એવી સ્થિતિ ને પામી પણ ગયાં. આજે બા-પપ્પાજી વતી પ.પૂ.દીદી, પ.પૂ.જ્યોતિબેને નાડાછડી (રાખડીરૂપે) સંતોના નિરામય સ્વાસ્થ માટેની શુભેચ્છા સાથે આજની સભામાં ઠાકોરજી સમક્ષ ધરાવીને ધૂન્ય કરાવી હતી. તે નાડાછડી અને પ્રસાદ લઈને પૂ.યશવંતભાઈ દવે અને પૂ.ઈલેશભાઈને સાંકરદા મોકલ્યા હતાં. ગુરૂહરિના ધ્વનિમુદ્રિત આશીર્વાદ લીધા હતાં. અંતમાં પ.પૂ.જ્યોતિબેનના આશીર્વાદ લીધા હતાં.તેઓએ વાત કરી કે આપણે ગુણાતીત જ્ઞાનનું નવનીત આપણી નજર સમક્ષ રાખીને એ પ્રમાણે જીવવામાં આડી આવતી બુધ્ધિ છે તેને બાજુ પર રાખીને જીવતા થઈ જઈએ. એ જ પપ્પાજીના ચરણોમાં પ્રાર્થના.

{gallery}/images_in_articles/newsletter/2011/May_/prabhu krupa abhishek/{/gallery}

આજે પ્રભુકૃપામાં નાના-મોટા સૌ કોઈ પધારેલ મુક્તોએ પપ્પાજીના પુષ્પકુંભ પર અભિષેક કરી ધન્યતા અનુભવી હતી. આમ, આજ નો આ ત્રિવેણી મહોત્સવનો સમૈયો ખૂબ ભવ્ય અને દિવ્ય રીતે ઉજવાયો. પધારેલ સૌ કોઈ મુક્તોને પપ્પાજીની દિવ્ય હાજરીનો અનુભવ થયો. એ સ્મૃતિ સાથે સૌ મુક્તો મહાપ્રસાદ લઈ વિસર્જીત થયા.

લિ. જ્યોત સેવક P.૭૧ ના જય સ્વામિનારાયણ