01 to 15 Feb 2019 – Newsletter

સ્વામિશ્રીજી

 

ગુરૂહરિપપ્પાજીનીજય

 

વચનામૃતદ્વિશતાબ્દીનીજય

 

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો !

 

જય સ્વામિનારાયણ !

 

અહીં આપણે તા.૧ થી ૧૫ ફેબ્રુઆરી દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું. 

 

(૧) તા.૧/૨/૧૯

 

આજે ૧લી તારીખ નિમિત્તે બહેનો પપ્પાજી તીર્થ પર ધૂન, ભજન, પ્રદક્ષિણા માટે ગયા હતા. અને ગુરૂહરિના ચરણે પોતાના પ્રાર્થનાભાવો

ધર્યા હતા.

 

રાબેતા મુજબની કીર્તન આરાધના જ્યોત પપ્પાજી હૉલમાં કરી હતી. પહેલાં બહેનોએ ભજનો ગાયાં હતાં, ત્યારબાદ ભાઈઑએ ભજનની રમઝટ બોલાવી સહુને ભક્તિરસમાં લીન કર્યા હતા. 

 

(૨) તા.૩/૨/૧૯ પૂ.શાંતાબેન ઠક્કરની ત્રયોદશીની મહાપૂજા

 

પૂ.શાંતાબેન ઠક્કર (મુલુંડ)ની મહાપૂજા કરાવવા મુંબઈથી તેમના પુત્રો પૂ.રાજેશભાઈ, પૂ.હરેનભાઈ દીકરી, પૂ.રીટાબેન તેમજ કુટુંબીજનો અને સગાં-સબંધીઓને લઈને વિદ્યાનગર પધાર્યા હતા.  સ્વરૂપોના સાંનિધ્યે પૂ.ઈલેશભાઈ અને ભાઈઓએ ખૂબ ભક્તિભાવપૂર્વક મહાપૂજા કરી હતી.  

 

રવિવાર તા.૩/૨/૧૯ના દિને સવારે ૧૦.૦૦ વાગ્યે અક્ષરનિવાસી પૂ.શાંતાભાભી ઠક્કરની ત્રયોદશી નિમિત્તે વિદ્યાનગર જ્યોત પપ્પાજી હૉલમાં પ્રત્યક્ષ ધામ, ધામી, મુક્તોની મહાપૂજા કરી પ્રભુચરણે પ્રાર્થનાસુમન ધર્યાં હતાં. પૂ.શાંતાભાભી પૂર્વના ભગવાન સ્વામિનારાયણના વારસ સ્વરૂપોના સંબંધ પામેલા મુક્ત હતા. કચ્છી લોહાણા જ્ઞાતિમાં જન્મ્યા છતાં, પ્રત્યક્ષ ગુણાતીત સ્વરૂપ વિષે ર્દઢ નિષ્ઠા ને મહિમા હતો એવા ભક્ત પૂ.બેનકુંવરબેન, પૂ.રંજનબેન, પૂ.મેનાબેનનો અહોનિશ સંગ રાખ્યો. તેથી ધીરે ધીરે ગુરૂહરિ પપ્પાજી, પ.પૂ.દિવ્ય સોનાબા, પ.પૂ.જ્યોતિબેનની ર્દષ્ટિ પડતાં આત્મામાં પ્રભુની નિષ્ઠા ર્દઢ થઈ. બહેનોની સેવાનું માહાત્મ્ય વધતું ગયું.

 

ખેતવાડીમાં પૂ.તારાબેન રસિકભાઈના ઘરે આવે ત્યારે ઘરેથી ગરમ ગરમ નાસ્તા લઈ આવે. મુલુંડથી માટુંગા મંડળમાં પૂ.કુસુમબેન દવેના ઘરે મંગળવારની સભામાં લાભ લેવા અચૂક આવે. સુહ્રદભાવે હરિભક્તોને કંઈ પણ જરૂર પડે તો દેહથી, ધનથી મદદરૂપ થઈ છૂપી સેવાઓ કરી. તેમના સંતાનોને પણ અંતરમાં સત્સંગભક્તિના રંગે રંગ્યા. પ.પૂ.શોભનાબેનને ગુરૂભાવે સેવી એમના વચને જીવ્યાં. ખૂબ માહાત્મ્યથી સેવા કરી પુણ્ય લૂંટી લીધુ ને છતીદેહે સૌ સ્વરૂપોની પ્રસન્નતા પ્રાપ્ત કરી. પૂ.જમનાદાસભાઈને પણ ગુરૂહરિ પપ્પાજીની ર્દઢ નિષ્ઠા થતાં સહજ ભક્તિભાવે સેવા ને માહાત્મ્યથી ભક્તિ કરી ગુરૂહરિ પપ્પાજી પણ તેમના પર ખૂબ પ્રસન્ન હતા. તેમનાં દીકરી રીટાબેન, દીકરાઓ પૂ.રાજેશભાઈ અને પૂ.હરેનભાઈ તથા ઘરમાં સર્વ સભ્યોએ એમનો વારસો ચાલુ જ રાખ્યો છે, ધન્યવાદ !

 

પૂ.શાંતાભાભીને બિમારી આવી તેમાં ઘરના સહુ સભ્યોએ ખૂબ ભાવથી સેવા કરી. પૂ.શાંતાભાભી અખંડ ભગવાનમાં મન રાખી ધૂન, ભજન અને પ્રભુ સ્મૃતિમાં જ લય રહેતાં. આત્મારૂપે રહી છેક છેવટ સુધી આત્માથી સહુ માટે પ્રાર્થના કરતાં રહ્યાં. તેમને પ્રભુએ સહેજ પણ દુઃખી થવા ન દીધા. તેમની ભક્તિના ફળરૂપે પ્રભુએ તેમની સમીપે સુખે સુખે બેસાડી દીધા. કુટુંબના સર્વ મુક્તોને તેમની ખોટ ન લાગે ને સૌને ભક્તિ કરવાનું પ્રભુ પપ્પાજી અને સૌ સ્વરૂપો બળ આપે એ જ પ્રભુ ચરણે પ્રાર્થના ધરી હતી. 

 

હે ગુરૂહરિ પપ્પાજી ! પૂ.શાતાંભાભી જ્યાં પ્રગટ થયા હોય ત્યાં સત્સંગના જોગમાં રહી સુખે સુખે આત્માની ઉત્તરોઉત્તર પ્રગતિ થતી રહે એ પ્રાર્થના સાથે જપયજ્ઞ કર્યો હતો. 

 

તેમના સંતાનોની પરિવારજનોની પણ પ્રાર્થના હતી કે, અમારા આ દિવ્ય માવતરે અમને જે સત્સંગ, સેવા-ભક્તિનો માર્ગ ચીંધ્યો છે એ રાહ પર અમે સુખે સુખે ચાલતા જ રહીએ ને સહુ સ્વરૂપોની, બહેનોની સેવા કરવામાં પરમ આનંદ માણીએ ને એ રીતે પ્રભુ ચરણે અર્ધ્ય અર્પણ કરીએ છીએ. 

 

આજે આ મહાપૂજા વિધિ કરી શ્રી ઠાકોરજીને, ગુરૂહરિને, સર્વ સદ્દગુરૂ સ્વરૂપોને, બહેનોને, ગુણાતીત પ્રકાશના ભાઈઓને, અક્ષરમુક્તોને થાળ જમાડીએ છીએ. તે સહુ પ્રેમથી ગ્રહણ કરી અમારા કુટુંબ પર આશિષવર્ષા કરશોજી. 

અંતમાં પ.પૂ.દેવીબેન, પ.પૂ.પદુબેન અને પૂ.શોભનાબેનના આશીર્વાદ લીધા હતા. 

{gallery}images_in_articles//newsletter/2019/Feb/03-02-19 P.Santabhabhi mahapooja{/gallery}

 

 

*પ.પૂ.કાકાશ્રીના સાક્ષાત્કારદિનની ઉજવણી

 

રાત્રે ૮.૩૦ થી ૧૦.૦૦ જ્યોત પપ્પાજી હૉલમાં બહેનોની સભામાં પ.પૂ.કાકાશ્રીના સાક્ષાત્કારદિનની ઉજવણી કરી હતી. સભામાં ગુરૂહરિ કાકાશ્રીના ધ્વનિ મુદ્રિત આશીર્વાદ લીધા હતા. જે કોઈ અહીં આવ્યા છો. જે નથી આવ્યા એ બધા એકાંતિક છે. પ્રત્યક્ષ સત્પુરૂષને જેવા માનો તેવા થઈ જશો. ધન્યવાદ છે સ્વામિનારાયણ ભગવાનને ! એમણે વારસો મફતમાં આપ્યો છે. સારંગપુર-૧૦, પ્ર.૬૨ વચનામૃત જોગીબાપાએ બહુ જ અનુગ્રહ કરીને આપ્યાં. લાખો કમાયા, ગુમાવ્યા એ બધો અનુભવ થઈ ગયો. ધન્યવાદ પપ્પાજીને કે 

નિર્દોષબુધ્ધિનું સૂત્ર આપ્યું. આજે જ આત્યંતિક કલ્યાણ થઈ શકે છે. પ્રહલાદજીએ જેમ ભગવાનને વશ કર્યા એમ આપણે વશ કરવા છે. ગૃહી-ત્યાગીનો કોઈ મેળ નથી. સુહ્રદભાવ રાખજો. એકાંતિકમાં પ્રીતિ કરજો. અને બે ભગવદી સાથે મિત્રતા રાખજો. 

ત્યારબાદ ગુરૂહરિ પપ્પાજીએ ૩/૨/૯૦ની સાલમાં લખેલ લેખનું વાંચન કર્યું હતું.

                              

સ્વામિશ્રીજી                       તા.૩/૨/૯૦

 

ગુણાતીત સમાજની જય

 

મુક્તાક્ષર પુરૂષોત્તમની જય

 

તુળસી સાધના કુટિર, લોનાવાલા

 

પ.પૂ.કાકાશ્રીનો સાક્ષાત્કાર સ્મૃતિદિન. આજે (જ્યાં) પ.પૂ.કાકાશ્રીએ વારંવાર પધારી શિબિરો કરી, તીર્થધામ બનાવ્યું તે તુળસી સાધના કુટિરમાં પૂ.અશ્વિનભાઈ લઈ આવ્યા. પ.પૂ.કાકાશ્રીની સ્મૃતિ કરીને ધૂન-પ્રાર્થના કે યાચના કરી કે,

 

હે કાકાશ્રી !

 

(૧) તમારા જેવી સર્વમાં નિર્દોષબુધ્ધિ અમને સર્વને, આખા ગુણાતીત સમાજના મુક્તોને થઈ જાય તેવી કૃપા કરો.

 

(૨) તમે સર્વદેશીય સમજણ, સર્વને ગુણ આવે તેવી ક્રિયા, વાણી, વર્તન તારતમ્યતાએ સહજ સ્વભાવે આખા જીવન દરમ્યાન કરી, છતાંય અંતરતમમાં એક માત્ર પ્રભુના જ થઈને જીવ્યા. તેવી સર્વદેશીય સમજણ અમને આખા ગુણાતીત સમાજના મુક્તોને આવે તેવી કૃપા કરશોજી. 

 

(૩) તમે કદી કદી કોઈનીય negative side મનમાં ઠરવા દીધી નથી ને ફક્ત તેનો મહારાજ સાથેનો સંબંધ જ જોઈ તેની સેવા કરી લીધી છે તો તેવી ગુણગ્રાહી દ્રષ્ટિ આખા સત્સંગમાં આવે તેવી કૃપા કરશોજી. 

 

(૪) તમારા જેવો સુહ્રદભાવ-સંપ-એકતા આખા સમાજમાં રહે તેવી કૃપા કરશોજી. 

 

(૫) તમારું જીવન પળેપળનું હતું ને કેવળ વર્તનમાં જ ભક્તિરૂપ લાગે તેવાં જ તમે વિચાર, વાણી, વર્તન કરતા. તેવું જીવન અમે જીવીએ ને ભૂતકાળની સ્મૃતિ ને ભવિષ્યની ચિંતા ન કરીએ. તેવું વર્તમાનમાં પળેપળનું જીવન જીવીએ તેવી કૃપા કરશો. 

 

(૬) સંબંધવાળો જીવનમુક્ત મનાય ને તેની સેવા સ્વધર્મેયુક્ત માહાત્મ્યસભર કરી લઈએ તેવો બુધ્ધિયોગ આપશો.

 

(૭) પંચામૃત અને ગુણાતીત જ્ઞાનનું નવનીત જીવન બને તેવી કૃપા કરશો.

 

                                                                              પ.પૂ.પપ્પાજી

 

આજના શુભ દિને પૂ.પિયૂષભાઈ પનારાએ (ગુણાતીત પ્રકાશ-સુરત) આપણા સહુ વતી પ.પૂ.કાકાશ્રીના ચરણે પ્રાર્થના ધરી હતી.અહોભાગ્ય આપણા સૌના…! કે આજે કાકાશ્રી ગોંડલ અક્ષરડેરીમાં શ્રીજી સ્વરૂપ યોગીબાપાએ સાક્ષાત્કાર કરાવ્યો. અને એમાંથી ઉદ્દભવ પામ્યો એક દિવ્ય અને ભવ્ય ગુણાતીત સમાજ. પ.પૂ.કાકાજી, પ.પૂ.પપ્પાજી, પ.પૂ.સોનાબાના એમાં સંપૂર્ણ બલિદાન સમાયાં છે. આજે આપણે સૌ સંતો, બહેનો, યુવકો ને ગૃહસ્થો. હરકોઈ સુખે-સુખે પ્રભુ તરફ, સંપૂર્ણ નિશ્ર્ચિંત રહી ગતિ નહીં પણ પ્રગતિ કરી રહ્યા છીએ. તે બધું જ આ ગુણાતીત ત્રિપુટીને કારણે છે એ વાત કદીય કોઈનાય મગજમાંથી વિસરાય નહીં. બહુ અસહ્ય અપમાનો અને ભીડા સતત ખમીને પોતે ઝેર પીને આપણને સૌને અદ્દભૂત આધ્યાત્મિક પ્રાપ્તિના માર્ગે મૂકી દીધા.

 

એ સર્વોપરી ઘટનાના કે ઉપલબ્ધિ માટે આપણે ગમે તેટલા જન્મ ધરીએ તોય એમનું આપણે કદીય ઋણ ચૂકવી શકીએ તેમ નથી. આપણી પાસે હવે માત્ર એક જ ઉપાય બચ્યો છે કે કેવળ એમના થઈને, એમના સિધ્ધાંતે ને માત્ર એમની જ પ્રસન્નતાર્થે આપણા વિચાર, વાણી ને વર્તનની અંજલિ પળેપળ અર્પતા જ રહીએ. સંપૂર્ણ નિર્દોષભાવ ને દિવ્યભાવથી નિરંતર જીવવાનાં બળ, બુધ્ધિ ને પ્રેરણા સતત આપણને મળ્યા જ કરે તેવી આ ત્રિપુટીના ચરણે સુહ્રદભાવભરી પ્રાર્થના છે.

{gallery}images_in_articles//newsletter/2019/Feb/03-02-19 P.P.KAKASHRI PRAGTYADIN{/gallery}

 

(૩) તા.૧૦/૨/૧૯ વસંત પંચમી, શ્રી શાસ્ત્રીજી મહારાજ જયંતી, શિક્ષાપત્રી જયંતી

 

આજે બહુ જ મોટો દિવસ છે. જે આપણા આત્માને જાગ્રત કરી શકે છે. આજે વસંત પંચમી. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજનો પ્રાગટ્યદિન. જેમણે અનંત ચૈતન્યોને બ્રહ્મરૂપ થવાના, સનાતન સુખની પ્રાપ્તિ કરાવવાના, ભગવાન સ્વામિનારાયણના એક ભવ્ય કાર્ય સમા આંતરિક સિધ્ધાંતને વ્યાપક બનાવવા. સર્વોપરી શુધ્ધ ઉપાસનાનો એક રાજમાર્ગ ખોલ્યો ! આવા ભગીરથ કાર્ય માટે એમણે અનહદ અને અકલ્પ્ય ભીડા સહન કર્યા. આજે સમગ્ર વિશ્વના ખૂણે ખૂણે અક્ષર-પુરૂષોત્તમની ઉપાસના માત્ર પ્રચલિત જ નહીં, પણ અનેક જીવોને એકાંતિક ધર્મ સિધ્ધ કરવા કાર્યાન્વિત કરી દીધી.

 

એ કાર્યમાં યોગી વચને ગુરૂહરિ કાકાજી – ગુરૂહરિ પપ્પાજી અને પ.પૂ.બાએ પ્રાણ પૂર્યા. અને એમાં આપણે સહુ નસીબવંતા બન્યા. તો એમના આ સિધ્ધાંતને સમજવા, આત્મસાત્ કરવા આપણે આ સત્સંગમાં સક્રિય બનીએ. અઠવાડીક સભાઓમાં નિયમિત જઈએ. આપણા ઈતિહાસના આવા મહાપુરૂષોના પુસ્તકોનું વાંચન કરીએ. એથીય વિશેષ સંત સાથે સાચી આત્મીયતા કેળવીએ. એ મહાપુરૂષોએ કેવા કપરા સંજોગોમાં કેવાં અપમાનો…! કેવી વિપરીત પરિસ્થિતિઓમાં જીવ્યા…! કેવળ આપણને સુખી કરવા એમણે આવું બધું કર્યું.  ઝેર પણ પીધાં. તો આપણી સૌની એ સુખભર્યા માર્ગે આપણા જ સ્વાર્થ ખાતર ચાલવાની ફરજ છે. તો આપણને સૌને એવું પ્રભુ ખૂબ ખૂબ બળ આપે તેવી પ્રાર્થના. 

 

આજના આ શુભ દિને વચનામૃત દ્વિશતાબ્દી નિમિત્તેના આયોજન મુજબ આજે સવારે ૧૦.૦૦ થી ૧૨.૦૦ જ્યોત પપ્પાજી હૉલમાં પ.પૂ.જ્યોતિબેનના મોટા ગ્રુપના બહેનોએ વચનામૃતની સાથે ગુરૂહરિ પપ્પાજીએ કરેલા વચનામૃતના નિરૂપણનું પુસ્તક “પરામૃત” આ બંને પુસ્તક લઈને પોથીયાત્રા કરી હતી. પ.પૂ.તારાબેનની રૂમમાંથી પંચામૃત હૉલમાં ઠાકોરજીને નમન કરી પોથી લઈને પપ્પાજી હૉલમાં પધાર્યાં હતાં. ૧૦૮ જનમંગલ નામાવલિ અને ગુરૂહરિ પપ્પાજીની જનમંગલ નામાવલિનો પાઠ કર્યો હતો. સમૂહમાં વચનામૃતનું વાંચન કર્યું હતું. ત્યારબાદ પ.પૂ.જ્યોતિબેન અને પ.પૂ.દીદીના આશીર્વાદ લીધા હતા. અંતમાં આરતી કરી હતી.

 

*શિક્ષાપત્રી જયંતી

 

આજે શિક્ષાપત્રીનો પણ પ્રાગટ્યદિન છે. એમને પણ ખૂબ સમજપૂર્વક આખાય વિશ્વના મનુષ્ય માત્રને સુખી થવાનો રાહ આ શિક્ષાપત્રી દ્વારા બતાવ્યો. એમનાં જ પ્રત્યક્ષ સ્વરૂપો દ્વારા વર્તમાન સમયમાં પણ આધુનિક રીતે જીવવાની મર્યાદારૂપ આચાર સંહિતા આપી છે તો પ્રત્યક્ષની પ્રસન્નતાર્થે એમના ગમતામાં જીવન જીવી સુખિયા થઈએ. 

 

શિક્ષાપત્રી જયંતી નિમિત્તે રાત્રે ૮.૪૫ થી ૧૦.૦૦ જ્યોત પપ્પાજી હૉલમાં સભા કરી હતી. 

દરેક ગ્રુપની એક એક બહેન મહારાજના હસ્તાક્ષરની શિક્ષાપત્રી હાથમાં લઈને પંચામૃત હોલમાં શ્રી ઠાકોરજી પાસેથી પપ્પાજી હૉલમાં પધાર્યા. ત્યાં સદ્દગુરૂ સ્વરૂપોએ શિક્ષાપત્રીનું પૂજન કર્યું. ત્યારબાદ પૂ.હંસાબેન ગુણાતીત અને પૂ.શોભનાબેનના આશીર્વાદ લીધા હતા. 

{gallery}images_in_articles//newsletter/2019/Feb/10-02-19 sikshapatri jayanti{/gallery}

 

(૪) તા.૧૪/૨/૧૯ પ.પૂ.તારાબેનના ૬૬મા સ્વરૂપાનુભૂતિદિનની ઉજવણી

 

ગુરૂહરિ પપ્પાજી હંમેશાં કહેતા, અવિભક્ત…પરમાત્મા !

 

પરમાત્માના આત્મા, અવિભક્ત આત્મા, ધામીને ધાર્યા તો યે છૂપાં રહ્યાં.

 

આવા આપણાં તારાબેન માટે અનંતના ઉદ્દગારો…

 

ઋષી પંચમીએ અવતર્યા અનેકને તારવા, પ્રભુની બંસરીએ સૂર વહાવ્યો, ક્યાં છો ? ‘તારા’ જેવો સિતારો, જેણે અનંતને પસંદ કર્યા, તેને અનંતે પસંદ કર્યા. પતિવ્રતાના પ્રતીક ને સાધુતાના સ્વસ્તિક, આસપાસ વિચરતા સહુ મારા, સહુ મોટા, મોટપનો ભાર નહીં, વળી ઉપદેશ નહીં. કેવળ કેવળ તેમનું મૌન બોલ્યું.

 

ખરું ને ! આ શબ્દમાં અનંતનું અનંત ખેરવ્યું…

આવા આપણાં પ.પૂ.તારાબેને આપણને ગ્રહણ કર્યા. અનંત કોટિ કોટિ વંદન હો !

બસ બેડો પા…ર, પા….ર, પા….ર…

 

એવા પરમ ભાગવત સંત સ્વરૂપ પ.પૂ.તારાબેનના ૬૬મા સ્વરૂપાનુભૂતિદિનની ઉજવણી આજે સવારે ૧૦.૦૦ થી ૧૨.૩૦ જ્યોત પપ્પાજી હૉલમાં બહેનો-ભાઈઓની સંયુક્ત સભામાં ખૂબ ભવ્ય રીતે થઈ હતી. 

 

પૂ.રમીબેન તૈલી, પૂ.વજીબેને માહાત્મ્ય દર્શનમાં લાભ આપ્યો હતો. પૂ.પ્રીતિબેન દેસાઈ, પૂ.મંજુબેન ફળદુએ અનુભવ દર્શનમાં લાભ આપ્યો હતો. પ.પૂ.દીદીના આશીર્વાદ લીધા હતા. અંતમાં પ.પૂ.તારાબેન અને ગુરૂહરિ પપ્પાજીના ધ્વનિમુદ્રિત આશીર્વાદ લઈ આજની સભાની પૂર્ણાહુતિ કરી હતી. 

આ સમૈયાનાં વિશેષ દર્શન આપ વેબસાઈટ પર ટૂંક સમયમાં માણી શકશો. તેથી અહીં વિરમું છું. 

{gallery}images_in_articles//newsletter/2019/Feb/14-02-19 P.P.Taraben divine day{/gallery}

 

(૫) પપ્પાજી અક્ષર સ્વરૂપે બુકમાંથી જ્યોતના બોર્ડ પર દરરોજ જે બ્રહ્મસૂત્રો મૂકાય છે

 

તે માણીએ. ગયા અંકમાં આપણે ૧૧ બ્રહ્મસૂત્રો માણ્યાં હતાં. હવે આગળ…

 

(૧૨) તા.૧/૧૨/૮૪ “ખૂંચે ત્યાં = બધું જ પડતું મૂકી સ્વભજન કરવા જ મંડી પડવું.” 

 

(૧૩) તા.૧૩/૧૨/૮૪ “સાક્ષી બની જે થાય તે જોયા કરો. તમારી અક્ષર સમાધિ જવા જ ન 

                        દેવી.”

 

(૧૪) તા.૧૩/૧૨/૮૪ “ખમવું તે જ સાધુતા.”

 

(૧૫) તા.૧૩/૧૨/૮૪ “શુધ્ધ ચૈતન્યબ્રહ્મને ખમવાપણું હોય ?” 

 

(૧૬) તા.૧૩/૧૨/૮૪ “૩-૪ મિનિટમાં પાછા આવે જાય તે જાગ્રત સાધક.”

 

(૧૭) તા.૨૧/૧૨/૮૪ “પળેપળ પ્રભુ તારામાં ખોવાઈ રહેવું.”

 

(૧૮) તા.૨૩/૧૨/૮૪ “આપણે ગુણાતીત સમાજમાં સંપ, સુહ્રદભાવ ને એકતાથી પળેપળ 

                        જીવીએ.”

 

(૧૯) તા.૨૩/૧૨/૮૪ “ગુણાતીત જ્ઞાનનું નવનીત અખંડ અનુસરીએ.”

 

(૨૦) તા.૨૩/૧૨/૮૪ “ગુરૂ ગુણાતીતને સેવી અખંડ પ્રભુનાં દર્શન કર્યા કરીએ.”

 

(૨૧) તા.૨૩/૭/૮૫ “તમારા માનેલા સત્યના માપદંડથી ચાળીને કોઈનુંય મૂલ્યાંકન કરવા 

                      જેવી ભૂલ તમે કદી ય ન કરશો. “

 

(૨૨) તા.૧/૮/૮૫ “હરિઈચ્છા હોય તેમ થવા દો.”

 

(૨૩) તા.૧/૮/૮૫ “પ્રથમ પ્રભુ પછી પગલું. તેની ભક્તિરૂપ છે ? તો જ વિચાર, વાણી, વર્તન 

                     થાય.”

 

(૨૪) તા.૧૩/૨/૮૫ “પ્રાપ્તિનો કેફ રાખ્યા કરે તે જ સાધનાની પૂર્ણાહુતિ.”

 

(૨૫) તા.૨૯/૩/૮૬ “ઉત્તમ ભક્ત હોય તે સૌમાંથી સારું જ ગ્રહણ કરે.”

 

(૨૬) તા.૨૯/૩/૮૬ “ઉત્તમ ભક્ત હોય તે સૌમાંથી ગુણ જ ગ્રહણ કરે.”

 

(૨૭) તા.૨૯/૩/૮૬ “ઉત્તમ ભક્ત હોય તે પ્રભુમય જ રહે.”

 

(૨૮) તા.૨૯/૩/૮૬ “ભગવાનને વર્ણીય થવું છે.”

 

(૨૯) તા.૨૯/૩/૮૬ “ભગવાનની ર્દષ્ટિ આપણાં તરફ હોય તે જરૂરી છે જ.”

 

(૩૦) તા.૨૯/૩/૮૬ “સંબંધવાળા સહુનો ગુણ જ લે તો તેની દ્રષ્ટિ નિરંતર આપણાં ઉપર 

                              રહે.”

{gallery}images_in_articles//newsletter/2019/Feb/10-02-19 Vachnamrut Jayanti{/gallery}

 

આમ, પ.પૂ.કાકાશ્રી સાક્ષાત્કારદિન, પ.પૂ.તારાબેન સાક્ષાત્કારદિન, વસંત પંચમી, શ્રી શાસ્ત્રીજી મહારાજ જયંતી, શિક્ષાપત્રી જયંતી જેવા ઉત્સવો લઈને આવેલું આ પખવાડીયું ખૂબ ભક્તિ સભર બ્રહ્માનંદ સાથે પસાર થયું હતું. 

 

અત્રે સર્વે સ્વરૂપોની તબિયત સરસ છે. અત્રેના સર્વે સ્વરૂપો મુક્તો વતી આપ સર્વને અંતરના ભાવભર્યા જય સ્વામિનારાયણ ! રાજી રહેશો. !

એ જ જ્યોત સેવક P.71ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ !