16 to 30 Jun 2018 – Newsletter

સ્વામિશ્રીજી

 

ગુરૂહરિપપ્પાજીનીજય

 

કાકાજીપપ્પાજીબંધુબેલડીશતાબ્દીમહોત્સવનીજય

 

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો ! જય સ્વામિનારાયણ !

 

આજે અહીં આપણે તા.૧૬ થી ૩૦ દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું.

 

(૧) તા.૨૪/૬/૧૮ ‘પ્રાણેશ’ મકાનની વાસ્તુ મહાપૂજા

 

પપ્પાજી તીર્થ સ્થાને છેલ્લા ૨૦ વર્ષથી જોગી દીક્ષિત સંતો સાધુતા, સરળતા, સાદગીભર્યું જીવન ગુરૂહરિ પપ્પાજીના વચને જીવી રહ્યા

છે. સૌમાં નિરપેક્ષભાવે સંબંધ જોઈ સેવા કરી ગુરૂહરિ પપ્પાજીનું શોભાડે છે. આવા પ્રાસાદિક સંતો માટે નૂતન સંત નિવાસ બનાવવાનું આયોજન થયું. જે સેવાનું બીડું લંડન ગુણાતીત મિશનના પ્રમુખ પૂ.દિલીપભાઈએ ઝડપી લઈ ગુરૂહરિ પપ્પાજીના કાર્યને બિરદાવ્યું. જ્યોત સંબંધિત ઘણા મુક્તોએ તેમાં સેવાની તક મેળવી ધન્યતા અનુભવી. 

 

તા.૨૪/૬/૧૮ ના સાંજે ૪.૦૦ વાગ્યે ગુણાતીત સમાજ સંબંધિત કેન્દ્રોના સંતો અને મુક્તો આ મહાપૂજામાં લાભ લેવા પધાર્યા હતા.

 

– સાંકરદાથી પ.પૂ.અક્ષરવિહારી સ્વામીજી અને સંતો-ભક્તો

 

– હરિધામથી પૂ.શાસ્ત્રી સ્વામી સંતો અને ભક્તો

 

– બ્રહ્મજ્યોતિથી પૂ.રતિકાકા અને બ્રહ્મજ્યોતિ પરિવારના મુક્તો

 

– કંથારિયાથી પૂ.વિજ્ઞાન સ્વામી અને સંતો-મુક્તો 

 

– જ્યોત સંબંધિત મંડળો મુંબઈથી માણાવદર સુધીના દરેક કેન્દ્રોના મુક્તો પધાર્યા હતા.

 

– સર્વ કેન્દ્રોમાંથી ગુણાતીત પ્રકાશના ભાઈઓ પધાર્યા હતા.

 

– આણંદ-વિદ્યાનગરના મુક્તો પણ પધાર્યા હતા.

 

– મોગરી-ગાના ગામના અગ્રણીઓ તથા સરપંચશ્રી પણ તેમના સભ્યોને લઈને પધાર્યા હતા.

 

– પ્રાણેશ મકાનના વિધ વિધ એજન્સીઓના ભાઈઓ પણ પધાર્યા હતાં.

 

સાંજે ૪.૪૫ વાગ્યે પૂ.આચાર્ય સ્વામી અને પૂ.ધરમ સ્વામીએ ‘પ્રાણેશ’ મકાનના મુખ્ય દ્વારનું અનાવરણ કર્યું. જયનાદ, જયઘોષ સાથે આનંદિત અંતરે સૌનો પ્રવેશ થયો. ૫.૦૦ વાગ્યે પૂ.ઈલેશભાઈ અને ભાઇઓએ ગુરૂહરિ પપ્પાજી અને સર્વે સ્વરૂપોનું આવાહ્નન કરી પ્રત્યક્ષ કર્યા અને  મહાપૂજાનો પ્રારંભ કર્યો. 

 

દરેક કેન્દ્રોના સ્વરૂપોના સ્વાગત પુષ્પાર્પણ થયાં. પ.પૂ.અક્ષરવિહારી સ્વામીજી, પૂ.રતિકાકા, પૂ.આચાર્ય સ્વામી, પૂ.વિજ્ઞાન સ્વામી અને પૂ.દિલીપભાઈ ભોજાણી. આ સર્વે સ્વરૂપોએ આશિષ બુંદ વરસાવી સહુને ધન્ય કર્યા. મહાપૂજામાં ખૂબ સરસ સંકલ્પ કર્યો તે જોઈએ.

 

પપ્પાજી તીર્થમાં પ્રાણેશ મકાનના વાસ્તુપૂજા પ્રસંગે મહાપૂજામાં કરવાનો સંકલ્પ

હે મહારાજ ! હે સ્વામી ! હે ગુરૂહરિ પપ્પાજી મહારાજ ! હે ગુરૂહરિ કાકાજી મહારાજ ! હે પ્રત્યક્ષ ગુણાતીત સ્વરૂપો !

 

આજે સંવત ૨૦૭૪, જેઠ સુદ બારશ, તા.૨૪/૬/૧૮ના રવિવારના મંગલદિને પપ્પાજી તીર્થમાં ‘પ્રાણેશ’ સંતોના નિવાસ સ્થાનની વાસ્તુ મહાપૂજા આપ સૌ સ્વરૂપોની દિવ્ય સંનિધિમાં કરી રહ્યા છીએ. ગુરૂહરિ પ.પૂ.પપ્પાજી મહારાજ શાશ્વત સાંનિધ્યનું આ મહાપ્રસાદી સ્થાન ‘પપ્પાજી તીર્થ’ જ્યાં અનેક જીવો, અનેક મુમુક્ષુઓ, અનેક ચૈતન્યો અંતરની શાંતિ પ્રાપ્ત કરે છે. દિવ્યતા અનુભવે છે. આ પુણ્ય ભૂમિએ અનેક સમૈયા-ઉત્સવો યોજાયા છે. યોગીજીમહારાજના પ્રસાદીરૂપ એવા સંતોના રખોપા, જતન અને માવજત મળ્યા છે. એવી આ તીર્થભૂમિએ આ ‘પ્રાણેશ’ મકાનમાં આપ સદાય, નિરંતર નિવાસ કરીને રહેજો. આખાય સંકુલ અને સહુનીય ખૂબ રક્ષા કરજો. આ સ્થાનમાંથી આપના કાર્યની દિવ્ય સૌરભ અને દિવ્ય પ્રકાશ અમારા વિચાર, વાણી અને વર્તનથી પ્રસરે. અમે સૌ હળીમળીને આપનું ખૂબ ખૂબ શોભાડીએ. એવું જીવવાની સભાનતા સદાય રહે એવી કૃપા કરજો. 

 

ગુરૂહરિ પપ્પાજી મહારાજનો જે સંકલ્પ છે કે અમે સહુ એકાંતિક ધર્મ સિધ્ધ કરીએ ને પપ્પાજી મહારાજને પરમ ભાગવત સંત બનાવવા છે. એવા અમે સહુ સંતો, ભાઈઓ, ગૃહસ્થ મુક્ત સમાજ બની જઈએ. એવી કૃપા આજના શુભ મંગલ પ્રસંગે અમ પર વરસાવી આશીર્વાદ અર્પો એ જ અમારા સહુની અંતરની અભિપ્સા છે. 

મહાપૂજા, દર્શન, આશિષ વિધિ પૂરી થયા બાદ પપ્પાજી તીર્થની P લોનમાં સહુએ મહાપ્રસાદ લીધો. લગભગ રાત્રે ૧૦.૦૦ વાગ્યે સહુ આ સ્મૃતિનું ભાથું સાથે લઈ વિસર્જીત થયા. 

{gallery}images_in_articles/newsletter/2018/Jun/24-06-18 Pappaji Tirth pranesh mahapooja{/gallery}

 

(૨) તા.૨૬/૬/૧૮ પપ્પાજી સ્વરૂપ પ.પૂ.જસુબેન શરણમ્ પર્વ નિમિત્તે મહાપૂજા

 

ગુરૂહરિ પપ્પાજી હંમેશા કહેતાં, કરોડ કામ મૂકીને આ મહાપૂજા સહેલું અને સરળ સાધન છે. ગુરૂહરિ પપ્પાજીએ એને નિઃસ્વાર્થ મહાપૂજા કહી. એ પપ્પાજીનું વચન પ.પૂ.જસુબેને ખૂબ મહિમાથી પોતાના આશ્રિત ભક્તો પાસે પળાવી આજ સહજ બનાવ્યું. 

 

એવા જશુબેન સ્વરૂપો ૧૨૦ ગૃહસ્થ ભાભીઓ આજે મહાપૂજા કરવા પધાર્યાં હતાં. સંત બહેનો પૂ.કલ્પુબેન દવે, પૂ.નેહાબેન પટેલ અને પૂ.પલ્લવીબેને મહાપૂજા કરાવી હતી. પ.પૂ.જશુબેને સીંચન કરેલા જ્યોતના ઝબક સ્વરૂપોએ ખૂબ જ મહિમાથી આ આયોજન કરી હાં હાં ગડથલ કરી હતી. મહાપૂજામાં લાભ લેવા પધારેલ ભાભીઓ અને આવા ભક્તિના કાર્યક્ર્મનું આયોજન કરનાર સ્વરૂપોને કોટિ કોટિ વંદન !

 

પ.પૂ.જસુબેન એટલે સંબંધ, મહિમા, સેવા, જળ, મહાપૂજા, સ્વાધ્યાય, ભાગ્યના ભેરૂ. એવા પ.પૂ.જશુબેનને ‘શરણમ્ પર્વે’ પ્રાર્થીએ. ‘સદા સર્વદા સર્વનુ’  મંગલ કરો.

{gallery}images_in_articles//newsletter/2018/Jun/26-06-18 P.Pjasuben sarnam parva mahapooja{/gallery}

 

(૩) જ્યોતમાં રોજ મંગલદર્શનની સભા 

 

તેમાં રોજ જુદા જુદા સ્વરૂપોની વારી હોય છે. 

તા.૧૯/૬ના રોજ પૂ.મધુબેન સી. એ કથાવાર્તામાં એક વાર્તા કરી હતી તે જોઈએ.

આપણા બળે ખરેખર કાંઈ થાય તેવું નથી. ભગવાનનું બળ લઈએ તો પળેપળ સાથે રહેશે.

 

એક વખત એક ગામના હરિભક્તો સંઘ લઈને મહારાજના દર્શને જતા હતાં. રસ્તામાં આરામ કરવા ઉભા રહ્યા. તે ગામના પટેલે પૂછ્યું કે, ક્યાં જાવ છો ? તો કહે, ગઢડે મહારાજના દર્શન કરવા જઈએ છીએ ? તો આ પટેલે ૧૦ રૂપિયા આપ્યા અને કહ્યું, આ શ્રીજી મહારાજને આપજો. મહારાજે આ ૧૦ રૂપિયા ઘણા વર્ષો સુધી સાચવી રાખ્યા. પછી એ પટેલને ધંધામાં ખોટ ગઈ તેથી આપઘાત કરવા જતા’તા. ત્યાં શ્રીજીમહારાજ એક શેઠનું રૂપ લઈને આવ્યા, પટેલને બૂમ પાડી. પટેલ રામ રામ ! તમે શું કરવા આવ્યા છો ? પટેલ કહે ધંધામાં ખોટ ગઈ છે. તેથી આપઘાત કરવા આવ્યો છું ! શ્રીજી મહારાજ કહે, તમારા દસ લાખ રૂપિયા મારી પાસે છે. પટેલ કહે, કેવી રીતે ? મહારાજ કહે, તમે જે ૧૦ રૂપિયા આપ્યા હતાં. તેનું વ્યાજ દસ લાખ રૂપિયા થાય છે, તે લઈ લો અને દેવું ચૂકવી દો. 

ભગવાન પાસે અગાધ શકિત છે. તેનો ઉપયોગ કરીએ. ભગવાન આપણું લઈને બેસી નથી રહેતા. આપણને અનંતગણું કરીને આપે છે. 

 

(૪) ગુણાતીત જ્યોતનું ગૌરવ

20180614 135020 (1) 

૧૪મી જૂન વિશ્વ બ્લડ ડોનર ડે (World Blood Donar Day) તરીકે ઉજવાય છે. દર વર્ષે જુદા જુદા હેતુથી તેની ઉજવણી થાય છે. ખાસ તો સોસાયટીમાં રક્તદાન કરવાની જાગ્રતતા આવે કે તે દાનથી દર્દીને જીવતદાન મળે છે. 

 

આ વર્ષનો હેતુ હતો કે, “બી ધેર ફોર સમવન એલ્સ” લોહી આપો. “શેર લાઈફ” ઈન્ડિયન સોસાયટી ઓફ બ્લડ ટ્રાન્સફ્યુઝન ઈમ્યુનોહીમેટોલોજી – ગુજરાત ચેપ્ટરે રાજ્ય લેવલે ગુરૂવાર ૧૪ જૂન ૨૦૧૮ના દિવસે એક આયોજન કર્યું હતું. “વુમન એનપાવરમેન્ટ” જેમાં આપણા ગુણાતીત જ્યોતના પૂ.ડૉ.મેનકાબેન શાહ છેલ્લા ૪ વર્ષથી આવા કેમ્પનું આયોજન કરી રહ્યાં છે. તેમને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યાં હતાં. 

 

ગુણાતીત જ્યોત ખાતે છેલ્લા ચાર વર્ષથી રક્તદાન શિબીરનું આયોજન કરીને ૨૪૬ યુનિટ રક્તનું એકત્રિકરણ કર્યું છે. 

આપણા સૌ માટે આ ગૌરવની વાત છે કે ગુણાતીત જ્યોતના યોગદાન બદલ રાજ્ય કક્ષાએ આપણને સન્માનિત કરવામાં આવ્યા.

ગુરૂહરિ પપ્પાજી મહારાજને ખૂબ ખૂબ ધન્યવાદ !

 

આમ, આ પખવાડીયું ભક્તિ સાથે આનંદમય પસાર થયું હતું. અત્રે સર્વે સ્વરૂપોની તબિયત સરસ છે. અત્રેના સર્વે સ્વરૂપો મુક્તો વતી આપ સર્વને ભાવભર્યા જય સ્વામિનારાયણ. રાજી રહેશો. 

 

એ જ જ્યોત સેવક P.71 ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ !