01 to 15 Jun 2019 – Newsletter

સ્વામિશ્રીજી

 

ગુરૂહરિ પપ્પાજીની જય

 

વચનામૃત દ્વિશતાબ્દી પર્વની જય

 

ગુરૂહરિપપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો!

 

જયસ્વામિનારાયણ !

 

અહીં આપણે તા. ૧ થી ૧૫ જૂન દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ખૂબ ભવ્ય અને દિવ્ય રીતે ઉજવાયેલ સભા સમૈયાની સ્મૃતિ માણીશું. 

 

(૧) તા.૧/૬/૧૯ પ.પૂ.દીદી સ્વરૂપાનુભૂતિદિન

 

આજે સવારે ૯.૦૦ થી ૧૨.૩૦ જ્યોત પપ્પાજી હૉલમાં પ.પૂ.દીદીના સ્વરૂપાનુભૂતિદિનની ઉજવણી ખૂબ ભવ્ય રીતે જ્યોત પપ્પાજી

હૉલમાં બહેનો-ભાઈઓની સભામાં થઈ હતી.

{gallery}images_in_articles//newsletter/2019/June/01-06-19 P.P.DIDI SWARUPANUBHUTIDIN{/gallery}

 

રાત્રે રાબેતા મુજબની કીર્તન આરાધના જ્યોત પપ્પાજી હૉલમાં કરી હતી. પહેલાં બહેનોએ ભજનો ગાયા હતાં. ત્યારબાદ ભાઈઓએ ભજનની રમઝટ બોલાવી સહુને ભક્તિરસમાં લીન કર્યા હતાં. શિબિરાર્થી ભાઈઓ અને બહેનોએ પણ હાજર રહી ભજનોનો આનંદ માણ્યો હતો. 

 

આ બંને સભાના લાઈવ દર્શન આપે વેબસાઈટ પર માણ્યા હશે. હજુ પણ માણી શકશો. તેથી અહીં વિરમું છું.

{gallery}images_in_articles//newsletter/2019/June/01-06-19 KIRTAN AARDHNA{/gallery}

 

(૨) તા.૨/૬/૧૯ ગુરૂહરિ પપ્પાજીનો ૬૭મો સાક્ષાત્કાર દિન તથા ગુણાતીત જ્યોતનો ૫૯મો સ્થાપનાદિન

 

આજે ગુરૂહરિ પપ્પાજીનો સાક્ષાત્કાર દિન અને ગુણાતીત જ્યોતના સ્થાપના દિનની ઉજવણી સવારે ૯.૦૦ થી ૧૨.૩૦ જ્યોત પપ્પાજી હૉલમાં બહેનો-ભાઈઓની સભામાં ખૂબ ભવ્ય રીતે થઈ હતી. 

 

આજે ગુરૂહરિ પપ્પાજીનું સ્વાગત વિશેષ રીતે કર્યું હતું. ગુરૂહરિ પપ્પાજી ખુલ્લી ગાડીમાં બિરાજમાન થયા હતા. ઢોલ-નગારાં વગાડીને તો આપણે ઘણી વખત સ્વાગત કર્યું છે. પણ આ વખતે પ.પૂ.દીદીની ઈચ્છા, એમની રૂચિ અનુસાર આપણે પપ્પાજીને આપણા દેહભાવ મૂકી સત્કારીએ એ પ્રમાણે એમણે સ્વાગતનું ભજન પસંદ કર્યું. “સત્કારૂં પ્રભુ દેહભાવ મૂકી…” અને એ ભજન પ્રમાણે આગળ એક યુવતી નૃત્ય કરતાં કરતાં ગુરૂહરિ પપ્પાજીની ગાડીને સારથીઓ સભાખંડના સ્ટેજ સુધી લઈ આવ્યા હતા. અને ત્યારબાદ ગુરૂહરિ પપ્પાજીને એમના આસને બિરાજમાન કર્યા હતાં.

 

સ્વાગતભાવ અર્પણ થયા બાદ આજની સભામાં પહેલાં શિબિરમાં પધારેલ યુવકોમાંથી પૂ.ચિન્મયભાઈ, પૂ.ક્રીશ કુમાર, પૂ.ધૈર્ય શાહ અને યુવતીઓમાંથી પૂ. પ્રિયંકાબેન, પૂ.ત્વીષાબેન, પૂ.નેહલબેન (મહેસાણા) એ અનુભવ દર્શનમાં લાભ આપ્યો હતો. ત્યારબાદ બહેનો અને ભાઈઓની વારી લીધી હતી. વચનામૃત દ્વિશતાબ્દી વર્ષ નિમિત્તે આજની સભામાં બધાને વચનામૃત આપેલાં તે ઉપર લાભ આપવાનો હતો.  

 

પૂ.માયાબેન ગુરૂહરિ પપ્પાજીના માહાત્મ્યગાનમાં લાભ આપ્યો હતો. 

પૂ.વિરેનભાઈએ પ્ર.૩૭ વચનામૃત, પૂ.પિયૂષભાઈએ મ.૨૮ વચનામૃત, પૂ.હેમંતભાઈ મોદીએ મ.૯ વચનામૃતમાંથી લાભ આપ્યો સાથે સાથે એ વચનામૃતને અનુરૂપ ગુરૂહરિ પપ્પાજીની સ્મૃતિ અને ગુરૂહરિ પપ્પાજીએ એ વચનામૃતમાંથી જે પરાવાણી વહાવી હોય તે પણ પ્રવચનમાં આવરી લીધી હતી. 

 

બહેનોમાંથી  પૂ.ડૉ.ભાવનાબેન શેઠે પ્ર.૨૭ વચનામૃતમાંથી લાભ આપ્યો હતો. સ્વરૂપોના અને ગુરૂહરિ પપ્પાજીના ધ્વનિ મુદ્રિત આશીર્વાદ લીધા હતા. સભાના અંતમાં સ્વાગતમાં થયેલ નૃત્ય ફરી સ્ટેજ પર પૂ.ક્ષમાબેન કાછીયાએ કર્યું હતું. અને સભાની પૂર્ણાહુતિ કરી હતી.

 

આમ, આજની સભા જાણે શિબિર સભા થઈ હોય એવું દર્શન થયું. ગુરૂહરિ પપ્પાજી પણ પ્રસન્નથકા આ સભામાં બિરાજમાન હતા એવી અનુભૂતિ પધારનાર દરેક મુક્તને થઈ હતી. 

 

આજની સભાનું શબ્દોમાં વર્ણન કરવું અશક્ય છે. એ સભાના તો નજરોનજર દર્શન કરીએ ત્યારે જ સાચો આનંદ થાય. આપ સર્વે પણ આ સભાનાં દર્શન વેબસાઈટ ઉપર આપની અનુકૂળતાએ માણી શકશો. તેથી અહીં વિરમું છું.

{gallery}images_in_articles//newsletter/2019/June/02-06-19 P.P.PAPPAJI SHAKSHATKAR DIN{/gallery}

 

તા.૨૬/૫/૨૦૧૬ના ન્યુજર્સી, યુ.એસ.એમાં પૂ.વર્ષાબેન દિપકભાઈના ઘરે આ ઉત્સવની ઉજવણી પૂ.ડૉ.વિણાબેનના સાંનિધ્યમાં ભવ્ય રીતે થઈ. બાબાગાડીમાં ગુરૂહરિ પપ્પાજીને બિરાજમાન કરી સ્વાગતયાત્રા કરી. બાલિકાઓએ આ રથ હંકાર્યો. ભજનો ગાતાં બહેનો-ભાઈઓએ યાત્રામાં જોડાયા.

 

ત્યારબાદ ગુરૂહરિ પપ્પાજીને હૉલમાં સ્ટેજ પર બિરાજમાન કર્યા. પૂ.અમીતાબેને આવાહન શ્ર્લોકથી સભાનો પ્રારંભ કર્યો. પૂ.ડૉ.વિણાબેન, પૂ.આભાબેન, પૂ.મનસુખભાઈ, પૂ.દીપકભાઈ, પૂ.વર્ષાબેને પ્રાસંગિક મહિમાગાન કર્યું. પૂ.અરવિંદભાઈ પટેલે આભાર દર્શન કર્યું. ત્યારબાદ ગુરૂહરિ પપ્પાજીના આશિષ માણ્યા. અંતમાં થાળ-આરતી કરી સભાનું સમાપન કર્યું. મહાપ્રસાદ લઈ સૌ સ્મૃતિ સભર થઈ વિસર્જીત થયા. 

 

તા.૯/૬/૧૬ના કેનેડામાં પૂ.ડૉ.વિણાબેન અને બહેનો પૂ.તરૂબેન, પૂ.મહેન્દ્રભાઈ તથા હરિભક્તોએ ગુરૂહરિ પપ્પાજીના સ્વરૂપાનુભૂતિદિનની ઉજવણી કરી. 

 

તા.૧/૬/૨૦૧૯ના લંડનમાં ગુરૂહરિ પપ્પાજી મહારાજના સાક્ષાત્કારદિનની ઉજવણી થઈ. જેમાં ગુરૂહરિ પપ્પાજીના મહિમામાં સૌ ભક્તો તરબોળ થયા અને ગુરૂહરિ પપ્પાજી પરદેશ પધાર્યા હતા તે ધર્મયાત્રાની સ્મૃતિપળો અને અનુભવોને સંકલિત કરી અંગ્રજી પુસ્તક ‘A Divine Providence’ તૈયાર કર્યું હતું. જેનું અનાવરણ પૂ.શિલ્પાબેને પૂ.શોભનાબેન પાસે કરાવ્યું.

 

(૩) તા.૬/૬/૧૯ પ.પૂ.દેવીબેન વિદાય સમારંભ

 

આજે પ.પૂ,દેવીબેન પરદેશની ધર્મયાત્રાએ પધારવાના હતા તે નિમિત્તે તેમના વિદાય સમારંભની સભા જ્યોત પપ્પાજી હૉલમાં સાંજે ૬.૦૦ થી ૭.૦૦ થઈ હતી.

 

પ.પૂ.દેવીબેનનું પૂજન કરી, પુષ્પમાળા અર્પણ કરી અને રક્ષા બાંધી. વંદન ગ્રુપના ગુરૂઓએ પુષ્પભાવ અર્પણ કર્યા. અંતમાં પ.પૂ.દેવીબેને આશીર્વાદ આપતાં કહ્યું કે, આપણે ખરેખર ખૂબ નસીબદાર છીએ. ગુરૂહરિ પપ્પાજી કહેતા કે, આપણા બધા સદ્દગુરૂઓ એક સ્થાનમાં રહે છે એ બહુ જ નસીબની વાત છે. ગુરૂહરિ પપ્પાજીને જે કરાવવું છે તે બધા સદ્દગુરૂઓ હસતાં-રમતાં બધાયને આગળ લઈ જાય છે. હવે ગુરૂહરિ પપ્પાજીની છતી ગજ ગજ ફૂલે છે.

 

ગુરૂહરિ પપ્પાજી પ.પૂ.સોનાબા અને પ.પૂ.બેનને કહેતા કે, આપણે હવે કાખલી કૂટવાની છે. ગુણાતીત સમાજમાં અને આબાલ-વૃધ્ધને ગુરૂહરિ પપ્પાજીએ સુખી કર્યા છે. શ્રીજી મહારાજે કહ્યું છે કે, મારા સત્સંગીને એક વીંછીનું દુઃખ આવવાનું હોય તે મને આવો પણ મારો આશ્રિત બધી રીતે સુખી સુખી થાય. ગુરૂહરિ પપ્પાજી એમના સર્વ આશ્રિતોને સુખીયા રાખે છે. આપણે ગુરૂહરિ પપ્પાજીને સ્વભજનથી રીઝવવા છે. એમની સ્મૃતિમાં રત રહીએ. ગુરૂહરિ પપ્પાજીએ નિર્દોષ પ્રેમ આપણને કર્યો. આપણે બધાએ માણ્યો છે. આપણા બધાનો જન્મ મરણનો ચકરાવો ટાળી નાખ્યો છે. સુખના સાગરમાં મૂકી દીધા. ગુરૂહરિ પપ્પાજીએ આત્મીયતાની ગંગોત્રી વહાવી છે. કોઈને લાચારી નથી રહેવા દીધી. હે ગુરૂહરિ પપ્પાજી ! અમે સંબંધવાળામાં તમને જોતા થઈ જઈએ એવી કૃપા કરજો. આપ સર્વને મારા ભાવભર્યા જય સ્વામિનારાયણ કહી સભાની પૂર્ણાહુતિ કરી હતી. 

 

(૪) તા.૮/૬/૧૯ વચનામૃત દ્વિશતાબ્દી પર્વ નિમિત્તે પૂજા

 

વચનામૃત દ્વિશતાબ્દી વર્ષ નિમિત્તે આજે સવારે ૧૦.૦૦ થી ૧૨.૦૦ જ્યોત પપ્પાજી હૉલમાં પ.પૂ.દેવીબેનના ગ્રુપના બહેનોએ વચનામૃત અને પરામૃત પુસ્તકની પૂજન વિધિમાં લાભ લીધો હતો. પ્રથમ જનમંગલ નામાવલિ બોલી વચનામૃતનું પૂજન કર્યું હતું. અને ત્યારબાદ ગુરૂહરિ પપ્પાજીના મહિમા સ્ત્રોતનું ગાન કરી પરામૃતનું પૂજન કર્યું હતું. અંતમાં આરતી કરી હતી. ત્યારબાદ ગુરૂહરિ પપ્પાજીએ ધ્વનિ મુદ્રિત આશીર્વાદ આપતાં કહ્યું કે, ખરેખર આપણા અક્ષર પુરૂષોત્તમના સત્સંગમાં પ્રપત્તિ યોગ વગર કોઈ યોગ કામ લાગે તેમ નથી. લોક, ભોગ, દેહ ને પક્ષમાંથી પાસ થઈ જવાશે. જ્યારે દેહભાવથી ખાલી કરે ને બ્રહ્મભાવથી ભરાતો જાય. ત્યારે દેહ ને ઈન્દ્રિયો બળવો કરે, તેવે વખતે મિયાંઉ મિયાંઉ કર્યા કરવાનું. પ્રપત્તિયોગ છે તે બરાબર સમજી રાખવું. મન ક્રિયા કર્યા વગર રહી શકતું નથી. તેથી માહાત્મ્યેયુક્ત સેવા, સ્મૃતિ ને સમાગમ કર્યા કરીએ. 

 

(૫) તા.૧૨/૬/૧૯ ભગવાન સ્વામિનારાયણ સ્વધામગમન તિથિ અને પ.પૂ.કાકાશ્રી પ્રાગટ્યદિન

 

આજે જેઠ સુદ-૧૦ ભગવાન સ્વામિનારાયણ સ્વધામ ગમન થયા એ તિથિ અને પ.પૂ.કાકાશ્રીના ૧૦૨મા પ્રાગટ્યદિન નિમિત્તે સવારે ૧૦.૦૦ થી૧૨.૦૦ જ્યોત પપ્પાજી હૉલમાં સભા કરી હતી. સભામાં પ.પૂ.કાકાશ્રીની પરાવાણીના પુસ્તકનું વાંચન કર્યું અને ત્યારબાદ ગુરૂહરિ પપ્પાજીના ધ્વનિ મુદ્રિત આશીર્વાદ લીધા હતા.

 

પ.પૂ.કાકાશ્રીની ગુરૂ તરફની કેવી અપ્રતિમ ભક્તિ, રાંકભાવ. સ્વરૂપમાં લય-લીન થઈને જીવ્યા. આપણે રાંકભાવે પ્રાર્થના કર્યા કરીએ. ગુણાતીત સ્વરૂપને આપણા કોઈ પ્રયત્નથી ઓળખી ના શકાય. જે જેવો માને એવું રીફ્લેક્શન આપે. યથાર્થ સ્વરૂપનિષ્ઠા હશે તો વિષયો જીતવા સહેલા છે. જગતમાં રહ્યા થકા નિર્લેપ રહેવાશે. યોગીજીને ઘણા બધાએ જાણ્યા. પણ સૌથી પહેલો પ.પૂ.કાકાએ ઉદ્દઘોષ કર્યો. જોગીને ઓળખશો તો જ અક્ષરધામમાં જવાશે એવું માહાત્મ્ય રેલાવ્યું. જેના પરિણામે આખો ગુણાતીત સમાજ કિલકિલાટ કરતો આગળ જઈ રહ્યો છે. આપણે શ્રીજીનું માહાત્મ્ય સમજ્યા. યોગીજી મહારાજે સંબંધવાળા મુક્તોનું માહાત્મ્ય સમજાવ્યું. સંબંધવાળામાં આપણા સ્વરૂપને જોતા થઈ જઈએ. અત્યારે આખો સમાજ એવા ભગવદી સંતમાં જોડાયેલો છે. જોગીનો સંકલ્પ છે કે આખો ગુણાતીત સમાજ અક્ષરધામની સમાધિમાં રહેતો થઈ જાય. 

 

(૬) તા.૪/૬/૧૯ પ.પૂ.તારાબેનના ૯૦મા પ્રાગટ્યદિન નિમિત્તે પ્રતીક સભા

 

આજે પ.પૂ.દેવીબેનના ગ્રુપના બહેનોએ સવારે ૧૦.૦૦ થી ૧૨.૦૦ જ્યોત પપ્પાજી હૉલમાં પ.પૂ.તારાબેનના ૯૦મા પ્રાગટ્યદિન નિમિત્તેની પ્રતીક સભામાં લાભ આપ્યો હતો. પ્રથમ પ.પૂ.તારાબેનને હાર અર્પણ કર્યો. ત્યારબાદ ભજન ગાયું અને પ.પૂ.તારાબેનનું પુસ્તક ‘અવિભક્ત આતમ દર્શન’માંથી વાંચન કર્યું. પૂ.જાગૃતિબેન ઠક્કરે પ.પૂ.તારાબેનના માહાત્મ્યગાનમાં લાભ આપ્યો. પ.પૂ.તારાબેન અને ગુરૂહરિ પપ્પાજીના ધ્વનિ મુદ્રિત આશીર્વાદ લઈ આજની સભાની પૂર્ણાહુતિ કરી હતી.

 

આમ, આખું પખવાડીયું ભક્તિ સભર પસાર થયું હતું. અત્રે સર્વે સ્વરૂપોની તબિયત સરસ છે. અત્રેના સર્વે સ્વરૂપો મુક્તો વતી આપ સર્વને અંતરના ભાવભર્યા જય સ્વામિનારાયણ. રાજી રહેશો.

એ જ જ્યોત સેવક P.71ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ !