01 to 15 March 2019 – Newsletter

સ્વામિશ્રીજી

 

ગુરૂહરિપપ્પાજીની જય

 

વચનામૃત દ્વિશતાબ્દીપર્વની જય જય જય

 

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો !

 

જય સ્વામિનારાયણ !

 

અહીં આપણે તા.૧ થી ૧૫ માર્ચ દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું. 

 

(૧) તા.૧/૩/૧૯

 

આજે ૧લી તારીખ નિમિત્તે સવારે ૮.૦૦ થી ૯.૩૦ બહેનો પપ્પાજી તીર્થ પર ધૂન, ભજન, પ્રદક્ષિણા માટે ગયા હતા. અને ગુરૂહરિના ચરણે પોતાના પ્રાર્થનાભાવો ધર્યા હતા. 

 

રાબેતા મુજબની કીર્તન આરાધના રાત્રે ૮.૦૦ થી ૯.૩૦ જ્યોત પપ્પાજી હૉલમાં કરી હતી. પહેલાં પરમ સૂર વૃંદના બહેનોએ ભજનો ગાયા હતાં. ત્યારબાદ ભાઈઓએ ભજનની રમઝટ બોલાવી સહુને ભક્તિરસમાં લીન કર્યા હતા. અંતમાં પૂ.ઈલેશભાઈએ સુહ્રદભાવની ધૂન કરાવી આજની કીર્તન આરાધનાની પૂર્ણાહુતિ કરી હતી. 

 

(૨) તા.૨જી અને ૩જી પ.પૂ.જ્યોતિબેનના સમન્વય પર્વ નિમિત્તે સભા

 

પ.પૂ.જ્યોતિબેનનો સમન્વય પર્વ આપણે તા.૧૬, ૧૭ નવેમ્બરના રોજ ઉજવવાના છીએ. પરંતુ પ્રાગટ્યની ઓરીજીનલ તારીખ ૨જી માર્ચ હોવાથી જ્યોતના બહેનો માટે ગ્રુપવાઈઝ ભાવાર્પણની સભાનું આયોજન કર્યું હતું. તા.૨જી અને તા.૩જીએ બે ટાઈમ સભા સવારે અને સાંજે કરી હતી.

 

પ.પૂ.જ્યોતિબેનની હયાતીમાં જ જ્યોતિબેન પાસે દરેક ગ્રુપની ચિઠ્ઠી ઉપાડી હતી. દરેક ગ્રુપને ગુજરાતી મહિના આપ્યા હતા. એ મહિનામાં આવતા ઉત્સવોની સ્મૃતિ આવરી લઈને દરેક ગ્રુપે આયોજન કરવાનું હતું. દરેક ગ્રુપના એક-એક બહેને પોતાનો ભાવ ઝોળીમાં લઈને પ.પૂ.જ્યોતિબેનની રૂમમાંથી પ્રસ્થાન કરી પપ્પાજી હૉલમાં સ્ટેજ પર ઝોળી મૂકીને તેમાંથી ભાવાર્પણ કરવાનું હતું. દરેક ગ્રુપને ૨૦ મિનિટનો સમય આપ્યો હતો. દરેક ગ્રુપના બહેનોએ હાર, પ્રસાદ, નૃત્ય, સ્મૃતિ પ્રસંગો આવરી લઈને આધ્યાત્મિક રમત રમાડી પોતાના ભાવો ગુરૂહરિ પપ્પાજી અને પ.પૂ.જ્યોતિબેનના ચરણે ધર્યા હતા.

{gallery}images_in_articles//newsletter/2019/March/2 -3 P.P.JYOTIBEN SAMANVAY PARVA SABHA{/gallery}

 

(3) તા.૪/૩/૧૯ પ.પૂ.જ્યોતિબેન પ્રાગટ્યદિન અક્ષરરાત્રિ

 

ગુણલા શું ગાઈએ અનંત અપાર છો…

     

        મહાતમ શું જાણીએ સ્વયંમ્ રસઘન સ્વરૂપ છો.

    

પ્યાસી આ આંતરમનની ભોમમહીં

          

        વરસતી જલતી, જ્યોતની પ્રભુની જ્યોતિ છો.

 

પરમની પરાભક્તિ કાજે, અધરથી વહ્યાં જે વેણ તારાં

       

         એ વચન અમૃતને ઝીલી કરીએ તુજને શાતા

 

ને આપ અર્પો સમગ્ર સમાજને શાતા…

 

હે જ્યોતિબેન ! જ્યોતિની જ્યોત સદાય અમર રહો ! આશિષ અર્પો હે ગુરૂહરિ પપ્પાજી મહારાજ !

એવા પ.પૂ.જ્યોતિબેનના આજે ૮૭મા પ્રાગટ્યપર્વની સભા સવારે ૯.૩૦ થી ૧૨.૦૦ જ્યોત પપ્પાજી હૉલમાં બહેનો ભાઈઓની સંયુક્ત સભામાં ખૂબ ભવ્ય અને દિવ્ય રીતે થઈ હતી.

 

આ સભાનાં દર્શન આપ વેબ સાઈટ પર વિશેષ રીતે માણી શકશો, તેથી અહીં વિરમું છું.

{gallery}images_in_articles//newsletter/2019/March/04-03-19 P.P.JYOTIBEN 86TH BIRTHDAY CELEBRATION SABHA{/gallery}

 

(૪) તા.૭/૩/૧૯ પ.પૂ.કાકાશ્રી સ્મૃતિ પર્વ

 

બ્રહ્મ સ્વરૂપ પ.પૂ.કાકાશ્રીના ૩૩મા સ્મૃતિ પર્વ નિમિત્તે કીર્તન આરાધના જ્યોત પપ્પાજી હૉલમાં બહેનો-ભાઈઓની સંયુક્ત સભામાં રાત્રે ૮.૩૦ થી ૧૦.૦૦ કરી હતી.

 

પહેલાં ભાઈઓએ ભજનો ગાયા હતાં. ત્યારબાદ બહેનોએ ભજનો ગાયા હતાં. અને પછી ગુરૂહરિ કાકાશ્રી મહારાજ અને ગુરૂહરિ પપ્પાજી મહારાજના ધ્વનિમુદ્રિત આશીર્વાદ લીધા હતા. 

 

પહેલાં ગુરૂહરિ કાકાશ્રી મહારાજે આશીર્વાદ આપતાં કહ્યું કે, જોગીની આજ્ઞાથી જંગલમાં મંગલ કર્યું. અમે કરમસદના બે ભાઈઓ વિદ્યાનગરમાં ગુણાતીત સમાજની સ્થાપના કરી.

 

મેં પપ્પાજીને કહ્યું, સ્વર્ગ પૃથ્વી પર લાવવું છે. તો પપ્પાજી કહે, હા આવી જશે. સ્વર્ગ નહીં પણ અક્ષરધામ લાવ્યા. જેવી આત્મબુધ્ધિ દેહમાં છે, તેવી સત્સંગી સાથે કરો. મૈત્રીભાવ રાખો તો આધ્યાત્મિક સમતા આવી જશે. સંજીવની મંત્ર છે… ડરવું નહીં, હઠવું નહીં, નમવું નહીં ને યુધ્ધ કરવું સર્વદા આ લોક ને પરલોકમાં.

 

તો આજે સંતો, બહેનો, યુવકો, ગૃહસ્થો પર એક આધ્યાત્મિક પ્રયોગ કર્યો. અમને કદી અભિમાન ન આવે. અમે નિમિત્ત બનીને કામ કરીએ. દાસના દાસ બનીને જીવીએ. અમે પૂર્ણ નથી પણ મળ્યા છે તે પૂર્ણ છે, સંપૂર્ણ છે. ભગવાન અને સંત અખંડ તમારી રક્ષામાં રહે એ જ પ્રાર્થના ને આશીર્વાદ. 

 

ગુરૂહરિ પપ્પાજી મહારાજે આશીર્વાદ વહાવતાં કહ્યું કે, કાકા અલ્પ સંબંધવાળામાં ખોવાઈ ગયા. આપણે રાંકભાવે પ્રાર્થના કર્યા કરીએ. ગુણાતીત સ્વરૂપને કેવી રીતે ઓળખી શકીએ. તમે જેવા માનો તેવું પ્રતિબિંબ આપે. જોગીની યથાર્થ સ્વરૂપનિષ્ઠા હશે તો જગત એની મેળે ખરી જશે. જગતમાં રહી નિર્લેપ રહેવાશે. જોગી બધાના મનોરથ પ્રમાણે વર્ત્યા. કાકાએ સહુથી પહેલો બુંગીયો ફૂંક્યો. જોગીને ઓળખશો તો જ આધ્યાત્મિક સમતામાં આગળ જવાશે. અત્યારે ગુણાતીત સમાજ કિલકિલાટ કરતો આગળ જાય છે. બા અને કાકા જોગીની મરજી જોઈને વર્ત્યા અને આપણને શીખવાડ્યું. અત્યારે આપણને ગુણાતીત સ્વરૂપો ઓળખાઈ ગયાં છે. શાસ્ત્રીજી મહારાજ, જોગી મહારાજ, કાકાજી, બા એ બહુ ભીડો વેઠ્યો છે. આખો ગુણાતીત સમાજ અક્ષરધામનું સુખ ભોગવતો થઈ જાય એવા આશીર્વાદ.

 

સભાના અંતમાં પ.પૂ.દીદીના આશીર્વાદ લીધા હતા. 

{gallery}images_in_articles//newsletter/2019/March/07-03-19 P.P.KAKAJI SMRUTI PARVA{/gallery}

 

(૫) તા.૧૦/૩/૧૯ પૂ.હંસાબેન ગુણાતીતનો સ્વરૂપાનુભૂતિદિન

 

સવારે ૧૦.૦૦ થી ૧૨.૦૦ જ્યોત પપ્પાજી હૉલમાં પરમ ભાગવત સંત સ્વરૂપ પૂ.હંસાબેન ગુણાતીતના સ્વરૂપાનુભૂતિદિનની ઉજવણી ગુરૂહરિ પપ્પાજી મહારાજ અને સદ્દગુરૂ સ્વરૂપોના સાંનિધ્યે કરી હતી.

 

ગુરૂહરિ પપ્પાજી મહારાજ અને પૂ.હંસાબેનને હાર અને કલગી અર્પણ કરી સ્વાગત કર્યું હતું. પૂ.અનિતાબેન પંચાલ અને પૂ.વનિતાભાભી દુબલે અનુભવ દર્શનમાં લાભ આપ્યો હતો. પૂ.હીનાબેન પનારાએ માહાત્મ્ય દર્શનમાં લાભ આપ્યો હતો. સાધનાના સાથી મિત્ર એવાં પૂ.દયાબેને ખૂબ સરસ માહાત્મ્ય દર્શન કરાવ્યું હતું. પ.પૂ.દીદીએ આશીર્વાદ આપ્યા હતા.

 

ગુરૂહરિ પપ્પાજીએ ધ્વનિ મુદ્રિત આશીર્વાદ આપતાં કહ્યું કે, હંસાબેન જ્યોતિબેનનું કામ કરતાં થઈ ગયાં. અત્યારે એમના ગુણ પામી ગયાં. એકતા એ જ એકાંતિકપણું, વર્તન વાતો કરે. એના આંદોલનો કરોડો માઈલ સુધી જાય. એમની પ્રાર્થનાથી સુખીયા છીએ. એમને ઓશિયાળા ના કરીએ. આજ્ઞા પાળીએ. એમનો સમાગમ કરી લઈએ. સદ્દગુરૂ Aને ઓળખવાના છે. બે ઘડી નવરા હોઈએ તો એમની પાસે ગ્રાહ્ય ર્દષ્ટિ રાખીને બેસીએ. એમનું વચન વાગોળીએ, પાળીએ તો સુખીયા થઈ જઈએ. મન જપયજ્ઞમાં રાખીએ. આજ્ઞામાં સરળતા રાખીશું તો અનુવૃત્તિમાં સહેલું પડશે. પળેપળે સંકલ્પ, ભાવ ને ક્રિયા ભગવાનમાં રહીને કરવાના છે. હરેક પ્રસંગને દિવ્ય માનીએ એવી એમના ર્દષ્ટાદિને પ્રાર્થના. 

{gallery}images_in_articles//newsletter/2019/March/10-03-19 P.P.HANSABEN GUNATIT DIVINE DAY{/gallery}

 

* વચનામૃત દ્વિશતાબ્દી નિમિત્તે સભા

 

સાંજે ૪.૩૦ થી ૭.૦૦ વચનામૃત દ્વિશતાબ્દી નિમિત્તે આજે પ.પૂ.તારાબેનના ગ્રુપના બહેનોએ વચનામૃત અને પરામૃત પુસ્તકની પોથી લઈ પ.પૂ.જ્યોતિબેનની રૂમમાં પાયલાગણ કરી પંચામૃત હૉલમાં પધાર્યા હતા. ત્યાં સ્વરૂપોએ પોથીનું પૂજન કર્યું હતું. ત્યારબાદ મહારાજે આપેલ વચનામૃતનું સ્તવન અને ગુરૂહરિ પપ્પાજીના મહિમાસ્ત્રોતનું ગાન કરી પોથીની પૂજા કરી હતી. ત્યારબાદ આરતી કરી હતી. અંતમાં પ.પૂ.દેવીબેને આશીર્વાદ આપતાં કહ્યું કે, આવું તો દુનિયામાં ક્યાંય નથી જોયું. સ્વામિનારાયણ ભગવાન અને ગુરૂહરિ પપ્પાજી બહુ રાજી થતા હશે. આપણે બહુ નસીબદાર છીએ કે વિધ વિધ આયોજન કરી ભગવાનમાં રાખે છે. શ્રીજી મહારાજ જે જે ગામમાં ગયા, કથાવાર્તા કરી તે સંતોએ લખી લીધી અને આપણને વચનામૃતની ભેટ મળી. ત્યારબાદ પ.પૂ.દીદીએ આશીર્વાદ આપ્યા હતા. 

{gallery}images_in_articles//newsletter/2019/March/VACHNAMRUT SOPAN SABHA{/gallery}

 

(૬) તા.૧૪/૩/૧૯ પરમ ભાગવત સંત સ્વરૂપ પ.પૂ.તારાબેન માહાત્મ્યદર્શન પ્રતીક સભા

 

પ.પૂ.તારાબેનનો ૯૦મો પ્રાગટ્યપર્વ ‘દિવ્યતા પર્વ’ આપણે ફેબ્રુઆરી ૨૦૨૦માં ઉજવવાના છીએ. પણ તેમના પ્રાગટ્યની તારીખ ૧૪ની સ્મૃતિ સાથે દર મહિનાની ૧૪મી તારીખે સદ્દગુરૂના ગ્રુપવાઈઝ આયોજન કરી સભા રાખી છે.

 

આજે પ.પૂ.બેનના ગ્રુપના બહેનોએ સવારે ૧૦.૩૦ થી ૧૨.૦૦ જ્યોત પપ્પાજી હૉલમાં પ.પૂ.તારાબેનના માહાત્મ્યદર્શનની સભા કરી હતી.

 

સહુ પ્રથમ ગુરૂહરિ પપ્પાજી અને પ.પૂ.તારાબેનને હાર અર્પણ કરી સ્વાગત કર્યું. “આ સાધુતાની મૂર્તિ નિર્દોષ લાગે છે….” એ ભજન ગાયું.

 

ત્યારબાદ પૂ.નીમુબેન સાકરીયા અને પૂ.મલ્લિકાબેને પ.પૂ.તારાબેનના માહાત્મ્યગાનમાં લાભ આપ્યો. પૂ.પુષ્પાબેન બીલીમોરાએ “અવિભક્ત આતમદર્શન” પુસ્તકનું વાંચન કરી અનુભવ દર્શન કરાવ્યું. ગુરૂહરિ પપ્પાજી અને પ.પૂ.તારાબેનના ધ્વનિમુદ્રિત આશીર્વાદ લીધા.

 

પ.પૂ.તારાબેને આશીર્વાદ આપતાં કહ્યું કે, આત્મનિષ્ઠા કેવી રીતે આવે ? મૂળ પાયો મજબૂત હોય તો આપણું ધ્યાન ૨૪ કલાક ગુરૂહરિ પપ્પાજી તરફ જ હોય. એનામાં રહેવાનો પ્રયત્ન કરીએ. ૧૯૫૨માં મેં કેવી હાક મારી તે મને ખબર નથી. જોગીબાપાને સંભારતી’તી. બાપા ! મારે ભજવા છે. તમને તો ખબર છે ને ! મારી હાં હાં ગડથલ ગુરૂહરિ પપ્પાજીએ સાંભળી. અને આફ્રિકાથી ભારત પધાર્યા. મને જોઈ ? એટલે શું ? મારા ચૈતન્યને જોયું, કોઈ લાયકાત નહીં. ગુરૂહરિ પપ્પાજીને ઉપરનું કાંઈ દેખાતું નથી. આપણા ચૈતન્યમાં અનલકણ અડાડે છે. અને એમનું ચિંતવન થવા માંડે છે. અંદરથી ગુરૂહરિ પપ્પાજી ગમવા માંડે છે. પૂર્વેના હોઈશું તો આપણને અહીં લઈ આવ્યા. હે ગુરૂહરિ પપ્પાજી ! તમે કેટલો સરસ જોગ આપ્યો. હવે મારી નજર ૨૪ કલાક તમારી તરફ જ રહે. 

 

અંતમાં પ.પૂ.દીદીના આશીર્વાદ લઈ સભાની પૂર્ણાહુતિ કરી હતી.

 

(૭) ‘પપ્પાજી અક્ષર સ્વરૂપે’

 

બુકમાંથી જ્યોતના બોર્ડ પર દરરોજ જે બ્રહ્મસૂત્રો મૂકાય છે તે માણીએ. ગયા અંકમાં આપણે ૪૫ બ્રહ્મસૂત્રો માણ્યાં હતાં. હવે આગળ…

 

(૪૬) અક્ષરધામનો કાયદો એટલે સંબંધવાળાને પ્રગતિ કરતું ચૈતન્ય માની સ્વધર્મેયુક્ત સેવા 

      

          કરી લઈ, તન-મનને નિર્દોષ બનાવીએ. 

 

(૪૭) બધા જ સંબંધવાળા પ્રગતિ કરતાં ચૈતન્ય બ્રહ્મનિયંત્રીત પ્રગતિ કરતાં, ચૈતન્ય જે 

      

         માનવા ન દે તે માન્યતાને પ્રત્યક્ષ પ્રભુને અર્પણ કરી દઈ સુખિયા રહીએ. 

 

(૪૮) સ્વામીની પ્રકરણ ૪થાની ૧૪૦મી વાત જીવન બનાવવું. જેથી મન આનંદમાં રહે. તેવું 

       

         જીવવાનું બળ મળે તેવી પ્રાર્થના ને આશીર્વાદ.

 

(૪૯) અમે સંબંધવાળાને કેવળ સંબંધ જોઈ અમારા ગુરૂ જેવા જ દિવ્યભાવે જોઈ વ્યવહાર 

      

         કરીશું.

 

(૫૦) ગુરૂની પ્રસન્નતા કે હાશ, ખરો આ ! તેવી હાશ ગુરૂના અંતરથી સહજ નીકળી જાય તો 

       

         શિષ્ય ગુણાતીતભાવને પામી જાય.

 

(૫૧) ગુરૂમાં તમે ખોવાઈ જાવ. તેને તમારો ભરોસો આવી જાય. તેને કદી ઓશિયાળા ન કરો 

      

        તમે થાવ.

 

(૫૨) મારે જ નિર્દોષ થવાનું બાકી છે, બધા જ નિર્દોષ જ છે. 

 

(૫૩) બધા જ સ્વધર્મેયુક્ત વરતે જ છે. મારે વર્તવાનું બાકી છે. 

 

(૫૪) સામો આપણને સમજે તેવો આગ્રહ રાખ્યા કરતાં, આપણે તેને સમજવા પ્રયત્ન કરીએ.

 

(૫૫) સંગ-કુસંગ ઓળખીએ, જેથી દેશકાળ લાગે જ નહીં.

 

(૫૬) ઘસારાની વાત નીકળે ત્યારથી ભાગી છૂટીએ ખૂબ જાગ્રતતા રાખી આ વચન પાળીએ, 

       

        જેથી આત્માની તંદુરસ્તી જળવાય.

 

(૫૭) આ દેહ રહે ત્યાં સુધીનો હવે હીજાને માથું નહીં જ નમે. તું જ સર્વોપરી મારો સહજાનંદ.

 

(૫૮) તું દિવ્ય ને તારા બધા જ દિવ્ય, માહાત્મ્યરૂપી જળમાં જ જીવું. તે ન હોય ત્યાં તરફડું.

 

(૫૯) પ્રભુ મલ્યા ! તેનું દર્શન લય થઈને ફરી વાગોળ્યા કરો. 

 

(૬૦) સુખી રહેવા માટે આપણા મનને, સંજોગોને ઍડજસ્ટ થઈ જવાની ટેવ પાડીએ. 

 

આમ, પ.પૂ.કાકાજીનો સ્મૃતિ પર્વ લઈને આવેલું આ પખવાડીયું ખૂબ ભક્તિસભર પસાર થયું હતું. પ.પૂ.કાકાજીની વાત યાદ આવી જાય. બંને ત્રગડા પ્રભુની સમક્ષ. ૩૬ની જેમ નહીં. આંતર-બાહ્ય કેવળ મહારાજની જ મરજી. કાકાજી હંમેશાં કહેતા, કંઈક પ્રસંગ બને તો પાંચ બંબાવાળાને બોલાવવા. ગુરૂહરિ પપ્પાજી પણ કહેતા, ૧૧ સદ્દગુરૂને સંભારો. મંત્ર જેવું જ કામ કરશે. પ.પૂ.દીદીએ પણ આવી જ વાત કરી કે, તારા થઈ તારી રીતે, તારું કાર્ય કરવું છે. તો આવી સ્થિતિ કરવા, ગુરૂના વચન પ્રમાણે જીવશું તો થશે. તો હે કાકાજી! હે પપ્પાજી ! હે બા ! હે બેન ! આશિષ અર્પો પ્રભુના અભિપ્રાયની ભક્તિ, ગુરૂમુખી જીવવા બળ અર્પો એ જ તમારા ચરણોમાં પ્રાર્થના.

 

અત્રે સર્વે સ્વરૂપોની તબિયત સરસ છે. અત્રેના સર્વે સ્વરૂપો મુક્તો વતી આપ સર્વને અંતરના ભાવભર્યા જય સ્વામિનારાયણ. રાજી રહેશો.

 

એ જ જ્યોત સેવક P.71 ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ !