16 to 31 Mar 2019 – Newsletter

સ્વામિશ્રીજી

 

ગુરૂહરિપપ્પાજીનીજય

 

વચનામૃત દ્વિશતાબ્દી પર્વની જય

 

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો !

 

જય સ્વામિનારાયણ !

 

અહીં આપણે તા.૧૬ થી ૩૧ માર્ચ દરમ્યાન જ્યોત તથા જ્યોત શાખામાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું.

 

(૧) તા.૧૭/૩/૧૯ રવિવાર

 

જ્યોતમાં રોજ સવારે ૧૦.૩૦ થી ૧૨.૦૦ પપ્પાજી હૉલમાં બહેનોની મંગલ દર્શનની સભા થાય છે.  આજની સભામાં સહુ પ્રથમ ગુરૂહરિ

પપ્પાજીના ધ્વનિ મુદ્રિત આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ પૂ.તરૂબેને લાભ આપ્યો હતો. તેમણે લાભ આપતાં કહ્યું કે, એક ગુરૂહરિ પપ્પાજી તરફ જ લક્ષ રાખીએ. એક વખત ગુરૂહરિ પપ્પાજીને પૂછ્યું કે, પપ્પાજી ! તમને શું ગમે ? તો કહે, વફાદારી. ગુરૂહરિ પપ્પાજીએ આપણને એ જીવી બતાવ્યું. પોતાના વર્તનથી આપણને શીખવ્યું છે. આ ઉપર તેમણે એક વાર્તા કરી હતી તે જોઈએ. 

 

એક છોકરો હતો. તેના પિતા નહોતા. તે અને તેની મા એક ઝૂંપડીમાં રહેતા હતા. લાકડાં વેચીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. એક વખત તેની મા બિમાર પડી. એના દીકરાને કહે, હવે હું નહીં રહું. પણ મારા બે વચન પાળજે. જે કંઈ છે તે વેંચીને અંતિમ વિધિ પતાવજે, અને નોકરીએ લાગી જજે. તને જે કંઈ નોકરી મળે ત્યાં વફાદાર રહેજે, ભગવાનને સંભારજે અને મૌન રહીને બધું કરજે. છોકરો નોકરીની શોધમાં નીકળ્યો. થાક્યો એટલે એક ઘરના ઓટલે બેસીને ભગવાનને પ્રાર્થના કરતો’તો. જ્યાં ઓટલે બેઠો’તો તે ઘરનું બારણું ખુલ્યું. શેઠ કહે, અલ્યા! કેમ અહીં બેઠો છું? તો કહે, શેઠજી ! મારે નોકરી જોઈએ છે. તમે જે કહેશો તે કરીશ. મારે ફક્ત બે ટાઈમ જમવાનું જોઈશે. શેઠ રોજ તેને વઢે. તે શેઠની છોકરી જોયા કરતી’તી. છોકરી નહાવા જાય ત્યારે હીરાનો હાર સાચવવા આ છોકરાને આપી જાય.

 

એક વખત આ છોકરો સવારે વાંકો વળીને કામ કરતો હતો અને તેના ખીસ્સામાંથી હાર પડી ગયો. શેઠ ગુસ્સે થઈ ગયા ને છોકરાને માર્યો. છોકરો સામે કાંઈ ના બોલ્યો. છોકરી નાહીને આવી. શેઠ કહે, આ ચોર છે, લુચ્ચો છે. તારો હાર ચોરી જતો’તો. આજે એને કાઢી મૂકવાનો છે. દીકરી કહે, આ હાર તો હું રોજ એને આપી જતી’તી. અને એ મને પાછો આપી દેતો. છોકરીએ રડવા માંડ્યું. શેઠને પસ્તાવો થયો. અને મનોમન નક્કી કરી લીધું કે, આ છોકરાને ઘરમાંથી જવા દેવો નથી. મારી દીકરીને આની સાથે પરણાવવી છે. દીકરી તો રાજી જ હતી. શેઠે તે છોકરાને પોતાનો જમાઈ બનાવ્યો. છોકરાએ વફાદાર રહી, મૌન રહી સેવા કરી તો ભગવાનની કૃપા તેના પર વરસી અને તે સુખી થઈ ગયો. 

 

ગુરૂહરિ પપ્પાજીએ જોગીને ભગવાન માન્યા. તેથી ગમે તેવા પ્રસંગ બન્યા. પણ મૌન રહી જોગીની વફાદારી રાખીને જ જીવ્યા. નોકરે તેની મા નું વચન પાળ્યું તો નોકરમાંથી શેઠીયો બની ગયો. વારસદાર બની ગયો. એમ આપણે કેવળ ગુરૂહરિ પપ્પાજીના વચન પ્રમાણે જીવીએ. એક એમની વફાદારી રાખી જીવીએ તો એમના વારસદાર બની શકીએ. 

 

(૨) તા.૧૮/૩/૧૯ સોમવાર

 

સવારે ૧૦.૩૦ થી ૧૨.૦૦ જ્યોત પપ્પાજી હૉલમાં બહેનોની મંગલ સભા થઈ હતી. તેમાં પૂ.મધુબેન સી. એ લાભ આપ્યો હતો. આપણે આપણા આત્માને ઓળખીએ. એનો અવાજ સાંભળીએ. અંદર બેઠેલા ભગવાનને સંભારીએ. ભગવાનનો અવાજ ઓળખી એમની ભક્તિ કરીએ. એના પરથી એક વાર્તા છે.

 

હિમાલયના રસ્તે એક સૈનિકોની ટુકડી લઈને એક મેજર જતો હતો. એ બધા બહુ થાકી ગયા હતા અને ભૂખ્યા થયા હતા. એ બધાને થયું કે, અહીં જો કોઈ દુકાન કે ઘર મળે તો ચા પીવી છે. ઠંડી બહુ જ હતી. ત્યાં રસ્તામાં એક દુકાન આવી. પણ એને તાળું વાસેલું હતું. તેથી મેજર કહે, આપણાથી તાળું તોડાય નહીં. તેમાં એક સૈનિકને બહુ જ ઠંડી લાગતી હતી. તે ચાલવાને સમર્થ નહોતો. તે મેજરને કહે, મારાથી હવે આગળ નહીં જવાય. તમે કહો તો આ તાળું તોડું. આપણે તો ખાલી ચા જ પીવી છે. આ ચા ની જ દુકાન છે. મેજરે હા પાડી. તેથી તાળું તોડીને બધા અંદર ગયા. તો દૂધ પણ હતું. ચા બનાવી. ત્યાં બિસ્કીટ હતા તે બધાએ ખાધા. મેજરને થયું કે આ દુકાન કોઈ ગરીબની લાગે છે. તેથી એણે ડબ્બા નીચે ૧૦૦૦ રૂ.નું કવર મૂક્યું. ને ત્યાંથી નીકળી ગયા.

 

બે મહીના પછી પાછા આવ્યા ત્યારે દુકાન ખુલ્લી હતી. તેથી બધા ત્યાં પાછા ગયા ને ચા પીધી. એનો માલિક ખુશ થઈ ગયો. મેજરે એને આગળની બધી વાત કરી અને પૂછ્યું તમને ભગવાનનો શું અનુભવ થયો. તો કહે,  મારો દીકરો બહુ જ બિમાર હતો. તેની દવા કરાવવાના પૈસા મારી પાસે નહોતા. મેં તો ભગવાનને પ્રાર્થના કરી અને દુકાનમાં આવ્યો તો ભગવાન ૧૦૦૦રૂ. મૂકી ગયા. અને મારા દીકરાને દવાખાને લઈ ગયો. આમ, જ્યારે ભગવાનને યાદ કરું ત્યારે ભગવાન મારું કામ કરી જાય છે.

આપણને એવા પ્રત્યક્ષ ગુરૂહરિ પપ્પાજી ભગવાન સ્વરૂપે મળ્યા છે. એમનો દર્શન-લાભ બહુ લીધો છે. એમને પ્રાર્થના કરી આપણા કામ કરાવતા થઈએ. 

 

(૩) તા.૧૯/૩/૧૯ મંગળવાર

 

આજે ૧૯મી તારીખ. સંકલ્પ સ્મૃતિનું આ વર્ષ છે. તેથી દર ૧૯મી તારીખે સવારે ૫.૩૦ થી ૬.૩૦ બહેનોની મંગલ દર્શનની સભા થાય છે. સભામાં ઉગતી પ્રભાએ… ભજન ગાયું ત્યારબાદ ૨૧ મુદ્દા સમૂહમાં બોલ્યા. ત્યારબાદ ગુરૂહરિ પપ્પાજીના ધ્વનિ મુદ્રિત આશીર્વાદ લીધા. વ્યાપકમાં શ્યામને એના સંબંધવાળાને જોઈને આનંદ થાય. તેની સેવા પ્રભુનું સ્વરૂપ માનીને કરીએ. વ્યાપકમાં નથી જોતા એ માહાત્મ્યની ખામી. હું ગમે તે કરૂં તો કેવો દિવ્યભાવ રાખો છો ? એમ ઓહોહો ! આ મારા અક્ષરધામના સાથીદાર. કોઈની પ્રકૃતિ જોવી નહી.

 

પ.પૂ.જશુબેન પણ વહેલી સવારે આ સભામાં પધાર્યા હતા. અને આશીર્વાદ આપતાં કહ્યું કે, તમારી સામે જે આવે તેને ભગવાનનું સ્વરૂપ માનીએ. બધાનું બધું ગમતું થઈ જાય. સંપ, સુહ્રદભાવ એકતાથી જીવીએ. અને સ્વરૂપો રાજી થઈ જાય એવું જીવવાનું બળ મળે એ જ પ્રાર્થના.

ત્યારબાદ ૧૦ મિનિટ સમૂહ ધૂન કરી સભાની પૂર્ણાહુતિ કરી હતી. 

 

(૪) તા.૨૦/૩/૧૯ હોળી, ભગતજી મહારાજનો પ્રાગટ્યદિન

 

આજે સવારે ૧૦.૩૦ થી ૧૨.૦૦ જ્યોત પપ્પાજી હૉલમાં હોળી અને ભગતજી મહારાજના પ્રાગટ્યદેન નિમિત્તે સભા કરી હતી. ગુરૂહરિ પપ્પાજીના ધ્વનિ મુદ્રિત આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ પ.પૂ.દીદીએ આશિષ લાભ આપતાં કહ્યું કે, આજે ફગવાનો દિવસ છે. અંતરમાં ભગવાન મળ્યા એ પ્રાપ્તિનો કેફ રહે. ભગવાન સાથેની આપણી પળેપળ પસાર થાય.

 

સ્વામિનારાયણ ભગવાન સંતો-હરિભક્તો સાથે પીચકારીથી હોળી રમતા. ગુરૂહરિ પપ્પાજીએ આપણને હોળીનો ઉત્સવ કરાવ્યો છે. ખૂબ ઉત્સાહથી હરિભક્તો સાથે રંગે રમ્યા છે. આપણો ભગવાન આપણા પર ખૂબ રાજી છે. આપે મહારાજે આધ્યાત્મિક ફગવા “મહાબળવંત માયા તમારી…” આપ્યા. ગુરૂહરિ પપ્પાજીએ આપણને “યોગી તારા ગાવામાં ગુણગાન…” એ ફગવાનું લેટેસ્ટ ભજન આપ્યું છે. કોઈ સારો દિવસ આવે ત્યારે આપણે નક્કી કરવું કે, મારે આવું વર્તન કરવું છે. જે સેવા કરું તે માહાત્મ્યથી કરું. એનું ફળ ભગવાન આપણને આપશે. માન-મોટપ કદાચ નહીં મળે પણ અંતરમાં સુખ મળશે. 

 

આજે ભગતજી મહારાજનો પ્રાગટ્યદિન. એ પોતે દરજી હતા. ગુણાતીતાનંદ સ્વામીના ગુણગાન ગાતા. ગુણાતીતનો વારસો રાખ્યો. આપણે ગુણાતીતનો વારસો ચાલુ રાખવો છે. હું જેનું ચિંતવન કરીશ એના ગુણ આવી જશે. આપણે મૂર્તિરૂપી માળામાં રહેવું છે. પ્રભુને પહોંચે એવી સેવા કરીએ. પ્રભુ ! મારે મારામાં નથી રહેવું, તારામાં રહેવું છે. સભામાં બેસીને શબ્દો સાંભળીએ એને યાદ રાખીને જીવીએ એ ફગવા કહેવાય.

 

(૫) તા.૨૧/૩/૧૯ ધૂળેટી

 

સવારે ૧૦.૩૦ થી ૧૨.૦૦ જ્યોત પપ્પાજી હૉલમાં ધૂળેટી નિમિત્તે સભા કરી. પ.પૂ.દીદીએ પ્રકરણ ૧લાની ૩જી વાત, “પ્રહલાદજીએ નારાયણ સાથે…” એ વાત સમજાવી.

 

પ્રહલાદજીએ ભક્ત બનતાં પહેલાં બધા પ્રસંગમાંથી પસાર થવું પડ્યું. એકવાર પ્રહલાદજીને થયું કે મારે ભગવાન સાથે યુધ્ધ કરી એમને જીતવા છે. ભગવાને વિચાર્યું, આને મારે અનુભવ કરાવવો પડશે. ભગવાન એક બ્રાહ્મણનો વેશ લઈને નીકળ્યા. એમના હાથમાંથી લાકડી પડી ગઈ. પ્રહલાદ ત્યાંથી પસાર થયો. ભગવાન કહે, બેટા ! મારી લાકડી આપ. પ્રહલાદથી લાકડી ઉપડી નહીં. તે ભગવાનને ઓળખી ગયો. ભગવાનને નમી પડ્યો. ભગવાન કહે, જો બેટા ! તું મારી લાકડી ઉપાડી શકતો નથી તો મને કેવી રીતે જીતી શકીશ. પ્રહલાદ કહે, તમે મારા બાપને કેમ મારી નાંખ્યો ? ભગવાન કહે, તું મારો ભક્ત છે તને બચાવવા માટે મારે એવું કરવું પડ્યું. 

 

ભગવાન આપણા શુધ્ધિકરણ માટે તૈયાર બેઠા છે. ભક્ત બધામાં ભગવાનને જુએ. પપ્પાજીએ આપણા પર મૂકેલો વિશ્વાસ એળે નથી જવા દેવો. એટલે ગુરૂહરિ પપ્પાજીને અંર્તયામી કર્તાહર્તા માનીને જીવીએ.  

 

આજે પૂ.કાશીબાનો પણ પ્રાગટ્યદિન છે. લગ્ન કરીને આફ્રિકા ગયા. ત્યાં વિધવા થયાં. ૨૧ વર્ષનાં હતાં. શિક્ષાપત્રીના નિયમો પ્રમાણે જીવતા. આફ્રિકાથી ભારત આવ્યાં અને ભક્તિમાં મન લાગી ગયું. એમને થયું ભગવાન હોય ખરા ? અને પછી શાસ્ત્રીજી મહારાજને ઓળખી લીધા. શાસ્ત્રીજી મહારાજ ડભાણ હોય તો વહેલા સવારે ઉઠી નડિયાદથી ચાલીને ત્યાં લાભ લેવા જાય. પપ્પાજીનાં બા દિવાળીબા બિમાર પડ્યાં તો એમની ખૂબ સેવા કરી. પપ્પાજી-કાકાજી તેમના પર ખૂબ રાજી થઈ ગયા. તેમને પોતાનાં બેન બનાવ્યાં અને જ્યોતમાં લઈ આવ્યા. જ્યોતમાં પણ બધાં બહેનો સાથે ખૂબ આત્મીયતાથી રહી, મહિમાથી ખૂબ સેવા-ભક્તિ કરી. 

 

(૬) ‘પપ્પાજી અક્ષર સ્વરૂપે’ બુકમાંથી જ્યોતના બોર્ડ પર દરરોજ જે બ્રહ્મસૂત્રો મૂકાય છે તે 

  

   માણીએ. ગયા અંકમાં આપણે ૬૦ બ્રહ્મસૂત્રો માણ્યાં હતાં. હવે આગળ…

 

(૬૧) પૂર્ણ છે ને મને પૂર્ણ કરીને જ મૂકશે.

 

(૬૨) સાધુનો સમાગમ નિત કર્યા કરે તો અખંડ આનંદના ફુવારા ઉડ્યા કરે.

 

(૬૩) દોષનું મનન અને ચિંતવન ન કરવું દેહ ભેગા બળી જશે. ચિત્તમાં ગુણાતીત માનવું તો અખંડ 

 

       આનંદના ફુવારા ઉડે. 

 

(૬૪) દોષ તો દેહ હોય, એટલે હોય પણ અંતરમાં બ્રહ્મનો આનંદ લઈએ તો દોષ પીડશે નહીં.

 

(૬૫) આ જોગ બહુ દુર્લભ મળ્યો છે, ફરી ફરી મળે તેવો નથી. તો સર્વ પ્રકારની મૂંઝવણ અને ચિંતા 

 

       મહારાજ ઉપર નાખી ભજન કરવું.

 

(૬૬) ભજન કરતાં ક્રિયા કરીએ તો અંતરમાં શાંતિ રહે.

 

(૬૭) બાળકના હાથમાં ચિંતામણી તેવી અસાધારણ ને અલભ્ય બ્રહ્માને પણ દુર્લભ એવી પ્રાપ્તિ થઈ 

 

       ગઈ છે. 

 

(૬૮) રાંકભાવે પ્રત્યક્ષના માહાત્મ્યેસભર નિરંતર રહી, જપયજ્ઞ કર્યા કરવાથી ગુણાતીતભાવમાં 

 

       રહેતા થવાય.

 

(૬૯) રાંકભાવ એટલે સંબંધવાળામાં મહારાજ જ જોવા, કૈવલ્યમૂર્તિ અંતરથી મનાય.

 

(૭૦) વિચાર ઉપર ગરણી મૂકો.

 

(૭૧) પરાભક્તિ કરતા થઈએ એટલે સંબંધે સ્વરૂપ તરીકે માની તેની સેવા કરી લઈએ.

 

(૭૨) જેના પક્ષમાં ભગવાન ને ભગવાનના ભક્ત છે તેનો જ વિજય છે.

 

(૭૩) હરેકે હરેક પ્રસંગ યોજવાનો યોગીબાપાનો હેતુ તે પ્રસંગે અર્તર્દષ્ટિ કરી, પોઝીટીવ રીતે તે 

 

       આગળ વધે તે હોય.

 

(૭૪) ઓહોહોભાવ પ્રાપ્તિની સભરતામાં અખંડ રહેવું તેનું નામ આત્માનો દિપ પ્રગટેલો રાખ્યો.

 

(૭૫) કંઈક લીલારૂપ ન ભાસે, બસૂરૂં લાગે તો ભજન કરવું પણ તરત કહી ન નાંખવું. 

 

આમ, હોળી-ધૂળેટીના પર્વ લઈને આવેલું આ પખવાડીયું ભક્તિ સભર પસાર થયું હતું. પ્રહલાદજીની જેમ આપણે પ્રસંગે એક સ્વરૂપનિષ્ઠા રાખી પ્રભુને સંભારીએ. એવું જીવવાનું ગુરૂહરિ પપ્પાજી અને સર્વ સ્વરૂપો બળ આપે એ જ તેમના ચરણોમાં પ્રાર્થના.  

અત્રે સર્વે સ્વરૂપોની તબિયત સરસ છે. અત્રેના સર્વે સ્વરૂપો મુક્તો વતી આપ સર્વને અંતરના ભાવભર્યા જય સ્વામિનારાયણ !

 

 એ જ જ્યોત સેવક P.71ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ !