સ્વામિશ્રીજી
ગુરૂહરિ પપ્પાજીની જય
વચનામૃત દ્વિશતાબ્દી પર્વની જય
ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો જય સ્વામિનારાયણ !
આજે અહીં આપણે તા. ૧ થી ૧૫ મે દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું.
(૧) તા.૧/૫/૧૯
આજે ૧લી તારીખ નિમિત્તે બહેનો પપ્પાજી તીર્થ પર ધૂન, ભજન, પ્રદક્ષિણા માટે ગયાં હતાં, અને ગુરૂહરિ પપ્પાજીના ચરણે
પોતાના પ્રાર્થના ભાવો ધર્યા હતા
રાત્રે ૮.૦૦ થી ૯.૩૦ રાબેતા મુજબની કીર્તન આરાધના જ્યોત પપ્પાજી હૉલમાં કરી હતી.
પ્રભુ પ્રાગટ્ય સ્મૃતિ દિને ૧લી તારીખે ગુણાતીત જ્યોતના વરિષ્ઠ સદ્દગુરૂ સ્વરૂપ કેન્દ્ર નં-૨૦ પ.પૂ.સોનાબાના કુટુંબના રત્ન એવાં પૂ.ધર્મિષ્ઠાબેન અમીન અક્ષરધામ નિવાસી થયા. તેમની અંતિમ દર્શન વિધિ તા.૨જીએ સવારે ૮.૩૦ વાગ્યે જ્યોત પંચામૃત હોલમાં રાખી હતી. જ્યોત શાખામાંથી અને ગુણાતીત સમાજના કેન્દ્રોમાંથી સાધકો અને હરિભક્તોએ પધારી લાભ લીધો હતો.
પપ્પાજી-દેવીબેન સ્વરૂપ ધીરજ, ધર્મ, જ્ઞાનનું એક આદર્શ સ્વરૂપ પૂ.ધર્મિષ્ઠાબેન…
પ.પૂ.દેવીબેને પાંગરેલું પ્રથમ પુષ્પ. તારદેવના અક્ષરધામના તખતે પોતાની સાધના પૂર્ણ કરી. ૧૯૬૬ થી ૨૦૧૯ એમ ૫૩ વર્ષ એક ગુરૂહરિ પપ્પાજીની પરાભક્તિ કરી. કેવળ પોતાના સંકલ્પ ભજનથી સંબંધમાં આવનાર અનંત મુક્તોને સેવ્યા ને તેમની સામર્થીનું દર્શન કર્યું ને માણ્યું. ગુરૂભક્તિ, દાસત્વભક્તિ અદા કરી સર્વ સ્વરૂપોનાં હૈયાં ઠાર્યાં.
આશ્રિત ભક્તોમાં યથાર્થ નિષ્ઠા કરાવી. એનું તેઓને દર્શન કરાવ્યું કે, ધર્મિષ્ઠાબેન અંતરમાં છે ને પ્રત્યક્ષ છે ને રહેશે જ એવો વિશ્વાસ છે જ. એ જ ગુરૂહરિ પપ્પાજીનું કાર્ય કરી આપણને એક સંદેશ આપ્યો. ‘તમે તમારા ગુરૂની છાતી ઠારજો.’
હે પૂ.ધર્મિષ્ઠાબેન ! આપનો સંકલ્પ અમ સહુના જીવનમાં સાકાર બને તેવી પ્રાર્થના ધરીએ.
તા.૩, ૪ પૂ.ધર્મિષ્ઠાબેનના અક્ષરધામગમન નિમિત્તે પારાયણ જ્યોત પપ્પાજી હૉલમાં કર્યું હતું. પારાયણમાં વક્તાઓએ પૂ.ધર્મિષ્ઠાબેનના જીવન વિશે ખૂબ ઉમદા વાતો કરી હતી. તેમાં ગુરૂહરિ પપ્પાજીના કાર્યનું દર્શન કરાવ્યું હતું. તથા ધર્મિષ્ઠાબેનના જીવન અને કાર્યનું અદ્દભૂત દર્શન થયું હતું. તા.૫મીએ સવારે ૯.૩૦ થી ૧૨.૦૦ જ્યોત પપ્પાજી હૉલમાં બહેનો-ભાઈઓની સંયુક્ત સભામાં ત્રયોદશીની મહાપૂજા પૂ.કલ્પુબેન દવેએ ખૂબ ભક્તિભાવ પૂર્વક કરી હતી. મહાપૂજામાં યજમાન પદે જ્યોતના બહેનોમાં પૂ.ભાવનાબેન શાહ, પૂ.ભાવનાબેન અમીન અને પૂ.ઉર્વશીબેન દલવાડી બેઠા હતાં. અને હરિભક્તો વતી પૂ.પ્રભાબેન ગઢીયા, પૂ.નયનાભાભી ચાવડા બેઠા હતાં.
મહાપૂજામાં પૂ.ધર્મિષ્ઠાબેનને પ્રાર્થના સુમન-ભાવાંજલિ અર્પણ કરી હતી. તેમાં ધર્મિષ્ઠાબેનના જીવન કાર્યને ટૂંકમાં આવરી લીધું હતું. તે પ્રાર્થના અહીં માણીએ.
{gallery}images_in_articles//newsletter//2019/May/01-05-19 P.DHARMISTHABEN PARAYAN MAHAPOOJA{/gallery}
હે મહારાજ ! હે સ્વામી ! હે ગુરૂહરિ પપ્પાજી મહારાજ ! હે ગુરૂહરિ કાકાજી મહારાજ ! હે સોનાબા ! હે દિવ્યબેન ! હે જ્યોતિબેન ! હે તારાબેન !
પ.પૂ. હંસાદીદી, પ.પૂ.દેવીબેન, પ.પૂ.જશુબેન, પ.પૂ.પદુબેન તથા સર્વે સદ્દગુરૂ સ્વરૂપો, સર્વે ગુણાતીત સ્વરૂપો !
આજે સંવત ૨૦૭૫ વૈશાખ સુદ એકમ રવિવારે બ્ર.સ્વ.ધર્મિષ્ઠાબેનની ત્રયોદશીએ પ્રત્યક્ષ ધામ, ધામી, મુક્તોની મહાપૂજા પપ્પાજી હૉલમાં ગુરૂહરિ પપ્પાજીના દિવ્ય સાંનિધ્યે અને પ્રત્યક્ષ સ્વરૂપો પ.પૂ.દીદી, પ.પૂ.દેવીબેન, પ.પૂ.જશુબેન, પ.પૂ.પદુબેન તથા સર્વે સદ્દગુરૂ સ્વરૂપોના સાંનિધ્યે કરીને પ્રભુ ચરણે પ્રાર્થના સુમન- ભાવાંજલિ અર્પીએ છીએ કે,
પ.પૂ.ધર્મિષ્ઠાબેન સોનાબાના કુટુંબમાં પૂ.કાંતિકાકા, પૂ.લલિતાકાકીના સુપુત્રી. આનંદપોર ગામમાં પ્રગટ્યા. તારદેવના તીર્થધામમાં કાકાજી-પપ્પાજીના સાંનિધ્યમાં રહી તેઓએ જીવન સમર્પિત કર્યું. આખુંય અક્ષરધામનું કુટુંબ. આ ધર્મિષ્ઠાબેને જીવનભર પ્રભુ પપ્પાજી, ગુરૂ દેવીબેનની રૂચિ-અભિપ્રાય પ્રમાણે જીવ્યા. પૂ.ધર્મિષ્ઠાબેન એટલે ધીરજ, ધર્મ, જ્ઞાન. સંપૂર્ણપણે દિવ્યભાવે પ્રત્યેક પળને સનાતન બનાવી. આટ આટલી બિમારીમાંય આત્મારૂપે રહી કર્તાહર્તા પ્રભુને જ માન્યા. સાધુતાભર્યું જીવન, સહનશક્તિની તો પરાકાષ્ઠા ગ્રહી દેહના ભાવોથી સદાય વિરક્ત રહ્યા.
ગુરૂહરિ પપ્પાજી ને પ.પૂ.દેવીબેનની પ્રસન્નતા તેમના પર વહેતી જ રહી છે. સહુ સ્વરૂપોના વચન ભક્તિભાવે આવકાર્યા, વર્ત્યા. ગુરૂહરિ પપ્પાજીના વચને થોડા વર્ષો અમદાવાદ ગુણાતીત જ્યોત શાખામાં પૂ.ઈન્દુબેનની સાથે રહી પ્રભુનું કાર્ય કર્યું. રાજકોટ જ્યોત શાખાના મહંત પદે તેમની નિમણુંક થઈ. ત્યાં ભક્તિભાવે પ્રભુ ભક્તિ કરી અને છેલ્લે માણાવદર ગુણાતીત જ્યોત શાખાના મહંતપદે ૨૩ વર્ષ રહ્યાં અને ત્યાંના ભક્તોનું પ્રેમ-પ્રાર્થના-સુહ્રદભાવે જતન કર્યું ને આનંદપુરામાં પ્રગટેલ ધમીબેને સહુને દિવ્ય આનંદે પ્રભુ સભર કરી દીધા. પ્રભુના સંબંધવાળાની પ્રભુભાવે સેવા-ભક્તિ કરી, જ્યોતનાં બહેનોની મૂર્તિ લૂંટી લીધી.
બધી જ બહેનોની માટે સ્પેશ્યલ મહાપૂજા કરી અમારા સહુનું જતન કર્યું છે. જે જે મુક્તો તેમના સંબંધમાં આવ્યા તેમને ગુરૂહરિ પપ્પાજીનું સ્વરૂપ ઓળખાવી સુખિયા કરી દીધા. કોટિ કોટિ વંદન પૂ.ધર્મિષ્ઠાબેનને ! જીવનના છેલ્લા શ્વાસ સુધી તેમની એક જ રટણા ને ધખણા હતી. અને તેમણે છેલ્લો પણ એ જ આદેશ અર્પ્યો કે સહુ, ‘સંપ, સુહ્રદભાવ, એકતાથી જીવન જીવીને સર્વે સ્વરૂપોને હાશ થાય તેવું જીવન જીવજો.’ હે ધમીબેન ! આપનો આ આદેશ ઝીલીને વર્તનથી સાકાર કરી આપનું ઋણ ચૂકવીએ તેવું બળ આપશો. આપ તો સહુની ચૈતન્ય જનની બન્યા ને સર્વદેશી સમજણ રાખી પ્રભુનું ધામ બની ગયાં. ગુરૂહરિ પપ્પાજી ને પ.પૂ.દેવીબેનના સાચા વારસદાર બન્યા. જીવન સાર્થક કરી લીધું.
હે ધર્મિષ્ઠાબેન ! આજે આ દિવ્ય અસ્થિ પુષ્પ પ્રસાદી વિસર્જનાર્થે જઈ રહ્યા છીએ. આ દિવ્યપુષ્પો પધરાવીએ છીએ. વહેરાખાડી ખાતે મહીસાગરના પવિત્ર પ્રસાદીના જળમાં વહેતા મૂકીએ છીએ. જે અનંતકાળ સુધી વિશ્વમાં વ્યાપક બની જીવપ્રાણી માત્રને ભવસાગરની ભવાટવીથી મુક્ત કરી મોક્ષ પમાડશે ને સુખી કરશે, એવી આ પુષ્પોની અદ્દભુત સામર્થી છે.
હે ધમીબેન ! આપ જ્યાં પ્રગટ હો ત્યાંથી અમ પર આશિષ વરસાવજો. અમ સંગે
જન્મોજન્મ રહી આપનું સાંનિધ્ય અર્પો એ જ અમારા હ્રદયની પ્રાર્થના છે. તે
સ્વીકારશોજી. પૂ.ધર્મિષ્ઠાબેન અમર રહો…અમર રહો…અમર રહો….
સહુ અક્ષરમુક્તોને ગુરૂહરિ પપ્પાજી ખૂબ બળ આપે એ પ્રાર્થના સાથે ધૂન કરીએ છીએ. આવી વિરલ વિભૂતી પૂ.ધર્મિષ્ઠાબેને જે પ્રભુનિષ્ઠાનાં બીજ રોપ્યાં છે તે ઉત્તરોત્તર પાંગર્યા જ કરે ને સર્વે સુખ, શાંતિ અનુભવે તેવી પ્રાર્થના.
ધન્ય છે તેમની સ્વરૂપનિષ્ઠાને…ધર્મનિષ્ઠાને…..
સાંજે ૪.૦૦ વાગ્યે અસ્થિ પુષ્પ વિસર્જન માટે વહેરાખાડી જ્યોતના બહેનો, હરિભક્તો અને ભાઈઓ ગયા હતા. અને મહીસાગર નદીમાં અસ્થિ પુષ્પ વિસર્જન કરી ધર્મિષ્ઠાબેનને સમગ્ર વિશ્વમાં વ્યાપ્ત કર્યા હતા.
(૨) તા.૧૦/૫/૧૯
વચનામૃત દ્વિશતાબ્દી વર્ષ નિમિત્તે આજે પ.પૂ.જશુબેનના ગ્રુપના બહેનોએ વચનામૃતની પોથીયાત્રા અને પૂજનમાં લાભ લીધો હતો. જનમંગલ નામાવલી અને ગુરૂહરિ પપ્પાજીના મહિમા સ્ત્રોતનું ગાન કરી વચનામૃત અને પરામૃત પુસ્તકનું અક્ષત અને પુષ્પ પાંદડીથી પૂજન કર્યું હતું. આરતી કરી હતી. અને અંતમાં સ્વરૂપોના આશીર્વાદ લઈ આજની સભાની પૂર્ણાહુતિ કરી હતી.
આમ, આખું પખવાડીયું ભક્તિ સભર પસાર થયું હતું. આ પખવાડીયામાં અખાત્રીજ આવતી હતી. અખાત્રીજ એટલે પુણ્ય પર્વણીનો દિવસ. ગુરૂહરિ પપ્પાજીનું યોગીજી મહારાજ સાથેનું પ્રથમ મિલન અખાત્રીજના શુભ દિને થયું હતું. ગુરૂહરિ પપ્પાજીએ આપણને આ ગુજરાત મધ્યે આણંદ મુકામે દર્શન કરાવ્યું ને શીખવ્યું કે ભગવાન માનો છો તો પ્રભુ સાથે એકાંતમાં વાતો કર્યા જ કરો. પરિણામ આવશે જ. આજે સુદામાએ શ્રીકૃષ્ણ ભગવાનને એક મુઠ્ઠી ચોખા આપ્યા ને બદલામાં મોક્ષ થઈ ગયો. એમ ગુરૂહરિ પપ્પાજી, પ.પૂ.બા, પ.પૂ.બેને આપણા માટે ખૂબ ભીડો વેઠી ‘ધૂળને મૂલે સોનું’ આપ્યું, તો કેવળ પ્રાપ્તિનો કેફ રાખી આનંદ કરી પ્રભુનું કાર્ય પ્રભુને કરવા દઈએ. આપણું કામ આપણે કરીએ. એવી પ્રાર્થના સાથે વિરમું છું. રાજી રહેજો.
{gallery}images_in_articles//newsletter//2019/May/10-05-19 VACHNAMRUT SHATABDI JANMAGAL NAMAVLI{/gallery}
અત્રે સર્વે સ્વરૂપોની તબિયત સરસ છે. અત્રેના સર્વે સ્વરૂપો મુક્તો વતી આપ સર્વને અંતરના ભાવભર્યા જય સ્વામિનારાયણ !
એ જ જ્યોત સેવક P.71ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ !