16 to 31 May 2019 – Newsletter

સ્વામિશ્રીજી

 

ગુરૂહરિ પપ્પાજી જય

 

વચનામૃત દ્વિશતાબ્દી પર્વની જય

 

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો ! જય સ્વામિનારાયણ !

 

આજે અહીં આપણે તા.૧૬ થી ૩૧મે દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું.

 

(૧) તા.૧૬-૧૭-૧૮ પપ્પાજી-દેવીબેન સ્વરૂપ પ.પૂ.મણિબાના ૮૫મા પ્રાગટ્યપર્વની ઉજવણી

 

જીવનની પ્રત્યેક પળે ‘સેવામાં જ પરમપદ’ માન્યું. એવાં મણીબેન ૧૯૩૩માં ચંચળબેન આશાભાઈને ત્યાં પ્રગટ્યા ને

ડહીબેન ઉમેદભાઈએ તેમનો ખૂબ લાડકોડથી ઉછેર કર્યો. શ્રીજી મહારાજની જ પૂર્વ યોજના, ૧૫ વર્ષે પ્રભુતામાં પગલાં માંડયાં. શાસ્ત્રીજી મહારાજની ખૂબ સેવા મળી. ત્યાં પ.પૂ.સોનાબાનું જીવન સ્પર્શ્યું. સેવાની સૂઝ, રસોઈની આવડત. જોગીબાપાની યુવકોની સેવાથી ગુરૂહરિ પપ્પાજીની ર્દષ્ટિમાં આવી ગયાં. ગોંડલ ડેરીમાં ભજવાનો સંકલ્પ કર્યો. ને સારંગપુર મંદિરે પપ્પાજીએ પ્રાર્થના સાંભળી ને ગુલાબનું પુષ્પ આપી કહ્યું. “જાવ શાંતિ થઈ જશે.” ને જીવનની ઉષા ઉગી. ૧૯૬૬માં વ્રત લીધું ને સેવા કરીને સિંચન થયું.

 

ગુરૂ દેવીબેનની દાસત્વભક્તિએ પ્રારંભથી આજ પર્યંત જીવ્યાં. ને એક સેવા-ભક્તિનો આગવો સમાજ તૈયાર કર્યો. કદીય તન-મન-ધનથી બહેનોની સેવામાં ઓટ આવી નથી, એવા ગૃહસ્થોને ખૂબ ધન્યવાદ છે. એ દર્શન ને વર્તનને માણ્યું ને ગુરૂહરિ પપ્પાજીના કાર્યને નિત વહેતું રાખ્યું  ને એક અનોખી અભિન્નતા પ્રાપ્ત કરી, એવાં વહાલાં વહાલાં મણીબેનને આજ અનંતકોટિ વંદન સહ પાયલાગણ કરીએ ને પપ્પાજી-દેવીબેનને પ્રાર્થીએ. અખંડ તેઓને નિરામય રાખે ને અમને સહુને આવી ભક્તિ કરવા બળ અર્પો.

 

આવા સેવા સ્વરૂપ પૂ.મણિબાના ૮૫ મા પ્રાગટ્યપર્વની ઉજવણી ‘આશિષ વંદના પર્વ’ તરીકે ૧૫,૧૬,૧૭ ત્રણ દિવસ જ્યોતનાં બહેનોએ સદ્દગુરૂના ગ્રુપવાઈઝ પ્રતીક સભા કરીને કરી હતી. મણિબા ગુણાતીત જ્યોતમાં અન્નપૂર્ણા દેવીનું બિરૂદ પામ્યાં છે. એટલે તા.૧૨ મીએ રસોડા વિભાગનાં બહેનોએ ૮૫ આઈટમનો અન્નકૂટ ગુરૂહરિ પપ્પાજી, પૂ.મણિબા અને સદ્દગુરૂ સ્વરૂપોના ચરણે ધર્યો હતો. થાળ ગવાય અને તેમાં જે આઈટમનું નામ આવે તે વારાફરતી દરેક આઈટમ સ્ટેજ પર ગુરૂ સ્વરૂપોને દર્શન કરાવીને પપ્પાજી સમક્ષ ધરી હતી. પ.પૂ.દીદી અને પ.પૂ.દેવીબેનના આશીર્વાદ લીધા હતા. અંતમાં લકી નંબર કરી બહેનોને આ થાળનો પ્રસાદ આપ્યો હતો.

 

દરેક ગ્રુપને પૂ.મણિબાના જીવન દર્શનમાંથી વિષય આપ્યો હતો. તેમાંથી દરેક ગ્રુપે  પોતાની રીતે આયોજન કરવાનું હતું. દરેક ગ્રુપનાં બહેનોએ પૂ.મણિબાના જીવન દર્શનનું ખૂબ મનન-ચિંતન કરીને આયોજન કર્યું હતું. પૂ.મણિબા અન્નપૂર્ણા દેવીનું બિરૂદ પામ્યા છે એટલે દરેક ગ્રુપને એક એલ્યુમિનિયમનો ડબ્બો આપ્યો હતો. તેની અંદર પોતે સભામાં જે અર્પણ કરવાના હોય તે તેમાં મૂકીને લઈ આવવાનું હતુ. ડબ્બાની ઉપર લાલ કપડું બાંધીને તેની ઉપર ઠાકોરજી પધરાવીને સુંદર ડેકોરેશન કર્યું હતું. તા.૧૫મી એ સદ્દગુરૂ અને તેમના ગ્રુપનાં એક બહેન ડબ્બો લઈને પધારે એ રીતે પ્રથમ સ્વાગત સભા કરી હતી. સદ્દગુરૂ A સ્વરૂપોએ હાથમાં પુષ્પ લીધાં હતાં. અને પૂ.મણિબા આપણી સાથે નિરામય શતાયુ બની રહે એવા મહિમા સ્તવનનું ગાન કરી, પ્રાર્થના કરી તેમના ચરણે પુષ્પ અર્પણ કર્યાં હતાં.

 

હાર, કાર્ડ, કેક, પ્રસાદ, નૃત્ય, ભજન, અનુભવ દર્શન, માહાત્મ્યગાન અને સ્મૃતિ પ્રસંગ આવરી લઈને ખૂબ સુંદર રીતે બહેનોએ વિવિધતા સભર રજૂઆત કરી હતી. ત્રણેય દિવસ સવાર-સાંજ એમ બે ટાઈમ સભા કરી હતી. ત્રણેય દિવસ સ્વાગત ખૂબ સુંદર અને વિવિધ રીતે સ્મૃતિ આવરી લઈને થયાં હતાં. દરેક સભામાં સમય ઓછો પડતો હતો. સભામાં જ્યારે મણિબાના જીવન દર્શનને માણીએ ત્યારે તો એવું અનુભવાતું હતું કે અત્યારે આપણે એ સમયમાં આવી ગયાં છીએ, એવી અનુભૂતિ સભામાં બિરાજમાન દરેક મુક્તને થતી હતી. ગુરૂહરિ પપ્પાજી પણ દરેક સભામાં રાજી થકા બિરાજમાન થઈ મણિબા પર આશિષવર્ષા કરતા હોય તેવું અનુભવાતું હતું. આમ, ત્રણ દિવસ ખૂબ બ્રહ્માનંદ કરી ‘આશિષ-વંદના પર્વ’ની ઉજવણી કરી હતી.

{gallery}images_in_articles//newsletter/2019/May/16-05-19 TO 18.05.19 P.P.MANIBA ASHISHVANDNA PARVA{/gallery}

 

(૨) તા.૧૯/૫/૧૯ પ.પૂ.મણિબાના આશિષ વંદના પર્વની ઉજવણી

 

આજથી ૮૫ વર્ષ પહેલાં મણિબાનું અવતરણ થયું. પૂર્વાશ્રમનું ચરોતરના પાટીદારનું સમૃધ્ધ કુટુંબ. સ્વામિનારાયણનો પેઢી જૂનો સત્સંગ. દીકરી તો લક્ષ્મીજીનો અવતાર એવું માનનારું આ કુટુંબ ને એવા કુટુંબના લાડકોડ ખૂબ પામ્યાં. એ સમયની પ્રથા મુજબ ૧૫ વર્ષે તો પ્રભુતામાં પગલા માંડ્યા ને તે ઘર પણ પ્રગટની નિષ્ઠાવાળું. શાસ્ત્રીજી મહારાજ ને યોગીજી મહારાજની કૃપાર્દષ્ટિનું એ ધામ. કેમ કે એ ધામમાંથી પાંચ પાંચ અક્ષરમુક્તોએ ત્યાગાશ્રમ દીપાવ્યો છે. અત્યારે શાસ્ત્રીજી મહારાજે ઉપાસનાની ર્દઢતાનું અક્ષરપુરૂષોત્તમના જ્ઞાનનું સત્સંગમાં પ્રતિષ્ઠાપન કર્યું. યોગીજી મહારાજે અવિરત વિચરણ કરી અપ્રતિમ દાખડો કરી સંસ્થાનું સંવર્ધન કર્યું. એ સંસ્થાના સાંપ્રતકાળના સુકાની તે પ.પૂ.મહંતસ્વામીજીનું એ પૂર્વાશ્રમનું કુટુંબ. આણંદનું એવું એ તીર્થધામ. ગુણાતીત સમાજનું પણ એ થાણું બન્યું. ગુરૂહરિ પપ્પાજી-કાકાજી મહારાજની ચરણરજે ખૂબ પ્રસાદીનું થયું છે.

 

મુંબઈ તારદેવમાં પ.પૂ.કાકાજી-પ.પૂ.પપ્પાજી, પ.પૂ.સોનાબાની નિશ્રામાં બહેનો ભગવાન ભજતાં હતાં. ત્યાં મણિબા અવારનવાર પધારે ને અહીં ગુજરાતમાં પણ સત્સંગ અર્થે તે બહેનો આવે તો તેમના ભોમિયા તરીકે સાથે રહી ખૂબ સેવા કરી. આમ, તેમણે સત્સંગ, સેવા ને કથાવાર્તાનો ખૂબ લાભ લીધો. પરિણામે પોતાને પણ થયું કે, આ જ મારું કુટુંબ ને મારે પણ આ જ માર્ગે આવવું છે.

 

આપણને ખબર છે હરિનો મારગ શૂરાનો છે, કાયરનું કામ નથી. મણિબાના હ્રદયમાં એક ધખણા હતી. સાથે સાથે કસોટીઓ ખૂબ આવી. પણ કાકાજી-પપ્પાજી ને તારદેવ નાં બહેનોના સત્સંગે આત્મામાં બળ પૂરાયું. ગૃહસ્થાશ્રમનો જંગ જીતી ગયાં. ને સાધક બહેનોના વૃંદમાં ૫૧મા નંબરે જોડાઈ ગયાં.

 

આવાં મણિબા જ્યોતમાં પધાર્યા. બહેનોની મા બનીને જતન કર્યું. જ્યોતમાં આધ્યાત્મિક માર્ગે પ્રગતિ કરાવતી શિબિરો ગુરૂહરિ પપ્પાજીએ જ્યાં જ્યાં કરાવી ત્યાં ત્યાં મણિબાને અચૂક સાથે લે. બધાને જમાડવાની સમગ્ર સેવાનું ક્ષેત્ર મણિબા સંભાળે. ગુરૂહરિ પપ્પાજીને, આયોજકોને ખૂબ નિશ્ર્ચિંતતા કરી દે. સીઝન સીઝનની બધી જ પ્રસાદી મણીબાએ જમાડી છે. ખૂબ મહિમાથી સેવા કરી આદર્શ બન્યાં છે.

 

ગુરૂહરિ પપ્પાજીએ તેમને અન્નપૂર્ણાદેવીનું બિરૂદ આપ્યું છે. પોતે તો સેવા કરી પણ સંબંધમાં આવનારને પણ પ્રભુ આપી સત્સંગપ્રધાન જીવતા કરી સુખિયા કર્યા. તેમના ખેતરોમાં ગયા. તેમની વાડીઓમાંય પધાર્યા. ફેક્ટરીઓય પાવન કરી. પશુઓના તબેલામાં જઈ ગાય-ભેંસને પણ સંબંધ આપીને ભક્તોને રાજી કર્યા. પ્લેનમાં ઉડી દરિયાપાર જઈ તેમનાય ભાવ ગ્રહણ કર્યા. પોતે તો સેવા કરી પણ ભક્તોને ય સેવાનો એવો મહિમા ગાયો. જેના ફળ સ્વરૂપે અત્યારે અનેક ભક્તો મણિબાના વચને સમર્પણ કરી દે છે. તેમના આશીર્વાદે  તેઓ ખૂબ સુખી થયા છે.

 

એવાં મણિબાના ૮૫ મા પ્રાગટ્ય પર્વની ઉજવણી આશિષ વંદના પ્રવ તરીકે ખૂબ ભવ્ય અને દિવ્ય રીતે સવારે ૯.૦૦ થી ૧૨.૩૦ જ્યોત પપ્પાજી હૉલમાં બહેનો-ભાઈઓની સંયુક્ત સભામાં થઈ હતી.

 

પૂ.મણિબાના નિવાસસ્થાનેથી પપ્પાજી હૉલના સ્ટેજ સુધી ભક્તોએ નાચી-કૂદી-ગાઈને જયજયકાર બોલાવી ખૂબ ભવ્ય સ્વાગત કર્યું. સ્વાગત પથ રંગબેરંગી ફુગ્ગા અને ફૂલોથી સુશોભિત હતો. સ્વાગત પથ પર “LONG LIVE MANIBA” ના ભાવ વંચાઈ રહ્યા હતા. સ્વાગત બાદ સ્મૃતિબેન રચિત ભજન પર સ્વાગત નૃત્ય પૂ.ક્ષમા કાછીયાએ કર્યું હતું. સ્વરૂપોએ સ્ટેજ પર બિરાજમાન થયા બાદ ભક્તોએ પોતાની જગ્યા પર ઉભા થઈ હાથ જોડી મણિબાનું મહિમા સ્તવન કર્યું હતું. ત્યારબાદ ૮૫ તાળીઓથી મણિબાને વધાવ્યાં હતાં. ગુરૂહરિ પપ્પાજી, પૂ.મણિબા અને સ્ટેજ પરના સ્વરૂપોનું પુષ્પ હારથી સ્વાગત કર્યું હતું.

 

પૂ.મણિબાના માહાત્મ્યગાનમાં પૂ.દયાબેન, પૂ.ડૉ.નિલમબેને લાભ આપ્યો હતો. અનુભવ દર્શનમાં પૂ.અલ્પેશભાઈ (અમદાવાદ), પૂ.ચિન્મયભાઈ, પૂ.નગીનભાઈ(આણંદ), પૂ.મેઘકુમાર(નડિયાદ), પૂ.માનસીબેન (નડિયાદ), પૂ.સંધ્યાબેન(સુરત), પૂ.શુભલક્ષ્મીબેને લાભ આપ્યો હતો.

 

પ.પૂ.દેવીબેન, પ.પૂ.દીદી, પ.પૂ.મણીબાના આશીર્વાદ લીધા હતા. અંતમાં ગુરૂહરિ પપ્પાજીના આશીર્વાદ લઈ આજની સભાની પૂર્ણાહુતિ કરી હતી.

 

(૩) તા.૨૨/૫/૧૯

 

આજે સાંજે ૪.૩૦ થી ૭.૦૦ જ્યોત પપ્પાજી હૉલમાં જ્યોતના ૭ બહેનોના હીરક પર્વની ઉજવણી કરી હતી. (૧) પૂ.ડૉ.રેણુકાબેન વ્યાસ (૨) પૂ.લીલીબેન ઝાલાવાડીયા (૩) પૂ.સરોજબેન વ્યાસ (૪) પૂ.હર્ષાબેન નાણાવટી (૫) પૂ.નીલાબેન જેઠવા (૬) પૂ.જયાબેન ઝાટકીયા (૭) પૂ.તરૂબેન દુબલ

 

આ સાતેય બહેનોને પ્રથમ બેજ અર્પણ કર્યા હતાં. ત્યારબાદ હાર અને પુષ્પ અર્પણ કરી સ્વાગત કર્યું હતું. કેક અર્પણ કરી હતી. સ્મૃતિભેટ આપી હતી. દરેક બહેન વિશે તેમના ગ્રુપનાં બહેનોએ ૬ મિનિટ માહાત્મ્યગાનમાં લાભ આપ્યો હતો. અંતમાં પ.પૂ.દીદીએ આશીર્વાદ આપ્યા હતા. સાતેય બહેનોને ખૂબ ખૂબ ધન્યવાદ આપી તેમની સેવા અને ભક્તિને બિરદાવી હતી.

{gallery}images_in_articles/newsletter/2019/May/22-05-19 HIRAK PARVA SABHA{/gallery} 

(૪) તા.૨૪/૫/૧૯

 

આજે સાંજે ૪.૩૦ થી ૭.૦૦ જ્યોત પપ્પાજી હૉલમાં જ્યોતના બીજાં ૫ બહેનોના હીરક પર્વની ઉજવણી કરી હતી. (૧) પૂ.શીલાબેન એચ. પટેલ (૨) પૂ.વિભાબેન તંબોળી (૩) પૂ.ચંદ્રિકાબેન ચપલા (૪) પૂ.મંજુબેન પટેલ (૫) પૂ.સંગીતાબેન ભાવસાર

 

આ બહેનોને પણ બેઝ, હાર, કલગી, કેક અને સ્મૃતિભેટ અર્પણ કરી સ્વાગત કર્યું હતું. માહાત્મ્યગાનમાં તેમના ગ્રુપનાં બહેનોએ લાભ આપ્યો હતો. અંતમાં પ.પૂ.દેવીબેને આશીર્વાદ આપ્યા હતા. ગુરૂહરિ પપ્પાજી અને ગુરૂ સ્વરૂપોનું ખૂબ ખૂબ શોભાડ્યું અને શોભાડી રહ્યાં છે. તેવા આ બહેનોને ખૂબ ખૂબ ધન્યવાદ સાથે જય સ્વામિનારાયણ !

 

(૫) તા.૨૮/૫/૧૯

 

આજે ગુરૂહરિ પપ્પાજીના વાર્ષિક શાશ્વત સ્મૃતિ દિન નિમિત્તે સવારે ૯.૩૦ થી ૧૨.૦૦ જ્યોત પપ્પાજી હૉલમાં બહેનોએ ભાઈઓની સંયુક્ત સભામાં મહાપૂજા કરી હતી. પ.પૂ.દીદી અને પ.પૂ.જશુબેનના સાંનિધ્યે પૂ.ઈલેશભાઈ, પૂ.હેમંતભાઈ મોદી અને પૂ.અનુપભાઈએ ભક્તિભાવ પૂર્વક મહાપૂજા કરી હતી.

 

તા.૨૮મી ૨૦૦૬ના દિવસે જે પ્રાર્થના અને સંકલ્પ ગુરૂહરિ પપ્પાજી સમક્ષ ધર્યા હતાં તેનું વાંચન પ.પૂ.દીદીએ કર્યું હતું. ત્યારબાદ ૨૦૦૮માં પ.પૂ.દીદીએ જે સંકલ્પ કરાવ્યો હતો. તે ઉપરથી પૂ.સ્મૃતિબેન દવે એ ભજન બનાવ્યું છે. “ગુરૂ ગોવિંદો પૂજન કરતાં…” તે ગાયું હતું. અંતમાં પ.પૂ.દીદી અને પ.પૂ.જશુબેનના આશીર્વાદ લઈ મહાપૂજાની પૂર્ણાહુતિ કરી હતી.

 

આ મહાપૂજા-સભાનાં દર્શન આપ વેબસાઈટ અને યુ ટ્યુબ દ્વારા માણી શકશો. તેથી અહીં વિરમું છું.

સાંજે અનુપમ મિશન પરથી પ.પૂ.સાહેબજી અને ભાઈઓ પપ્પાજી તીર્થ પર શાશ્વત ધામે પધાર્યા હતા. અને દર્શન-પ્રાર્થના-પ્રદક્ષિણા અને આરતીનો લાભ લઈ ભક્તિ અદા કરી હતી.

{gallery}images_in_articles//newsletter/2019/May/28-05-19 SHASHVAT SMRUTIDIN MAHAPOOJA{/gallery}

 

(૬) તા.૨૯/૫/૧૯

 

આજના દ્વિતિય શાશ્વત દિને સુરતના ગુણાતીત પ્રકાશના ભાઈ પૂ.પિયૂષભાઈ પનારાએ આપણા સહુ વતી ગુરૂહરિ પપ્પાજીને ચરણે પ્રાર્થના- હ્રદયભાવ ધર્યા હતા…

 

ગુરૂહરિ પપ્પાજીએ આ ધરતી પરના આયુષ્યની પૂર્ણાહુતિ કરી અને આજના દિને એમના સમગ્ર દેહને પોતાનામાં સમાવવાની અણમોલ સેવા અગ્નિદેવે સ્વીકારી. તેઓ આ પૃથ્વી પર આવ્યા અને આપણા અનંત જન્મોનાં સંચિત કર્મોને ઉડાડી અક્ષરધામના સુખના માર્ગે ચાલતા કર્યા. એથીય અધિક આપણને સૌને સનાથ બનાવ્યા. નિરંતર આધ્યાત્મિક માવજત કરનારાં બહેનો અને ભાઈઓ દિવ્ય સંત સ્વરૂપરૂપે બક્ષિસ આપ્યા. ગુરૂહરિ પપ્પાજીએ આપણને પોતાના દિવ્ય સાંનિધ્ય અને છાંયાછત્ર આપ્યાં. અતિ સામર્થી છુપાવીને આપણા જેવા થઈ આપણી વચ્ચે રહ્યા. ખરેખર તો આપણા નસીબનો કોઈ પાર પામી શકાય તેમ નથી.

 

૨૦૦૬ની સાલના ૨૯ તારીખના આ દિવસે એમણે સર્જેલા ચાર પાંખાળો સમાજ સંતો, બહેનો, યુવકો અને ગૃહસ્થો વતી ચાર મશાલ વડે એમના પાર્થિવ શરીરને અગ્નિદાહ અપાયો. અને ભળભળ બળતી રંગબેરંગી અગ્નિશિખાઓ દ્વારા વ્યાપકમાં ને સૌ સ્વરૂપો-મુક્તોમાં સમાઈ ગયા. દિવ્ય દર્દભર્યા વાતાવરણમાં કેટલાક નૂતન વ્રતધારીભાઈઓએ પપ્પાજી સાથે પપ્પાજીના થઈને જીવવા માટે એમને સમર્પિત થવાના ફેરા ફરી મોટેરાં ભાઈઓની સંગાથે સંકલ્પ-વ્રત લીધાં. પરમહંસ મુક્તોએ પ્રભુ અર્થે જ જીવી સાચા પરમહંસ બનવાની પ્રતિજ્ઞા લઈ સંકલ્પ સાથે પ્રદક્ષિણાઓ કરી. કેટલાય સંતો-બહેનો, મુક્તોએ ગુરૂહરિના ઋણ અદા કરવા ઉત્તમ આધ્યાત્મિક જીવન જીવવાના ર્દઢ નિર્ધાર કર્યા. એવા તો અનંત વણદેખ્યા કેટલાય દિવ્ય લાગણી સભર પ્રસંગો ઉભા થયા હશે. એ સ્મૃતિઓને તાજી કરી ફરીથી જાગ્રત બની આવા ભવ્ય સ્વરૂપ, બ્રહ્મ સ્વરૂપ પપ્પાજીના માર્ગે ચાલવાના પ્રણ લઈએ. એવું વર્તીને જીવન સાર્થક કરીએ તેવી પ્રાર્થના.

 

આજે સવારે ૭ થી ૧૦ દરમ્યાન જ્યોતનાં બહેનો બે વિભાગમાં પપ્પાજી તીર્થ પર ધૂન, ભજન, પ્રદક્ષિણા માટે ગયાં હતાં અને ગુરૂહરિના ચરણે પોતાના પ્રાર્થનાભાવો ધર્યા હતા.

 

(૭) તા.૩૧/૫/૧૯ બ્ર.સ્વ.યોગીજી મહારાજ જયંતી

 

આજે યોગીજી મહારાજની ૧૨૭મી જન્મજયંતી નિમિત્તે સવારે ૮.૩૦ થી ૧૦.૩૦ જ્યોત પપ્પાજી હૉલમાં બહેનોની સભા કરી હતી. ગુરૂહરિ પપ્પાજીના ધ્વનિ મુદ્રિત આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ પ.પૂ.દીદીના આશીર્વાદ લીધા હતા.

 

આમ, આખું પખવાડીયું ભજન-ભક્તિ સાથે પસાર થયું હતું. અત્રે સર્વે સ્વરૂપોની તબિયત સરસ છે. અત્રેના સર્વે સ્વરૂપો મુક્તો વતી આપ સર્વને અંતરના ભાવભર્યા જય સ્વામિનારાયણ ! રાજી રહેશો.

{gallery}images_in_articles//newsletter/2019/May/31-05-19 P.P.YOGIJI MAHARAH JAYANTI{/gallery}

 

એ જ જ્યોત સેવક P.71 ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ !