સ્વામિશ્રીજી
ગુરૂહરિ પપ્પાજીની જય
વચનામૃત દ્વિશતાબ્દી પર્વની જય
ગુરૂહરિપપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો! જય સ્વામિનારાયણ!
આજે અહીં આપણે તા.૧૬ થી ૩૦ જૂન દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું.
(૧) તા.૧૯/૬/૧૯
આજે સંકલ્પ સ્મૃતિદિન નિમિત્તે સવારે ૫.૩૦ થી ૬.૩૦ બહેનોની મંગલસભા જ્યોત પપ્પાજી હૉલમાં થઈ હતી.
સાંજે ૫.૩૦ થી ૭.૦૦ જ્યોત પપ્પાજી હૉલમાં બહેનોની શિબિર સભા થઈ હતી. આ વખતની શિબિર સભામાં સ્વરૂપોએ સુનૃતના મુદ્દા ઉપર લાભ આપ્યો હતો. યોગીજી મહારાજના હસ્તાક્ષરની પુસ્તિકા એટલે સુનૃત.સુનૃતના ઉદ્દભવનો ઈતિહાસ (સ્મૃતિ) પ્રથમ આપણે માણીએ.
૧૯૪૧માં શાંતાબા દવે (પ.પૂ.દીદીના માતુશ્રી) બીમાર પડ્યાં. શાસ્ત્રીજી મહારાજને ભગવતરાય (પ.પૂ.દીદીના પિતાશ્રી) એ પત્ર લખ્યો કે, દીકરીઓની બા બીમાર છે તો દવા ને હવાફેર માટે ભાવનગર (પીયરમાં) જવાની એમની ઈચ્છા છે તો શું કરીએ ? સ્વામીજીએ જવાબ લખ્યો કે, બેનને અહીં સારંગપુર મોકલો. અહીં લાઠીદડના વૈદની દવા જોગીસ્વામીની ચાલે છે. તેમની સાથે બેનની દવા પણ કરાવશું. તમારે રજા લઈને અહીં આવવાની જરૂર નથી. તમારા સસરા જયાનંદભાઈ (પૂ.શાંતાબા ના પિતાશ્રી) છે ને એ કમ્પાઉન્ડર છે તો એમને અહીં બોલાવી લેશું. પત્ર પ્રમાણે બા બે દીકરીઓને લઈને સારંગપુર રહેવા ગયા. ત્યાં નજીકની શાળામાં બંને બહેનોને રોજ ભણવા મોકલતા. પાટી-પેન હતાં નહીં પણ મુંબઈથી આવેલા જોઈને ગામના વિદ્યાર્થીઓ બધી વસ્તુઓ આપતા ને સારી રીતે બોલતા.
સારંગપુરથી લાઠીદડ મંદિરની ઘોડાગાડીમાં જતાં, વૈદરાજે એક વખત બાને કહ્યું કે, ‘શાંતાબેન ! મારી દવાથી તમને સારું થઈ જશે. પણ જોગી સ્વામીને નહીં થાય.’ બાએ પૂછ્યું, ‘કેમ ?’ ત્યારે વૈદે કહ્યું કે, ‘મારી દવા સાથે દૂધ લેવું જરૂરી છે. ને જોગી સ્વામી દૂધ લેતા નથી’ એકદમ શાંતાબાએ કહ્યું કે, ‘વૈદરાજ ! દવા આપવાનું કામ તમારું ને દૂધ આપવાનું કામ મારું.’ વૈદરાજ તો બાની સામે જોઈ જ રહ્યા.
ઉતારે આવી શાંતાબાએ પાતળી ખીર બનાવી ને લોટામાં જયાનંદદાદા સાથે જોગી સ્વામીને મોકલી. જોગી સ્વામીએ બે દિવસ ખીર ગ્રહણ કરી ને પછી દાદાને કહ્યું, ‘જયાનંદભાઈ એક કામ કરશો ?’ દાદાએ કહ્યું, ‘હા, સ્વામી.’ તો કહે, ‘કાલથી ખીર નહીં લાવતા.’ દાદાએ ઉતારે આવીને બાને વાત કરી. બાએ કહ્યું ‘કાલની વાત કાલે.’ બીજે દિવસે ખીરનો લોટો લઈને દાદાને આવતા જોયા એટલે જોગીસ્વામીએ કહ્યું, ‘જયાનંદભાઈ ! કાલે ના નહોતી પાડી !’
દાદાએ કહ્યું, ‘સ્વામી ! બેને કહ્યું છે કે સ્વામી ખીર નહીં લે તો હું ય દૂધ નહીં લઉં પછી ભલે મારાં છોકરાં રખડી પડે.’ સ્વામી કહે, ‘ઓહો ! એવું છે ! સારું લાવો.’ ને પછી તો રોજ જ કંઈ બોલ્યા વગર ખીર ગ્રહણ કરતા. જોગી સ્વામી સાવ સાજા થઈ ગયા ત્યાં સુધી ખીર ગ્રહણ કરી.
આમ, શાંતાબા ના ભક્તિભાવથી રાજી થઈ યોગીબાપાએ તા.૨૮-૩-૪૧ના સ્વ હસ્તે આશીર્વાદ લખી આપ્યા, ‘જે ૧૯૬૫માં પપ્પાજીની કૃપાથી યોગીજીમહારાજના હસ્તાક્ષરમાં ‘સુનૃત’ નામે પુસ્તિકા પ્રગટ કરી.
શાસ્ત્રીજી મહારાજના આશીર્વાદથી શાંતાબાની પણ તબિયત સારી થઈ. શાસ્ત્રીજી મહારાજે કહ્યું, ‘હુતાશનીના સમૈયા પછી તમે મુંબઈ જજો.’ મુંબઈ જવાના આગલા દિવસે શાસ્ત્રીજી મહારાજે એમના સેવક હરિભક્ત જગુભાઈ સાથે ટોપલો ભરીને મોસંબી મોકલતાં કહ્યું, ‘કાલે મુંબઈવાળા જાય છે, તેમને આપજે ને કહેજે સ્વામીએ કહ્યું છે, ‘આના તો મુંબઈમાં મોટાં ઝાડ થશે.’
સુનૃતના મુદ્દાનુંવાંચનકરીએ.
(૧) પહેલો મુદ્દો
નિર્દોષબુધ્ધિ દરેકમાં રાખવી. તે જ આપણી સેવા છે, ગ.મ.૨૮ વચનામૃતમાં ભક્તના ભક્ત થાવું. ગ.પ્ર.૫૮- પાકો હરિભક્ત કેને જાણવો? હરિભક્ત તેના દાસનો દાસ (દાસાનુદાસ) થઈને રહેવું. ગ.મ.૬૩ ત્રણ અંગમાંથી એક અંગ રાખીને દેહ મૂકીને ધામમાં જાવું. આત્મનિષ્ઠા, ઉત્તમપતિવ્રતાપણું, દાસત્વપણું. દાસત્વપણામાં ચાર કલમ સમજવાની આવે છે.
૧. ઈષ્ટદેવનાં દર્શન ગમે. ૨. ઈષ્ટદેવ પાસે રહેવું ગમે. ૩. ઈષ્ટદેવની ક્રિયા ગમે. ૪. પોતાના ઈષ્ટદેવનો સ્વભાવ ગમે.
આ ચાર કલમ સમજવાની છે. આ મુદ્દા સમજીને જીવમાં ઉતારવા.
(૨) બીજો મુદ્દો
એકબીજાની ખટપટ ન કરવી. તે કોકની વાત બીજાને કરવી ને બીજાની વાત કોક્ને કરવી, તે સ્વભાવ સાધુતાના માર્ગમાં ખામી રાખે. માટે જેને મોક્ષ જોઈતો હોય તેમને તે સ્વભાવ મૂકવો.
(૩) ત્રીજો મુદ્દો
સ્વામી જાગાસ્વામી કે’તા જે અવગુણ લેવાનું મન થાય તો પોતાના દેહનો ને પોતાના સ્વભાવનો ને પોતાની જાતિનો અવગુણ લેવો પણ એકાંતિક ભગવાનના ભક્તનો અવગુણ ન લેવો.
(૪) ચોથો મુદ્દો
સહનશક્તિ એ જબરો ગુણ છે. કોક શબ્દ આપણને કટાક્ષથી કહે તો સામું ન બોલતાં સહન કરવું. તેમને (તેને) ક્ષમા (નો) ગુણ કહે છે. તે ક્ષમા કરવાથી પોતાના હૈયામાં શાન્તિ અખંડ આવે છે ને આનંદના ફુવારા છૂટે છે. અને મોટા જીવમાંથી રાજી થાય છે. ત્યારે સ્વામી મૂળ અક્ષરબ્રહ્મ કે’તા જે દેહ પડી ગીયો (ગયો) એટલે શું થીયું ? એ તો સાધુ થાવું, સાધુતા શીખવી, ને મરી ગીયા એટલે થઈ રહ્યું ને કરવું બાકી કાંઈ ન રહ્યું એમ ન સમજવું. સ્વામી જાગાભકત સ્વામી કે’તા જે પરક્રિયા ને પારકો આકાર ને પારકા દોષ જીવમાં ઘાલવા નહિ. એમ સ્વામી કે’તા, ક્યાંક વાત થાતી હોય ને પોતાના અંગમાં મળતી આવતી હોય તેટલી ગૃહણ (ગ્રહણ) કરવી ને બીજીનો ત્યાગ કરવો. જે બીજા ભક્તને અર્થે છે ને મારે અર્થે નથી. એટલે તેમનો અવગુણ આવ્યો ન કે’વાય.
(૫) પાંચમો મુદ્દો
ઝાઝો સમુહ હોય ને કોઈ વાત થાતી હોય ને આપણાથી મોટા હોય તે વખતે વાત સાંભળી લેવી પણ હેત થાય ત્યારે વાત કરવી. પહેલું હેત કરાવવા શીખવું. હેત કરાવ્યા પછી વાત બેસે. માટે હેત થયા પછી પોતાનો સિધ્ધાંત કે’વો.
(૬) છઠ્ઠો મુદ્દો
સુહ્રદપણાનો મોટો ગુણ શીખવો. સુહ્રદપણું એટલે એકબીજાની ક્રિયા સંપથી કરી લેવી. સેવા એકબીજાની કરી લેવી. કોઈ કહે તે ખમવું ને બીજાને તે વાત જણાવવી પણ નહિ. મને ફલાણે આમ કહ્યું, ઓહોહો મારા મોટા ભાગ્ય જે આવા કે’નારા ક્યાંથી મળે ! એમ કહેનારાનો ગુણ લેવો. સુહ્રદપણું હશે તો જબરા ગુણો આવશે, એમ સ્વામીનું વાક્ય છે. માટે અવશ્ય સુહ્રદપણું રાખવું.
(૭) સાતમો મુદ્દો
કથાવાર્તાનું વ્યસન રાખવું. કથાવાર્તાનું વ્યસન હોય તો કર્યા વિના રહેવાય જ નહિ. મોટા વાતુ કરતા હોય ને પોતે હાજર ન હોય તો હ્રદયમાં બળતરા થવી જોઈએ. જ્યારે કથા સાંભળીએ ત્યારે શાંતિ થાય. માટે શબ્દ ઝીલવા શીખવું. એકે શબ્દ વૃથા જાવા દેવો નહિ. નવીન વાતો યાદ રાખવી. તો જ શ્રુત કે’વાય. માટે ખરા શ્રુત થાવું. આટલા સાત મુદ્દા જીવમાં ઉતારી સમજી કેફ રાખવો. વાત તો ઘણી થઈ. પણ ટૂંકામાં આટલું સમજવાનું. મોટા વાતુ કરતા હોય ત્યારે વાત સાંભળવી ને એક મને થઈને વચમાં કોઈપણ ડહાપણથી બોલવું નહિ. અધ્ધર વચન ઝીલી લેવાં.
થોડા બોલા થાવું. વાણી જે વાપરવી જે દૂધની પેઠે વાપરવી. પણ પાણીની પેઠે ન વાપરવી. બોલ્યબોલ્ય ન કરવું, ઘટે તેટલું બોલવું. સત્ય, હિત ને પ્રિય લાગે તેવું વચન બોલવું. એટલે સૌને આપણામાં હેત થાય એવું અંગ રાખવું. આટલો પાઠ કરવાથી શાંતિ રહેશે. શૂરવીર થાવું, જેથી ઈન્દ્રિયો અંતઃકરણ થરથર કંપતા ફરે ને ખોટો ઘાટ પણ ન થાય. વચ.છે.પ્રક.૨ રાત દિવસ વાંચ્યા જ કરવું. આટલી કલમ યાદી રાખવી. પૂજ્ય ભગતજીમહારાજ, પૂજ્ય સ્વામી જાગાભક્ત, પૂજ્ય અદાશ્રી ને પૂજ્ય શાસ્ત્રીજી મહારાજને સંભારવા. દરરોજ સ્મૃતિ રાખવી.
કોઈ વાળે ત્યારે આપણે વેગમાં હોઈએ તો પણ વળી જાવું એ ગુણ જબરો છે, પણ પોતાનો એકડો સાચો રાખવો નહિ. એક વાત શીખવાની છે, કટ વળી જવું. પોતાનો બ્રહ્મસ્વરૂપપણાનો આનંદ ક્ષણ પણ મોળો પડવા દેવો નહિ. કામ-ક્રોધના ઘાટ થાય ત્યારે જ્ઞાને કરીને દબાવી દેવા. ‘જો ભુંડો ઘાટ કર્યો તો તારા ભુક્કા કરી નાખીશ.’ રાજ્ય નીતિનું વચનામૃત ગ.મ.૧૨ વાંચવું. પછી એક પણ સંકલ્પ ન થાય. સાંખ્ય વિચાર કરવા શીખવો. દેહ, લોક, ભોગ ખોટા સમજી લેવા. આવો વિચાર સવારમાં કરવો, ‘હું ગુણાતીત છું ને મારા જીવમાં સ્વામીશ્રીજી સાક્ષાત્ બેઠા છે.’ પ્રત્યક્ષ બ્રહ્મસ્વરૂપ પોતાને માનવો એ જ વિનંતી. ભૂલચૂક સુધારી વાંચશો.
આજની સભામાં પૂ.મનીબેને સુનૃતના પહેલા મુદ્દા ઉપર લાભ આપ્યો હતો.
(૨) તા.૨૦/૬/૧૯
આજે સાંજે ૪.૩૦ થી ૫.૩૦ બહેનોની શિબિર સભા થઈ હતી. તેમાં પૂ.ડૉ.મેનકાબેને સુનૃતનો ૨જો મુદ્દો, પૂ.રમીબેને ૩જો મુદ્દો, પૂ.નીમુબેન સાકરિયાએ ૪થો મુદ્દો, પૂ.હેમાબેન ભટ્ટે ૫મો મુદ્દો, પૂ.મધુબેન સી.એ ૬ઠ્ઠા મુદ્દા ઉપર લાભ આપ્યો હતો.
(૩) તા.૨૧/૬/૧૯ ગુણાતીત જ્યોતનો ખાતમુહૂર્ત દિન
આજે સવારે ૧૦.૩૦ થી ૧૧.૩૦ ગુણાતીત જ્યોતના ખાતમુહૂર્ત દિન નિમિત્તે જ્યોત પપ્પાજી હોલમાં બહેનોની સભા કરી હતી.
ગુરૂહરિપપ્પાજીએ ધ્વનિમુદ્રિત આશીર્વાદ આપતાં કહ્યુંકે, આજે ગુણાતીત સમાજનો સ્થાપના દિન. ૧૯૬૬માં આવ્યા ત્યારે જબરજસ્ત માયા હતી. તે વખતે પ્રયોગજ હતો. કુંવારી બહેનો ભગવાન ભજીના શકે એવી માયાને મહામાયા ત્યારે ઉપડી હતી. પણ માયાની ઉપેક્ષા અને ભજન જ કર્યા કર્યું. તો માયાનું કાંઈ ચાલ્યુ જનહીં. માયાનો વિરોધના કર્યોને બચાવના કર્યોતો સાચા દેવળે ઘંટ વાગ્યો. તારદેવથીએવી ૨૫ બહેનો તૈયાર થઈને આવી હતી. પ.પૂ.બા, પ.પૂ.બેન, પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.તારાબેન, પ.પૂ.હંસાદીદી સાથે બીજીએવી બહેનો પણ પ્રાપ્તિવાળી હતી. તેમને લઈને અહીં આવ્યા. તેમનેમન, કર્મ, વચને સેવી લઈએ તો એકાંતિક સિધ્ધદશાને પામી શકીએ. તો જાગ્રત રહીને જીવનું કરી લઈએ. આવો જોગ ક્યારેયન હોય એવો ઉત્તમ જોગ જોગીબાપાએ આપ્યો. મોટેરાંના વચન પ્રમાણે જીવીએ. મનનદ્વારા સંગ કરી અને એવી રીતે જીવીને મહામાનવનું સુખ ભોગવતા થઈએ એવી પ્રાર્થનાને આશીર્વાદ..
ત્યાર બાદ પૂ.હંસાબેન ગુણાતીતે આશીર્વાદ આપતાં કહ્યુંકે, આજે ગુણાતીત જ્યોતનો ખાતમુહૂર્ત દિન. યોગીજીમહારાજે ખાતમુહૂર્ત કર્યું. ત્યારે અમે ગુજરાતમાં હતા. જોગીમહારાજના આશીર્વાદ પ્રમાણે સાચાદેવળે ઘંટ વાગ્યો. ત્યારે બહાર તો વિરોધનો વંટોળ હતો. પણ જોગીબાપા પધરામણી કરવાના નિમિત્તે ખાનગીમાં વિદ્યાનગર પધાર્યાને પછી ખાતમુહૂર્ત કરવા આવી ગયા. ‘૬૬માંજૂનીજ્યોતથઈ, ૫૧ બહેનો આવ્યાં તે બધા પ્રાપ્તિને પામી ગયાં. ગુરૂહરિપપ્પાજીને ગુરૂઓના વચનમાં હોમાઈ ગયા. એ જોગીમહારાજ અને ગુરૂહરિપપ્પાજીની અસીમ કૃપાને સંકલ્પનું કાર્ય છે.
(૪) તા.૨૬/૬/૧૯
સાંજે ૫.૦૦ થી ૭.૦૦ જ્યોત પપ્પાજી હૉલમાં સભા કરી હતી. તેમાં પૂ.માયાબેન દેસાઈ એસુનૃતનો ૬ઠ્ઠો મુદ્દો અને પૂ.ડૉ.વિણાબેને ૭મા મુદ્દા ઉપર લાભ આપ્યો હતો.
આમ, આ પખવાડીયું શિબિર સભા દ્વારા ભક્તિ સભર પસાર થયું હતું. આપણને અક્ષરધામની મોજ બક્ષિસમાં આપનાર શ્રીજી-યોગીજી-પપ્પાજીને અનંત વંદના !
આપનો સંકલ્પ સાકાર કરવા સંપનાં પગથિયાં ચડી, સહ્રદભાવની ભરતીએ ભીંજાઈ, એકતાના તાલે તાલ મિલાવી આપે જે સ્વરૂપો અમને અર્પ્યાં છે. તેમના ગમતામાં, તેમની રીતે જીવન જીવી તેઓની પ્રસન્નતા મેળવી લઈએ એ જ અમે સહુ ગુણાતીત સમાજના ભક્તોની પ્રાર્થના આપના ચરણે ધરીએ છીએ.
અત્રે સર્વે સ્વરૂપોની તબિયત સરસ છે. સર્વે સ્વરૂપોની તબિયત સારી રહે તે માટે આપણે ધૂન-ભજન કરતા રહીએ. તમે સર્વે કરતા જ હશો, કરતા રહેજો. અત્રેના સર્વે સ્વરૂપો, મુક્તો વતી આપ સર્વને અંતરના ભાવભર્યા જય સ્વામિનારાયણ !
એ જ જ્યોત સેવક P.71 ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ !