16 to 31 Jan 2019 – Newsletter

સ્વામિશ્રીજી

 

ગુરૂહરિપપ્પાજીનીજય

 

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો જય સ્વામિનારાયણ !

 

અહીં આપણે તા.૧૬ થી ૩૧ જાન્યુઆરી દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સભા-સમૈયાની સ્મૃતિ માણીશું.

 

(૧) તા.૧૯/૧/૧૯ સંકલ્પ સ્મૃતિ દિન

 

આ વર્ષ એટલે સંકલ્પ સ્મૃતિનું વર્ષ છે. ૧૯મી નવેમ્બરે ૧૯૬૩માં ગણેશપુરીમાં ગુરૂહરિ પપ્પાજીએ બહેનોને સંકલ્પ કરાવેલો તે સ્મૃતિ

સાથે પ.પૂ.દીદીએ દર મહિનાની ૧૯મી એ શિબિરલક્ષી આયોજનનો આદેશ આપ્યો. તે પ્રમાણે આજે ૧૯મી તારીખે સવારે ૧૦.૦૦ થી ૧૨.૦૦ જ્યોત પપ્પાજી હૉલમાં બહેનોની સભા કરી હતી. હાથમાં જળ લઈ દરેક બહેનને વ્રતધારણનો સંકલ્પ પ.પૂ.દીદીએ કરાવ્યો હતો. અને ધ્યેયલક્ષી જીવવાની જાગ્રતતા આપી.

 

પ.પૂ.દીદીએ આશીર્વાદ આપતાં કહ્યું કે, અમે ૧૯૫૨ની સાલથી ભગવાન ભજતાં હતાં. ત્યારથી ૧૯૬૩ સુધી ગુરૂહરિ પપ્પાજીએ અમને બધી રીતે ચેક કર્યાં. એમની સાથે રાખ્યાં ને ચકાસ્યાં, પછી વ્રત આપ્યું છે. સાધનાની સભાનતા માટે રોજ કવાયત કરવી પડે. ગુરૂહરિ પપ્પાજીએ ૨૧/૧૦/૨૦૦૨માં શપથ લેવડાવ્યા હતા. આપણે એ રીતે વર્તવું પડે. એ રીતે વર્તવાથી ફળ આપણને જ મળવાનું છે. તો પ્રાપ્તિ કરી લઈએ.

 

પ.પૂ.જશુબેને આશીર્વાદ આપતાં કહ્યું કે, મુખ્ય વાત છે કે આપણે મૂર્તિ નહીં જવા દેવાની. મને ખૂંચે, ન ગમે તો મારો દોષ છે. જ્યારે આપણે અંતરથી આપણી ભૂલની કબૂલાત કરીએ કે તરત પ્રભુ તમને હળવા ફૂલ કરી દે છે. ગુણાતીત કર્યા વગર નહીં છોડે. માટે આનંદ જ કર્યા કરો. ચોવીસ કલાક અખંડ મૂર્તિમાં રહેવાની ટેવ પડી જાય ને પળેપળ ભગવાનને ઉપાયભૂત કરતા થઈ જઈએ તેવું બળ મળે તે જ પ્રાર્થના.

 

પ.પૂ.દેવીબેને આશીર્વાદ આપ્યા કે, આપણે કેટલા નસીબદાર કે સ્વામિનારાયણ ભગવાનનું સ્વરૂપ ગુરૂહરિ પપ્પાજી રૂપે મળ્યા ને સાથે આવાં પ.પૂ.દીદી મળ્યાં. એમને રોજ નવો ઉત્સાહ. ભગવાન મળે તો એક પગલું અક્ષરધામમાં ને સાથે આ સદ્દગુરૂઓ જેવા સાધુ મળ્યા, આપણને સંકલ્પ કરાવ્યો ! આવું તો ક્યાં હોય કે બધું જ ગુરૂ કરે ને આપણે તો સુખ જ લેવાનું. ગુરૂહરિ પપ્પાજીનો સંકલ્પ પરમ ભાગવત સંત બનાવવાનો. તે માટે બળ પણ આપે જ છે તે લેતા થઈ જઈએ. જે સંકલ્પ કરાવ્યો તે પ્રમાણે જીવવાનું મનથી પકડી રાખવું પડશે. સંબંધવાળા પાસે નમતું મૂકીએ. જે કરવા વ્રત લીધું તે આપણા જીવનમાં સાકાર થાય તેવું બળ ગુરૂહરિ પપ્પાજી આપે એ જ પ્રાર્થના.

{gallery}images_in_articles//newsletter/2019/Jan/19-01-19 SANKLAP SMRUTI DIN{/gallery}

 

(૨) તા.૨૦/૧/૧૯ વચનામૃત દ્વિશતાબ્દી

 

આ વર્ષ એટલે વચનામૃત દ્વિશતાબ્દીનું વર્ષ છે. ભગવાન શ્રી સ્વામિનારાયણે ઉદ્દબોધેલા વચનોનો ગ્રંથ એટલે વચનામૃત. ૧૧મી ડીસેમ્બર ૨૦૧૮ માગશર સુદ-૪થી તેનો પ્રારંભ થયો. એ સ્મૃતિ સાથે દરેક ગુજરાતી મહિનાની તિથિ સુદ-૪એ વચનલક્ષી આયોજન કર્યું છે. દર મહીને ગ્રુપવાઈઝ વચનામૃત ગ્રંથની પોથી યાત્રા અને તેનું સમૂહમાં વાંચન કરવાનું રાખેલ છે. તે પ્રમાણે આજે પ.પૂ.બેન અને પૂ.મધુબેન સી.ના ગ્રુપનાં બહેનોએ વચનામૃત પોથી હાથમાં લઈને  ગુણાતીત તીર્થની પાંચ પ્રદક્ષિણા કરી. પાંચ મિનિટ ધૂન કરી.

 

ત્યાંથી પંચામૃત હૉલમાં ઠાકોરજીને પાયલાગણ કરી પપ્પાજી હૉલમાં પધાર્યાં. ગુરૂ સ્વરૂપોએ વચનામૃતનું પૂજન કર્યું. પૂ.મીરાબેને (લંડન) ગુરૂહરિ પપ્પાજીને હાર અર્પણ કર્યો. ત્યારબાદ શ્રીજી મહારાજની ૧૦૮ જન મંગલ નામાવલિનું ગાન કર્યું. ત્યારબાદ ગુરૂહરિ પપ્પાજીની ૧૦૮ નામાવલિનું ગાન કર્યું. નામાવલિ બોલાય તે દરમ્યાન ગ્રંથ પર ગુલાબની પાંદડી અને અક્ષત મૂકી પૂજન કરવાનું.

 

ત્યારબાદ વચનામૃત પ્ર.૧લું ‘અખંડ વૃત્તિનું’ સમૂહમાં વાંચન કર્યું. 

પ.પૂ.બેને ધ્વનિ મુદ્રિત આશીર્વાદ આપતાં કહ્યું કે, ભગવાન પૃથ્વી પર જ છે. એનો અનુભવ જોગીએ કરાવ્યો. સત્પુરૂષમાં ભગવાન અખંડ રહ્યા છે. જે મૂર્તિ મળી તેમાં મારા અંગ પ્રમાણે નખશિખ પર્યંત સ્મૃતિ કર્યા કરું. એમાં મહારાજ રહ્યા છે. એવા ભાવે મૂર્તિમાં ચડ-ઉતર કર્યા કરું.એમની સ્મૃતિ, એમની આજ્ઞામાં રહેવું.બીજી માથાકૂટ શા માટે કરવી છે? 

 

પ.પૂ.દીદીએ આશીર્વાદ આપતાં કહ્યું કે, અમે કપોળવાડીમાં દર્શન કરવા જતાં. ત્યાં એક સંત જોગીબાપા જેવા દેખાતા. મેં ગુરૂહરિ પપ્પાજીને પૂછ્યું કે, કપોળવાડીમાં એક સંત જોગીબાપા જેવા દેખાતા’તા તો એના દર્શન કરીએ તો ચાલે ?

 

તો ગુરૂહરિ પપ્પાજી કહે, “ના જોગી એટલે જોગી. એના દર્શનથી આંખના પાપ બળી જાય. આપણે ભાવે કરીને દર્શન કરવાનાં.” તે આપણા પપ્પાજીના જ હોય. જે સ્વરૂપને જે માનતા હોય તેનો સ્વીકાર કરવો, તેનો મહિમા ગાવો. જેના જે હેતવાળા હોય તેની દેહે કરીને સેવા કરવી, મને કરીને નિર્દોષ માનવા. પણ ચિંતવન તો એક ગુરૂહરિ પપ્પાજીનું જ હોય.

 

બધાના ગુણ ગાવા પણ એનો અવગુણ આવી જાય તો એનું પ્રારબ્ધ બંધાઈ જાય. કોઈને નીચા નથી પાડવા, પણ મારા માટે મારો પ્રભુ સેવ્ય સ્વરૂપ છે. આપણા કેટલા બધા નસીબ આપણે આટલાં બધાં બહેનો સાથે રહી શકીએ છીએ. ગુરૂહરિ પપ્પાજીની કૃપાથી આપણે સ્ત્રીભાવથી પર ગયા છીએ. અમે તારદેવ હતા ત્યારે ગુરૂહરિ પપ્પાજીએ અમને મધ્ય.૪૯નું વચનામૃત મોઢે કરવા આપ્યું હતું. જે ધ્યેય છે એની સભાનતા પ્રત્યેક શ્વાસમાં જોઈએ છે. ભગવાન રાખવા છે. ભગવાનની સેવા ભગવાનની રીતે, ભગવાનની પ્રસન્નતાર્થે કરવી છે.

ત્યારબાદ આરતી કરી આજની સભાની પૂર્ણાહુતિ કરી હતી. 

{gallery}images_in_articles//newsletter/2019/Jan/20-01-19 VAQCHNAMRUT DWISHATABDI{/gallery}

 

(૩) તા.૨૧/૧/૧૯ પોષી પૂનમ અને પ.પૂ.સોનાબા સ્મૃતિ પર્વ

 

આજે આ બંને ઉત્સવો નિમિત્તે સવારે ૧૦.૩૦ થી ૧૨.૦૦ જ્યોત પપ્પાજી હૉલમાં સભા કરી હતી.

પોષી પૂનમ નિમિત્તે સહુ પ્રથમ ગુરૂહરિ પપ્પાજીના ધ્વનિમુદ્રિત આશીર્વાદ લીધા હતા. મનને નિષ્કામ બનાવવું છે. વિચાર ઉઠે ને ગરણી મૂકીએ. ભગવાન રાખતા થઈ જઈએ. આપણે ભગવાનમાં રહેવાની કોઈ રીત શોધી કાઢીએ. ભિન્ન અંગવાળાની મૈત્રી રાખીએ. ગુરૂ પાસે નિષ્કપટ ભાવે જીવીએ. સંકલ્પ, ભાવ ને ક્રિયા એની ભક્તિરૂપ હોય તો જ થાય. મનનું અમન તો થઈ ગયું છે. મોળી વાત, મોળો વિચાર જે ઉઠે તેને કાઢી જ નાખો. સામું તો પ્રગતિ કરતું ચૈતન્ય છે. લીલા નથી મનાતી, તો મારે ભજન કરવાનું છે. મનને ભર્યું રાખીએ, ખાલી ના રાખીએ. ગઈ પળને નથી વાગોળવી.

 

આપણે અક્ષરધામનું સુખ ભોગવવું છે. સ્વામીની વાત આજ તો મહારાજ પોતાનું અક્ષરધામ, પાર્ષદ અને સમગ્ર ઐશ્વર્ય લઈને પધાર્યા છે. આપણે એના સાધર્મ્યપણાને પામવું છે. ભૂલેચૂકેય કુસંગનો સંગ ના કરીએ. અંગોઅંગમાં પ્રભુને ધારતા થઈ જઈએ. એના નિમિત્ત બનીને જીવવું છે. જંગમતીર્થ બનીને જીવવું છે. એવું જીવવાનું બળ મળી જાય એવી પ્રાર્થના ને આશીર્વાદ.

 

આજે પ.પૂ.સોનાબાના સ્મૃતિ પર્વ નિમિત્તે પૂ.મધુબેન સી. એ સભામાં લાભ આપ્યો હતો. આજે પ.પૂ.સોનાબાનો સ્મૃતિ પર્વ. બા એ શાસ્ત્રીજી મહારાજની જે નિષ્ઠા રાખીને જીવ્યા છે. શાસ્ત્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે જ જીવ્યા છે. શાસ્ત્રીજી મહારાજનાં સ્વરૂપો માનીને સંબંધવાળાની સેવા કરી છે. પ.પૂ.બાના સિંચનથી પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.તારાબેને પણ એવી માહાત્મ્યેયુક્ત સેવાઓ કરી છે. માહાત્મ્યેયુક્ત સેવા જ બળ પામવાનું સાધન છે. જોગીબાપા કહેતા, કથાવાર્તાનો ઈશક રાખે એમાં રૂડા ગુણ આવે છે. આપણે સભામાં આવીએ, કથાવાર્તા સાંભળીએ તો આપણા સેવામાં ક્યાં માર્કસ જાય છે તેની સૂઝ પડે છે. જાગ્રતતા ને જાણપણું આવે છે. ગુરૂહરિ પપ્પાજીએ બધું જ આપણને આપ્યું છે.

 

(૪) તા.૨૭/૧/૧૯ ઑસ્ટ્રેલિયામાં પ.પૂ.જ્યોતિબેનના અસ્થિ પુષ્પ વિસર્જન

 

નડિયાદના નિષ્ઠાવાન સત્સંગી હરિભક્ત પૂ.ઉર્મિલાબેન જશભાઈ પટેલ. તેમનાં દીકરી પૂ.હરિનીબેન પટેલ જે હાલ ઑસ્ટ્રેલિયામાં રહે છે. તેમણે અને ત્યાંના મંડળના મુક્તોએ ભેગા મળીને પ.પૂ.જ્યોતિબેનના અસ્થિ પુષ્પની મહાપૂજા ખૂબ ભક્તિભાવ પૂર્વક કરી હતી. ત્યારબાદ અસ્થિ પુષ્પનું વિસર્જન કર્યું હતું.

{gallery}images_in_articles//newsletter/2019/Jan/27-01-19 AUSTRILYA P.P.JYOTIBEN SHASVAT KUMBH MAHAPOOJA{/gallery}

 

(૫) વિશેષ

 

ગુણાતીત દિક્ષાદિન નિમિત્તે ગુણાતીત સ્થિતિને પામવાનું એક નવું શુભારંભ પ.પૂ.દીદીએ દર્શાવ્યું. ગુરૂહરિ પપ્પાજી સાક્ષાત્કાર હિરક પર્વે ૧લી જૂન ૨૦૧૨માં ગુરૂહરિ પપ્પાજીએ લખેલા એમના જ હસ્તાક્ષરના લેખનું પુસ્તક ‘પપ્પાજી અક્ષર સ્વરૂપે’ પૂ.નિલમબેને પરમના દિવ્ય ચરણે ધર્યું. એમાંના ૧૦૦ લેખમાંથી પ.પૂ.દીદીએ ગુટકો તારવી આપણને અર્પ્યો. 

 

ગુણાતીત જ્યોતના બોર્ડ પર રોજ તે સૂત્ર મૂકાય છે. આપણે પણ ન્યુઝ લેટરમાં તા.૨૧ થી ૩૧ દરમ્યાન લખાયેલ સૂત્રને માણીશું અને એ ગુટકો આપણાં સહુનું જીવન બની આંતરખોજ કરી ૧૦૦ સૂત્રને માણીએ. 

 

(૧) તા.૨૮મી માર્ચ ૧૯૫૭ “સમાની ગમ તે જ સમાગમ”

 

(૨) તા.૧૫/૫/૭૨ અખાત્રીજ “આજનો શુભ સંકલ્પ કે જ્યાં જુએ ત્યાં રામજી, બીજું ન ભાસે રે”

 

(૩) તા.૧૫/૭/૭૮ “જે કામ ભજન કરે તે કોઈ જ ના કરે”

 

(૪) તા.૧૮/૫/૮૨ “સ્વરૂપથી ભર્યા રહો.”

 

(૫) તા.૧૮/૧૨/૮૨ “સર્વને નિર્દોષ માનો નિર્દોષ થઈ જશો.”

 

(૬) તા.૨૮/૯/૮૩ “સૌ કોઈને શુભ વિચારો જ ઉદય પામે.”

 

(૭) તા.૮/૧૨/૮૩ “LET HIM WORK SOLVE THE PROBLEM IN HIS WAY.”

 

(૮) તા.૧/૩/૮૪ “સ્વધર્મેયુક્ત સેવા કર્યા જ કરો. જીવન મધુરું લાગશે.”

 

(૯) તા.૯/૪/૮૪ “સ્વામી સ્વામી કર્યા કરો.”

 

(૧૦) તા.૯/૪/૮૪ “સંબંધવાળા કે વગરનાના દોષ દેખાશે, પણ તે મનમાં ન ઘાલવા.”

 

(૧૧) તા.૧/૧૨/૮૪ “અંતરની તીવ્ર રાંકપણે પ્રાર્થના કર્યા જ કરવી.”

 

આમ, આખું પખવાડીયું ભક્તિસભર પસાર થયું હતું. અત્રે સર્વે સ્વરૂપોની તબિયત સરસ છે. સભામાં પધારે છે. દર્શન, આશિષ લાભ આપે છે. અત્રેના સર્વે સ્વરૂપો મુક્તો વતી આપ સર્વને પણ અંતરના ભાવભર્યા જય સ્વામિનારાયણ. રાજી રહેશો.

એ જ જ્યોત સેવક P.71ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ !