16 to 31 Oct 2017 – Newsletter

સ્વામિશ્રીજી

 

ગુરૂહરિ પપ્પાજીની જય

 

કાકાજી-પપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય

 

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો ! જય સ્વામિનારાયણ !

 

અહોહો ! આ પખવાડીયું તો પ્રકાશનું પર્વ એટલે કે દીપોત્સવીના પર્વો લઈને આવેલું છે. તો અહીં આપણે તા. ૧૬ થી ૩૧ ઑક્ટોબર

દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીએ.

 

(૧) તા.૧૬/૧૦/૧૭ વાઘબારસ

 

આજનો આપણો તહેવાર “વાઘ બારસ” નથી, પરંતુ વાક બારસ છે. શબ્દકોશમાં વાકનો અર્થ અપાયો છે. વાણી, વાચા અને ભાષા.

વેદના કેટલાક ભાગને પણ વાક તરીકે ઓળખવામાં આવે છે. વાક એટલે વાચા કે ભાષાની દેવી છે. જેને કારણે જ સરસ્વતીને વાગ્દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે. મા સરસ્વતી આપણી વાચા અને ભાષા સારી રાખે અને બુધ્ધિ ભ્રષ્ટ ન થતાં આપણા આચાર-વિચારો સારા રાખે એ સંદર્ભે આજે મા સરસ્વતીની પૂજા કરવી જોઈએ. વાકનું અપભ્રંશ કરીને લોકોએ વાઘ કરી નાંખ્યું અને વાઘના સંદર્ભે આખો તહેવાર વાઘબારસ તરીકે ઓળખાવા માંડ્યો. પરંતુ આપણી હિન્દુ સંસ્કૃતિ અને ફિલોસોફી એમ કહે છે કે, લક્ષ્મીની પૂજા થાય એ પહેલા સરસ્વતીની પૂજા થવી જોઈએ. જેથી જ આપણા વડવાઓએ ધનતેરસના આગલા દિવસે લક્ષ્મીની પૂજા થાય એ પહેલા વાક બારસના દિવસે મા સરસ્વતીની પૂજા કરે છે. વાઘ સાથે આ તહેવારને કોઈ લેવાદેવા નથી. આજે તો મા સરસ્વતીની જ પૂજા થવી જોઈએ અને એમના ચરણોમાં નત મસ્તકે પ્રાર્થના કરવી જોઈએ કે, આખું વર્ષ સત્ય, પ્રિય અને હિતકારી વાણી બોલવી. આપણા કારણે આપણા સ્વજનો, આપ્તજનો અને આપણા પરિવારજનોનું મન દુઃખાય નહીં તેનું ધ્યાન રાખવું.

 

(૨) તા.૧૭/૧૦/૧૭ ધનતેરસ

 

ગુરૂહરિ પપ્પાજી કહેતાં કે લક્ષ્મીપૂજન એટલા માટે કે આપણા ધનનો શુભ ઉપયોગ થાય અને સંપત્તિ પવિત્ર બને. સ્વાર્થમાં વપરાય તે ધન, અન્ય માટે વપરાય તે લક્ષ્મી. પ્રભુના કાર્ય માટે વપરાય તે મહાલક્ષ્મી. આમ, લક્ષ્મી એક શક્તિ છે.

પંચવિષય મૂકી દિવ્યભાવે આત્માનું જતન કરવું તે આધ્યાત્મિક ધન. આવા ધનની પૂજા કરી ધનતેરસ ઉજવીએ.

{gallery}images_in_articles/newsletter/2017/Oct/17-10-17 DHANTERAS MAHAPOOJA{/gallery}

 

અક્ષરમુક્તો માટે તો ભક્તિરૂપ હોય તે વિચાર, વાણી, વર્તન કરવા અને ધન-વસ્તુ, પદાર્થ અને ભગવાનના ભક્તોને અર્થે વાપરીએ તો તે બંધનકર્તા ના નીવડે. લક્ષ્મી દિવ્ય થઈ જાય. આવા આધ્યાત્મિક હેતુને લક્ષમાં રાખી દર ધનતેરસે ધનપૂજાની મહાપૂજા બહેનો કરે છે. આ વખતે પણ પપ્પાજી હૉલમાં ઑફિસ વિભાગના બહેનો પૂ.તરૂબેન, પૂ.દેવ્યાનીબેન, પૂ.હર્ષાબેન નાણાવટી, પૂ.મંગલાબેન મારૂ, પૂ.નેહલબેન દુબલ, પૂ.પૂર્વીબેન પટેલ. જેઓ આજ્ઞાથી ગુણાતીત જ્યોતમાં ધન સાચવવા-વાપરવાની સેવા વર્ષોથી કરી રહ્યાં છે. તે બહેનોએ ગૃહસ્થોના સુવર્ણની પૂજા કરી ધન ધોઈ વિધિસર મહાપૂજા કરી હતી. પ.પૂ.દીદીએ ધનતેરસ નિમિત્તે ગુરૂહરિ પપ્પાજીએ લખી આપેલા સંકલ્પ આ મહાપૂજામાં પધારેલ બહેનો-ભાઈઓ સહુનેય કરાવ્યો હતો.

 

સ્વામિશ્રીજી

 

ગુણાતીત સમાજની જય

 

મુક્તાક્ષર પુરૂષોત્તમની જય

 

ધનતેરસ – ૨૦૫૫

 

સંકલ્પ

 

હે મહારાજ ! હે સ્વામી ! હે ગુણાતીત સ્વરૂપો !

 

અમે ગુણાતીત સમાજના સર્વે અક્ષરમુક્તો ત્યાગી બહેનો-ગૃહસ્થ એકાંતિક ભાઈઓ-ભાભીઓ. અમે સર્વ ગુણાતીત સમાજના સભ્ય છીએ. તો આજે અમારૂં ધન, અમારા જ વિચાર, ભાવનાઓ અને ઈંદ્રિયો અંતઃકરણ ના દેવતા- સર્વની પૂજા કરી વિનંતી કરીએ છીએ કે અમારા ભક્તિ અને સેવાના માહાત્મ્યના, પંચ વર્તમાનનો ભંગ કરાવે તેવા સંજોગોથી અમારી રક્ષા કરજો. અને તેવી તક મળી છે તો અમે પ્રત્યક્ષ ધામ, ધામી ને અક્ષરમુક્તો-કેવળ ચૈતન્ય સ્વરૂપને માની-અક્ષરધામ અહીં જ છે. તે મનાયેલું રહે તેની કૃપા તમો જ કરજો.

 

(૩) તા.૧૮/૧૦/૧૭ અક્ષરચૌદશ (કાળીચૌદશ)

 

મોળી વાત, મોળા વિચારને મગજના ભૂતને તિલાંજલી આપવાની સાધના આજે કરવી છે. આજે એકાવન ભૂતને બ્રહમાગ્નિમાં ભસ્મ કરી દઈએ. ને કાળી ચૌદશને અક્ષર ચૌદશ બનાવી દઈએ.

 

ગુરૂહરિ પપ્પાજીને દરેક વાત પોઝીટીવ જ ગમે ! એટલે કાળી ચૌદશ નહીં પણ ‘અક્ષર ચૌદશ’ કહી છે. હંસાબેન ગુણાતીતની અટક વીંછી હતી તો ‘ગુણાતીત’ કરી છે. હંસાબેનના પપ્પાનું નામ પોરૂષોત્તમભાઈ હતું પુરૂષોત્તમની દિકરી ‘ગુણાતીત’ ! આમ, યાદગાર સ્મૃતિ જીવનભરની પોઝીટીવ શબ્દો બદલીને પપ્પાજીએ આપી છે. લંડન જ્યોતની એક બહેનનું નામ ‘સંધ્યા કોટેચા’ હતું. તો ગુરૂહરિ પપ્પાજીએ ‘ઉષા’ પાડ્યું. ભજનોમાં પણ જો કાંઈ નેગેટીવ કે નબળી કડી બની હોય તો બદલાવી પોઝીટીવ લીટી કરાવે તે ‘ગુરૂહરિ પપ્પાજી’! એક વખત ગુરૂહરિ પપ્પાજી પવઈ સમૈયામાં ગયા હતા. ત્યાંથી પૂના જવાના હતાં. ભાઈઓ કહે, પપ્પાજી તમે આરામ કરીને નીકળો. ગુરૂહરિ પપ્પાજી કહે, ભક્તિ કરવી એ મારો આરામ છે. આમ, ગુરૂહરિ પપ્પાજીની પોઝીટીવ વિચાર, વાણી, વર્તન કરવાની જે રૂચી તેનું આજે ગાન કરી ધન્યતા અનુભવી હતી.

 

(૪) તા.૧૯/૧૧/૧૭ દિવાળી

 

દિવાળી એટલે આજે સંવત ૨૦૭૩ના વર્ષનો છેલ્લો દિવસ ! આજે વેપારીઓ ચોપડા (રોજમેળ)ની પૂજા કરે. સરવૈયું કાઢે. જ્યોતમાં પણ સાંજે ભાઈઓ ચોપડાપૂજનની મહાપૂજા કરે. આજે પણ પપ્પાજી હૉલમાં ચોપડા પૂજનની મહાપૂજા પૂ.ઈલેશભાઈ, પૂ.યશવંતભાઈ દવે, પૂ.બેચરભાઈ, પૂ.હેમંતભાઈ મોદી વગેરે વ્રતધારી ભાઈઓએ વેપારી ભાઈઓને મહાપૂજા કરાવી. વેપારી ભાઈઓ પોતાનો રોજમેળ (ચોપડો) લઈને મહાપૂજા કરવા આવે. જે ના આવી શકે તે પોતાના ચોપડા મોકલી આપે. બધી પોથીઓ શ્રી ઠાકોરજી, ગુરૂહરિ પપ્પાજી અને સ્વરૂપો સમક્ષ સ્ટેજ પર ગોઠવાય અને મહાપૂજાની વિધિ થાય. પૂજા કરનાર પાસે પોથીઓ ઉપર ફળ, ફૂલ પધરાવે ! તથા ખાસ સ્ટેજ પરના સ્વરૂપોના હસ્તે પુષ્પ અને ધનની વર્ષા ચોપડાઓ ઉપર થાય. આમ, પ્રસાદીભૂત બને ! પ.પૂ.દીદીએ તો ચોપડા ઉપર ધન વર્ષા બાદ હરિભક્તોને ધન વર્ષા કરીને પ્રસાદી અર્પીને ધન્ય કર્યા હતાં.

 

દિવાળી એટલે સરવૈયું કાઢવાનો દિવસ ! ગુરૂહરિ પપ્પાજી દરેક વાતનું આધ્યાત્મિક અર્થઘટન કરી આત્માના સુખે સુખિયા કરે છે. દિવાળીના દિવસે ગુરૂહરિ પપ્પાજીએ જે વાત કરેલી તેનું ધ્વનુ મુદ્રિત શ્રવણ કર્યું. “આજે દિપોત્સવી. આખું વર્ષ આપણે સાધના કરી. “અંતરથી અંતર ટળે નિરંતર” એ ભજન મુજબ ગુણગ્રાહી ર્દષ્ટિ કરીએ. મૂર્તિના માહાત્મ્યનું દર્શન કરીશું એટલે આપમેળે ગુણગ્રાહી ર્દષ્ટિ રહેશે. માહાત્મ્ય ! દિવ્યભાવ ! નિર્દોષબુધ્ધિનું ચિંતવન કરીએ એ મૂર્તિનું ચિંતવન છે. આપણે આધ્યાત્મિક પ્રગતિ માપીએ. કોક જ સ્વભાવ નડતો હશે તે ઓછો થયો ? મનમુખી કેટલું જીવાય છે ? ગુરૂમુખી કેટલું જીવતા થયા ? પ્રતિભાવ અપાય છે ? વગેરે. તેનું આજે ચેકીંગ કરીએ. અક્ષરધામની સમાધિમાંથી ગયા તો ભજન કરીને હલકા થઈ જઈએ. હલકા એટલે નિરાકાર.

{gallery}images_in_articles//newsletter/2017/Oct/19-11-17SHARDAPOOJAN{/gallery}

 

પ.પૂ.જશુબેને ગુરૂહરિ પપ્પાજીની વાત ઉપર પ્રકાશ પાડીને આશીર્વાદ આપ્યા. ઈ.સ.૧૯૭૪ની યોગી જયંતીએ ગુરૂહરિ પપ્પાજીને મેં પૂછ્યું, “તમારૂં પૃથ્વી પર આવવાનું કારણ શું છે ? તમારી રૂચિ શું છે ? પૃથ્વી પર આવવાનો હેતુ….જે મારા સંગી થયા છે તેમને અક્ષરધામરૂપ કરવા છે.” કર્તાપણું ક્યાં નથી મનાતું ! એ મારો કાચા ભાગ છે. આપણે સરવૈયું કાઢીએ. સંબંધવાળામાં ક્યાં મહારાજ દેખાય છે ? ક્યાં નથી દેખાતા ! આપણે સંબંધ જોઈ સેવા કરવાના અધિકારી છીએ. ગુરૂહરિ પપ્પાજીએ એ જ કર્યું છે.

 

પ.પૂ.જ્યોતિબેને પણ પ્રાસંગિક આશીર્વાદ આપતાં કહ્યું કે, દિવાળી આવે એટલે આનંદ આનંદ થાય. ઘર શણગારીશું, દીવડા પ્રગટાવીશું. તેમ ગુરૂહરિ પપ્પાજીએ આપણા આત્મામાં દીપ પ્રગટાવ્યો છે. ૫૧ ખંડમાં આપણે ભગવાનને બેસાડી દેવાના છે. એની અહીં ચૈતન્યની આધ્યાત્મિક પ્રગતિની ફેક્ટરી ચાલે છે. આપણા બેંકના લોકરનું તાળું ખોલવા માટે બે ચાવી હોય છે. એક બેંકના મેનેજર પાસે અને બીજી આપણા પાસે. બંને ચાવી ભેગી થાય તો લોકર ખૂલે. તેમ ભગવાન તરફ ર્દષ્ટિ રાખીએ તો જ આપણું તાળું ખૂલે. ચાતકની જેમ અખંડ ધ્યાન રાખીએ. તીવ્ર ભજન કરીએ. તો આપણું તાળું ખૂલી જાય. દોષ ટળી જાય.

 

હે ગુરૂહરિ પપ્પાજી! અમે જેવા છીએ તેવા તમારા છીએ. જેવો છે તેવો તમારો મહિમા સમજીએ અને તમારા ભક્તોને અબેતબે ના કરીએ. રાંકભાવે જીવી એવી પ્રાર્થના પ.પૂ.જ્યોતિબેને સર્વે ભક્તો વતી કરીને દિવાળીના સહુને જય સ્વામિનારાયણ પાઠવ્યા હતાં. પ.પૂ.જ્યોતિબેનને અંતઃપ્રેરણા ચાલુ હતી. પરભાવે રાજી થઈ આગળ આશીર્વાદ આપતાં કહ્યું કે, આજે સાક્ષાત્ અક્ષરધામની મહાપૂજા થઈ. ગુરૂહરિ પપ્પાજી પ્રત્યક્ષ થઈ ગયા. આપણે બધા પ્રત્યક્ષના પૂજારી છીએ. ઉત્તરો ઉત્તર સુખ, શાંતિ ને આનંદ વધતા જાય છે. એ જ આપણી દિવાળી છે. બધા જ તન, મન, ધન, આત્માથી સુખીયા થઈ જાય. તેવા ગુરૂહરિ પપ્પાજીના આશીર્વાદ છે. આપણે લક્ષ્મીનો ૧૦મો-૨૦મો ભાગ સેવામાં કાઢીએ છીએ એમ આત્માનો ધર્માદો પણ કાઢવો. ભગવાન આપણને બળ આપે. આપણું મોટામાં મોટું ધન ‘મન’ છે. એ ભગવાનને આપવાનું છે. અલ્પ સંબંધવાળાનું જોઈએ નહીં. હે પપ્પાજી ! નૂતન વર્ષ શરૂ થાય છે. અમને અમારા દોષનું દર્શન થાય અને આપના ચરણોમાં મૂકી દઈએ એ જ પ્રાર્થના, આમ, સહુ વતી પ્રાર્થના કરી છે.

 

પ.પૂ.દેવીબેને આશીર્વાદ આપતાં સંબંધયોગની વાત કરી સ્વામિનારાયણ ભગવાને સંબંધે કલ્યાણ કરવાની કૃપા કરી. જગતમાં રહીએ છીએ. એનાથી અલિપ્ત રહીએ. એવો સ્વામિનારાયણ મંત્ર મહાબળિયો છે. એવા અનુભવ ગુરૂહરિ પપ્પાજી કરાવે છે. સર્વોપરી જોગ મળ્યો છે. ખટપટમાં પડી જ ના શકીએ. પોતાનો કર્મયોગ આનંદથી કર્યા કરીએ. અખંડ અક્ષરધામનું સુખ ભોગવતા થઈ જઈએ. એવી કૃપા ગુરૂહરિ પપ્પાજી વરસાવે એ જ પ્રાર્થના.

 

આમ, અત્યાર સુધીની ભૂલો જાણે-અજાણે મન, કર્મ, વચને થયેલા વાંક ગુનાની ક્ષમા આપી, જેલો દૂધે ધોઈ નાખીને નવલા વર્ષની પ્રભાત ભણી પ્રયાણ સભા સંચાલક દ્વારા ગુરૂહરિ પપ્પાજીએ કરાવ્યું. દિવાળી કરવા ગામોગામથી નિષ્ઠાવાન હરિભક્તો જ્યોતમાં પધાર્યા હતાં. તેઓના જીવન જ ભગવાન અને સાધુ અને ભક્તો છે. તેવા ભક્તોથી જ્યોત પ્રાંગણ ભર્યું ભર્યું છે. ઠેર ઠેર દિપ પ્રગટેલા છે. ફટાકડાના અવાજ સંભળાય છે. એવા દિપોત્સવીના ઘર મંદિરે બિરાજમાન ભક્તોને જય સ્વામિનારાયણ !

 

(૫) તા.૨૦/૧૦/૧૭ નૂતન વર્ષ સંવત ૨૦૭૪ કારતક સુદ-૧

 

ઓહોહો ! આજે તો નવું વર્ષ ! વહેલા વહેલા ઉઠી પરવારી સહુ પ્રભુકૃપામાં ગુરૂહરિ પપ્પાજીના પ્રથમ દર્શને દોટ મૂકે છે. ૫.૩૦ થી ૬.૦૦ દરમ્યાન બહેનો-ભાભીઓએ ગુરૂહરિ પપ્પાજીના નિવાસસ્થાન પ્રભુકૃપામાં જઈ દર્શન-મિલનનો લાભ લીધો. ત્યારબાદ ભાઈઓએ ૯ થી ૬.૩૦ માં પ્રભુકૃપામાં દર્શન કર્યા. પ્રભુકૃપામાં સુંદર સુશોભનમાં મહાચક્ર સાથે મહારાજાધિરાજ ગુરૂહરિ પપ્પાજી બિરાજમાન હતાં અને હસતેમુખે આશીર્વાદ રાજીપો આશીર્વાદ વરસાવતા હતાં. ૬ થી ૬.૩૦ બહેનો-ભાભીઓ જ્યોત મંદિરમાં પાટોત્સવની પૂજા-આરતી માટે ગયા. મોટેરાં સ્વરૂપોએ લાઈટીંગ સુશોભનમાં બિરાજમાન ઠાકોરજી મહારાજ તથા મંદિરની મૂર્તિઓનું પૂજન અર્ચન કર્યું. સમૂહ આરતી કરી. ત્યારબાદ પપ્પાજી હૉલમાં સંઘધ્યાનની નવા વર્ષની મિલનસભામાં બહેનો-ભાઈઓએ સર્વે પધાર્યા. વર્ષોથી ગુરૂહરિ પપ્પાજીના સાંનિધ્યે નવા વર્ષે સંઘધ્યાનની મિલનસભા થતી હતી તે મુજબ આજે પણ સદ્દગુરૂ સ્વરૂપોના સાંનિધ્યે ૬.૩૦ થી ૮.૦૦ પપ્પાજી હૉલમાં મિલનસભા થઈ. સંઘધ્યાન, નવું એક ભજન બહેનોએ ગાયું. ઉગતી પ્રભાતે, નિત્ય પાઠ વાંચન બાદ ગુરૂહરિ પપ્પાજીના આશીર્વાદ લીધા.

{gallery}images_in_articles//newsletter/2017/Oct/20-10-17 NUTANVARSH SABHA{/gallery}

 

આપણે સહુ ગુણાતીત સમાજના સભ્યો છીએ. યોગીજી મહારાજના થઈને જીવીએ છીએ. યોગીજી મહારાજ વચનામૃત ગ.મ.૬૩, મ.૨૬ પ્રમાણી જીવ્યા. મહારાજની દાસત્વભક્તિ કરતા થઈ જઈએ. આપણે સચેતન, સક્રિય, સાક્ષીભાવે જીવવું છે. યોગીજી મહારાજે આપણા જીવમાં સ્થાન લીધું. જગત આખું અહંકારે યુક્ત જીવે છે. આપણામાં મહારાજે પ્રવેશ કર્યો અને સાક્ષીભાવે જીવીએ છીએ. જોગીની પ્રસન્નતા પ્રાપ્ત કરવી છે. પ્રભુ ! તારી ભક્તિરૂપ છે ? તો જ વિચાર, વાણી, વર્તન કરવા છે. આખો ગુણાતીત સમાજ એ રીતે જીવે છે. અક્ષરધામની સમાધિનું સુખ નિરંતર ભોગવતા થઈએ. જોગીની પ્રસન્નતા પ્રાપ્ત કરીએ. મ.૬૩, મ.૨૬ પ્રમાણે જીવતા થઈએ.

 

પ.પૂ.દીદીએ નવા વર્ષના આશીર્વાદ આપતા ગુરૂહરિ પપ્પાજીની વાત પર ટેકો આપતાં કહ્યું કે, આજે ગુરૂહરિ પપ્પાજીએ ગ.મ.૬૩, મ.૨૬ની વાત કરી તેમાં સંબંધવાળાનું માહાત્મ્ય સમજવાની વાત છે. સામિનારાયણ ભગવાન એકાંતિકપણું સિધ્ધ કરાવવા પ્રગટ્યા હતાં. એના માટે એવા ગુણાતીત સ્વરૂપો તૈયાર કર્યાં. ગુરૂહરિ પપ્પાજીએ એક વખત ૧લી સપ્ટે.ના સમૈયા વખતે હરિભક્તોને જ્યોતમાં ઉતારો અપાવ્યો અને બહેનોને સ્ક્વેર હૉસ્ટેલમાં રહેવા મોકલ્યા હતાં. ગુરૂહરિ પપ્પાજીને શું જોઈએ છે ? અનોન્ય એક્બીજાનું માહાત્મ્ય સમજીએ તે આપણે આંતરિક માહાત્મ્યનું જોડાણ એકબીજા સાથે છે. જીવનનું ધ્યેય એકાંતિક ધર્મ સિધ્ધ કરવાનું છે. એક ભજનની ટૂંક ગાઈને પ્રાર્થના કરી હતી કે,

 

“તારા થઈ તારી રીતે કરી તારા કામ, રહી તારામાં…

શ્રમ તારો ને સુખ અમારૂં છે શ્યામ તું અમારામાં…” તારા થઈ તારી રીતે..

 

આમ, નૂતનવર્ષની મંગલસભા પૂરી થઈ !

 

આજે બપોરે અન્નકૂટ દર્શન-આરતીનો કાર્યક્ર્મ હતો. જ્યોત મંદિરમાં અને પ્રભુકૃપામાં અન્નકૂટ ભરવાનો હતો. બહેનો-ભાઈઓનો કાર્યક્ર્મ અલગ છતાંય બધાને અન્નકૂટ દર્શન કરવાનો લાભ મળે તેવું ગોઠવ્યું હતું.

 

૧૧.૦૦ વાગ્યે અન્નકૂટ દર્શન પ્રભુકૃપામાં બહેનો-ભાભીઓ કરે.

 

૧૧. થી ૧૧.૩૦ અન્નકૂટ દર્શન જ્યોત મંદિરમાં ભાઈઓ કરે.

 

૧૧.૩૦ થી ૧૨.૩૦ અન્નકૂટ થાળ-આરતી બહેનો-ભાભીઓ મંદિરમાં કરે.

 

૧૧.૩૦ થી ૧૨.૩૦ અન્નકૂટ થાળ-આરતી ભાઈઓ પ્રભુકૃપામાં કરે.

 

આમ, અન્નકૂટ સમૈયો પૂરો થયા બાદ સહુ મુક્તોએ મહાપ્રસાદ લીધો હતો.

 

આજે સાંજે ૪.૩૦ થી ૭.૦૦ ભાઈબીજ નિમિત્તેની સભા પપ્પાજી હૉલમાં સંયુક્ત સભા હતી. જેથી આવતીકાલે ભાઈબીજના દિવસે ભાઈઓ-ભાભીઓ પોતાના વ્યવહારમાં જઈ શકે. આજે સાંજે ભાઈબીજની સભા ખૂબ દિવ્ય વાતાવરણમાં પૂરી થઈ હતી.

 

{gallery}images_in_articles//newsletter/2017/Oct/20-10-17 BHAIBIJ SABHA{/gallery}

 

(૬) તા.૨૫/૧૦/૧૭ લાભપાંચમ

 

દિવાળીના તહેવારોનો આ છેલ્લો દિવસ અને નવા વર્ષના કાર્યનો પ્રારંભ કરવાનો દિવસ ! આજે પૂજન કરી શુભ કાર્યનો પ્રારંભ થાય.

આજે સવારે ૧૦.૩૦ થી ૧૨.૦૦ જ્યોત પપ્પાજી હૉલમાં સદ્દ્ગુરૂ સ્વરૂપોના સાંનિધ્યે મંગલસભા કરી હતી. અને પ.પૂ.જ્યોતિબેનના આશીર્વાદ લીધા હતાં.

 

(૭) તા.૩૧/૧૦/૧૭ શાકોત્સવ – દેવ ઉઠી એકાદશી

 

ઓહોહો ! આજે મોટી અગિયારસ ! ચોમાસુ ગયું અને શિયાળો આવ્યો. નવા ફળ-શાકભાજી તૈયાર થાય. તે પ્રથમ ઠાકોરજીને ધરી. આરતી કરીને પછી જમવામાં વપરાય. એ આપણા હિન્દુ ધર્મની પ્રણાલિ વિજ્ઞાન સાથે પણ આરોગ્યની રીતે પણ મળતી આવે છે. વર્ષોથી મંદિરમાં હાટડી ભરાય. શાકભાજીને વિધવિધ રીતે ઠાકોરજી પાસે રંગોળી બનાવી ગોઠવીને દર્શનાર્થે મૂકાય. ભક્તો દર્શન કરીને રાજી થાય. એ રીતે જ્યોત મંદિરમાં પણ આજે ઠાકોરજી સમક્ષ અન્નકૂટની જેમ શાકોત્સવ ધર્યો હતો. જેમાં ગુણાતીત જ્યોતનો સિમ્બોલ ‘જ્યોત’ શાકથી આ વખતે બનાવ્યો હતો. જો કે આધુનિક ટેકનોલોજી દ્વારા વૉટ્સએપથી બહુધા મુક્તોએ તો ત્યારે જ દર્શન માણ્યા હશે. નહી તો અહીં માણી ધન્ય થઈએ.

 

{gallery}images_in_articles//newsletter/2017/Oct/31-10-17 sakotsav{/gallery}

 

આમ, દિવાળીના ઉત્સવો લઈને આવેલું આ પખવાડીયું ખૂબ બ્રહ્માનંદ સાથે ગુરૂહરિ પપ્પાજીની દિવ્ય સ્મતિ સાથે પસાર થયું હતું. પ્રભુનો આભાર ! નવા વર્ષના સર્વને જય સ્વામિનારાયણ !

 

ફરીથી નૂતનવર્ષ ૨૦૭૪ના આપ સર્વને નૂતનવર્ષાભિનંદન. નૂતન વર્ષ આપના માટે સુખદાયક, લાભદાયક તથા આરોગ્યમય નીવડે. આપ હરેક ક્ષેત્રે પ્રગતિના શિખરો સર કરો એવી પરમ કૃપાળુ ગુરૂહરિ પપ્પાજીના ચરણોમાં પ્રાર્થના. આવનારું વર્ષ આપ સર્વ માટે અકલ્પનીય હોય એવી હાર્દિક શુભેચ્છા.

 

અત્રે સર્વે સ્વરૂપોની તબિયત સરસ છે. અત્રેના સર્વે સ્વરૂપો મુક્તો વતી આપ સર્વને નવા વર્ષના ભાવનીતરતા જય સ્વામિનારાયણ ! નૂતનવર્ષાભિનંદન !

                                   એ જ જ્યોત સેવક P.71 ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ !