Jan 2018 – Special Edition For Param Pujya Jyotiben

સ્વામિશ્રીજી

 

ગુરૂહરિ પપ્પાજીની જય

 

કાકાજી-પપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય

 

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો ! જય સ્વામિનારાયણ !

 

 

પ.પૂ.જ્યોતિબેનની નાજુક તબિયત અનુસાર આજથી જ્યોતમાં, જ્યોત શાખામાં અને અખિલ ગુણાતીત સમાજમાં ધૂન્ય શરૂ થઈ.

પ.પૂ.જ્યોતિબેન મય આ મહિનો સર્વને પસાર થયો. તેની ગાથા જોઈએ.

 

તા.૨૧/૧૨/૧૭ થી તા.૨૫/૧૨/૧૭ કાકાજી-પપ્પાજી બંધુબેલડી શતાબ્દીનો સમૈયો દિલ્હી હતો. તેમાં ૬૦ બહેનો અને ૨૦૦ હરિભક્તો અને ગુણાતીત પ્રકાશના ભાઈઓ મળીને કુલ ૨૫૦ની સંખ્યામાં વિદ્યાનગરથી જ્યોત પરિવારના મુક્તોને લઈને પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.દીદી, પ.પૂ.જશુબેન, પ.પૂ.પદુબેન વગેરે સ્વરૂપો દિલ્હી સમૈયામાં પધાર્યાં. સમૈયા પહેલાં બે મહિનાથી પ.પૂ.જ્યોતિબેનની તબિયત સારી નહોતી. પ.પૂ.ગુરૂજીએ દિલ્હીથી કહેવડાવ્યું કે, “જ્યોતિબેન સમૈયામાં ના પધારે. જ્યોતમાં રહી આશીર્વાદ આપજો.” પરંતુ સમૈયો નજીક આવ્યો અને તબિયત એકદમ સરસ થવા લાગી. પ.પૂ.જ્યોતિબેન સ્વ પ્રેરણાથી બોલ્યા, “મારે દિલ્હી સમૈયામાં જવું છે.” જોઈશે તો હું અક્ષર જ્યોતિમાં રહીશ. પણ મારે જવું છે. ધણીના કોઈ ધણી છે ? અને ખરેખર પ.પૂ.જ્યોતિબેન ખૂબ સરસ તબિયત સાથે દિલ્હી સમૈયાના કાર્યક્ર્મ મુજબ બધી જ સભામાં-બધા જ કાર્યક્ર્મમાં હાજર રહી આનંદ કરાવ્યો. જેના લાઈવ દર્શન આપણે વેબસાઈટ પર કર્યા છે. દિલ્હી સમાજનાં બહેનો અને ભક્તોને સભર સભર કરી દીધાં.

 

તા.૨૬/૧ ના પ.પૂ.જ્યોતિબેન દિલ્હીથી અમદાવાદ બાય પ્લેન સરસ તબિયત સાથે પધાર્યા. અને અમદાવાદ પૂ.જયંતિકાબેનના નવા ફ્લેટમાં પધરામણી કરી. ભોજન લીધું. આરામ કરીને પાવન પણ કર્યું. તેમના દીકરા પૂ.ગૌરવભાઈને આશીર્વાદ લખી આપ્યા. ત્યાંથી નીકળી વાસણા પૂ.દિપકભાઈની નવી દુકાને પોતાના સ્વહસ્તે કુંભ પધરાવ્યો. ભાવિનું દર્શન છે. તેમને જાણે એકેય કામ બાકી જ ના રાખ્યું. વિદ્યાનગર જ્યોતમાં પધાર્યાં. ગયા તેના કરતાંય વધારે ફ્રેશ અને આવીને કહે, જુઓ મારા બંને પગે સોજા હતા તેય ઉતરી ગયા. આવીને બધાને મળ્યા. બે દિવસ સરસ આરામ કર્યો.

 

બે-ત્રણ દિવસ પછી તાવ અને ઉધરસ શરૂ થયા. આણંદ ફેફસાંના તેમના ડૉ.પૂર્વેશભાઈને બતાવી આવ્યા. દાખલ થવાની જરૂર લાગે તો દાખલ થવાની તૈયારી સાથે ગયેલા. પરંતુ ડૉક્ટરની સલાહ પ્રમાણે જ્યોતમાં દવા-ઈંજેક્શન જ્યોતના ડૉક્ટર્સ-નર્સ બહેનો આપશે તો દાખલ થવાની જરૂર નથી. તબિયત રોજ રોજ થોડી થોડી બગડતી ગઈ. તા.૧/૧ના તો છાતીમાં ખૂબ ભાર લાગતો હતો. તેથી સાંજે ફરી આણંદ બતવવા ગયા. દવા લીધી. પ.પૂ.જ્યોતિબેનને હૉસ્પિટલમાં દાખલ થવાની રૂચિ હંમેશા ઓછી રહેતી. અમદાવાદના ડૉ.હિમાન્સુભાઈ, પ.પૂ.જ્યોતિબેનના સ્પેશિયલ ડૉક્ટર (કીડનીના) વર્ષોથી છે. તેઓ હાલ આઉટ ઑફ સ્ટેશન હતા. તે આજે અમદાવાદ આવી ગયા. તેથી બીજા દિવસે પ.પૂ.જ્યોતિબેનની મેડીકલ ફાઈલ લઈને ડૉ.નીરૂબેન, પ્રીતિબેન માવાણી અમદાવાદ મળવા ગયા. જરૂરી દવા જોઈ-બદલી આપી. બે દિવસ રાહ જોઈ. તબિયત નબળી પડતી ગઈ.

 

તા.૪/૧ના રોજ અમદાવાદ ઝાયડસ હૉસ્પીટલમાં ડૉ.હીમાન્સુભાઈની દેખરેખ હેઠળ દાખલ કરાયા. બે-ત્રણ દિવસથી પ.પૂ.સાહેબજી જ્યોતમાં પ.પૂ.જ્યોતિબેનને જોવા આવવા માટે પૂછાવતા હતા. પરંતુ થોડું સારૂં થાય પછી આવે એવું રાખેલું. પણ બન્યું એવું કે એ જ વખતે એ જ સાંજે આ જ હૉસ્પિટલમાં પ.પૂ.સાહેબદાદા બીજા પેશન્ટને જોવા આશીર્વાદ આપવા પધારેલા. તે જ ૧૪મા માળે પ.પૂ.જ્યોતિબેનને મળવાનો યોગ થયો. શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, ગુરૂહરિ કાકાજી-ગુરૂહરિ પપ્પાજી-પ.પૂ.બા અને બધા સ્વરૂપો વતી પ.પૂ.સાહેબદાદા જાણે પ.પૂ.જ્યોતિબેનને મળ્યા હોય તેવું અદ્દભૂત આધ્યાત્મિક આ અંતિમ મિલન હતું.

 

વધુ ટ્રીટમેન્ટ માટે તા.૧૩/૧ના પ.પૂ.જ્યોતિબેનને મુંબઈ લીલાવતી હૉસ્પીટલમાં એર એમ્બ્યુલન્સ દ્વારા લઈ જવાયા. એ પણ પ્રભુની જ કોઈ પ્રેરણા હોય ! યોગીજી મહારાજ-પ.પૂ.કાકાજી-પ.પૂ.બાની જે મુંબઈમાં જ દેહત્યાગ કરી ત્યાંના ભક્તોને અંતિમ દર્શનનો લાભ આપ્યો. વિદ્યાનગર અંતિમ દર્શન તો ભક્તોને પેટીમાં કરાવાયા. 

 

૧૦ દિવસ સતત રોજ એમની તબિયતના સમાચાર સહુ કોઈને મળતા હતાં. અને અચાનક આ ગુણાતીત સમાજના માવતર અને ગુણાતીત જ્યોતના વરિષ્ઠ સદ્દગુરૂ પપ્પાજી સ્વરૂપ પ.પૂ.જ્યોતિબેન અમીન તા.૧૪ જાન્યુઆરી ૨૦૧૮ મકર સંક્રાતિની પાવન પ્રભાતે (બ્રાહ્મ મુર્હૂતે) ૩.૩૦ વાગ્યે સ્વધામ પધાર્યાંના સમાચાર મળ્યા. સમાજમાં એક સનસનાટો વ્યાપી ગયો. આ શું થઈ ગયું. 

 

 પ.પૂ.જ્યોતિબેનને ફેફસાં જે વાયરલ ઈન્ફેક્શન બે-ત્રણ પ્રકારના ત્યારે લાગેલા. તેમાંથી બહાર ના અવાયું. આખા શરીરમાં તે પ્રસરી ગયાં હતાં. તેથી તેમના દેહને બહાર ના રાખી શકાય. ૨૪ કલાકથી વધારે ના રખાય. ડૉક્ટર્સના આદેશો હોવા છતાંય બે દિવસમાં દેશ પરદેશના ભક્તો પધારી જાય પછી તા.૧૬/૧ના અંતિમ દર્શન યાત્રા અને અંત્યેષ્ટિ વિધિ પપ્પાજી તીર્થ રાખવામાં આવી હતી.

 

તા.૧૬/૧ના સવારે ગુણાતીત જ્યોતમાં પંચામૃત હૉલમાં ગુરૂહરિ પપ્પાજી સમક્ષ અને પ.પૂ.બા-પ.પૂ.બેન-પ.પૂ.તારાબેનની ગોદમાં બે-ત્રણ કલાક બિરાજમાન રહ્યાં. તે દરમ્યાન ફક્ત સંત બહેનો ગુણાતીત જ્યોતના દિલ્હી, પવઈ, હરિધામ, સાંકરદા વગેરે કેન્દ્રોના સંત બહેનોએ હ્રદયના ઊંડામાં ઊંડી, મનની અમાન્ય ભાવે, આંસુથી ભીંજાતી જ નહીં પણ અશ્રુની ધારા સાથે પ.પૂ.જ્યોતિબેનના ચરણ પખાળ્યાં. એટલું જ નહીં, જાણે સ્નાન કરાવ્યું. આવાં પ્રેમાળ બહેનોનો હ્રદય નાદ પ્રભુને પહોંચ્યો. શ્રી ઠાકોરજી, ગુરૂહરિ પપ્પાજી, ગુરૂહરિ કાકાજી, પ.પૂ.બા, પ.પૂ.બેન જાણે સાકાર પધાર્યા. વાતાવરણમાં પલટી આવી. અદ્દભૂત એક પ્રેરણા વહી. તે પ્રેરણાએ સાકાર આકાર લીધો. તે શું તો ?

 

પ.પૂ.જ્યોતિબેનના ૮૦મા પ્રાગટ્ય મહોત્સવ સમન્વય પર્વે સેવિકા બહેનોને કાષાંબર વસ્ત્રો વ્રત આપવાની વાત બે-ત્રણ મહિનાથી ચાલતી હતી. તે બહેનોને પ.પૂ.જ્યોતિબેનના સાક્ષાત્ દેહ  સમક્ષ આપીને પ.પૂ.જ્યોતિબેનના પ્રસાદીના સાડલા પ.પૂ.દીદીના વરદ્દ હસ્તે અપાયા. પ.પૂ.પ્રેમબેન, પ.પૂ.આનંદી દીદી વગેરે દરેક કેન્દ્રોના સદ્દગુરૂ સ્વરૂપોના હસ્તે કંઠી, માળા અર્પણ થયાં. બધાં કેન્દ્રોનાં સાધક બહેનો હાજર હતાં. આ સાત બહેનો પૂ.ભૂમિબેન, પૂ.નીરાબેન, પૂ.ભાવનાબેન જેઠવા, પૂ.ઝરણાબેન ભટ્ટ, પૂ.ફાલ્ગુનીબેન, પૂ.કોમલબેન, પૂ.યોગીતાબેન આ સાત બહેનો વતી  બધા બહેનો પ્રતિજ્ઞા ભજન ગાન કરવા લાગ્યા કે,

 

“હું ભજવાની…ભજવાની…ભજવાની…જીવનભર પ્રભુને ભજવાની…” આ કેવો આધ્યાત્મિક અક્ષરધામનો સુમેળ ! પ.પૂ.જ્યોતિબેનનો કેન્દ્ર નં.૭ અને આ ભૂલકાં આ યુગમાં ભગવાન ભજવાનું વ્રત લેનારની સંખ્યા પણ ૭ છે. આ અદ્દભૂત વિરોધાભાસી છતાંય સુમેળ સર્જાયો તેમ દર્શને દેવો પધાર્યા. તેમાં સૂર્યદેવે દર્શન દીધાં. કારણ તા.૧૨/૧થી આજ સુધી ધૂંધવાયેલું વાતાવરણ હતું. સાંભળ્યું છે કે મોટા સત્પુરૂષ જ્યારે દેહ છોડવાના હોય ત્યારે વાતાવરણ ધાબળછાંયુ થઈ જાય. એ વાતનો સાકાર અનુભવ-દર્શન આપણે કર્યાં છે. અરે આ વાદળ છાયા વાતાવરણને લીધે તો પ.પૂ.જ્યોતિબેનની એર એમ્બ્યુલન્સને આવતાં મોડું થયું હતું. વળી, જ્યારે અમદાવાદથી ઉપડી મુંબઈ જતાં જાણે વિદ્યાનગર જ્યોત પરથી પસાર થતાં વરસાદના છાંટા પડ્યા. તે સમયે પ.પૂ.જ્યોતિબેને જળ છાંટી બળ આપ્યું હોય, પાવન કર્યા હોય, માફ કર્યા હોય તેવું પણ અનુભવાયું હતું. વરસાદના છાંટા જ્યોતના ચોકમાં પથરાયા હતાં. આ સાચી બનેલી વાત છે. તા.૧૩/૧થી થંભી ગયેલા વાદળોને ખસેડી સૂર્યદેવ પ.પૂ.જ્યોતિબેન જ્યોતમાંથી વિદાય લેતી વેળાએ દર્શને આવી ગયા. પુષ્પોથી સુશોભિત ગુરૂહરિ કાકાજી-ગુરૂહરિ પપ્પાજી-પ.પૂ.બા અને શ્રી ઠાકોરજીના આ રથમાં પ.પૂ.જ્યોતિબેન બિરાજમાન થયા.

 

જ્યોતની એક એક ઈંટ જેમની આંખોથી પાવન થયેલી છે. એવી શ્રી ગુણાતીત મહિલા ટ્રસ્ટના બિલ્ડીંગોને દર્શન આપવા પ.પૂ.જ્યોતિબેનના સમન્વય રથે એક મોટી પ્રદક્ષિણા કરી. જાણે પ.પૂ.જ્યોતિબેન એ જ્યોતને રક્ષાની આણ મૂકી ! પ.પૂ.જ્યોતિબેનનેય જાણે જ્યોત છોડીને જવું ના હોય ! છતાંય હંમેશાં હસતા મુખે દરેક સંજોગને આનંદથી વધાવનાર પ.પૂ.જ્યોતિબેનની પ્રદક્ષિણા ધૂન નાદના જયનાદના દિવ્ય વાતાવરણમાં પૂર્ણ થતાં, જાણે પ.પૂ.જ્યોતિબેન બહેનોને-ભક્તોને કહી રહ્યાં હોય કે હું તો અહીં જ છું અને અહીં રહેવાની છું. એટલું કહેતાં રથ દોડાવ્યો બ્રહ્મજ્યોતિ ભણી….

 

{gallery}images_in_articles//newsletter/2018/Jan/16-1-18 P.P.JYOTIBEN ATIM VIDHI DARSHAN{/gallery}

 

પ.પૂ.કાકાજી-પ.પૂ.બાની સમાધિએ પ.પૂ.જ્યોતિબેને કરી પ્રદક્ષિણા અને યોગી કુંજે દર્શન આપી, શ્રધ્ધાંજલિ ઝીલી. પ.પૂ.સાહેબજી તથા વહાલા એવા અનુપમ મિશનના સાધકો-ભક્તો તથા ગુણાતીત સમાજના સ્વરૂપો ભક્તોને મળી જાણે પરદેશ પધારતા હોય તેમ પ.પૂ.જ્યોતિબેન પ.પૂ.સોનાબાનાં ‘વિજળીબા’ તો પહોંચ્યાં ‘પપ્પાજી તીર્થ’. એકોએક ભક્તોને પર્સનલી પુષ્પાર્પણનો લાભ મળે તેમ કલાકો સુધી તે ભાવ ઝીલતા-ભક્તોને મળવા પ.પૂ.જ્યોતિબેન તો શાશ્વત ધામના પ્રારંભિક ચોકમાં ગુરૂહરિ પપ્પાજીની ર્દષ્ટિ સામે જ બિરાજી રહ્યાં. ગુરૂહરિ પપ્પાજીએ એક ભજનની પંક્તિ બનાવેલી ! “કોઈ રહી નહીં જાય ! કોઈ રહી નહીં જાય !” એમ આજે પ.પૂ.જ્યોતિબેનને પુષ્પાંજલિ અર્પવા અખિલ ગુણાતીત સમાજના મોટાથી માંડી સામાન્ય ભક્તે પણ લાભ લીધો હતો. એટલું જ નહીં પણ એક નવદંપતિના લગ્નમાં પ.પૂ.જ્યોતિબેન પધારવાના હતાં. તે બંનેને હૈયામાં હવે શું ? એવું એક નાજુક દુઃખ હતું. પ.પૂ.જ્યોતિબેને પ્રેરણા કરી તે નવયુગલના પ.પૂ.જ્યોતિબેનના સાક્ષાત્ દેહ સમક્ષ હાર-તોરા થયા. એ હતાં પૂ.નિરાલીબેન-પૂ.મિતેશભાઇ કટારિયા !

 

બધાના દર્શન ભાવ જીલી રજા લઈ પ.પૂ.જ્યોતિબેન શાશ્વત ધામને પેલે પાર મોટાં બહેન પ.પૂ.તારાબેન પાસે જઈને બેઠા. ત્યાં પ.પૂ.બેન પણ હાજર હતાં. પ.પૂ.જ્યોતિબેન હૉસ્પિટલમાં હતાં ત્યારે એમણે આખા સમાજ માટે જે આદેશ આપ્યો તે આશીર્વાદ લીધા.  જોતજોતામાં જેમ સીતા માતા પાતાળમાં પૂરાયા તેમ પ.પૂ.જ્યોતિબેન જાણે મોટા કાષ્ટના ઘરમાં પૂરાઈ અને અગ્નિદેવને બોલાવતાં હતાં. ભાઈઓ ભજનો ગાતા હતા. અંતિમ વિદાય ભાવ અર્પણ પૂ.રસીલાબેન, પૂ.ભાવનાબેન, પૂ.પ્રીતિબેન,પૂ.જશીબેને અને પૂ.રાજુબેન જસાણીએ કર્યું.

 

પ.પૂ.દીદી એ દીપ શલાકા પ્રગટાવીને પૂ.સુરેશભાઈ ગાંધીને આપી. પૂ.સુરેશભાઈએ પૂ.વિરેનભાઈ અને પૂ.વિજયભાઈને આપી કે જેઓ આજીવન પ.પૂ.જ્યોતિબેનના સારથી રહ્યાં છે. તેવું જ પ.પૂ.દેવીબેને દીપ શલાકા પ્રગટાવીને પૂ.ઈલેશભાઈને આપી. અને તેમણે પૂ.પ્રકાશભાઈ (અમેરિકા) અને પૂ.ઘનશ્યામભાઈ અમીનને આપી. પૂ.હંસાબેન ગુણાતીત અને પૂ.હેમાબેન ભટ્ટે દીપ શલાકા પ્રગટાવીને પૂ.પિયૂષભાઈ તન્નાને આપી અને તેમણે પૂ.મલ્કાની અંકલ અને પૂ.અશ્વિનભાઈ તારદેવને આપી. અને ત્યારબાદ પૂ.શોભનાબેન અને પૂ.દયાબેને દીપ શલાકા પ્રગટાવીને પૂ.નંદુભાઈને આપી. અને તેમણે પૂ.પરેશભાઈ પરમાર અને પૂ.વિક્રમભાઇ ટાંકને આપી. ગુરૂહરિ પપ્પાજીની અનુમતિ લઈને ત્રણ પ્રદક્ષિણા ફરી ભારે હ્રદયે, ધ્રુજતા હસ્તે ના..ના..ના..બોલતા મનને નકારી આ દિવ્ય ભાઈઓએ ! દિવ્ય દીકરાઓએ વૈશ્વાનલ આપ્યો. જોતજોતામાં હ્રદયનો અગ્નિ અને આ અગ્નિ એકાકાર થયો હોવા છતાંય અશ્રુમેહ વરસતો હતો.  વડિલ ભાઈઓએ પ.પૂ.સાહેબજી અને બધા કેન્દ્રના સાધક ભાઈઓએ પ્રદક્ષિણા કરી, જ્યોતના સદ્દગુરૂઓ, જ્યોતનાં બહેનો તથા ગુણાતીત સમાજના સંત બહેનોએ પ્રદક્ષિણા કરી. ભક્તોએ પ્રદક્ષિણા કરી ત્યાં તો જોતજોતામાં પારદર્શક અગ્નિ પ્રગટી ગયો. જાણે વિજળીબા આકાશમાં પહોંચ્યા અને રહ્યાં શેષ અસ્થિ પુષ્પો !

 

તા.૧૭/૧ ના મંગલ પ્રભાતે નજીકના સંત બહેનો-ભાઈઓ દ્વારા બે કુંભ જ્યોત પ્રભુકૃપા પ્રાંગણમાં પધાર્યા. તેના આગમનની રાહ જોતા પ.પૂ.દીદી, પ.પૂ.આનંદી દીદી અને ગુણાતીત સમાજનાં સંત બહેનો-ભાભીઓ જ્યોત દરવાજે અને ભાઈઓ પ્રભુકૃપાના પ્રાંગણમાં હાથમાં પુષ્પો લઈ સ્વાગત માટે ઊભા હતાં. બે લાઈનમાં બે કુંભ બે ભક્તો લઈ પસાર થતા હતા અને સહુ મુક્તો પુષ્પાર્પણ કરી ધન્યતા અનુભવતા હતા.

{gallery}images_in_articles//newsletter/2018/Jan/17-01-18 P.P.JYOTIBEN AKSHARDHAM GAMAN NIMETE PARAYAN EVENING SABHA{/gallery}

{gallery}images_in_articles//newsletter/2018/Jan/18-01-18 P.P.JYOTIBEN AKSHARDHAM GAMAN NIMETE PARAYAN MORNING SABHA{/gallery}

 

આજે તા.૧૭/૧ થી ૨૦/૧ સવાર સાંજ રોજ પારાયણ સંયુક્ત સભામાં પપ્પાજી હૉલમાં રાખ્યું  હતું. તેનો પ્રારંભ આવાહન શ્ર્લોક બાદ પ.પૂ.જ્યોતિબેનનો શ્ર્લોક ઉભા થઈને બે હાથ જોડીને અંજલિ ભાવે સમૂહ ગાન કરી ગાયો. દરરોજ પારાયણના પ્રારંભે આ શ્ર્લોક ગવાતો. આ શ્ર્લોકમાં પ.પૂ.જ્યોતિબેનનું સમગ્ર જીવન સમાયું છે. આપણે પણ બે હાથ જોડી ગુરૂહરિ પપ્પાજીને ધારી યાચના ભાવ સાથે આ શ્ર્લોકનું શ્રવણ પઠન કરી ધન્ય થઈએ…

{gallery}images_in_articles/newsletter/2018/Jan/20-01-18 P.P.JYOTIBEN PARAYAN EVENING SABHA{/gallery}

 

વાણી, વર્તને બહ્મજ્ઞાન વહેતું, પળમાં એ વિસરે વર્તેલું,

 

માયાથી નિર્લેપ રહે આ સાધુ, નિર્દંભ રહી ધાર્યા પ્રભુ,

 

સર્વદેશી સ્વરહિત જીવનનું, અલભ્ય સુખ તું માં રહ્યું,

 

સહજ, સરલ મસ્ત સ્મિત ઝરંતુ, જ્યોતિ સ્વામીને નમી રહું (૨)

 

તા.૨૧મીએ પ.પૂ.સોનાબાનો સ્મૃતિ પર્વ હતો. અને આજે પ.પૂ.જ્યોતિબેનના અક્ષરધામ ગમન નિમિત્તે પ્રાર્થના સભા અને પારાયણની પૂર્ણાહુતિ પણ હતી. સહુ મુક્તોએ આજના દિને પ.પૂ.જ્યોતિબેનના ચરણે પ્રાર્થના ધરી હતી.

{gallery}images_in_articles//newsletter/2018/Jan/21-01-18 P.P.JYOTIBEN PRATHNA SABHA P.P.SONABA PRAGTYA DIN{/gallery}

 

સમય શાશ્વત છે. તે સનાતન સત્યને સ્વીકારી અને પચાવીને જે જીવે તે સંત. ને એવા સંતનું પ્રગટીકરણ એ જ આપણું અહોભાગ્ય. અક્ષરનો પ્રકાશ પૃથ્વી પર રેલાવી સાકાર ગુણાતીત સાધુ સ્વરૂપ પ.પૂ.જ્યોતિબેન ! નિરાકાર બની બ્રહ્માંડમાં ચિદાકાશી તેજ પ્રસરાવ્યા. ને અખિલ ગુણાતીત સમાજમાં ગુણાતીત પ્રીતિથી સમાઈ ગયાં, પરોવાઈ ગયાં ને કહે છે.

 

“હું હાજર જ છું પોકારો ત્યાં પ્રગટીશ. તમારી વહારે દોડી આવીશ.”

 

તો હે જ્યોતિબેન ! અમારા અંતરમાં આપ બિરાજમાન અખંડ રહેજો જ ને આપે કહ્યું તેમ મન-બુધ્ધિ અખંડ પ્રભુના, ગુરૂ સ્વરૂપોના, ભક્તોના મહિમા અને સેવામાં જ રહે.

 

મંત્ર રટણ કરો કેવળ પ્રભુનો જ સંબંધ જોઈને.

 

આ દિવ્ય અવસરે કોટિ કોટિ વંદન કરીએ. વહાલાં પ.પૂ.બા અને તેમના આધ્યાત્મિક વારસ પરમ પૂજ્ય જ્યોતિબેનને…

 

તા.૧૬ થી ૨૦ બે ટાઈમ પારાયણ અને તા.૨૧મી એ પારાયણની પૂર્ણાહુતિ તથા પ્રાર્થના સભાની વિડીયો આપે વેબસાઈટ પર અને યુટ્યુબ દ્વારા મોબાઈલમાં ઘરોઘર દરેક મુક્તે જે જ્યાં હોય ત્યાં જંગલમાં કે મંગલમાં હોય, રાત કે દિવસ હોય પણ સાકાર વિદ્યાનગર આવ્યા તુલ્ય ગુણગાન ગાથા સુણી સંતૃપ્ત થવાય તેવી ટેકનોલોજી પૂર્વના સ્વરૂપોએ નથી માણી તે આપણા માટે ઉપલબ્ધ કરી છે. તેવી મોજમાં સહુ મહાલી-સ્મૃતિમાં ગરકાવ થઈએ છીએ.

 

“આપણા જેવું કોઈ ભાગ્યશાળી નથી.” આ બ્રહ્મવાક્ય કથાના પ્રારંભે કાયમ ઉચ્ચારનાર માહાત્મ્ય સ્વરૂપ ગુરૂહરિ પપ્પાજીના ઝબકજી પ.પૂ.જશુબેનની બિમારીની નાની સ્મૃતિ વચ્ચે કરી લઈએ.

 

પ.પૂ.જશુબેનને પણ ફેફસાંની જૂની બિમારી જો કે હમણાં શાંત હતી. તેમાં હાલ ઈન્ફેક્શન થતાં પ.પૂ.જશુબેનને પણ તા.૯/૧/૧૮ના રોજ કરમસદ કૃષ્ણા હૉસ્પિટલમાં પૂ.ડૉ.પાલીવાલ સાહેબની નજર હેઠળ અને ત્યારબાદ I.C.U ની સગવડની જરૂર ઉભી થતાં આણંદ ડૉ.કોઠીયાલા સાહેબની નજર હેઠળ અપરા હૉસ્પિટલ માં તા.૧૨/૧ થી શિફ્ટ થયાં. પ.પૂ.જ્યોતિબેન અમદાવાદ હૉસ્પિટલમાં પ.પૂ.જશુબેનની તબિયતના સમાચાર પૂછે. અને પ.પૂ.જશુબેન આણંદ હૉસ્પિટલમાં પ.પૂ.જ્યોતિબેનની તબિયતના સમાચાર પૂછે.  બંનેના તન બિમાર પણ મનની ઐક્યતા હતી. ‘જ’ નામના બંને, ઉંમર પણ ’૮૫ વર્ષ’ બંનેની. એવા આ જશુ-જ્યોતિની પ્રભુ સાથેની પ્રીતિ અને ઐક્યતાના દર્શન એક પ્રસંગ દ્વારા સાંભળીએ.

 

પ.પૂ.જશુબેન હૉસ્પિટલમાં હતાં. I.C.U માં હતાં. તેથી પ.પૂ.જ્યોતિબેનના સાચા સમાચાર તેઓને તા.૨૫/૧ સુધી આપ્યા જ નહોતા. લૌકિક મેડીકલ ગણતરી અનુસાર પ.પૂ.જ્યોતિબેનના સમાચાર સાંભળતાં પ.પૂ.જશુબેનની નાજુક તબિયતમાં માઠી અસર થવાની બીક હતી.

 

તા.૧૪/૧ના સવારે પ.પૂ.જશુબેને નાસ્તો ના કર્યો. બપોર સુધી જમવાની ના પાડે. એટલે ડૉ.નીલાબેન બેબાકળા બની ચિંતા કરતાં કહે કે બહેનો ભજન કરો. પ.પૂ.જશુબેન જમતાં નથી. પછીથી જમતા થઈ પણ ગયા. બે-ત્રણ દિવસમાં  I.C.U માંથી સ્પેશ્યલ રૂમમાં પણ આવી ગયાં.

ધીમે ધીમે તબિયત સારી થતી જતી હતી. તેથી સારૂં થતાં ૧૦-૧૨ દિવસ લાગ્યા. આ બાજુ પ.પૂ.જ્યોતિબેનના તા.૧૬ થી ૨૫ સુધીના કાર્યક્ર્મ ચાલુ હતા. છતાંય પ.પૂ.જ્યોતિબેનના સાચા સમાચાર પ.પૂ.જશુબેનની આપી શકાયા નહોતા. હવે હૉસ્પિટલમાંથી ઘરે જવાની રજા એકાદ-બે દિવસમાં મળશે. અને ગુણાતીત સમાજના બધા જ ભક્તો સહિત બધાં સ્વરૂપો તા.૨૬/૧ના વિદ્યાનગર આવશે. તેથી તા.૨૪/૧ ના સવારે પ્લાન કરીપ.પૂ.જશુબેનને જણાવવાનો પ્રારંભ કર્યો. તો પ.પૂ.જશુબેને તો અદ્દભૂત અંતર્યામીપણાનું અને ઐક્યતાના જીવનનું દર્શન કરાવ્યું. પ.પૂ.જશુબેન કહે કે, મને બધી ખબર અંદર પડી ગઈ હતી. તમે બધા મને કહેતાં નહોતાં એ ય મને ખબર છે. પ.પૂ.જ્યોતિબેનને મુંબઈ લઈ ગયા તે અને જ્યાંથી તેઓએ સાધના શરૂ કરી ત્યાં પૂરી કરવા-કપડાં બદલવા ગયા હતાં.  તે ગયા નથી, અહીં જ છે. વગેરે શબ્દો-વાત બોલ્યા અને સેવકોને ડૉક્ટર્સને હૈયામાં આશ્ર્ચર્ય અને હાશનાં મોજાં વારાફરતી જોશજોશથી ઉછળવા લાગ્યાં. વાત વાયરે બધે પ્રસરી ગઈ. ધન્ય ધન્ય પપ્પાજી સ્વરૂપ પ.પૂ.જશુબેનને ! પ.પૂ.જ્યોતિબેનને ! એવા ઉદ્દગારો સાથે તા.૨૫ના સાંજે પ.પૂ.જશુબેન જ્યોતમાં નિજ નિવાસે પધાર્યા અને બીજા જ દિવસે તા.૨૬મી એ પ.પૂ.જ્યોતિબેનની ત્રયોદશી નિમિત્તેની મહાપૂજા સાંજે હતી. તેથી અખિલ ગુણાતીત સમાજના ભક્તોને લઈને સ્વરૂપો જ્યોતમાં પધાર્યા. અને સાથે સાથે પ.પૂ.જશુબેનના પણ દર્શન થયાં. દિન પ્રતિદિન પ.પૂ.જશુબેનની તબિયત સારી થતાં હાલ હરતાં-ફરતાં દર્શન આશિષ આપે છે. આપનો ખૂબ ખૂબ આભાર ગુરૂહરિ પપ્પાજી ! પ.પૂ.જશુબેનને નિરામય દીર્ઘાયુ બક્ષો એ જ પ્રાર્થના છે.

 

પ.પૂ.જ્યોતિબેનની મહાપૂજા તા.૨૬/૧ના થઈ. ત્યાં સુધીમાં બહેનો-ભાઈઓએ સર્વેને માટે સ્મૃતિભેટ એક મૂર્તિ પ.પૂ.જ્યોતિબેનની તથા તેમાં જ નીચે પ.પૂ.જ્યોતિબેનની પ્રસાદીની સાત વસ્તુ નાની-નાની ૭ ડબ્બીમાં મૂકીને મૂર્તિઓ રાતોરાત પેક કરી તૈયાર કરી દીધી. તથા નાનકડી પુસ્તિકા તેમજ જ્યોતશાખા તેમજ ગુણાતીત સમાજના કેન્દ્રો પર અસ્થિ પુષ્પ કુંભ સુંદર સુશોભિત કરેલા તે અર્પણ કર્યા. દરેક મહિને તીર્થત્વ આવા સત્પુરૂષ થકી પ્રાપ્ત થાય છે. બધા પાપ ધોવા નદીએ જાય છે. ત્યાં પાપ ભેગા નથી થતાં. પણ આઆ સત્પુરૂષ દ્વારા મલીનતામાંથી પવિત્ર બને છે.

{gallery}images_in_articles//newsletter/2018/Jan/26-01-18 P.P.JYOTIBEN TRAYODASHI MAHAPOOJA{/gallery}

 

વળી, ગુરૂહરિ પપ્પાજીએ પ.પૂ.બાનાં અસ્થિ પુષ્પની મહાપૂજા હરદ્વાર કરી ત્યારે કહેલું કે, આ અસ્થિ નદીઓમાં પધરાવીશું તો નદીઓ દરિયાને મળે છે. દરિયો બીજા દરિયા સાથે સંકળાયેલો છે. આમ, આખા વિશ્વમાં પ.પૂ.બા વ્યાપ્ત થશે. એમ એ જ રીતે પ.પૂ.જ્યોતિબેન પણ આ પુષ્પકુંભની ભક્તોની ભક્તિ દ્વારા નદીઓમાં અને ત્યાંથી સમગ્ર વિશ્વમાં વ્યાપ્ત બન્શે. તે પહેલાં એકોએક ભક્તના હ્રદયમાં આવા અચાનક અક્ષરધામ ગમનથી ઉંડા અંગોઅંગમાં ધ્રુજારી સાથે વ્યાપ્ત બની જ ગયા છે, બની જ રહેશે. પ.પૂ.જ્યોતિબેન અમર રહેશે.

 

અંતમાં આપણે પવઈના પૂ.હેમંતભાઈ મરચન્ટ રચિત સચોટ ભજન પ.પૂ.જ્યોતિબેનના જીવનનું યથાર્થ દર્શન કરાવતું ભજન અહીં જોઈએ. આ ભજન તા.૨૬/૧ના મહાપૂજાની સભામાં બહેનો દ્વારા ગવાયું. સ્ટેજ પરના સ્વરૂપો અક્ષરશઃ વાંચતાં સાંભળતાં હતા. એક એક શબ્દ ! એક એક ટૂંકમાં હ્રદયભાવ અને આધ્યાત્મિક ઓળખ પ.પૂ.જ્યોતિબેનની થતી હતી. વળી, જે બ્રહ્મનિયંત્રિત જે દર્શન તે પૂ.હેમંતભાઈએ આ ભજનમાં કરાવ્યું છે. પૂ.મનોજભાઈ સોનીએ આ ભજનને કાયમી ભજન તરીકે કહીને બિરદાવ્યું હતું. ધન્ય પ્રભુની પ્રેરણા !  ધન્ય ઝીલનાર મુક્ત સ્વરૂપ પૂ.હેમંતભાઈની પારદર્શકતા ! ઝીલવાની શક્તિ ! ધન્ય ધન્ય આવા પ.પૂ.જ્યોતિબેનનું અલૌકિક અને આધ્યાત્મિક જીવન ! જીવનની પળેપળને સનાતન બનાવી આદર્શ સ્થાપિત કરતા ગયા ! પ.પૂ.જ્યોતિબેન જુગ જુગ રહો અમ સંગે ગુરૂહરિ પપ્પાજી સહિત અમ સાથ અમર રહો ! અમર રહો !

 

ભજન

 

(રાગ – યે જમીન ઝૂક જાયે….)

 

આ….આ….આ…..હો…હો…હો…

 

યોગી હ્રદયનો સૂર તું, કાકા-પપ્પાનું નૂર તું,

 

નામ અને તુજ કામ અમીટ રહેશે, જ્યોતિ શાશ્વત છે, સદા રહેશે

 

ભક્તિથી ભરપૂર તું, સેવામાં ચકચૂર તું, માહાત્મ્ય સંબંધનું હ્રદય વિશે,

 

હો…જ્યોતિ શાશ્વત છે, સદા રહેશે

 

બાલ-યુવા –પ્રૌઢાની વયથી જરાય ના જર થઈ,

 

ચિર યૌવના આત્મ સ્વરૂપે રહી

 

યુગકાર્ય કાકા-પપ્પાનું , નિજનું સમિધ હોંશે હોમ્યું,

 

તારા, દીદી, દેવી સંગ રહી

 

વિધ્નો હટાવ્યાં સ્મિતથી, નિર્દોષબુધ્ધિની રીતથી

 

પ્રીત એ વિરલ સદા રહેશે (૨)

 

વ્યથા છૂપાવે હાસ્યમાં, ભલે ન હોય ઈતિહાસમાં

 

સહુના સુહ્રદ થઈ રહેવા મિષે…હો… જ્યોતિ શાશ્વત છે, સદા રહેશે

 

સુતા, ભગિની, માત તું, ભ્રાતા, મિત્ર કે તાતરૂપે,

 

વર્તી લે જેવી જરૂર રહેતી

 

પુત્રી પુત્ર સમોવડી, નારી તું નારાયણી,

 

સાહસ ને હિંમતની મૂરત હસતી

 

સોના જેવી માત થઈ, ધન્ય નારી જાત થઈ

 

એ વર હવે ક્યારે ફરી મળશે (૨)

 

નિષ્ઠાનું નૂપુર તું, મસ્તીનો મચકૂર તું

 

હળવાશ હૈયેથી સદા વિલસે… હો…જ્યોતિ શાશ્વત છે, સદા રહેશે

 

છે  અશ્રુ  તોરણ પાંપણે, વહી જાય એ તુજને ના ગમે,

 

દિલાસો સ્મૃતિમાં અમે ઘૂંટીએ

 

રહેજે અંતર આંગણે, પોકાર કેરા પારણે,

 

વિસામો વર્તન મહીં મેળવીએ

 

દીસે ના તોય દૂર તું, સાથે સદા છે જરૂર તું,

 

એ ર્દઢ ભરોસો છે, સદા રહેશે (૨)

 

તવ મૂર્તિ મારગ ચીંધે, વ્યથા વમળને વીંધશે,

 

સંક્લ્પ તારો અમ જીવન બનશે….હે જ્યોતિ શાશ્વત છે, સદા રહેશે

 

યોગી હ્રદયનો સૂર તું, કાકા-પપ્પાનું નૂર તું

 

નામ અને તુજ કામ અમીટ રહેશે, જ્યોતિ શાશ્વત છે સદા રહેશે

 

ભક્તિથી ભરપૂર તું, સેવામાં ચકચૂર તું, માહાત્મ્ય સંબંધનું હ્રદય વિશે,

 

હો…જ્યોતિ શાશ્વત છે, સદા રહેશે

 

જ્યોતિબેન અમર સદા રહેશે…(૩)

 

હે વહાલાં પ.પૂ.જ્યોતિબેન ! આપની પરાભક્તિની પરાકાષ્ટા, પ્રભુના સંબંધવાળાની સેવાની ભાવનાને અનંત કોટિ કોટિ વંદન હો ! પ્રાર્થીએ તુજ ચરણીયે નમન કરી વંદન કરીએ.

 

વાસ કરજો અમ હ્રદયમાં સદાય. પરમ જ્યોતિની પરમ જ્યોત સદાય ઝળહળતી રહેશે જ ને સહુ રહીએ સાથ સંપ…. સુહ્દભાવ…એકતાએ… એવા આશિષ અર્પો અખિલ બ્રહ્મ સમાજને…

 

ભક્તિ સ્વરૂપ સેવા સ્વરૂપ પ.પૂ.જ્યોતિબેનની જય જય જય !

 

હે વહાલાં પ.પૂ.જ્યોતિબેન અમ અંતરે શાશ્વત રહો…! અમર રહો…!

     

અત્રેનાં સર્વે સ્વરૂપો મુક્તો વતી આપ સર્વને ભાવભર્યા જય સ્વામિનારાયણ !

 

એ જ જ્યોત સેવક P.71 ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ !