15 to 30 Mar 2011 – Newsletter

સ્વામિશ્રીજી

જય ગુરૂહરિ પપ્પાજી

પરાભક્તિ પર્વની જય જય જય

ગુરૂહરિ પપ્પાજીના સંબંધ પામેલ વ્હાલા અક્ષરમુકતો, પરાભક્તિ પર્વના જય સ્વામિનારાયણ !

આપણે અહીં ૧૫ થી ૩૦ માર્ચ દરમ્યાન જ્યોત પ્રાંગણે ઉજવાયેલ ઉત્સવોનું સ્મૃતિદર્શન કરીશું.

(૧) તા.૧૯/૩/૧૧ પ.પૂ.ભગતજી મહારાજનો પ્રાગટ્ય પર્વ

હોળીની પૂનમે બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજના પ્રાગટ્યપર્વની ઉજવણી મંગલ સભામાં પંચામૃત હૉલમાં કરી. બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજની મૂર્તિને પૂજન-પુષ્પહાર કર્યાં.

શ્રીજીમહારાજ સ્વરૂપે પરબ્રહ્મ તત્વ પૃથ્વી પર પ્રગટ્યું. અને ભગતજી મહારાજ જેવા સાધુ સ્વરૂપો થકી અખંડ રહ્યું. શ્રીજી મહારાજના ગુણાતીત વેલાના વારસદાર એટલે ભગતજી મહારાજ, ગુણાતીતાનંદ સ્વામીનું મન, કર્મ, વચને સેવન કરીને ગુણાતીત ભાવને પામી ગયાં. તેમને વિમુખ કર્યા તો કહે, “અભાવ અવગુણ લે તે વિમુખ થાય. હું તો ભગવાનના ભક્તોના ગુણગાન ને મહિમા ગાઉં છું તેથી સન્મુખ છું.” ગુરૂહરિ પપ્પાજી પણ આ જ વાત કહેતા કે આપણે ભગવાનના ભક્તોના ગુણગાન ને મહિમા ગાયા કરશું તો કાળ, કર્મ માયાની હોળી આપણને કાંઈ નહીં કરી શકે. ભગતજી મહારાજના પ્રાગટ્ય પર્વે ગુરૂહરિ પપ્પાજીની પરાવાણીનું ધ્વનિમુદ્રિત પાન કર્યું તે માણીએ.

સહજાનંદ સ્વામી મહારાજની જય

મુક્તાક્ષર પુરૂષોત્તમની જય

આજે ભગતજી મહારાજનો પ્રાગટ્યપર્વ. ભગતજી મહારાજ વહવાયા હતા. તે વખતે વહવાયાનો ક્લાસ નહોતો. ભગવાન રાખીને જીવવામાં ફર્સ્ટ ક્લાસ હતા. અક્ષર પુરૂષોત્તમની નિષ્ઠા કરાવતા. ગુણાતીતાનંદ સ્વામીનો છડે ચોક મહિમા ગાતા. ગુણાતીતાનંદ સ્વામીના વચને દેહ અને દેહભાવને ગણકાર્યા વગર અનેક પ્રકારની સેવાઓ કરી. તેમાં અપમાનો થયા તો ય તે મન પર ના લીધું ને વફાદારીપૂર્વક વર્ત્યા, મૂર્તિનું મનન ચિંતન કર્યું અને ગુણાતીતભાવને પામી ગયા.

એવી અંતરની આપણી માંગણી જોઈએ. જપયજ્ઞ ને માહાત્મ્યેયુક્ત સેવા કર્યા કરીએ. સંબંધવાળું પ્રગતિ કરતું ચૈતન્ય મનાય છે ? ન મનાય તો આપણી માન્યતાનું બીબું છે, ગુણાતીત બીબું નથી. એટલે ગુણાતીતજ્ઞાનના નવનીત પ્રમાણે જીવીએ. કરવા માંડીએ તો અઘરું નથી. તો આપણે લઈ મંડીએ અને ભગતજી મહારાજ જેવા ગુણ પ્રાપ્ત કરી લઈએ એ જ પ્રાર્થના…

ગુરૂહરિ પપ્પાજીની પરાવાણીનો સાર કહેતાં પૂ.મધુબેને વાત કરી કે, ગુણાતીતભાવને પામવાની વાત, અખંડ સુખીયા રહેવાની વાત પપ્પાજીએ કરી. ખમ્યા વગર ગુણાતીત ભાવને ન પમાય અને કોઈનું જોયા વગર ભજન ને માહાત્મ્યેયુક્ત સેવા કર્યા કરશું તો ખમવાનું બળ મળશે, અને સરળતાથી ગુણાતીત ભાવને પામી જવાશે.

ગુણાતીતાનંદ સ્વામી પાસે ભગતજી મહારાજ સેવામાંથી પરવારીને ફગવાનો પ્રસાદ લેવા ગયા ને છેલ્લે પાંચ ધાણીના ગુંગણા હતા તે લેતાં ભગતજી મહારાજે શ્રધ્ધાથી કહ્યું કે સ્વામી ! કામ ગયો ? ક્રોધ ગયો ? લોભ ગયો ? મોહ ગયો ? સ્વાદ ગયો ? સ્વામી કહે ‘હા’. પોતે એવા નિઃસ્વાદી, નિઃસ્નેહી, નિષ્કામી, નિર્માની, નિર્લોભી થઈ ગયા. ગુણાતીતભાવને પામી ગયા. એ બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજની દિવ્ય પ્રસંગની સ્મૃતિ સહ ફગવાનો પ્રસાદ બધી બહેનોએ એવા ગુણાતીત સ્વરૂપ પ.પૂ.પપ્પાજી સ્વરૂપ પૂ.મધુબેન અને પૂ.લીલાબેનના હસ્તે લીધો અને સભાનું સમાપન થયું.

{gallery}/images_in_articles/newsletter/2011/march/19.03.11 Bagatji maharaj pragatya din/{/gallery}

(૨) તા.૨૦/૩/૧૧ પ.પૂ.કાશીબાનો સ્વરૂપાનુભૂતિદિન

સહિષ્ણુ સાધુતાની મૂર્તિ સ્વામીસ્વરૂપ પ.પૂ.કાશીબાનો પ્રાગટ્ય પર્વનો સમૈયો મંગલ સભામાં પંચામૃત હૉલમાં ઉજવ્યો. પ.પૂ.કાશીબાની મૂર્તિને પૂજન-પુષ્પહાર કર્યાં. ગુરૂહરિ પપ્પાજી કાશીબા માટે કહેતા કે, ગુજરાતના ભગવાન એટલે કાશીબા. શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજને ભજનથી સેવા-સમર્પણથી વશ કરી લીધા. પોતે જ્યાં હોય ત્યાં એમને શાસ્ત્રીજી મહારાજનાં દર્શન થતાં. એમના વચને બધાનાં કામ પાર પડતા. એવા ઐશ્ર્વર્યવાન હતાં. ગુરૂહરિ પપ્પાજીએ પ.પૂ.કાશીબાને સાધુસ્વરૂપ, પ.પૂ.તારાબેનનો સમાગમ આપ્યો. અને Pure સાધુ બનાવી દીધા.

પ.પૂ.પપ્પાજી ૧૯૪૮માં આફ્રિકા હતા ત્યારે પ.પૂ.કાશીબા, પૂ.દિવાળીબા (પૂ.પપ્પાજીના માતૃશ્રી) સારંગપુર સમૈયામાં ગયાં હતાં. ત્યારે રસ્તે જતાં પૂ.દિવાળીબાને ભેંસે શીંગડું માર્યું ને પડી ગયાં, ત્યારે પૂ.દિવાળીબાની સેવામાં પૂ.કાશીબાએ અડીખમ રહીને માહાત્મ્યથી સરસ ચાકરી કરી. તે વાતની પ.પૂ.પપ્પાજીને ખબર પડી ત્યારથી પ.પૂ. પપ્પાજી અને પ.પૂ.કાકાશ્રીએ પૂ.કાશીબાને પોતાનાં દિવ્ય બેન બનાવ્યાં. ત્યારથી પૂ.કાશીબાને પણ મનાઈ ગયું કે આ મારા દિવ્ય ભાઈઓ છે. કેસ વખતે તારદેવમાં ૨૪ કલાકની ધૂન રાખી હતી. ત્યારે પ.પૂ.સોનાબાને વિચાર આવ્યો કે, અત્યારે કાશીબા હોય તો કેવું સારૂં ! એમને તારદેવ બોલાવીએ. ત્યારે પૂ.કાશીબા નડિયાદ હતાં. એમને પણ ત્યાં વિચાર આવ્યો કે મારે મુંબઈ જવું છે. અને કાશીબા તારદેવ ૨૪ કલાકની ધૂનમાં સામેલ થઈ ગયાં. તેમના દર્શન થયાં ને પૂ.સોનાબાના ઉદ્દગાર નીકળ્યા કે, “હવે મને અંતરમાં ઠંડક થઈ ગઈ.”

{gallery}/images_in_articles/newsletter/2011/march/20.03.11. P.P.kashiba Divine day/{/gallery}

 

પૂ.જયુબેન દેસાઈ જે નાનપણથી પૂ.કાશીબાના સેવા, સમાગમ, ભજન ને જતનથી ભગવાન ભજવાના માર્ગે વળ્યા. તેમણે પૂ.કાશીબાના માહાત્મ્યની વાત કરી કે, પૂ.કાશીબા એટલે માહાત્મ્યેયુક્ત સેવા ને સ્વભજનનું સ્વરૂપ. ગોંડલ, અટલાદરા, બોચાસણ, સારંગપુર જ્યાં જ્યાં સમૈયા હોય ત્યાં નડીયાદ મંડળને લઈને પૂ.કાશીબા પહોંચી જ ગયાં હોય. મંદિરની-ભક્તોની સેવા કરવાનો ઉત્સાહ પ્રેરતા. મારૂં ચૈતન્ય પ્રભુ સ્વરૂપ પપ્પાજીના ચરણોમાં પહોંચાડી દીધું. પ.પૂ.બેને પણ સભામાં પધારી દર્શન લાભ આપ્યો. પ.પૂ.કાશીબાની મૂર્તિને વંદન કરી આર્શીવાદ આપતાં કહે, કાશીબા તો મારા સાથી મિત્ર હતાં. કાશીબાએ બહુ સેવા કરી છે. પ.પૂ.કાશીબા જેવા ગુણ બધામાં આવે.

(૩) તા.૨૦/૩/૧૧ ધૂળેટી પ.પૂ.સાહેબજીનો પ્રાગટ્યપર્વ

પ.પૂ.સાહેબજીના ૭૨ મા પ્રાગટ્ય પર્વની ઉજવણી બ્રહ્મજ્યોતિ પર ખૂબ ભવ્ય રીતે થઈ હતી. આ સમૈયામાં જ્યોતનાં બહેનો અને પ્રભુકૃપા મંડળના ભાઈઓ પણ સામેલ થયા હતા. ગુરૂહરિ પપ્પાજી કહે છે તેમ પ.પૂ.સાહેબ એટલે માહાત્મ્ય સ્વરૂપ. પ.પૂ.સાહેબના શ્ર્લોકમાં તેઓના બહુધા ગુણનું દર્શન થાય છે.

જે સાક્ષાત્ મહિમા તણું સ્વરૂપ છે, ભાગી અહો યોગીના,

તેજસ્વી, શૂરવીર, નિત્ય હસતા, પક્ષે રહે ભક્તના,

સર્વાધાર સદાય સાધક ગણે, નેતા યુવાનો તણા,

એવા ગૌરવ પૂર્ણ ને સુહ્રદ તે, ‘સાહેબ’ ને વંદના.

પ.પૂ.સાહેબના સમૈયાનું દર્શન www.anoopammission.org વેબ સાઈટ પર માણ્યું હશે.

પ.પૂ.સાહેબજી તા.૨૩/૩ ના રોજ પ્રભુકૃપામાં પધાર્યા હતાં. આજે સાહેબની પ્રાગટ્ય તારીખ બા સ્વરૂપ પ.પૂ.જ્યોતિબેનની તબિયત જોવા નિમિત્તે પધારી અન્યોન્ય માહાત્મ્ય, દર્શન, આનંદ માણ્યો હતો.

{gallery}/images_in_articles/newsletter/2011/march/23.03.11 P.P.saheb visit in Prabhukrupa/{/gallery}

(૩) તા.૨૭/૩/૧૧ પૂ.ડૉ.અંજુબેનની હીરક જયંતી

તા.૨૭/૩/૧૧ ના રોજ રાત્રિ સભામાં પંચામૃત હૉલમાં પૂ.ડૉ.અંજનાબેનની હીરક જયંતિનો સમૈયો બહેનોની સભામાં સદ્દગુરૂ સ્વરૂપોના સાંનિધ્યે ઉજવાયો. તેની ઝલક માણીએ, ધન્યતા અનુભવીએ. ગુરૂહરિ પપ્પાજીના વચને કર્મયોગના માર્ગે સદ્યસિધ્ધ સાધના કરી સાધકો માટેનો શ્રેષ્ઠ આદર્શ પૂરો પાડ્યો. ગુરૂહરિ પપ્પાજીના વચનનું મૂલ્ય સમજી સારધાર વર્ત્યાં.

૧૯૮૨થી બોરસદમાં ‘પાવન’ હૉસ્પીટલમાં કર્મયોગ કર્યો અને ગુરૂહરિ પપ્પાજીની સ્વરૂપોની ચકચૂર પ્રસન્નતા પ્રાપ્ત કરી. રોજ પ્ર.૨૭ વચનામૃત વાંચવાની આજ્ઞા કરી હતી. વાંચવાનો સમય ના મળે. તો પણ તે મોઢે જ કરી નાખ્યું. રસ્તામાં જતાં-આવતાં સમય મળે વચનામૃત બોલી લે. નિમિત્ત બની કાર્ય કરી પાછા મૂર્તિ રૂપી માળામાં…. ડૉક્ટરીનો વ્યવસાય કરતા એક કામ કર્યા પછી બીજું કામ કરવા જાય એ દરમ્યાન સ્વામિનારાયણ…સ્વામિનારાયણ મંત્ર જાપ ચાલુ જ હોય.

જ્યોતની શિબિરોમાં કે પર્યટનમાં એ ક્યારેય ગયાં નથી. એમને એક વખત એક બેને પૂછ્યું કે, તમને શિબિરમાં-પર્યટનમાં જવાનું મન કેમ નથી થતું. તો પૂ.અંજુબેને કહ્યું કે, ‘હું તો આંખ બંધ કરીને પપ્પાજીના સોફા પાસે જઉં અને અખંડ પ.પૂ.પપ્પાજી, પ.પૂ.બેન મારી પાસે જ છે એવો અનુભવ થાય છે. મારો પ્રભુ શેમાં રાજી છે ? એમ જ મારાથી કરાય.કેવી top સમજણ! જ્યોત માટે ગુરૂવચને સમજણથી કુરબાની આપી છે. પાવન હૉસ્પીટલ બોરસદ ચાલુ કરી ત્યારથી અંજુબેન પોતે જ સંચાલક હતા. તો પણ આ હૉસ્પીટલ ગુરૂહરિ પપ્પાજીની છે અને હું તો તેનો મેનેજર છું એવી ટ્રસ્ટીશીપની ભાવનાથી હૉસ્પીટલ ચલાવે છે. તેમાં પ્રભુએ પરીક્ષા પણ લીધી. સમર્પિત ભક્તોની કસોટી લેવામાં પ્રભુ બાકી નથી રાખતા. કર્મયોગ કરતાં પ્રસંગો ઘણા આવ્યા પણ ગીતામાં જે સ્થિતપ્રજ્ઞતાની વાત લખી છે એવાં અંજુબેન છે. ભગવાન ભજવા આવ્યા ત્યારથી એમનું બ્રહ્મસૂત્ર હતું. ‘દાસના દુશ્મન હરિ ક્દી હોય નહિં, જે કરતા હશે તે સારા માટે. All for the best….અંજુબેન પોતે અનાદિના દાસ, તો આ બ્રહ્મસૂત્ર પ્રમાણે સહજતાથી જીવ્યાં.

{gallery}/images_in_articles/newsletter/2011/march/27.03.11 Dr.Anjuben divine day/{/gallery}

 

એમની સતત નજર ગુરૂહરિ પપ્પાજી સામે અને પ.પૂ.બેન સામે જ રહે. કર્મયોગ કરતાં થોડી પણ નવરાશ મળે તો એ સમયે માનસી કરી લે. એવા ભજન ભક્તિ કરવાના હેવા હતા.

સ્વધર્મેયુક્ત વફાદારી રાખી હું, ઠાકર ને મારી ક્રિયા અને મને આપેલાં વચન એ જ મારૂં જીવન. આવું પળેપળ જીવે છે. પોતાના સંબંધમાં આવનાર ચૈતન્યોનું પણ એવું જ જતન ને સિંચન આપ્યું છે કે તમે મૂર્તિના બળે જીવો. કર્તા હર્તા પ.પૂ.પપ્પાજીને માનો. પ્રાર્થના કરશો તો તમારૂં કામ પપ્પાજી કરશે જ. પોતે અંગરહિત બનીને સર્વમાં રસબસ થઈને સર્વનો સ્વીકાર કર્યો છે.

સભામાં પૂ.અંજુબેન લાભ આપશે એવું જ્યાં ડીકલેર થયું ત્યાં તો પ.પૂ.બેન પધાર્યાં. પૂ.અંજુબેને પ.પૂ.બેનને પુષ્પમાળા પહેરાવી અને પ.પૂ.બેનના ચરણે પ્રાર્થના ધરી કે, બેન ! મારૂં જીવન એવું બને કે તમે રાજી થાવ. સદાય રાજી રહો. એવા પળેપળનાં મારાં વિચાર, વાણી, વર્તન બને ને તમે અમારી સાથે ૧૦૦ વર્ષ સજા સમા રહો.

પ.પૂ.બેન આશીર્વચન વહાવતા બોલ્યા,

સહજાનંદ સ્વામી મહારાજની જય, ગુણાતીત સમાજની જય, પ્રત્યક્ષ ગુરૂહરિ પપ્પાજીની જય

આજે અંજુબેનનો ર્દષ્ટાદિન છે. ધન્યવાદ છે. અંજુબેનને ! અમારા અંજુબેન તો છુપા-છાના ! જણાય જ નહિ ! સૂરજ ઢાંક્યો ના ઢંકાય. છત્રાયો થાય જ. એની છાયા છત્રાયો કરે, “અંજુબેનને પપ્પાજી ૧૦૦ વર્ષના બનાવે. તબિયત સારી રાખે અને ઘણું ઘણું પપ્પાજીનું કામ કરે એ જ પ્રાર્થના.”

ગુરૂહરિ પપ્પાજીએ વહાવેલ અંતરની પ્રસન્નતાના આશીર્વાદનું આચમન કરીએ.

સદા દિવ્ય સાકાર અંજુબેન ! કર્મયોગને માર્ગે તમેપ.પૂ.બેનની સિધ્ધાંતિક પ્રસન્નતા મેળવી સાધના પૂરી કરી. અંજુને કદી કહેવું નથી પડ્યું કે તું આમ કર ને તેમ કર.સીધી દરિયામાં ફેંકી પણ પાર નીકળી ગઈ. વચ.પ્ર.૬૨, મ.૬૩ સિધ્ધ હોય તો જગત જીતાઈ જાય. એ વચ. સિધ્ધ કર્યાં. વચ.પ્ર.૨૭, છે.૨૬, top કક્ષાનાં વચનામૃત મોઢે કર્યાં. વચ.પ્ર.૬૨ પ્રમાણે પૂ.બેનને અંતર્યામી માનીને વર્તી, તો બ્રહ્મની અનુવૃત્તિ પ્રગટી ગઈ. એનામાં નમ્રતા, નિર્માનીપણું સહજ છે. એક ભગવાનનું ‘ઈન્સ્ટ્રુમેન્ટ’ બનીને કામ કરે છે. અંતર ટાઢું ને શુભ સંકલ્પ સહજ રહ્યા કરે છે. કર્મયોગ ને માર્ગે આદર્શ પૂરો પાડ્યો. પૂર્વના એકાંતિક મુક્ત હતા. જંગમ તીર્થ બનાવવાનો જોગી મહારાજનો સંકલ્પ હતો તે પૂરો થયો. અમારા અંતરના આશીર્વાદ સાથે ધન્યવાદ છે.

(૪) તા.૨૮/૩/૧૧ પૂ.રામકૃષ્ણ સાહેબ અને પૂ.સૌમ્યાની મહાપૂજા

પૂ.રામકૃષ્ણ સાહેબ અને દીકરી સૌમ્યાના અક્ષરધામ ગમનના સમાચાર શ્રી ગુણાતીત જ્યોત પત્રિકા દ્વારા મળ્યા હશે.

તેઓની ત્રયોદશી નિમિત્તે મહાપૂજા કરાવવા હૈદ્રાબાદથી પૂ.સવિતાબેન, પૂ.નિવેદીતા વગેરે મુક્તો વિદ્યાનગર પધાર્યા હતા. અને તા.૨૮/૩/૧૧ નારોજ સવારે જ્યોત મંદિરમાં મહાપૂજા ખૂબ દિવ્ય રીતે થઇ હતી. અંજલિ અર્પણ થઈ. જેમાં ગુરૂહરિ પપ્પાજીની હાજરીની અનુભૂતિ સતત રહી હતી. પૂ.રામકૃષ્ણ સાહેબને પ્રત્યક્ષ ગુરૂહરિ પ્રત્યે અનન્ય નિષ્ઠા ! અને પ્રીતિ હતી. પરંતુ તેઓના મુખપર તેનો ખ્યાલ જ ના આવે.

{gallery}/images_in_articles/newsletter/2011/march/28.03.11 Ramkrishna Saheb Mahapuja in mandir/{/gallery}

પૂ.રામકૃષ્ણ સાહેબે તો આપણને મોટી ભેટ આપી છે. તે એ કે, સૌરાષ્ટ્રની પંચતીર્થિની વિડિયો સ્મૃતિ પપ્પાજીની આપણને મળી. તેના નિમિત્ત પાત્ર પૂ.રામકૃષ્ણ સાહેબ હતાં. ખૂબ મુમુક્ષુ આત્મા ! પપ્પાજી પાસે બેસી વચનામૃત ઈગ્લીશમાં સમજતા ! તેમાં એમને પપ્પાજી સમક્ષ પ્રસ્તાવ મૂક્યો કે, આ સ્થળનાં અત્યારે દર્શન હોય ? તેનાં દર્શન થાય ? તો મારે કરવાં છે. પપ્પાજીએ તેમની રૂચિ સ્વીકારી પંચતીર્થિનું આયોજન કરી દીધું. પ.પૂ.દીદી, પ.પૂ.દેવીબેન અને બહેનો તથા પૂ.મોતીકાકા, પૂ.મયુરભાઈ જેવા ઈગ્લીંશ જાણનારા ભાઈઓ વગેરે સાજ સાથે પૂ.રામકૃષ્ણ સાહેબને સૌરાષ્ટ્રની યાત્રા કરાવી હતી. એવા પૂ.રામકૃષ્ણ સાહેબ. આખું ફેમીલી ખૂબ જ નિષ્ઠાવાન ભક્ત હ્રદયના આત્માઓ છે. પૂ.સવિતાબેનને પપ્પાજી સીતાદેવી કહીને સંબોધતા ! ખરેખર જ સીતાજી જેવી જેમની સમજણ છે તેવાં સવિતાબેન અને સગાં-સંબંધી સહુ મુક્તોને ધન્ય છે ! એવા ઉદ્દગારો સહજ સરી પડ્યા હતા.

માર્ચ મહિનાનું પખવાડિયું વિધવિધ ભક્તિભાવે પસાર થયું.

(૫) તા.૧/૪/૨૦૧૧ કીર્તન આરાધના

આજે ૧લી તારીખની ‘કીર્તન આરાધના’ રાબેતા મુજબ છતાંય અવનવા આનંદ સાથે થઈ હતી. પ.પૂ.દેવીબેન ૨૨ એપ્રીલના રોજ પરદેશ જવાના હોવાથી તેઓના આશીર્વાદ આજની કીર્તન આરાધનામાં લીધા હતા.

{gallery}/images_in_articles/newsletter/2011/march/01.04.11.kirtan Aradhana/{/gallery}

વિશેષ – તા.૨/૪ ના રોજ વિશ્વ કપ મેચ હતી. સભા સંચાલકે જાહેર કર્યું કે, હરિભક્તોના S.M.S આવે છે કે ‘ભારત જીતે’ તેવું કરજો. દેવીબેન એકદમ હાથ ઉંચો કરીને બોલ્યા કે, “હા જીતશે.” બધા મુક્તો ખૂબ રાજી થયા. અને એ આશીર્વાદ ની પૂર્તિરૂપે સ્વામિનારાયણ જપ હાલતા ચાલતા ચાલુ રહ્યો. અને એ પછી આપણે જોયુ કે ખરેખર ભારતને વિશ્વ કપ પ્રાપ્ત થયો.

આમ, એપ્રિલ મહિનાની શરૂઆત આનંદ સાથે થઈ.

પ.પૂ.બેનની તબિયત સારી છે. પ.પૂ.બેન આવી નાજુક ઉંમરે પણ સમૈયાઓથી સભામાં દર્શન આપે છે. દરરોજ નિયમિત પ્રભુકૃપામાં સવાર સાંજ દર્શને પધારે છે. સહુ મુક્તોને અત્રેથી સર્વે સ્વરૂપો, મુક્તોના જય સ્વામિનારાયણ.

એ જ જ્યોત સેવક P.૭૧(પૂ.મનીબેન) તથા P.૩૪(પૂ.નલિનીબેન) ના જય સ્વામિનારાયણ.