Sept 2012 – Newsletter

સ્વામિશ્રીજી
જય ગુરૂહરિ પપ્પાજી
ગુરૂહરિ પપ્પાજીના સંબંધ પામેલ વ્હાલા અક્ષરમુકતો, હ્રદયના ભાવથી જય સ્વામિનારાયણ !
આજે અહીં આપણે સપ્ટેમ્બર મહિનાની જ્યોત સ્મૃતિ માણીશું. સપ્ટેમ્બર મહિનો, ભાદરવો માસ એટલે ગુરૂહરિ પપ્પાજીના પ્રાગટ્યપર્વનો મહિનો કહેવાય.
આ આખો મહિના દરમ્યાન જ્યોતમાં એવા મોટા સમૈયા ભલે નથી થયા. પરંતુ પારાયણ અને શિબિર દ્વારા ભક્તિમય પસાર થયો છે. ૧લી સપ્ટેમ્બર અને ૨જી સપ્ટેમ્બર પપ્પાજીના પ્રાગટ્યદિનની ઉજવણી આપણે વેબસાઈટ પર લાઈવ દર્શન કરીને માણી હતી. એ જ અનુસંધાને આજે અહીં આપણે ગુરૂહરિ પપ્પાજી વિષેનો લેખ કે જે પૂ.હેમંતભાઈ મર્ચંટની પ્રેરણા અને લખાણ છે. અને શ્રી અક્ષરપુરૂષોત્તમ સત્સંગ પત્રિકામાં પ્રકાશિત કરેલ છે. આ લેખ ઉપરથી શિબિરના રૂપમાં પૂ.હંસાબેન ગુણાતીતનો લાભ લીધો હતો. અને મોટેરાં સ્વરૂપોએ આશીર્વાદ આપ્યા હતા. એ લેખ ખૂબ સરસ છે જે આ સાથે છે. આપણે પણ એ વાંચીએ, તેના ઉપર મનન કરી, એ રીતે ભાદરવા વદ-૬ ઉજવીએ. પપ્પાજીનો તિથિ મુજબનો પ્રાગટ્યદિન ઉજવીએ.
હે વ્હાલા પપ્પાજી !
 
આજે આપના દિવ્ય પ્રાગટ્યને થયાં વર્ષ પૂરાં છન્નું જો કે કાળની અસીમતાના પરિમાણમાં અને કાળાતીત એવા આપના અનંત પરાર્ધના અસ્તિત્ત્વના પ્રમાણમાં, આટલો કાલખંડ એટલે જાણે ‘ચાર ચપટીનું ચવાણું !’ આપ જેવા ‘સ્થળ’ અને ‘સમય’ થી પરના પુરૂષને ‘અહીં જ’ અને ‘અત્યારે’ સિવાય બીજા ક્યા પ્રમાણથી પામી શકાય ?
માટે જ અંતર કહે છે કે આપ અખંડ છો, સનાતન છો….
 
આત્મસ્વરૂપે સદાય સ્ફ્રૂર્તિલા, નિરામય, યુવાન અને થોડી રમૂજની છૂટ લઈ કહીએ તો અમારી ભાષામાં ‘ટનાટન’ છો ! એનું રહસ્ય શું ? આપના દિવ્ય જીવનનું તથ્ય શું ? એ જ કે, જ્યારથી આપે જોગીને જોયા ત્યારથી આપે ચર્મચક્ષુ કર્યાં બંધ, એમને દિવ્ય ર્દષ્ટિએ નીરખવાનો તત્કાળ કર્યો પ્રબંધ ! અત્યંત અલ્પ સમયમાં એ નીરખવાનું નિરીક્ષણ થયું પૂરું અને પ્રત્યક્ષ પ્રભુરૂપે એમને પરખવાનું પરીક્ષણ પણ રહ્યું નહીં અધૂરું ! ‘હું યોગીનો પ્રકાશ’ અને ‘એના સંબંધવાળાનો દાસ’, એ સિવાય સર્વત્ર શૂન્યાવકાશ….
 
એ માનીનતાના પરિઘનો જ આપ કરતા રહ્યા વિકાસ, એની ‘અંદરનાં’ બધાં ખાસ અને ‘બહારનાં’ વીસરાયાં અનાયાસ. જેમાં ‘સ્વધર્મ’ ખુદ સુર્દઢ બને, ‘પવિત્રતા’ પણ ધન્ય બને, ‘નિર્મલતા’ નિષ્કામ બને, ‘નિશ્ર્ચિંતતા’ નિતાંત બને, એવા અલૌકિક દિવ્ય જીવનનો ધારી લીધો લિબાસ ! ‘યોગી માટે શું કરૂં’ એક જ રહ્યું હતું ચિંતન,
એ ચિંતન બન્યું એક મંથન અને ‘એના ભક્તો માટે શું ના કરું ?’ એવું નીપજ્યું નવનીત ચિરંતન ! યોગીના થઈ યોગીના માટે જાણે કર્યું અસ્તિત્વનું વિસર્જન !
વહાલા બંધુ કાકાશ્રી અને દિવ્ય માતા સોનાબાની જેમ આપને પણ ભક્તો માટે યાહોમ કરવાના જાગ્યા મનમાં કોડ, તેમ છતાંય સ્વધર્મમાં ના કશી તડજોડ
કે ન જાત સાથે બાંધછોડ, અણિશુધ્ધ સ્ફટિકમય પારદર્શક આપનું જીવન રહ્યું અજોડ ! સર્વ ભક્તોની સર્વાંગી સેવાનો સ્થાપ્યો એવો શિરસ્તો, કે નિમિત્ત રૂપે સેવા કરી આતમ છુપાઈ જાય મલકતો, ભક્તિનો આ કેવો અનોખો લેપ કે સહુમાં રસબસ હોવા છતાંય, આપ સાવ નિષ્કિંચન, નિર્લેપ ! કેવું અદ્દભૂત, કલ્પનાતીત જીવન કે જ્યાં
વાણી ખરી પણ વિલાસ નહીં; મૌન ખરું, ચૂપકીદી નહીં, સેવા અઢળક પણ વૈતરું નહીં; ક્રિયા ખરી, વ્યવહાર નહીં. પ્રવૃત્તિ ખરી, પરવશતા નહીં; નિવૃત્તિ ખરી, નિષ્ક્રિયતા નહીં, સ્પંદન ખરું પણ બંધન નહીં; તત્પરતામાં પણ તણાવ નહીં, ભાવ ખરો, ભાવુકતા નહીં; લાગણી ખરી, લગાવ નહીં, લગાવ ફક્ત એક યોગી સાથે, આતમ ઝંખે એક યોગી કાજે….
 
યોગી વિલસ્યા રોમરોમમાં, શ્રીજી ખીલ્યા અંતરભોમમાં, પરાભક્તિના દિવ્ય જીવનનો જામ્યો અલૌકિક રાસ ! યોગી અઢળક વરસી ગયા, સર્વસ્વ આપવા વિલસી રહ્યા,
યોગીમય થઈ આપ યોગીને અખંડ ધારી રહ્યા વિચરી, યોગી આપને વર્યા ત્યારથી ચિન્મયતા આપને વરી ! નવધાભક્તિથી ન્યારી, જેના પર જાય પ્રભુ ઓવારી,
એવી પારલૌકિક પરાભક્તિને આપ સહજ રહ્યા પ્રસારી…
 
હે વ્હાલા પપ્પાજી ! યોગીજીને જોવામાંથી એમને અખંડ ધારતા થવાની આપની અલૌકિક યાત્રામાં આહે જે વિતાવી પળો, એની અમને ક્યાંથી કલ્પના ? અમે તો કરીએ અટકળો…
 
આપના જીવનથી જ આપે અમને શીખવ્યું છે જોવામાંથી નીરખતાં, આપના જીવનથી આપે અમને શીખવ્યું છે પરખતાં, તો વહાલા કૃપા કરોને એવી કે જેવી પ્રગટી ‘જ્યોત’ અને રેલાયો દિવ્ય ‘પ્રકાશ’ એવી ફેલાઈ ‘સૌરભ’, સહજ જ વિના પ્રયાસ એવો અમારા જીવનનો થાય પળપળનો અભ્યાસ…
 
અમે શીખીએ આપને ધારતાં જેથી, ભક્તિ સહજ જ થતી જાય, પરાભક્તિ પ્રસરતી જાય, આપને ભલે ને ના હોય કોઈ ઈચ્છા પણ અમારી તો છે મહેચ્છા કે આપના નામ અને કામની સુવાસ, અમારા જીવનથી પ્રસરતી જાય…
 
અમારા જીવનથી પ્રસરતી જાય…!!
 
 
(૧) તા.૨૬/૯/૧૨ જલઝીલણી એકાદશી
યોગીજી મહારાજની મુંબઈ પાર્લા બંદરની સ્મૃતિ સાથે બહેનોએ પંચામૃત હૉલમાં ઠાકોરજી સમક્ષ જલઝીલણીનું નાનું સ્મૃતિ પ્રદર્શન કર્યું હતું અને ગુરૂહરિ પપ્પાજી દર વર્ષે જલઝીલણી ઉત્સવ મનાવતા તેની સ્મૃતિની વાત પૂ.સ્મૃતિબેન દવેએ કરી હતી.
 
દરેક હિન્દુ તહેવારની પાછળ ભક્તિભાવનો હેતુ હોય છે. જલઝીલણી ઉત્સવ ભાદરવા મહિનામાં ચોમાસા પછી તરત આવે છે. વરસાદથી નદી, તળાવો અને સમુદ્રમાં પણ વરસાદનું પાણી ભરાઈ ગયું હોય છે. તે જળમાં ઠાકોરજીને જલ ઝીરીને સ્નાન કરાવીને જળને પ્રસાદીનું કરવામાં આવે છે જે પ્રસાદીનું જળ આખું વર્ષ લોકો વાપરે. તેવી એક ભાવના પ્રભુ ઉમેરીને સર્વ કાંઈ કરવાની તહેવાર પાછળની હોય છે. તે ભાવનાની સાથોસાથ પ્રત્યક્ષના ઉપાસકો, ભક્તો આપણે પ્રત્યક્ષ ગુરૂહરિની, યોગીજી મહારજની જે જે સ્મૃતિ માણી છે તેની સ્મૃતિ કરી જલઝીલણી એકાદશી ઉજવી હતી. પપ્પાજી હંમેશાં એકાદશીના દિવસે વચનામૃત વંચાવતા અને મુખ્ય સાર કહેતા કે આપણે ‘ઢોર લાંઘણ’ ના કરવું. પરંતુ ૧૦ ઈન્દ્રિયો અને ૧૧મું મન એને પ્રભુમાં રાખવું એ રીતે ખરી એકાદશી કહેવાય.
 
એકાદશીનો ઉપવાસ જરૂર કરવો. પરંતુ માનવમન કેવું અહંકારી છે કે બીજો કોઈ મુક્ત જો ઉપવાસ કરી ના શક્યો તો તેનું જોઈએ, તેની ટીકા કરીએ. આપણે ઉપવાસ કર્યો છે તે બે-ચાર વાર કહીએ. તેણે કરીને આપણે કરેલા ઉપવાસનું પુણ્ય જતું રહે છે. આંતરિક રાંકપણું ખૂબ અગત્યનું છે. પોતાની ઈન્દ્રિયો અને અંતઃકરણ રૂપી મનને પ્રભુમાં રાખવું એ કરવાનું છે. એ રીતે આપણે માટે રોજ એકાદશી આ રીતે આપણે એકાદશી તો જરૂર અગિયારસ કરીએ જ. રોજ એકાદશી કરીએ. પપ્પાજીની વ્યાખ્યા ઉચ્ચ કક્ષાની જે છે. તે પ્રમાણે સાચા અર્થમાં એકાદશી કરવાનું બળ, બુધ્ધિ ને પ્રેરણા બક્ષો. તેવી ભાદરવા વદ-૬ની પ્રાગટ્યદિનની ગુરૂહરિ પપ્પાજીના ચરણે યાચના સહ જય સ્વામિનારાયણ.
 
 
(૨) તા.૨૮/૯/૧૨ ગુરૂવાર પ.પૂ.મમ્મીજીનો પ્રાગટ્યદિન
આજે સાંજની બહેનોની સભામાં પ.પૂ.મમ્મીજીના પ્રાગટ્યદિનની ઉજવણી ગુણાનુગાન સાથે ઉજવણી કરી હતી. મમ્મીજીના સાંનિધ્યે સેવાનો લાભ મળ્યો છે તેવા બહેનોમાંથી પૂ.કાજુબેન, પૂ.શીલાબેન એચ., પૂ.ગોદાવરીબેન ચપલા, પૂ.જયાબેન ઝાલાવાડિયાએ સ્મૃતિલાભ આપ્યો હતો અને પ.પૂ.જસુબેન આશીર્વાદ સ્મૃતિગાન સાથે આપ્યા હતા.
 
ખરેખર ! મમ્મીજી એટલે મમ્મીજી !
યોગી મહારાજે પપ્પાજીને સોંપેલા ભગીરથ કાર્યમાં મમ્મીજીએ સાથ આપ્યો છે. જેવી રીતે કસ્તુરબાએ ગાંધીજીના કાર્યમાં સાથ આપ્યો હતો. એટલું જ નહીં પરંતુ પપ્પાજીની આધ્યાત્મિકતાને મમ્મીજીએ પારખી હતી. અને એ કક્ષાએ તથા પપ્પાજીની રૂચિ સમજીને મમ્મીજીએ સંતો, બહેનો, વ્રતધારી ભાઈઓની સેવા કરી છે. વર્ષો સુધી પ્રભુકૃપામાં જમાડવાની સેવા ખરી ખાનદાનીથી કરી છે. મમ્મીજીનું જીવન જ બેઠું, ઉંડી નદીના વહેણ જેવું, ગૂઢ ગંગાના નીર જેવું ચોખ્ખું પવિત્ર હતું. મમ્મીના ગુણ ગાઈએ એટલા ઓછા છે. એવા મમ્મીજીને કોટિ વંદન સાથે પ્રાગટ્યદિને પ્રાર્થના સહ જય સ્વામિનારાયણ.
 
 
(૩) તા.૨૯,૩૦ સપ્ટેમ્બર, પ્રકાશ ભાઈઓની શિબિર
ગુણાતીત પ્રકાશ ભાઈઓની શિબિર વિદ્યાનગર ખાતે થઈ હતી. ગુરૂહરિ પપ્પાજીના આશ્રયે જીવન સમર્પણ કરનારા ભાઈઓ એટલે ગુણાતીત પ્રકાશના વ્રતધારી ભાઈઓ.
જેમનું જીવન જ પપ્પાજી છે. પપ્પાજીનું વચન છે. પપ્પાજીની પ્રસન્નતાર્થે હળીમળી ૨૯ સપ્ટેમ્બર ૨૦મા વ્રતધારણ દિનની સ્મૃતિ સહ શિબિરનું આયોજન કર્યું હતું. જેમાં દર્શન, સ્મૃતિ, કથાવાર્તા અને આનંદ બ્રહ્મ સાથેનું આયોજન રાખ્યું હતું. પ્રભુકૃપા, નડિયાદ – પ્રસાદ રજ, શાશ્વત ધામે, પરમ પ્રકાશ અને જ્યોત મંદિર વગેરે પાંચ સ્થળોએ સ્મૃતિ સાથે વિધ વિધ કાર્યક્ર્મ કરી થોડા સમયમાં વધારે લાભ લીધો હતો. પપ્પાજીના સિધ્ધાંતે સંપ, સુહ્રદભાવ, એકતાથી શિબિર કરીને પપ્પાજીની સિધ્ધાંતિક પ્રસન્નતા પ્રાપ્ત કરવાની સુરૂચિ- ધ્યેય હતું. મોટેરાં સ્વરૂપો વતી પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.જસુબેનના આશીર્વાદ લાભ લીધો હતો.
 
 
પપ્પાજીના કાર્યના સહભાગી એવા આ ગુણાતીત પ્રકાશ ભાઈઓ જ્યોત અને જ્યોત શાખાઓમાં બહેનોએ પડખે ઉભા રહી સત્સંગ સમાજની સંભાળ, કર્મયોગી છતાંય સાધુ બનીને સભા-મહાપૂજાઓ અને જ્યોત મંદિરની પ્રવૃત્તિઓની જવાબદારીઓ ભક્ત તરીકે નિભાવી રહ્યા છે. પપ્પાજીનો પ્રકાશ તેઓના મુખ પર તથા વાણી, વર્તન દ્વારા રેલાઈ રહ્યો છે. એવા પ્રકાશ ભાઈઓને કોટિ કોટિ વંદન !!! ગુરૂહરિ પપ્પાજીને અભિનંદન સહ કોટિ કોટિ પ્રણામ !!!
અત્રે સર્વે સ્વરૂપોની તબિયત સરસ છે. આપ સર્વેને પણ અત્રેના સર્વે સ્વરૂપો મુક્તોના જય સ્વામિનારાયણ.
 
 
એ જ જ્યોત સેવક P.૭૧ના જય સ્વામિનારાયણ.